દીવાન-એ-ખાસ / માનવઅધિકાર, દંભનો પટારો અને અમર્ત્ય સેન

article by vikram vakil

વિક્રમ વકીલ

Apr 17, 2019, 05:18 PM IST

વિશ્વના મોટા ભાગના દેશોમાં આજે ‘માનવઅધિકાર પંચ’ સક્રિય રીતે કામ કરે છે. સામાન્ય માણસના અધિકારો ધારાધોરણ પ્રમાણે નક્કી થયેલા જ છે. જોકે, કેટલાક પછાત દેશોમાં માનવઅધિકારની વ્યાખ્યા બીજા વિકસિત દેશો કરતાં અલગ હોય છે એ જુદી વાત છે. દરેક વ્યક્તિને સામાન્ય અધિકાર હોવા જ જોઈએ અને એ અધિકારનો ભંગ કોઈ પણ પ્રકારના સત્તાધીશ દ્વારા કરવામાં આવે ત્યારે માનવઅધિકાર પંચે દખલગીરી કરવી જ જોઈએ, પરંતુ આપણા દેશમાં ઘણા સમયથી આ માનવઅધિકાર બાબતે બેવડાં જ નહીં, પરંતુ ત્રેવડાં ધોરણો પ્રવર્તી રહ્યાં છે. દેશમાં આજે હજારોની સંખ્યામાં એનજીઓ (બિનસરકારી સંસ્થાઓ) રજિસ્ટર થયેલી છે. મોટા ભાગની એનજીઓ કેવા ધુપ્પલ ચલાવે છે એ આમપ્રજા જાણે જ છે. તિસ્તા સેતલવાડ - જાવેદ આનંદના એનજીઓએ 2002ના રમખાણ વખતે ગુજરાતની ખૂબ ‘ચિંતા’ કરી હતી, પરંતુ આ જ તિસ્તા સેતલવાડની સંસ્થા કાશ્મીરમાંથી હાંકી કઢાયેલા પંડિતોની વ્યથા બાબતે ચૂપ રહે છે. કાશ્મીરમાં જ્યારે પથ્થરબાજી કરીને આતંકવાદીઓને બચાવવા મેદાને પડતાં યુવાન-યુવતીઓ પર સુરક્ષા દળો વળતો પ્રહાર કરે છે ત્યારે દેશની આવી કેટલીક માનવઅધિકારવાળી સંસ્થાઓ બૂમાબૂમ કરી મૂકે છે, પરંતુ પથ્થરબાજી કરનારાઓના હાથે જ્યારે સુરક્ષા દળના જવાનનું મોત થાય છે ત્યારે એના માનવઅધિકાર વિશે કોઈ ચિંતા કરતું નથી. એ જ રીતે એન્કાઉન્ટરમાં જ્યારે આતંકવાદીને મારી નાખવામાં આવે છે ત્યારે એન્કાઉન્ટરને ફેક ગણાવી કોર્ટમાં જઈ પોલીસ અધિકારીઓને વર્ષો સુધી જેલમાં બંધ કરાવતી વખતે ચળવળિયાઓ એકાએક જાગૃત થઈ જાય છે, પરંતુ જ્યારે આવા આતંકવાદીઓ નિર્દોષ નાગરિકોને મારે છે ત્યારે એ નિર્દોષ નાગરિકના માનવઅધિકારની વાત કોઈ કરતું નથી. નોબેલ ઇનામ અને ભારતરત્ન જેવા ખિતાબો જીતનાર ખ્યાતનામ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન હંમેશાં માનવઅધિકાર, ગરીબો પ્રત્યેની હમદર્દી, કચડાયેલા વર્ગો અને અર્થશાસ્ત્ર વિશે, સામાન્ય માણસ અભિભૂત થઈ જાય એ રીતે પોતાનું પંડિત્વ વ્યક્ત કરતા રહે છે. આ અમર્ત્ય સેનની ‘સાચી’ બાજુ હમણાં ઉજાગર થઈ છે.

  • રોથ્સચાઇલ્ડ કુટુંબે ભારત અને ભારતની સરકારોને ચૂસીને અઢળક પૈસા બનાવ્યા છે. એક અંદાજ પ્રમાણે રોથ્સચાઇલ્ડ કુટુંબ પાસે 24 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે

ગરીબોના બેલી હોવાનો દેખાડો કરતા અમર્ત્ય સેનના ત્રીજી પત્નીનું નામ એમા રોથ્સચાઇલ્ડ છે. પોતાની જાતને અર્થશાસ્ત્રી અને ફિલોસોફર ગણાવતા અમર્ત્ય સેન મોટા ભાગનો સમય વિદેશ રહે છે અને કામ પણ વિદેશમાં જ કરે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ વારંવાર આપણા દેશની આર્થિક પોલિસીનો વિરોધ કરતા રહ્યા છે, પરંતુ એમણે કોઈને ખબર પડવા દીધી નથી કે વિશ્વના એક અતિ શ્રીમંત ઘરાનાની સ્ત્રી સાથે એમણે લગ્ન કર્યાં છે. રોથ્સચાઇલ્ડ કુટુંબે ભારત અને ભારતની સરકારોને ચૂસીને અઢળક પૈસા બનાવ્યા છે. એક અંદાજ પ્રમાણે રોથ્સચાઇલ્ડ કુટુંબ પાસે 24 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. એમ કહેવાય છે કે રોથ્સચાઇલ્ડ કુટુંબ વિશ્વમાં જ્યાં જ્યાં તકલીફો હોય છે એવા પ્રદેશને ચૂસીને પૈસા કમાઈ લે છે. શેરબજારનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરીને, વિશ્વયુદ્ધો વખતે ફંન્ડિંગ કરીને, બેન્કિંગ સિસ્ટમ પર કબજો જમાવીને, વિશ્વના મોટા મીડિયા હાઉસની માલિકી મેળવીને એમણે આ સામ્રાજ્ય ઊભું કર્યું છે. અમર્ત્ય સેનના સસરા મેથેનિયન મેયર વિક્ટર રોથ્સચાઇલ્ડની કંપનીએ આપણી અગાઉની સરકારો વખતે અમર્ત્ય સેનનો ઉપયોગ કરીને ખૂબ પૈસા બનાવ્યા હતા. વિશ્વવિખ્યાત ‘ઇકોનોમિસ્ટ’ મેગેઝિનમાં પણ રોથ્સચાઇલ્ડ કુટુંબનું રોકાણ છે. આ મેગેઝિન મોટે ભાગે હિન્દુઓ અને ભારતની આર્થિક પોલિસી વિશે હંમેશાં નકારાત્મક જ કેમ લખે છે એનો ખ્યાલ આવી ગયો?
એમ કહેવાય છે કે થ્રીજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં પણ એન. એમ. રોથ્સચાઇલ્ડ એન્ડ સન્સની સંડોવણી હતી. આ કંપનીને ઇ-ઓક્સન કરવાનો લગભગ 30 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કોઈ પણ કારણ વગર આપી દેવામાં આવ્યો હતો. એવો આક્ષેપ થાય છે કે ઇ-ઓક્સન કરવાની કોઈ જરૂર નહીં હોવા છતાં પણ શા માટે આ હરાજી કરવામાં આવી હતી?
એન.એમ. રોથ્સચાઇલ્ડ એન્ડ સન્સ કંપનીનાં ઘણાં કૌભાંડો ભૂતપૂર્વ સરકારોના શાસન દરમિયાન થયાં છે. એરસેલ-મેક્સિસ કૌભાંડ, વેદાંત કૌભાંડ, કિંગ ફિશર એરલાઇન્સે એર-ડેક્કનને ટેકઓવર કરવાના કૌભાંડમાં પણ રોથ્સચાઇલ્ડ કંપની સંડોવાઈ હોવાનું કહેવાય છે. નોટબંધીના સમયે ઇન્કમટેક્સના અધિકારીઓએ એમની એક પેટા કંપની પર દરોડો પાડીને આર્થિક ગોટાળો પકડ્યો હતો. અમર્ત્ય સેનના ટીકાકારો કહે છે કે અમર્ત્ય સેને નોટબંધીનો જોરશોરથી વિરોધ પણ આ કારણે જ કર્યો હતો. થોડા મહિનાઓ પહેલાં મલેશિયા ખાતે પણ રોથ્સચાઇલ્ડ બેન્કની નાણાકીય ગેરરીતિ મલેશિયા ખાતે બહાર આવી છે. રોથ્સચાઇલ્ડ કુટુંબે કરેલા નાણાકીય ગોટાળાઓ વિશે છેલ્લા મહિનાઓમાં કેટલાક મીડિયાએ અહેવાલો પ્રકાશિત કર્યા ત્યારે આખી વાત બહાર આવી.
આપણા દેશના ભોળા લોકો અમર્ત્ય સેન જેવાની ડિગ્રી, મળેલા ખિતાબો અને એમની ચાંપલી ચાંપલી વાતોમાં આવી જઈ એમને ખરેખર ગરીબોના મસીહા માનવા માંડે છે. ખરેખર આવું હોતું નથી. થોડા વર્ષો પહેલાં અમર્ત્ય સેનને બિહાર ખાતેની નાલંદા યુનિવર્સિટીનો કારભાર સોંપવામાં આવ્યો હતો. એ વખતના કેગના રિપોર્ટ પ્રમાણે સેન અને એના સાથીઓએ પ્રવાસો તેમજ બીજા જલસા માટે લાંબાચૌડા સરકારી પૈસાનો ધુમાડો કર્યો હતો. નાલંદા વિવાદ વખતે જ અમર્ત્ય સેનના દંભ વિશે કેટલાકે ડરી ડરીને લખ્યું હતું. અમર્ત્ય સેન જેવા કહેવાતા વિદ્વાનોથી ભારત જેવા દેશને ફાયદો થવા કરતાં આવા કહેવાતા વિદ્વાનો દેશનો વધુ ફાયદો ઉઠાવી જાય છે. હાથીના તો દેખાવના અને ચાવવાના દાંત જ જુદા હોય છે, પરંતુ અમર્ત્ય સેન જેવા કહેવાતા અર્થશાસ્ત્રીઓના તો ચાવવાના, બતાવવાના અને સંતાડવાના દાંત પણ જુદા જુદા હોય છે. દિલ્હીનો એક અતિ સમૃદ્ધ વર્ગ એવો છે કે જે પંચતારક હોટલમાં પચાસ હજાર રૂપિયાની વિસ્કીની બોટલ ખરીદી એનો પેગ પીતાં પીતાં ભારતની ગરીબી વિશે અમર્ત્ય સેન સાથે કહેવાતી બૌદ્ધિક ચર્ચા કરવામાં ગૌરવ અનુભવે છે.
જોકે, હવે સોશિયલ મીડિયા પર આવેલી જાગૃતિને કારણે સેન અને સેતલવાડ જેવા પ્રજાની આંખમાં ધૂળ નાખનારાઓ નગ્ન થઈ રહ્યા છે. આમ છતાં હજી પણ વિશ્વમાં સેંકડો અમર્ત્ય સેનો છે જ કે જેમના મુખ પરથી દંભનો પડદો ખૂલતા સમય લાગી જશે.

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી