ઈધર-ઉધર / પુલવામાનો હુમલો અને શહીદોનું સન્માન

article by vikram vakil

વિક્રમ વકીલ

Mar 04, 2019, 04:45 PM IST

પુલવામામાં આતંકવાદી હુમલો થયો ત્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન સ્વિડન હતાં. હુમલાના બીજા દિવસે ‘કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી’ની મિટિંગ હોવાથી તાબડતોબ તેઓ ભારત આવી ગયાં. વડાપ્રધાનની ઓફિસે સરક્યુલર બહાર પાડી દીધો કે અરુણ જેટલી ફરીથી નાણામંત્રીનો હવાલો સંભાળી લેશે, જેથી કરીને તેઓ સીસીએસની મિટિંગમાં ભાગ લઈ શકે. પીઆઇબીને બદલે જેટલીએ 7, લોકમાન્ય માર્ગ ખાતેથી પ્રેસ કોન્ફરન્સ કરીને દેશમાં વ્યાપેલા ભારે ગુસ્સાને વાચા આપી. નરેન્દ્ર મોદીની સૂચનાથી નિર્મલા સિતારમને શહીદ થયેલા સીઆરપીએફના જવાનોનાં કોફિનોને એમના વતન સુધી માનભેર પહોંચાડવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરી નાખી.

  • અંતિમવિધિના લાઇવ પ્રસારણથી કેટલાકને પેટમાં દુખ્યું કે કોઈ પક્ષને આનો રાજકીય લાભ તો નહીં થાય ને?

દિલ્હીથી 20 જેટલાં વિમાનો શહીદ જવાનોનાં કોફીનો લઈને રવાના થયા અને કેન્દ્રીય પ્રધાનો પણ એમની અંતિમયાત્રામાં જોડાયા. ભાજપ પ્રમુખ અમિત શાહે ભાજપ શાસિત રાજ્યોમાં સૂચના આપી હતી કે રાજ્યમાં શોકની જાહેરાત કરીને શહીદોને સંપૂર્ણ માન આપવામાં આવે. અંતિમવિધિનાં દૃશ્યોનું લાઇવ ટેલિવિઝન પ્રસારણ થયાથી કેટલાકને પેટમાં દુખ્યું કે કોઈ પક્ષને આનો રાજકીય લાભ તો નહીં થાય ને?

અમરસિંહ હવે આરએસએસ તરફ સરકી રહ્યા છે?
આજકાલ અમરસિંહ જાહેર અને ખાનગીમાં ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’નાં ખૂબ વખાણ કરી રહ્યા છે. પોતાના પરદાદાઓની કરોડો રૂપિયાની મિલકત અમરસિંહે આર.એસ.એસ.ની પેટા સંસ્થા ‘રાષ્ટ્રીય સેવા ભારતી’ને દાનમાં આપી છે. સંઘના ટોચના નેતા ભૈયાજી જોશી ‘રાષ્ટ્રીય સેવા ભારતી’ના સર્વેસર્વા છે અને અમરસિંહ સાથે જોશીજીને ખૂબ સારાસારી છે. એક તરફ અમરસિંહ સંઘ અને ભાજપની નજીક જતાં જાય છે અને બીજી તરફ ચૂંટણી નજીક છે ત્યારે સમાજવાદી પાર્ટીમાં તેમની ખોટ સાલી રહી છે.

‘બેલ્સ પાલ્સી’ કઈ રીતે થાય છે?
ચહેરાના એક ભાગને લકવાગ્રસ્ત કરતી બીમારી, બેલ્સ પાલ્સીના રોગનું મૂળ કારણ હજી સુધી શોધી શકાયું નથી અને તે કેવી રીતે ફેલાય છે તે પણ તબીબો હજી સુધી સમજી શક્યા નથી. વળી, તેની સામે સાવચેતીનાં કેવા પ્રકારનાં પગલાં લેવાં એ પણ હજી સુધી નક્કી કરી શકાયું નથી. સામાન્ય થિયરી એવી છે કે આમાં ચહેરાની નસો સૂજી જાય છે. પરિણામે હાડકાની ચેનલની અંદર વધુ વિસ્તૃત થવાની તેમને જગ્યા નથી મળતી અને તેથી જ બેલ્સ પાલ્સીનો રોગ થાય છે. એમ કહે છે કે આ રોગ એટલો બધો ગંભીર નથી. સાધારણ કેસમાં દર્દી 30 દિવસમાં સાજો થઈ જાય છે, પણ તીવ્ર અસરવાળાને છ મહિના લાગે છે.

ચિમ્પાન્ઝીને બધાની તાલીમ આપી શકાય
ચિમ્પાન્ઝીને સિગારેટ પીવાથી માંડીને સંગીતવાદ્યો વગાડવા સુધીની કોઈ પણ તાલીમ આપી શકાય છે. જેક નામનો આ ચિમ્પાન્ઝી તાલીમની મદદથી સ્કેટિંગ ચેમ્પિયન બની ગયો છે. કેલિફોર્નિયાના સ્કેટ બોર્ડ પાર્કમાં જેકનાં કરતબ જોવા લોકો ટોળે વળે છે. સ્કેટિંગ કરતી વખતે જેક ગમે તેવા ઢાળ(સ્લોપ)ને સહેલાઈથી પસાર કરી બતાવે છે. હમણાં એણે સ્કેટિંગ ચેમ્પિયન ચિમ્પાન્ઝી તરીકે એક એક્શન ફિલ્મમાં પણ રોલ કર્યો.

ઉંદર પકડવાનું આધુનિક મશીન
ગે બાલ્ફોર નામના સજ્જને એવું મોટું જંગી સકર મશીન બનાવ્યું છે જે કલાકમાં જમીનમાંથી ઉંદર અને ખિસકોલી જેવા સેંકડો જીવજંતુ શોષી લે છે. આ હાલતાંચાલતાં વનમેન સેનિટેશન ડિપાર્ટમેન્ટની શોધ 57 વરસના ગે બાલ્ફોરે જ કરી છે. આ વેક્યૂમ ટ્રકમાં એક ટ્યૂબ હોય છે જેમાંથી કલાકના 70 માઇલની ઝડપે પવન પસાર થાય છે. આ ટ્યૂબ ઉંદરના ભોણમાં ગોઠવી એમાં તોફાની પવન પસાર કરાય છે. તોફાની પવનના મારાથી ત્રાસીને ઉંદરો ફટાફટ ભોણમાંથી નીકળી જમીન ઉપર આવવા માંડે છે. અહીંથી તેઓ શોષાઈ પેડેડ હોપરમાં ચાલ્યા જાય છે. આ રીતે ઉંદરોને પકડીને જંગલમાં લઈ જઈ નાખી દેવાય છે. રોજના સેંકડો મૂષકો મારવાનું પાપ કરતા બાલ્ફોર મહાશય પોતાની આ સિદ્ધિ અને શોધને ઈશ્વરકૃપા જ ગણે છે. ખેતીમાં જ્યાં ઉંદરોનો ખૂબ ત્રાસ હોય ત્યાં આવું મશીન સારી રીતે ઉપયોગમાં આવી શકે છે.

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી