ઈધર-ઉધર / અમિત શાહનો નવો અવતાર મીડિયાફ્રેન્ડલી પક્ષપ્રમુખ!

article by vikram vakil

વિક્રમ વકીલ

Jan 20, 2019, 12:05 AM IST

દિલ્હીના મીડિયા વર્તુળમાં આજકાલ અમિત શાહના બદલાયેલા સ્વભાવ વિશે ચર્ચા થઈ રહી છે. એક સમયે પત્રકારોના નહીં ગમતા સવાલો સ્માર્ટલી ઉડાવી દેતા શાહ આજકાલ મીડિયાફ્રેન્ડલી થઈ ગયા છે. પત્રકાર પરિષદ કે ખાનગી સમારંભમાં અમિતભાઈ જ્યારે પત્રકારોને મળે છે ત્યારે હવે તેઓ દરેક વિષય ઉપરના સવાલોના જવાબ હળવાશથી આપે છે. પત્રકારોના ખબરઅંતર પૂછે છે. એમને ચા-નાસ્તાનું પૂછે છે. ભાજપ વિરોધી ગણાતા મીડિયાના પત્રકારો સાથે પણ પ્રેમથી વાત કરે છે. લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકરોને આપેલી શિખામણ (પત્રકારો સાથે દોસ્તી રાખો, સંબંધ કેળવો)નો બરાબર અમલ તેઓ કરી રહ્યા છે. જોકે, ગુજરાત ભાજપનાં સી. આર. પાટિલ કે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા નેતાઓ સુધી નરેન્દ્રભાઈની શિખામણ પહોંચી લાગી નથી કે પછી તેઓ એમ માને છે કે, નરેન્દ્ર મોદીની બધી શિખામણો માનવા તેઓ બંધાયેલા નથી?

  • વડાપ્રધાન મોદીએ આપેલી શિખામણ (પત્રકારો સાથે દોસ્તી રાખો, સંબંધ કેળવો)નો બરાબર અમલ કરે છે

ખૂબ જ ત્રાસદાયક રોગ ‘પેનિક’નાં દર્દીની સારવાર શા માટે જરૂરી?
‘પેનિક’ના દર્દીનાં લક્ષણો એવાં હોય છે કે શરૂઆતમાં દર્દીને શારીરિક બીમારી છે એમ જ માની લેવામાં આવે છે. દર્દી માટે ‘પેનિક’ ખૂબ જ ત્રાસદાયક રોગ છે. મનોચિકિત્સકોનું કહેવું છે કે જો પેનિકના હુમલાઓને ગંભીરતાથી લેવામાં ન આવે તો દર્દીને ‘એરોગાફોબિયા’ નામનો ગંભીર પ્રકારનો માનસિક રોગ થઈ શકે છે. દર્દી જો બસ કે ટ્રેનમાં મુસાફરી કરતો હોય અને એને ગભરામણ થઈ હોય તો એ એમ જ માનતો થઈ જાય છે કે બસમાં કે ટ્રેનમાં બેસવાથી જ એને તકલીફ થાય છે. ધીરે ધીરે એ દર્દી ઘરની બહાર એકલા નીકળવાનું જ બંધ કરી દે છે. પેનિકની સારવાર કરતાં એગોરાફોબિયાની સારવાર વધુ મુશ્કેલ છે અને દર્દીને સાજો થતા પણ વધુ સમય લાગે છે.

મૃત પપ્પાને સિગારેટ પાવાનો પ્રયત્ન!
ડેન્માર્કના ફ્લેમિંગ પેડર્સનના પિતા મૃત્યુ પામ્યા ત્યારે આ પિતાપ્રેમી પુત્રનું મન મૃત્યુની ઘટનાને માનવા તૈયાર નહોતું. તે નજર ચુકાવીને હોસ્પિટલના શબઘરમાંથી બાપની લાશને લઈ ગયો. મૃતદેહને તેણે સારામાં સારાં કપડાં અને ગોગલ્સ પહેરાવ્યાં અને એક બારમાં લઈ ગયો. ત્યાં તેણે લાશના હોઠ વચ્ચે બિયર રેડી અને પછી ત્યાં સળગતી સિગારેટ ખોસી. એ પકડાઈ ગયો ત્યારે તેણે કહ્યું, ‘હું મારા ડેડ (પપ્પા)ને સિગારેટ અને દારૂ પીવામાં મદદ કરી રહ્યો હતો.’

સોનિયા ગાંધી હજી પણ સક્રિય જ છે
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રાહુલ ગાંધી નિમાયા ત્યાર પછી કેટલાક રાજકીય પંડિતો માનતા હતા કે હવે સોનિયા ગાંધી સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ જશે. તેઓ ખોટા પુરવાર થઈ રહ્યા છે. ભૂતપૂર્વ કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી દરેક રાજકીય ગતિવિધિથી માહિતગાર રહે છે. થોડા સમય માટે નાદુરસ્ત રહેલી તબિયત પણ સુધારી રહ્યાં છે. અગત્યના નિર્ણયો બાબતે રાહુલ ગાંધી પણ માતા સોનિયા ગાંધીની સલાહ લેતા રહે છે. સોનિયા ગાંધી સિનિયર કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં રહી સમયાંતરે એમને મળતા રહે છે. જોકે, મીડિયાથી અંતર રાખવાના એમના નિર્ણયને તેઓ હજી સુધી તો વળગી રહ્યાં છે.


હવે અવકાશયાત્રીઓ માટે વસ્ત્રાહારી બેક્ટેરિયા વિકસાવવામાં આવી રહ્યા છે
આમ તો બેક્ટેરિયા માંસાહારી તથા શાકાહારી પણ હોય છે, પરંતુ રશિયન વિજ્ઞાનીઓ એવા બેક્ટેરિયાનું મિશ્રણ વિકસાવી રહ્યા છે જે સામૂહિક રીતે વસ્ત્રાહારી હોય. કપડું ખાઈ જાય તેવા બેક્ટેરિયા અવકાશયાત્રીઓના લાભાર્થે વિકસાવવામાં આવી રહ્યા છે. થાય છે એવું કે અવકાશયાત્રીઓ લાંબા સમય સુધી અવકાશમાં રહે ત્યારે તેમનાં ઉપવસ્ત્રો મોટી ઉપાધિ પેદા કરે છે. રશિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ એન્ડ મેડિકલ પ્રોબ્લેમ્સ દ્વારા વસ્ત્રનિરાકરણની જે પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે તે એવી છે જેમાં એક ડિસ્પોઝલ યુનિટમાં કપડાં નાખી દેવાનાં રહેશે. પછી બીજે દિવસે જ્યારે ડિસ્પોઝલ યુનિટ ખોલવામાં આવશે ત્યારે તેમાં વસ્ત્રો નહીં હોય, બેક્ટેરિયા તેને ખાઈ ચૂક્યા હશે!

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી