Back કથા સરિતા
આશુ પટેલ

આશુ પટેલ

સાંપ્રત (પ્રકરણ - 40)
લેખક વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટાર લેખક છે.

ફાંસીની સજા પછી પણ કિલર- રેપિસ્ટ્સ કેમ બચી જાય છે?

  • પ્રકાશન તારીખ12 Dec 2019
  •  
બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર યુવતી પર બળાત્કાર કરનારા ચાર આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઉડાવી દીધા એ પછી કેટલાય બૌદ્ધિકોએ (આવા ‘સજ્જનો’ અને ‘સન્નારીઓ’માંથી અનેક એવા હતા કે જેમણે પેલી યુવતીના કમોત વિશે દુ:ખ વ્યક્ત કરતો હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહોતો) કકળાટ-આક્રોશ ઠાલવ્યો કે ‘આ બહુ ખોટું થયું, સભ્ય સમાજ માટે આ શરમજનક છે. હવે પોલીસ ઘરે-ઘરે જઈને એન્કાઉન્ટર કરશે! આવી રીતે એન્કાઉન્ટર કરીને જ ‘હિસાબ’ પતાવવાનો હોય તો કાનૂનનો મતલબ શું છે આ દેશમાં? કાનૂની કાર્યવાહી કરીને રેપિસ્ટ્સને ફાંસીએ ચડાવ્યા હોત તો ઠીક છે.’ પણ, ખરેખર કિલર-રેપિસ્ટ્સને ફાંસીની સજા થાય એ પછી મોટા ભાગના કિસ્સાઓમાં શું થાય છે એ વિશે વાતમાં મોણ નાખ્યા વિના ટુ ધ પોઈન્ટ - નક્કર કિસ્સાઓ સાથે સીધી વાત કરીએ.
26 મે, 1994ના દિવસે ધર્મેન્દ્રસિંહ અને નરેન્દ્ર યાદવે પ્રોપર્ટીના ઝઘડામાં પાડોશીને પાઠ ભણાવવા માટે પાડોશીની 15 વર્ષની છોકરી પર બળાત્કારની કોશિશ કરી, પણ એ છોકરી ભાગી છૂટવામાં સફળ રહી. એનો પીછો કરીને નરેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્રસિંહ છોકરીના ઘરમાં ઘૂસી ગયા. 15 વર્ષની એ છોકરીની નજર સામે તેમણે તેનાં માતા-પિતા અને બાર વર્ષના બે જોડિયા ભાઈઓને મારી નાખ્યાં. એ પછી તેમણે તેના પર બળાત્કાર કર્યો અને છેવટે તેને પણ મારી નાખી.
ધર્મેન્દ્રસિંહ અને નરેન્દ્ર યાદવ સામે કેસ ચાલ્યો, તેમને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફટકારી. એ બંનેએ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે ગૃહમંત્રાલયની સલાહ માગી. એ વખતના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે એ બંનેને માફી આપી દેવાની ભલામણ કરતાં લખ્યું: ‘ધિસ વોઝ અ ક્રાઈમ ડ્રિવન બાય ગ્રીડ, લસ્ટ એન્ડ ફેમિલી ડિસ્પ્યુટ, ઈટ હેપન્સ ઈન મેની પાર્ટ ઓફ કન્ટ્રી’ (આ લાલચ, વાસના અને કૌટુંબિક ઝઘડાને કારણે બનેલો એક ગુનો છે. આવું દેશના ઘણા વિસ્તારોમાં બને છે). ગૃહપ્રધાન મહાશયે ઉપરથી કહ્યું કે એ બંને બિચારા યુવાનો અત્યાર સુધીમાં 15 વર્ષની જેલસજા તો કાપી ચૂક્યા છે એટલે એ બિચારાઓને ફાંસીની સજા માફ સજા કરી દેવી જોઈએ. એટલે સન્માનનીય રાષ્ટ્રપતિએ 2 જૂન, 2012ના દિવસે એ બંનેની ફાંસીની સજા માફ કરી દીધી!
2002માં કર્ણાટકના બાગલકોટ જિલ્લાના હુલીલ ગામમાં પોતાને ભગવાન ગણાવતા એક લેભાગુ બાબા બંડુ બાબુરાવ તિડકેએ એક 12 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું. તેણે તે વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યો, પછી તેણે ખૂબ રિબાવી અને પછી મારી નાખી. એ છોકરી પર જે વિકૃત રીતે અત્યાચાર કરવામાં આવ્યો હતો એ જોઈને પોલીસ અધિકારીઓ પણ ધ્રૂજી ઊઠ્યા હતા.
બંડુ તિડકેને પણ ફાંસીની સજા થઈ અને કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રીએ તેની ફાંસીની સજા માફ કરવાની પણ રાષ્ટ્રપતિને ભલામણ કરી અને દયાળુ રાષ્ટ્રપતિએ 2 જૂન, 2012ના દિવસે તેની ફાંસીની સજા માફ કરી દીધી!
આ કિસ્સાઓ વાંચીને તમને આક્રોશ આવ્યો ને? (આપણા દેશના ઘણા નપુંસક-નપાવટ-હલકટ બૌદ્ધિકોને નથી આવતો. તેઓ હરામખોર ક્રિમિનલ્સની ફાંસી માફ કરવા માટે જે દલીલ કરતા હોય છે, રાષ્ટ્રપતિને પત્ર લખીને જઘન્ય અપરાધ કરનારાઓની ફાંસીની સજા માફ કરવા તેમને વિનવતા હોય છે એના વિશે ક્યારેક કિસ્સાઓ સાથે વાત કરીશું!)
20 ફેબ્રુઆરી, 1996ના દિવસે મધ્યપ્રદેશની રીવા જેલના જેલર આર.એસ. સોમવંશી કંઈક કામથી જેલની બહાર ગયા હતા. સોમવંશીની પત્ની અને તેમનો પુત્ર પણ તેમની સાથે હતા. તેમના જેલના ક્વાર્ટરમાં તેમની એસ.એસ.સી.માં ભણતી પુત્રી એકલી હતી. સોમવંશી પાછા આવ્યા ત્યારે પુત્રી ગાયબ હતી. બીજે દિવસે જેલની પાછળ એક તબેલાની ટાંકીમાંથી જેલરની દીકરીની નગ્ન અને ભયંકર રીતે જખ્મી લાશ મળી આવી. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે જેલરના ક્વાર્ટર બહાર ગાર્ડ તરીકે ડ્યૂટી કરતા મોલોઈરામ અને જેલમાં બળાત્કારના કેસમાં કેદ ગુનેગાર સંતોષ યાદવે જેલરની એ માસૂમ પુત્રી પર બળાત્કાર કર્યો હતો અને પછી તેને રિબાવી-રિબાવીને મારી નાખી હતી.
મોલોરામ અને સંતોષ યાદવને પણ કોર્ટે ફાંસીની સજા કરી. તો શું એ બંને ઘાતકી રેપિસ્ટસ અને ખૂનીઓને ફાંસીએ ચડાવી દેવાયા?
જી ના! 4 ફેબ્રુઆરી, 2011ના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતિએ તેમની ફાંસીની સજા માફ કરી દીધી. અફકોર્સ ગૃહપ્રધાનની ભલામણથી! અને એ આરોપીઓની ફાંસીની સજા માફ કરનારા રાષ્ટ્રપતિ હતાં, પ્રતિભા પાટિલ! તેમણે અનેક કિલર-રેપિસ્ટ્સ પર કરુણા વરસાવી હતી.
બાય ધ વે, કોઈ એક પક્ષની સરકારનો જ આ ઈજારો નથી! આવા કેટલાક કિસ્સાઓમાં કિલર રેપિસ્ટ્સને ફાંસીની સજા આપવી જોઇએ કે નહીં એ ભાજપની કે કોંગ્રેસની સરકાર નક્કી કરી શકી નથી. આવો એક કિસ્સો હરિયાણાના સોનીપતના ધરમપાલનો છે. ધરમપાલે 1990માં હરિયાણાની એક યુવતી પર બળાત્કાર કર્યો હતો. પેલી યુવતીએ તેની સામે કેસ કર્યો. ધરમપાલે તેને ધમકી આપી કે કેસ પાછો ખેંચી લે નહીં તો તારા કુટુંબને સાફ કરી નાખીશ, પણ તે યુવતી મક્કમ રહી. કેસ ચાલ્યો અને ધરમપાલને દસ વર્ષની જેલની સજા થઈ. 1993માં ધરમપાલ જામીન પર છૂટ્યો. તે જેલમાંથી બહાર નીકળીને તેના ભાઈ નિર્મલસિંહ સાથે સીધો પેલી યુવતીના ઘરે ગયો. તેણે તે યુવતીનાં માતા-પિતા અને ત્રણ ભાઈ-બહેનને મારી નાખ્યાં. ફરી કેસ ચાલ્યો અને તેને ફાંસીની સજા થઈ. 1999માં સુપ્રીમ કોર્ટે પણ તેની એ સજા પર મત્તું મારી દીધું.
ધરમપાલે દયાની અરજી કરી. એ પછી દોઢ દાયકા દરમિયાન ત્રણ રાષ્ટ્રપતિ બદલાયા, બે વડાપ્રધાન (અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ) અને અનેક ગૃહપ્રધાન (લાલકૃષ્ણ અડવાણી, શિવરાજ પાટિલ, પી. ચિદમ્બરમ) બદલાઈ ગયા, પણ તેઓ એ નક્કી ન કરી શક્યા કે પહેલાં બળાત્કારના કેસમાં જેને દસ વર્ષની જેલ થઈ હતી અને પછી જેણે જામીન પર બહાર આવીને બળાત્કારનો ભોગ બનેલી યુવતીના કુટુંબને ખતમ કરી નાખ્યું, એકસામટાં પાંચ મર્ડર કરી નાખ્યાં એવા ખતરનાક અપરાધી ધરમપાલને ફાંસીએ લટકાવવો જોઈએ કે નહીં! (તેના ભાઈની ફાંસીની સજા તો કોર્ટે જ માફ કરી દીધી હતી અને તેને આજીવન કારાવાસની સજા કરી હતી) એટલે ભાઈ ધરમપાલ કોર્ટે ચડ્યો કે સરકારે મારી દયા અરજી પર વિચાર કરવામાં આટલો લાંબો સમય લીધો છે એટલે મારી ફાંસીની સજા માફ કરી દેવી જોઈએ અને હરિયાણા હાઈકોર્ટે તેની એ દલીલ માન્ય કરીને તેની ફાંસીની સજા માફ કરી દીધી! (હા, હાઈકોર્ટે. બરાબર જ લખ્યું છે એટલે કોઈ બે બદામના અને વિકૃત બૌદ્ધિકે આ મુદ્દે વાત આડે પાટે ચડાવવાની કોશિશ કરવી નહીં).
માત્ર રેપિસ્ટ જ નહીં, કોઈ મહિલાને રેપ કરીને પછી તેને રિબાવીને, તેના ગુપ્તાંગમાં પાઈપ કે લોખંડના સળિયા ઘોંચીને કે તેને જીવતી સળગાવીને, પથ્થરથી તેનું માથું છૂંદીને, અંગો-ઉપાંગો પર છરાના ઘા ઝીંકીને કે ગળાફાંસો આપીને મારી નાખનારા કિલર રેપિસ્ટને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા થાય એ પછી પણ તેઓ આ દેશમાં ફાંસીની સજામાંથી છટકી જાય છે! અને હવે તો ગેંગરેપના આરોપીઓને ફાંસીને સજાની કાનૂની જોગવાઈ પણ થઈ ગઈ છે, પણ હજી સુધી તો ગેંગરેપ કેસનો કોઈ હલકટ ગુનેગાર ફાંસીએ લટક્યો નથી!
આ મુદ્દે હજી થોડી વાત કરવી છે, પણ શબ્દમર્યાદાને કારણે આવતા સપ્તાહે કરીશું.
x
રદ કરો

કલમ

TOP