ઈધર-ઉધર / લોકસભા ચૂંટણી જીતવા ભાજપ, ‘ગુજરાત ફોર્મ્યુલા’ અપનાવશે?

article by vikram vakil

વિક્રમ વકીલ

Mar 10, 2019, 12:05 AM IST

એમ મનાઈ રહ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ પ્રમુખ ‘ગુજરાત ફોર્મ્યુલા’ અપનાવી શકે છે. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે જીતેલા ધારાસભ્યો–કોર્પોરેટરોને બીજી ટર્મમાં ભાગ્યે જ ફરીથી ટિકિટ અપાતી. આ રીતે ધારાસભ્યો – કોર્પોરેટર સામેની સ્થાનિક નારાજગી દૂર થવાથી નવા ઉમેદવાર જીતવાની સંભાવના વધી જતી. અમિત શાહના નજીકનાં વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે આવનાર ચૂંટણીમાં કદાચ 100 જેટલા સંસદસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. અલગ અલગ ત્રણ જેટલી એજન્સીઓ મારફતે અમિતભાઈએ સર્વે કરાવી એક રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. કયા સંસદસભ્ય સામે સ્થાનિક મતદારોમાં સખત નારાજગી છે, એનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે પૂર્વ દિલ્હીના સાંસદ અને યોગગુરુ શ્રી શ્રી રવિશંકરના ચેલા મહેશગીરીની ટિકિટ કપાવી નક્કી છે. એમને કદાચ ગુજરાતથી લડાવવામાં આવે એવી શક્યતા છે. એ જ રીતે મુરલી મનોહર જોશીને કાનપુરને બદલે બીજી બેઠકથી ટિકિટ મળી શકે. વડાપ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાના પુત્રને પણ ભાજપ કદાચ ટિકિટ આપશે. એજ રીતે એન.એસ.એ. અજિત ડોભાલ અથવા એમના પુત્રને પણ ટિકિટ મળી શકે. જોકે, અત્યારે તો આ બધી સંભાવના જ છે.

  • સર્વે કરાવ્યા પછી એવું લાગે છે કે આગામી ચૂંટણીમાં કદાચ 100 જેટલા સંસદસભ્યોની ટિકિટ કપાઈ શકે છે

પુલવામાના હુમલાએ પ્રિયંકા વાડરાનું સમીકરણ ખોરવી નાખ્યું
પ્રિયંકા ગાંધી-વાડરાએ સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ કર્યા પછી તેઓ છવાઈ જાય એવી ઘણી યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. કાશ્મીરમાં આપણાં સુરક્ષાદળો પર થયેલા આતંકવાદી હુમલાને કારણે પ્રિયકાંએ તેમના આયોજન પર બ્રેક મારવી પડી છે. ભારતના પ્રતિ હુમલા પછી જે રીતે મીડિયામાં ફક્ત નરેન્દ્ર મોદી છવાઈ ગયા છે ત્યાર પછી કોંગ્રેસ તાત્કાલિક પ્રિયંકાને પ્રોજેક્ટ કરીને શક્તિ વેડફવા માંગતો નથી. પ્રજામાં મોદીનો વેવ થોડો ઓછો થાય પછી ફરીથી પ્રિયંકાના વિવિધ કાર્યક્રમો – પ્રેસ વાર્તાઓ – રેલીઓનું આયોજન થશે. પ્રિયંકા માટે યોગ્ય તકની રાહ જોવાઈ રહી હોય, એવું લાગે છે.

12 હજાર કરોડથી વધુ ચામડાનો વેપાર
ભારત વર્ષે દહાડે રૂ. બાર હજાર કરોડથી વધુ ચામડાનો વેપાર કરે છે. એમાંથી રૂા. નવ હજાર કરોડનું ચામડું એક્સપોર્ટ કરે છે. વિશ્વના કુલ ચર્મબજારમાં ભારત 4.6 ટકા ચામડું એક્સપોર્ટ કરી રહ્યું છે. ચામડાના એક્સપોર્ટ માટેનાં મુખ્ય છ મથકો છે. એમાંથી ભારતના ચામડાના કુલ એક્સપોર્ટમાંથી 46 ટકા એક્સપોર્ટ એકલું ચેન્નાઈ જ કરે છે. દિલ્હી, કાનપુર, આગ્રા, કલકત્તા અને મુંબઈમાંથી ચામડું એક્સપોર્ટ થાય છે. મુંબઈમાં મોટા ભાગે અન્ય શહેરોમાંથી આવતો માલ નિકાસ કરવામાં આવે છે.

ગાજર-પપૈયાં થકી કેરોટીન વધારી શકાય
ગાજર અને પપૈયામાં પુષ્કળ માત્રામાં મળી રહેતું કેરોટીન નામનું પોષકતત્ત્વ ધરાવતી દવાઓ માટે એવો દાવો કરવામાં આવે છે કે બીટા કેરોટીનમાંથી બનતું રેટિનોલ છેવટે શુક્રકોષોનું તથા ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનું ઉત્પાદન વધારતું હોવાથી આ દવા નપુંસકતાના કેસમાં અસરકારક છે. કઠોળમાં પૂરતા પ્રમાણમાં મળતા મિથિયોનીન અને ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડ્સ ધરાવતી દવાઓ માટે એવો દાવો કરવામાં આવે છે કે આ તત્ત્વો મજ્જાતંતુઓને વધુ શાંત કરતા હોવાથી તે ‘પરફોર્મન્સ’ સુધારે છે, પણ મૂળ વાત એ છે કે જે લોકો આમેય ગાજર અને કઠોળ પૂરતાં પ્રમાણમાં ખાય છે તેમને આની જરૂર જ નથી.

એક સનકી અમેરિકન અને વાયુ ઉત્સર્ગના અવાજની સીડી !
કંઈક અનોખું કરવાની લાયમાં અમેરિકનો ગંદી હરકતો બેસુમાર કરે છે. ફ્લોરિડા રેકોર્ડ કંપનીએ એક સીડી બહાર પાડી. વિષય છે માનવી દ્વારા હવામાં છોડવામાં આવતા વાયુ ઉત્સર્ગનો; ફાર્ટિંગનો. ‘પુલ માય ફિંગર’ નામની આ સીડીમાં 99 જેટલા વાયુના ધડાકા-ભડાકા અંગેના નમૂના છે. કેટલાક બિથોવન અને મોઝાર્ટની શાસ્ત્રીય ધૂનો સાથે અને કેટલાક હોલિવૂડની ફિલ્મો સાથે જોડવામાં આવ્યા છે. સીડીના પ્રોડ્યુસર કહે છે, વાયુ છોડવાના અવાજો સાંભળીને દુનિયાભરના લોકોને રમૂજ થાય છે. આ સીડીના રેકોર્ડિંગ માટે ડોન રોજર્સે હોલિવૂડના મોટા ગજાના સાઉન્ડ આર્ટિસ્ટો રોક્યા હતા. ડોન કહે છે કે સીડીમાં જે ગર્જનાઓ થાય છે તે તમામ સાચી ગર્જનાઓ છે, ઉપજાવી કાઢેલી નથી.
vikramvakil
@rediffmail.com

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી