Back કથા સરિતા
આશુ પટેલ

આશુ પટેલ

સાંપ્રત (પ્રકરણ - 40)
લેખક વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટાર લેખક છે.

મહેરામણ માઝા મૂકી રહ્યો છે!

  • પ્રકાશન તારીખ28 Nov 2019
  •  
બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
કલ્પના કરો કે આજથી ત્રણ દાયકા બાદ અમિતાભ બચ્ચનના ચાહકો એનો બંગલો જોવા જાય ત્યારે એમણે એ જગ્યાએ અમિતાભ બચ્ચનના બંગલોને બદલે અરબી સમુદ્ર જોવો પડે તો?
કલ્પના થોડી વધુ પડતી લાગે છે ને?
પણ 2050 સુધીમાં મુંબઈના જૂહુ વિસ્તારમાં દરિયાઈ પાણી ફરી વળ્યાં હશે એવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. માત્ર જૂહુ જ નહીં, મુંબઈના દરિયાકિનારાના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હશે એવી ચેતવણી અમેરિકાના ક્લાઈમેટ સેન્ટ્રલ ગ્રૂપ દ્વારા જાહેર કરાઈ છે. ક્લાઇમેટ સેન્ટ્રલ ગ્રૂપના એ સ્ટડીમાં કહેવાયું છે કે 2050 સુધીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે. એને કારણે પૃથ્વીના તમામ દરિયાઈ વિસ્તારોમાં દરિયાની સપાટી ઉપર આવી જશે અને દરિયાઈ વિસ્તારોમાં રહેતા કરોડો લોકોએ એની કિંમત ચૂકવવી પડશે. માત્ર આપણા મુંબઈની જ વાત કરીએ તો 2050 સુધીમાં મુંબઈના ઓછામાં ઓછા 10 મિલિયન એટલે કે એક કરોડ લોકોને દરિયાની સપાટી વધવાને કારણે અસર થશે એટલે કે તેમણે તેમનાં ઘરો છોડીને બીજે સ્થળાંતર કરી જવું પડશે!
આ આંકડાઓથી મુંબઈ સિવાયના વાચકોને આંચકો ન લાગ્યો હોય તો હજી આગળ વાંચો. 2050 સુધીમાં દરિયાની સપાટી વધવાને કારણે મુંબઈ અને આજુબાજુના વિસ્તારમાં લોકોને તો અસર થશે જ, પણ ગુજરાત, કેરાલા, બંગાળ અને બીજાં ઘણાં બધાં રાજ્યોને આની અસર પહોંચશે જ્યાં દરિયાકિનારો છે. આપણા દેશના કુલ 3 કરોડ, 60 લાખ લોકોએ એની અસર ભોગવવી પડશે. ક્લાઇમેટ સેન્ટ્રલ ગ્રૂપના અંદાજ પ્રમાણે 2050 સુધીમાં વિશ્વના 300 મિલિયન માણસોને એટલે કે 30 કરોડ વ્યક્તિઓને દરિયાનું તાપમાન વધવાની અસર ભોગવવી પડશે. સાદી ભાષામાં કહીએ તો તેમણે બેઘર બની જવું પડશે અને બીજે ક્યાંક રહેવા જવું પડશે.
4 નવેમ્બર, 2019ના દિવસે ક્લાઈમેટ સેન્ટ્રલ ગ્રૂપ દ્વારા આ સ્ટડી જાહેર કરાયો, જેની નોંધ મોટા ભાગના ભારતીય અખબારોએ બહુ ગંભીરતાથી લીધી નથી, પણ આ સ્ટડીનાં તારણો ચોંકાવનારાં છે. આ સબ્જેક્ટ થોડો ભારે લાગે એટલે શક્ય તેટલી સહજ રીતે સમજાવવાની કોશિશ કરું છું. વીસમી સદીની શરૂઆતથી એટલે કે 1901થી અત્યાર સુધીમાં સમુદ્રોની સપાટી બાર સેન્ટિમીટર જેટલી વધી છે. એમાંય 1993થી 2017 દરમિયાન આ સપાટી વધુ સ્તર પર ઊંચકાઈ છે. હવે એવો અંદાજ મંડાઈ રહ્યો છે કે 2050 સુધીમાં આ સ્થિતિ અતિ ગંભીર બની જશે. એ ઉપરાંત પણ બીજી ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે. સમુદ્રોની સપાટી વધવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે બરફાચ્છાદિત પર્વતો પીગળી રહ્યા છે, હિમશિલાઓ પીગળી રહી છે. એન્ટાર્કટિકામાંથી પણ બરફનું પાણીમાં રૂપાંતર થઈ રહ્યું છે.
અગાઉ પણ એવા આંકડાઓ આવી ચૂક્યા છે કે સમુદ્રની સપાટી વધવાને કારણે ભારતના મુંબઈ અને કોલકાત્તા સહિતના વિશ્વનાં અનેક મહાનગરોને અસર થવાની છે. અત્યાર સુધી જે સ્ટડી થયા એમાં એવું અનુમાન મુકાયું હતું કે સમુદ્રની સપાટી વધવાને કારણે ભારતમાં 50 લાખ માણસોને અસર પહોંચશે, પરંતુ હવે ક્લાઇમેટ સેન્ટર ગ્રૂપના લેટેસ્ટ સ્ટડી પ્રમાણે એ જોખમ સાત ગણું વધી ગયું છે. એટલે કે 50 લાખ નહીં, પણ ત્રણ કરોડ, સાઠ લાખ લોકોને અસર પહોંચશે.
દરિયાની સપાટી વધવાને કારણે માત્ર ભારતના કલકત્તા અને મુંબઈ જેવાં શહેરોની જેમ જાકાર્તા, શાંઘાઈ, વેનિસ, હ્યુસ્ટન, હેનોઈ સહિત વિશ્વનાં અનેક મોટાં શહેરોને એની અસર પહોંચશે. ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા પર તો બહુ મોટો ખતરો છે. 2050 સુધીમાં જાકાર્તાનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હશે એવું અનુમાન મુકાઈ રહ્યું છે. ઈન્ડોનેશિયન સરકારે 2017માં જ એક યોજના ઘડી છે જેનાથી જાકાર્તાના એક કરોડ રહેવાસીઓને સમુદ્રની સપાટી વધવાથી આવનારી આફતથી બચાવી શકાય. ઈન્ડોનેશિયન સરકાર અત્યારે જાકાર્તા જ્યાં છે ત્યાંથી સો માઈલ દૂર એક દાયકામાં નવું શહેર બનાવવાનું વિચારી રહી છે અને એ માટે 33 બિલિયન ડોલર(આશરે 2 લાખ, 31 હજાર કરોડ રૂપિયા)ના ખર્ચનો અંદાજ મુકાયો છે.
આવી રીતે નાઇજીરિયાનું લાગોસ શહેર પણ દરિયાની સપાટી વધવાને કારણે આ સદીના અંત સુધીમાં પાણીમાં ડૂબી ગયું હશે એવું અનુમાન મુકાઈ રહ્યું છે. યુનિવર્સિટી ઓફ ફ્લિમોર્થ દ્વારા થોડા વર્ષો અગાઉ એવું અનુમાન કરાયું હતું કે આ સદીના અંત સુધીમાં લાગોસના સમુદ્રની સપાટી 6.6 ફીટ વધી જશે. અનેક અમેરિકન શહેરો પર પણ આ જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં અમુક વિસ્તારોમાં દર વર્ષે પાણીની સપાટી બે ઈંચ વધી રહી છે.
તમે કદાચ થોડા દિવસ અગાઉ સમાચારમાં જોયું હશે કે વાંચ્યું હશે કે ઈટાલીના વેનિસ શહેરમાં થોડા દિવસ અગાઉ ખૂબ પાણી ભરાઈ ગયું હતું, એને કારણે ત્યાં ફરવા ગયેલા ટૂરિસ્ટ્સ બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. 2018માં પણ આખા વેનિસ શહેરે બહુ મોટા પૂરનો સામનો કરવો પડ્યો હતો. પાણીથી બચવા માટે ઈટાલી સરકાર અબજો ડોલરનું બજેટ ફાળવી ચૂકી છે, પણ એ કોશિશ આભ ફાટે ત્યાં થીગડાં મારવા જેવી સાબિત થઈ રહી છે.
નેધરલેન્ડનું રોટરડેમ શહેર પણ આ ખતરાનો સામનો કરી રહ્યું છે અને ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાનું સી લેવલ પણ સતત વધી રહ્યું છે. તો અમેરિકાના રાજ્ય ફ્લોરિડા મિયામી શહેરમાં વિશ્વના અન્ય વિસ્તારો કરતાં વધુ ઝડપે દરિયાની સપાટી વધી રહી છે. એને કારણે 2050 સુધીમાં જ મિયામીના સંખ્યાબંધ લોકોએ પોતાનાં ઘરો છોડવાં પડશે. તો થાઈલેન્ડનું બેંગકોક શહેર પણ આવનારા થોડા દાયકાઓમાં સમુદ્રના પાણી હેઠળ આવી જશે. આ સિવાય બાંગ્લાદેશની રાજધાની ઢાકા પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. સમુદ્રની સપાટી વધવાને કારણે બાંગ્લાદેશની કુલ 17 ટકા જમીન પર 2050 સુધીમાં પાણી ફરી વળશે એવો અંદાજ મુકાઈ રહ્યો છે! એના કારણે પોણા બે કરોડથી વધુ બાંગ્લાદેશી નાગરિકોએ સ્થળાંતર કરવું પડશે. હોંગકોંગ તો અત્યારે કૃત્રિમ ટાપુ બનાવવાની વેતરણમાં પડ્યું છે.
વિશ્વનાં અનેક મોટાં શહેરોના ઘણા વિસ્તારો પાણી નીચે આવી ગયાં હશે એવી ચેતવણી તો 1997થી અપાઈ રહી છે, પણ 2012માં નિષ્ણાતોએ ખતરાની ઘંટડી વગાડી હતી કે બેંગકોક, રોટરડેમ, મિયામી, ન્યૂ ઓર્લિયન્સ, વેનિસ, એલેક્ઝાન્ડ્રિયા, લાગોસ, ઢાકા, હ્યુસ્ટન અને જાકાર્તા જેવાં શહેરોનું નામોનિશાન નહીં રહે! યુનિવર્સિટી ઓફ પ્લિમાઉથે 2012માં એક સ્ટડી જાહેર કર્યો હતો કે 21મી સદીના અંત સુધીમાં સમુદ્રની સપાટી 6 ફૂટ, 6 ઈંચ જેટલી વધી ગઈ હશે.
આવી તો ઘણી વધુ માહિતી છે, જે ધ્રુજાવી દે એવી છે. ગ્લોબલ વોર્મિંગને જે લોકો સિરિયસલી ન લેતા હોય અને સમુદ્રની સપાટીમાં વધારો થઈ રહ્યો છે એ વાત ન માનતા હોય એવા લોકોએ ઈન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કરીને મુંબઈના દરિયાકિનારાની નજીક રહેતા લોકોની તકલીફના વિડિયોઝ જોઈ લેવા. ઈન્ટરનેટ પર એવા વિડિયો મળી આવશે, જેમાં ભરતી વખતે દરિયાકિનારાના નજીકના વિસ્તારોમાં, ઝૂંપડાંમાં અને કાચાં મકાનોમા રહેતા લોકોનાં ઘરમાં પાણી ઘૂસી જતાં હોય અને તેમની ઘરવખરી તણાઈ જતી હોય. ક્યારેક તો ભરતી વખતે આખાં ને આખાં ઝૂંપડાં તણાઈ જાય એવા કિસ્સાઓ પણ બનતા થઈ ગયા છે.
મહેરામણ માઝા ન મૂકે એવું કહેવાય છે, પણ આપણા-પૃથ્વીવાસીઓના પાપે મહેરામણ (સમુદ્ર) માઝા મૂકીને ઘણા વિસ્તારો પર આગળ વધી રહ્યો છે અને આપણે હજી નહીં સુધરીએ તો મહેરામણ માઝા મૂકશે એનાં માઠાં પરિણામો આપણે એટલે કે અત્યારની પેઢીએ તો (સકારણ) ભોગવવાં જ પડશે, પણ આપણી આવનારી પેઢીઓએ વગર વાંકે સહન કરવું પડશે!
x
રદ કરો

કલમ

TOP