ઈધર-ઉધર / મોદી સિવાય પણ વારાણસી સાથે ગુજરાતના બીજા કયા સબંધ છે?

article by vikram vakil

વિક્રમ વકીલ

Apr 07, 2019, 05:09 PM IST

દેશની સાંસ્કૃતિક રાજધાની વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર હોવાથી વારંવાર સમાચારમાં ચમકતી રહે છે. નરેન્દ્ર મોદી ઉપરાંત પણ આજકાલ વારાણસી સાથે ગુજરાતનો સંબંધ બંધાયો છે. વારાણસીના વિકાસના કામમાં ગુજરાતની કેટલીક કન્સ્ટ્રક્શન કંપનીઓ ફાળો આપી રહી છે. સાબરમતી રિવરફ્ર્ન્ટ પ્રોજેક્ટના આર્કિટેક્ટ બિમલ પટેલ, કાશી વિશ્વનાથ કોરીડોરની ડિઝાઇન બનાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ દત્તક લીધેલાં બે ગામોના વિકાસની જવાબદારી નવસારીના સાંસદ સી. આર. પાટિલ પાસે છે. વારાણસીના બીજા વિકાસનાં કામો પર ભાવનગરનાં ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ ઓઝા દેખરેખ રાખી રહ્યા છે. સી. આર. પાટિલ અને ઓઝાની મદદ માટે ગુજરાતથી ઘણા ટેકેદારો વારાણસી આવતા રહે છે. વારાણસીમાં ગુજરાતીઓની આવનજાવન સતત વધતી જ જાય છે. એ સાથે સંબંધ ગાઢ બનતો જાય છે.

ભાજપ છોડી ચૂકેલા શત્રુઘ્ન સિંહા કોંગ્રેસથી પણ નાખુશ છે!
ભાજપમાં ભાવ નહીં મળવાથી સતત નારાજગીના મૂડમાં રહેતા શોટગન શત્રુઘ્ન સિંહાએ આખરે ભાજપને રામ રામ કહી દીધા છે. શત્રુઘ્ન સિંહાએ હવે કોંગ્રેસમાં જોડાવાનું મુનાસિબ માન્યું છે. જોકે, તેઓ કોંગ્રેસથી પણ કંઈ ખાસ ખુશ લાગતા નથી. સિંહાને એમ હતું કે કોંગ્રેસમાં જોડાવાના સમાચારને કોંગ્રેસ હાઇકમાન્ડ ખૂબ મોટા પાયે ચગાવશે. જોકે, કોંગ્રેસ હાઇકમાન્ડ પણ જાણે છે કે શત્રુઘ્ન ફૂટી ગયેલી કારતૂસ છે, એટલે એને ખાસ ભાવ આપતું નથી. ‘ખામોશ’ સિંહા હવે દ્વિધામાં છે કે એમની હાલત, પેલા ધોબીના કૂતરા જેવી તો નહીં થાય ને?

ચ્યુઇંગમ ચાવવાનાં ઘણાં ભયસ્થાન છે
લંડનમાં માઇકલ બીડોઝ નામનો 10 વર્ષનો બાળક બબલગમ ચાવતો હતો ત્યારે એકાએક તે એક દોડતી કાર સામે આવ્યો અને કચડાઈને મરી ગયો. તેનું પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે ખબર પડી કે આ છોકરો બબલગમ (ચ્યુઇંગમ) ચાવ્યા કરતો તેમાં ટારટ્રાઝીન નામનું કૃત્રિમ રંગ આપતું રસાયણ હતું તેને કારણે તે એકાએક ભાન ગુમાવીને મોટર સામે જ અથડાઈ ગયો. ચ્યુઇંગમ ખાવાથી બાળકો હાઇપર એક્ટિવ (વધુ પડતાં તોફાની) પણ થાય છે. નોર્વે, ફિનલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્વિડનમાં ચ્યુઇંગમમાં આવા ઘાતક કૃત્રિમ રંગ ઉમેરવાની છૂટ નથી.

સ્ત્રી માટે સુંદરતા એક શસ્ત્ર હોઈ શકે?
કેટલાક પુરુષો માને છે કે સ્ત્રીઓ તેમની કારકિર્દીમાં આગળ વધવા પોતાની બ્યૂટીનો ઉપયોગ કરે છે. પત્રકાર તરીકે મહિલા હોય તો તેને જલદીથી કોઈ સરકારી ઓફિસર મળે છે, પણ આ માન્યતા ખોટી છે. બાર્બરા એ. ગુટેક નામની સમાજશાસ્ત્રી કહે છે કે સરકારી સચિવો સ્ત્રીને ઓછી બુદ્ધિની માનીને ઘણી વખત તેને બેવકૂફ બનાવવા ખોટી માહિતી આપે છે. પોલીસ ઓફિસરો રૂપાળી પત્રકારથી ભડકે છે. મને 800 સ્ત્રીમાં એક જ સ્ત્રી એવી મળેલી કે જેણે કહેલું કે, ‘આગળ વધવા મેં સેક્સ્યુઆલિટીનો ઉપયોગ કર્યો હતો.’

‘સ્ટોકર’ કોને કહેવાય? જેને ચાહે એના જાનને જોખમ ઊભું થાય છે?
સ્ટોકર લોકો એ છે જેઓ અક્ષયકુમાર, ટોમ ક્રુઇઝ, અમિતાભ બચ્ચન જેવા લોકોના વન-વે પ્રેમમાં પડે છે. સફળ લોકો જ્યાં જાય ત્યાં તેઓનો પીછો કરે છે, તેઓને સ્ટોકરો મારી પણ નાખે છે. પ્રસિદ્ધ ગાયક જ્હોન લેનન અને ફેશન ડિઝાઇનર વરસાચીને એના સ્ટોકરોએ જ મારી નાખ્યા હતા. કેટરિના કેફ અને આલિયા ભટ્ટની પાછળ એના સ્ટોકરો ભટકતા જ રહે છે. કેટલાક લોકો ગ્લેમરથી આકર્ષાઈને ફિલ્મ સ્ટાર કે ક્રિકેટરોના પ્રેમમાં રીતસર ગાંડા થઈ જતા હોય છે. થોડા સમય પહેલાં શાહરુખ ખાનની બહુ નહીં ચાલેલી ફિલ્મ ‘ફેન’ આવી હતી. આ ફિલ્મમાં શાહરુખનો ફેન એટલો બધો ક્રેઝી બની જાય છે કે તે શાહરુખને શારીરિક નુકસાન પણ પહોંચાડવાની હદ સુધી જાય છે. ચાહક હોવું અને સ્ટોકર બની જવામાં ખાસ્સો ફરક છે.

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી