Back કથા સરિતા
આશુ પટેલ

આશુ પટેલ

સાંપ્રત (પ્રકરણ - 35)
લેખક વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટાર લેખક છે.

હોટલના એવા ઊંચા ભાવ કે સામાન્ય લોકોને તો સાંભળીને જ ચક્કર ચડે!

  • પ્રકાશન તારીખ31 Jul 2019
  •  

બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
ગયા અઠવાડિયે હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા રાહુલ બોઝે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો કે ચંદીગઢમાં ફાઈવસ્ટાર હોટેલના જિમમાં તેણે બે કેળાં મંગાવ્યાં તો તેને 442 રૂપિયા અને 50 પૈસાનું બિલ પકડાવી દેવાયું! બે કેળાં માટે ફાઈવસ્ટાર હોટલમાં એક કેળાં માટે 221 રૂપિયા અને પચીસ પૈસાનું બિલ જોઈને રાહુલ બોઝ જેવા બોલિવૂડ એક્ટરને જો આઘાત લાગ્યો હોય તો સામાન્ય વ્યક્તિને તો ફાઈવસ્ટાર હોટેલ્સના રેટ્સ સાંભળીને ચક્કર જ આવી જાય.
રાહુલ બોઝે સોશિયલ મીડિયા પર બે કેળાંનું બિલ મૂકીને કટાક્ષ કર્યો એ પછી એ બિલમાં લગાવાયેલા જીએસટી ટેક્સના મુદ્દે વિવાદ થયો અને એ મામલે તપાસના આદેશ પણ છોડાયા. બે કેળાંનું બિલ જોઈને આ લેખ લખવાનો વિષય સૂઝ્યો. ફાઈવસ્ટાર હોટેલ્સમાં જે રેટ હોય છે એની સામાન્ય વ્યક્તિઓને તો કલ્પના પણ ન આવી શકે. વ્યક્તિ તેનું ભાડું વિચારી-વિચારીને શું વિચારી શકે, પણ કેટલીય ફાઈવસ્ટાર હોટલ્સમાં પ્રેસિડેન્શિયલ સ્વીટનું એક રાતનું ભાડું એટલું હોઈ શકે કે જેટલી ભારતના 99 ટકા લોકોની આખા વર્ષની કમાણી ન હોય! કોઈ હોટેલના સ્વીટનું એક દિવસનું ભાડું દસ લાખ રૂપિયા પણ હોઈ શકે. યસ, તમે સાચો જ ફિગર વાંચ્યો છે! જયપુરની રામબાગ પેલેસ હોટેલના ‘સુખ નિવાસ’ સ્વીટનું ભાડું દસ લાખ રૂપિયા છે. કોઈ હોટેલમાં પ્રેસિડેન્શિયલ સ્વીટનું ભાડું આથી વધુ પણ હોઈ શકે! એના પર જીએસટી લાગે એ અલગ.
આ લેખકને અવારનવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે ફાઈવસ્ટાર હોટેલમાં જવાનું થતું હોય છે. એમાં ઘણી વાર એક વાર ડિનરનું બિલ એટલું થતું જોયું છે કે જેટલી મોટા ભાગના ગુજરાતી લેખકો કે પત્રકારોની આખ્ખા વર્ષની આવક ન થતી હોય! હોલિવૂડની મારી એક રાઈટર-ડિરેક્ટર મિત્ર શંડેલ પ્રસાદ-ઝા મુંબઈ આવે ત્યારે મુંબઈના ફિલ્મસ્ટાર્સની ફેવરિટ હોટેલ જે. ડબલ્યુ. મેરિયટના સ્વીટમાં ઊતરવાનું પસંદ કરે છે, એનું એક સપ્તાહનું બિલ જોઈને સામાન્ય લોકોને તો ચક્કર જ આવી જાય!
ગુજરાતના બીજા એક આઇએએસ ઓફિસર નેવુના દાયકામાં ગુજરાત સરકારના એક કોર્પોરેશનના ચેરમેન હતા. તેઓ પચીસેક વર્ષ અગાઉ કોઈ સરકારી કામથી દિલ્હી ગયા હતા અને ત્યાંની ‘અશોકા’ હોટલમાં બે દિવસ માટે રોકાયા હતા. તેમણે એ હોટેલની જ્વેલરી શોપમાંથી પત્ની માટે જ્વેલરીની ખરીદી કરી હતી. એનું બિલ બે લાખ રૂપિયા થયું હતું એ સરકારના પૈસે ચૂકવાયું હતું. એટલે કે પબ્લિકના પૈસે તેમણે પત્નીને બે લાખ રૂપિયાની ગિફ્ટ આપી હતી! વાત હજી પૂરી નથી થઈ. તેઓ જે સરકારી કોર્પોરેશનના ચેરમેન હતા એ કોર્પોરેશનના ચેરમેનના હોદ્દાની રૂએ તેઓ ગુજરાત સરકારના એક પ્રાઈવેટ કંપની સાથેના સંયુક્ત સાહસરૂપે ઊભી થયેલી કંપનીના પણ ડિરેક્ટર હતા. તેમણે પત્ની માટે ખરીદેલી જે જ્વેલરીનું બે લાખ રૂપિયાનું બિલ સરકારી કોર્પોરેશનમાં મૂક્યું હતું એ બિલની ફોટો કોપી તેમણે સરકારની અને ખાનગી કંપનીએ સંયુક્ત રીતે ઊભી કરેલી સહિયારી માલિકીની કંપનીમાં મૂકીને ત્યાંથી પણ એ બે લાખ રૂપિયા મેળવ્યા! એટલે કે તેમણે પત્નીને બે લાખ રૂપિયાની જ્વેલરી ભેટરૂપે આપી એ બે લાખ રૂપિયા કોર્પોરેશનમાંથી લીધા અને ફરી બે લાખ રૂપિયા બીજી કંપનીમાંથી લીધા. એ વાત લિક થઈ એ પછી તત્કાલીન સરકારે તે આઈએએસ અધિકારીની પનિશમેન્ટ ટ્રાન્સફર (સજાકીય બદલી) કરવી પડી હતી! આ વાત નેવુના દાયકાની છે.
1999માં મુંબઈની એક ફાઈવસ્ટાર હોટેલે સ્પેશિયલ ડિનરની ઓફર મૂકી હતી. એમાં ચાર વ્યક્તિ માટેની એ ડિનર ઓફર માટે માત્ર 25 હજાર રૂપિયાની ઓફર મુકાઈ હતી! બે દાયકા અગાઉ! વર્ષો અગાઉ ગુજરાતના એક શહેરમાંથી નવા-નવા પૈસાવાળા બનેલા એક પરિચિત યુવાને ફાઇવસ્ટાર હોટલમાં બે દિવસ રોકાવાનું નક્કી કર્યું. તેણે મુંબઈના મિત્રોને આંજી દેવા માટે ફાઈવસ્ટાર હોટલમાં પોતાના રૂમમાં મળવા બોલાવ્યા. તેણે કહ્યું કે આપણે જલસા કરવાના છે. તેના રૂમમાં નાનકડું ફ્રીઝ હતું. એ ફ્રીઝમાં જુદી-જુઈ બ્રાન્ડની બિયરની અને કોલ્ડ્રિંકની બોટલ્સ પડી હતી અને ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓ પણ તેના રૂમમાં પડી હતી. તેણે મિત્રોને આગ્રહ કરીને કહ્યું કે તમતમારે જલસા કરો, આપણે હોટેલના રૂમનું ભાડું વસૂલ કરવાનું છે. એ રીતે તેણે અને તેના મિત્રોએ એ બધી વસ્તુઓ સાફ કરી નાખી. તેની પાસે બિલ આવ્યું ત્યારે તેને આઘાત લાગી ગયો. એ હોટેલના રૂમના ભાડા જેટલી વધારાની રકમ તેણે ચૂકવવી પડી. તેણે મને કોલ કરીને આક્રોશ ઠાલવ્યો કે આ સાલાઓ લૂંટવા જ બેઠા છે. તમે આના વિશે લખો!
આનાથી વિપરીત રીતે થોડા વર્ષો અગાઉ ગુજરાતના એક વિવાદાસ્પદ કુટુંબનો એક યુવાન મુંબઈની એક ફાઈવસ્ટાર હોટેલમાં ડિનર માટે બે-ત્રણ મિત્રો સાથે ગયો ત્યાં તેને એક સુંદર વેઈટ્રેસ ગમી ગઈ. તેને ડ્રિંક-ડિનરનું બિલ અપાયું ત્યારે તેણે એક હજારનું બંડલ મૂક્યું હતું. બિલની રકમ સિત્તેર હજાર રૂપિયા જેટલી હતી. તેણે બાકીના પૈસા પેલી રૂપાળી વેઈટ્રેસને ટિપ તરીકે આપી દીધા! તેના મિડલ ક્લાસના મિત્રો અવાચક બનીને જોઈ રહ્યા. પેલી વેઈટ્રેસે ત્રીસેક હજાર રૂપિયાની ટિપ આપનારા યુવાન સામે મીઠું સ્મિત ફરકાવ્યું અને ‘થેંક્યૂ’ કહ્યું. બીજા દિવસે તે યુવાન ફરી વાર એ હોટેલની એ રેસ્ટોરાંમાં જ ડિનર માટે ગયો અને એ દિવસે તેણે તે યુવતીને પાંચસો રૂપિયાનું બંડલ ટિપ તરીકે આપી દીધું!
ફાઈવસ્ટાર હોટેલ વિશે એક લેખમાં વાતો લખવી એ ગાગરમાં સાગર સમાવવા સમાન છે. એટલે આ વિશે ફરી વધુ વાતો કરીશું. {
બોટમલાઈન: ફાઈવસ્ટાર હોટલમાં એક પેગ દસ-પંદર હજાર રૂપિયાનો પણ હોઈ શકે અને પાણીની બોટલ બે-ચાર હજાર રૂપિયાની પણ હોઈ શકે! ગુજરાતના એક હાઈ પ્રોફાઈલ આઈએએસ ઓફિસર મુંબઈની ફાઈવસ્ટાર સુપર ડિલક્સ કેટેગરીમાં આવતી ‘તાજમહલ પેલેસ’ હોટલમાં થોડા દિવસ માટે રોકાયા હતા ત્યારે તેમનું માત્ર મિનરલ વોટરનું બિલ 15 હજાર રૂપિયાનું હતું! અને ટોટલ બિલ એક લાખ તેર હજાર રૂપિયાનું હતું. આ વાત અઢી દાયકા પહેલાંની છે!

x
રદ કરો

કલમ

TOP