દીવાન-એ-ખાસ / આતંકીઓનો સફાયો અને મોસાદ-ઇઝરાયેલની ચુપ્પી!

article by vikram vakil

વિક્રમ વકીલ

Mar 20, 2019, 02:28 PM IST

આપણે ત્યાં જ્યારે જ્યારે આતંકવાદી હુમલા થાય છે અને જો સરકાર ફક્ત ‘કડી નિંદા’ સિવાય કંઈ નહીં કરે તો કેટલાક (વાજબી રીતે જ) ઇઝરાયેલની ‘આતંકવાદી વિરોધી’ પોલિસીનો દાખલો આપે છે. ગાંધીજી ભલે કહી ગયા હોય કે ‘આંખ સામે આંખ’નો સિદ્ધાંત વિશ્વને અંધ કરી દેશે, પરંતુ ઇઝરાયેલનું સુરક્ષાતંત્ર અને ત્યાંની મોટાભાગની પ્રજાનું સૂત્ર છે : ‘એક આંખ સામે બે આંખ’ 70ના દાયકામાં જર્મનીના મ્યુનિક ખાતે પેલેસ્ટાઇની ગેરીલાઓએ ઇઝરાયેલની ફૂટબોલ ટીમના ખેલાડીઓને બાનમાં લઈ હત્યા કરી હતી. થોડા દિવસમાં જ ઇઝરાયેલના વડાપ્રધાને એક ખાનગી ટીમ બનાવી હત્યાકાંડ માટે જવાબદાર આતંકવાદીઓને કઈ રીતે વિશ્વના વિવિધ દેશોમાંથી શોધી કાઢી એમને પતાવી દીધા હતા એ બીના તો હવે દંતકથા જેવી બની ગઈ છે.

  • ઇઝરાયેલ ખાસ ધ્યાન રાખે છે કે સર્જિકલ સ્ટ્રાઇકમાં કે એન્કાઉન્ટર વખતે પોતાનો એક પણ સુરક્ષા કર્મી મરે નહીં

મ્યુનિકની ઘટનાનો બદલો હોય કે, ઈરાનના અણુવિજ્ઞાનીઓની હત્યા કરાવી દીધાની વાત હોય, ઇઝરાયેલે હંમેશાં આવા કોઈપણ મિશનમાં હાથ હોવાનો નન્નો ભર્યો છે. જે કોઈ વાત બહાર આવી છે એ કોઈ લેખકના પુસ્તક પ્રકાશન પછી કે કોઈ પત્રકારે કરેલા અન્વેક્ષણાત્મક રિપોર્ટિંગ પછી. ઇઝરાયેલમાં હંમેશાં ઊલટી ગંગા વહે છે. એના તમામ દુશ્મન દેશો વિશ્વ ફોરમ પર આક્ષેપ કરતા રહે છે કે ઇઝરાયેલનાં કમાન્ડો-જાસૂસો બીજા દેશોમાં ઘૂસીને હત્યાઓ કરતા રહે છે. બીજી તરફ ઇઝરાયેલનાં પ્રવક્તા હંમેશાં એવો ખુલાસો કરતા રહે છે કે પેલેસ્ટાઇન, સીરિયા કે ઈરાનના કટ્ટરવાદીઓની હત્યા સાથે એને કોઈ લેવાદેવા નથી. ઇઝરાયેલની સમગ્ર પ્રજા અને વિશ્વના મોટાભાગના દેશો પણ અંદરખાનેથી જાણતા જ હોય છે કે પેરિસથી માંડીને દુબઈ સુધીના દેશોમાં જઈને ઇઝરાયેલની સ્પેશિયલ ટીમના કમાન્ડો કઈ રીતે શત્રુઓનો ખાત્મો બોલાવતા હોય છે. કોઈ પુરાવા માગતું નથી અને કોઈ પુરાવા આપતું નથી. કેટલાક ઓપરેશનમાં તો ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના ખાસ તાલીમ પામેલા જાસૂસો સામેવાળાની હત્યા એવી ચાલાકીથી કરે છે કે હત્યા ક્યાં તો અકસ્માત જેવી લાગે ક્યાં તો આત્મહત્યા જેવી!

ઇસ્લામિક આતંકવાદી સંગઠન ‘હમાસ’ની લશ્કરી શાખાના વડા મહેમૂદ-અલ-મહબુને ઘણા સમયથી ઇઝરાયેલના એજન્ટો શોધી રહ્યા હતા. ઇઝરાયેલના ઘણા નિર્દોષ નાગરિકોનાં અપહરણ અને હત્યા એણે કરાવ્યાં હતાં. 2010ની 19મી જાન્યુઆરીએ દુબઈની એક પંચતારક હોટલમાં ખૂબ જ ફિલ્મી ઢબે એની હત્યા થઈ. મોસાદના 26 જેટલા એજન્ટો એ સમયે દુબઈમાં હતા. કોઈક ડ્રાઇવર તો કોઈ હોટલના જ રિસેપ્શનિસ્ટ બનીને ત્યાં આતંકવાદીની રાહ જોઈને બેઠા હતા. મહેમૂદને એના જ રૂમમાં ઇલેક્ટ્રિક કરંટ આપીને પછીથી તકિયા દ્વારા એનું મોઢું-નાક દબાવીને મારી નાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં તો એવી જ ઇમ્પ્રેશન ઊભી થઈ કે, મહેમૂદનું અવસાન હાર્ટએટેકથી થયું છે, પરંતુ પછીથી આખી ઘટના બહાર આવી ત્યારે મોસાદના પેલા 26 એજન્ટો દુબઈ છોડી ભાગી ગયા હતા. દુબઈ સરકારે ઇન્ટરપોલને તપાસ સોંપી. પેલા 26માંથી કેટલાક પાસે બ્રિટિશ, ફ્રાન્સ અને ઓસ્ટ્રેિલયાના પાસપોર્ટ હતા. આ બધા જ પાસપોર્ટ બોગસ હતા. ઇન્ટરપોલ પોલીસ જ્યારે પાસપોર્ટધારકોના સરનામે પહોંચી ત્યારે ખબર પડી કે જે વ્યક્તિઓનાં નામે પાસપોર્ટ હતા તે કદી દેશ છોડીને ગયા નહોતા! આજ સુધી આતંકવાદીના હત્યારાઓ પકડી શકાયા નથી. હોટલના સીસીટીવી કેમેરાઓના આધારે તમામ સંભવિત હત્યારાઓની તસવીરો અને એમણે કરેલા આયોજનની વિશ્વને જાણ થઈ ત્યારે આખું વિશ્વ ચોંકી ગયું. જોકે, હંમેશની જેમ ઇઝરાયેલ સરકાર, વિરોધ પક્ષ, મીડિયા અને ત્યાંની પ્રજાએ એક જ રટણ રટ્યું. ‘અમે તો બોયા ય નથી ને ચાયા ય નથી!’

છેલ્લા છ દાયકામાં મોસાદના એજન્ટોએ ઇઝરાયેલને રંજાડતા સેંકડો આતંકવાદીઓ કે આતંકવાદીઓના સમર્થકોની નિર્દયતાપૂર્વક હત્યા કરી છે. સૌથી અગત્યની વાત એ છે કે હત્યા કરવા મિશન પર નીકળતા પહેલાં મોસાદના એજન્ટો કે લશ્કરના અધિકારીઓએ રાજીનામાં આપી દેવાં પડે છે કે જેથી તેઓ પકડાઈ જાય તો કાયદેસરતા પુરવાર ન થઈ શકે. આવાં મિશન પાર પાડનારાઓને ખાનગી ભંડોળમાંથી ખર્ચના પૈસા આપવામાં આવે છે, જેનો કોઈ રેકર્ડ રહેતો નથી.
જ્યારે ઇઝરાયેલનું લશ્કર, એરફોર્સ કે નેવી પણ સર્જિકલ સ્ટ્રાઇક કરે છે ત્યારે હંમેશાં એવો બચાવ કરે છે કે એ તો અમારા સ્વ બચાવ માટે અમે પ્રયત્ન કર્યો એટલે ફલાણા-ઢીંકણા માર્યા ગયા. કોઈક વખત મુખ્ય ટાર્ગેટની સાથે નિર્દોષ સિવિલિયન માર્યા જાય તો એની ખાસ ચિંતા ઇઝરાયેલ કરતું નથી. આપણે કેટલાંક ઉદાહરણો જોઈએ.

- 2002માં ગાઝાપટ્ટી ખાતે યાસીર રઝિક નામના આતંકવાદીને મારવા માટે ઇઝરાયેલના એરફોર્સે બે ટેક્સી પર મિસાઇલમારો કર્યો હતો. જેમાં આતંકવાદી ઉપરાંત ડ્રાઇવર અને બીજા બે પેસેન્જર પણ માર્યા ગયા હતા અને આસપાસ ઊભેલા 13 જેટલા સિવિલિયન ઈજાગ્રસ્ત થયા હતા.
- વાલીદ શેબીહ નામના આતંકવાદીને મારવા માટે ઇઝરાયેલના નિશાનબાજો એના ઘરની નજીક સંતાઈને બેઠા અને એ ગાડી લઈને બહાર નીકળ્યો ત્યારે ગોળીઓ વડે ભૂંજી નાખ્યો હતો.
- શાહલાહ શહાદે નામના આતંકવાદીને મારવા માટે ઇઝરાયેલનાં એફ-16 વિમાનોએ 2205 પાઉન્ડના બોમ્બ ઝીંક્યા હતા જેમાં આતંકવાદી, એની પત્ની અને નવ બાળકો માર્યાં ગયાં હતાં.
- અલી અજુરી નામના આતંકવાદીને પકડવા માટે જ્યારે ઇઝરાયેલના સુરક્ષા દળના જવાનો ગયા ત્યારે એણે ભાગવાની કોશિશ કરી અને કોઈ અજાણ્યા માણસોએ મિશાઇલ મારફતે અલીને ફૂંકી માર્યો. આજુબાજુ ઊભી રહેલી બીજી અડધો ડઝન જેટલી વ્યક્તિઓ પણ આ હુમલામાં મૃત્યુ પામી હતી.
- નાસા જરાર નામનો આતંકવાદી એના ઘરમાં સંતાયો હતો ત્યારે ઇઝરાયેલ સુરક્ષા દળના જવાનોએ બુલડોઝર લઈને પહેલાં તો આખું ઘર તોડી નાખ્યું ત્યાર પછી બંદૂકથી નાસાને ઉડાવી દીધો અને જે વ્યક્તિએ એને ઘરમાં રક્ષણ આપ્યું હતું એને પણ ફૂંકી માર્યો.

મોસાદના એજન્ટો જ્યારે ઇઝરાયેલના દુશ્મનોને યુરોપ કે બીજા દેશોમાં શોધી કાઢે છે ત્યારે કારબોમ્બથી માંડીને ટેલિફોન યુનિટ સાથે જોડેલા બોમ્બનો ઉપયોગ કરીને પણ દુશ્મનોને ખતમ કરે છે.
આપણે વાંચતા રહીએ છીએ કે કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આતંકવાદીઓ કરતા આપણા જવાનોના મોતનું પ્રમાણ વધુ હોય છે. આનું કારણ એમ માનવામાં આવે છે કે આતંકીઓ સિવિલિયન વસ્તીમાં છુપાયા હોય છે અને આપણા સુરક્ષા દળો બીજા કોઈને ઈજા ન થાય એ માટે એવાં શસ્ત્રો વાપરતાં નથી કે એવું આયોજન કરતા નથી કે પોતાની ખુવારી નહીંવત્ થાય. બીજી તરફ ઇઝરાયેલ ખાસ ધ્યાન રાખે છે કે સર્જિકલ સ્ટ્રાઇકમાં કે એન્કાઉન્ટર વખતે પોતાનો એક પણ સુરક્ષા કર્મી મરે નહીં. ભલે પછી આતંકીઓને સાથ આપનારા કેટલાકને મરવું પણ પડે. શું આપણે ઇઝરાયેલ જેવી માનસિકતા કેળવી
શકીશું?

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી