દીવાન-એ-ખાસ / ટૂ પી ઓર નોટ ટૂ પી, ઇઝ ધ ક્વેશ્ચન...

article by vikram vakil

વિક્રમ વકીલ

Jan 03, 2019, 07:51 PM IST

વાચકો, ઉપરના હેડિંગમાં પ્રૂફની કોઈ ભૂલ છે એમ ન માનતા. વિલિયમ સેક્સપિયરના નાટક ‘હેમલેટ’માં મુખ્ય પાત્રના મુખેથી બોલાયેલો ‘ટૂ બી ઓર નોટ ટૂ બી ઇઝ ધ કવેશ્ચન’ ડાયલોગ એવરગ્રીન છે.

દારૂબંધીની તરફેણમાં અને વિરુદ્ધમાં ઘણી દલીલો થાય છે, પરંતુ ભારતનાં ત્રણ રાજ્યો અને કેટલાક ઇસ્લામિક દેશો સિવાય વિશ્વમાં ક્યાંય પણ દારૂબંધી નથી

અદ્્ભુત મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’માં દારૂના નશાથી તર થયેલો નાના પાટેકર દીકરી–જમાઈની પાર્ટીમાં પહોંચી હાજર મહેમાનો સમક્ષ શેક્સપિયરની ઉપરની ઉક્તિ થોડા ફેરફાર સાથે બોલે છે, ‘ટૂ પી ઓર નોટ ટૂ પી ઇઝ ધ કવેશ્ચન!’ કદાચ ભારતીય ફિલ્મ ઇતિહાસના શ્રેષ્ઠ પાંચ અભિનયમાં ગણના કરી શકાય એવો અભિનય નાનાએ આ ફિલ્મમાં કર્યો છે. મહેફિલમાં લથડિયાં ખાતી જીભે દારૂનાં ગુણગાન ગાતી શીઘ્ર કવિતા રચીને એણે કરેલી એકાંકિત નહીં જોઈ હોય તો યુટ્યૂબ પર જઈને જોઈ લેજો. સોમરસ, મદિરા, વારુણી, શૂરા, મધુ, મધુમાધવી, આસવ, કાદંબરી... જેવાં દારૂ માટેનાં અતિ સુંદર નામો આપણા સંસ્કૃત વેદ સાહિત્યમાં છે એનો પણ ઉલ્લેખ કરે છે.


દર વર્ષે જ્યારે ક્રિસમસનો તહેવાર આવે છે, ત્યારે ગુજરાતની પોલીસ બધી કામગીરી સાઇડ ટ્રેક કરીને દારૂ વેચનારા, પીનારા, ફાર્મહાઉસ પર મહેફિલ કરનારાઓને પકડવા લાગી જાય છે. પોલીસ અને બુટલેગરો વચ્ચે ઉંદર-બિલાડીની રમત શરૂ થાય છે. આબુ, દીવ, દમણ, સેલવાસ મુંબઈ કે ગોવા જેવા દારૂની છૂટવાળાં સ્થળો ગુજરાતીઓથી ઊમટી પડે છે. દારૂબંધીની તરફેણ કરનારા અને વિરોધ કરનારાઓ વચ્ચે દલીલબાજી જોર પકડે છે.

ગુજરાતમાં જે દારૂ ખરીદવાની પરમિટ ધરાવનારાઓ છે એમની છૂપી ઈર્ષ્યા કરનારા વધી જાય છે. ઉજવણી 31મી ડિસેમ્બરની હોય અને એમાં જો છાંટોપાણીની વ્યવસ્થા નહીં હોય તો ધૂળ પડે એવી ઉજવણીમાં! જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં દારૂના પરમિટધારકોની હાલત પણ કફોડી છે. જેમની પરમિટ મર્યાદા પૂરી થઈ ગઈ હોય એમના માટે પરમિટ રિન્યૂ કરવાનું તો મુશ્કેલ બની જ ગયું છે, પરંતુ પરમિટના લિકરશોપ પરથી મળતી મદિરા પર એટલો મોટો ટેક્સ લાદવામાં આવ્યો છે કે બોટલનો ભાવ જોઈને જ પીનારાનો નશો ઊતરી જાય!


આપણા દેશમાં ગુજરાત અને બિહારમાં સંપૂર્ણ દારૂબંધી છે. કેરળમાં આંશિક બંધી છે. પૂર્વનાં એકાદ-બે નાનાં રાજ્યોમાં પણ આંશિક દારૂબંધી છે. ગુજરાત રાજ્યની સ્થાપનાથી જ ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે. કેટલાક એનો યશ કે અપયશ મોરારજી દેસાઈને આપે છે તો કેટલાક ગાંધીજીને. દારૂબંધીના રાજકારણનો નશો દારૂના નશા કરતાં વધુ ખતરનાક છે. ચતુર નીતિશકુમારને ખ્યાલ આવી ગયો હતો કે ચૂંટણી ઢંઢેરામાં જો દારૂબંધી નાખવાનું વચન આપવામાં આવે તો તેઓ મુખ્યમંત્રી બની શકે એમ છે. એમણે વચન આપ્યું, પાળ્યું અને મુખ્યમંત્રી બની ગયા.


ગુજરાતમાં તો રાજ્યની સ્થાપના પછી કોઈ પણ રાજકીય પક્ષે દારૂબંધી બાબતે કોઈ ફેરફાર કરવાનું વિચાર્યું નથી. હા, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દારૂબંધી થોડી હળવી કરવા પ્રયત્ન કર્યો હતો ખરો. બિઝનેસ કોન્ફરન્સ માટે બહારથી આવતા ડેલિગેટ્સને ખાસ દારૂની પરમિટ આપવી, તેમજ સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં દારૂની છૂટ રાખવા માટે પણ વિચારણા થઈ હતી, પરંતુ કોઈ કારણસર એનો અમલ થઈ શક્યો નહોતો. મોદીના દિલ્હી ગયા પછી તો દારૂબંધીના નિયમો વધુ કડક થયા, જેનું કારણ કેટલાક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચુસ્ત જૈન હોવાનું માને છે.


ભારતનાં બે-ત્રણ રાજ્યો ઉપરાંત કેટલાક ઇસ્લામિક દેશો સિવાય વિશ્વમાં ક્યાંય દારૂબંધી નથી. અમેરિકાએ પણ કેટલાક ધાર્મિક સંપ્રદાયોના દબાણને વશ થઈને 1919ના વર્ષથી દારૂબંધીનો કાયદો અમલમાં મૂક્યો હતો. જોકે, આ કાયદો સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો અને કાયદાને કારણે મળેલાં દુષ્ટ પરિણામોને લીધે 1933માં અમેરિકાએ દારૂબંધી ઉઠાવી લેવી પડી હતી. દારૂબંધીનાં 13 વર્ષ દરમિયાન અમેરિકામાં દારૂ પીવાનું પ્રમાણ ઘટવાને બદલે ભારે માત્રામાં વધી ગયું. દાણચોરીથી લવાતા દારૂનો ધંધો કસદાર હોવાથી વિવિધ માફિયા ગેંગનો ઉદ્્ભવ થયો અને એમની વચ્ચે શરૂ થયેલી ગેંગવોરને કારણે અમેરિકાના ઇતિહાસમાં ક્રાઇમ રેટ સૌથી વધુ વધ્યો. માફિયાઓ પાસે દારૂના ધંધામાંથી મળેલા અઢળક બે નંબરી પૈસા આવ્યા, જેને કારણે વેશ્યા વ્યવસાય અને જુગારના અડ્ડાઓ વધી ગયા. 13 વર્ષની દારૂબંધીનાં દુષ્ટ પરિણામો અમેરિકાએ ત્યાર પછીનાં ઘણાં વર્ષો સુધી ભોગવ્યાં. સમૃદ્ધ થયેલા ઇટાલિયન માફિયા સરદારો બેફામ બન્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ રાજકારણમાં પણ ભ્રષ્ટાચાર વધી ગયો. અમેરિકાના કેટલાક નિષ્ણાતો અને બૌદ્ધિકો દારૂબંધીના નિર્ણયને અમેરિકાની એક સૌથી મોટી બેવકૂફી ગણાવે છે.


આપણે ત્યાં એવી માન્યતા છે કે ચુસ્ત ઇસ્લામિક દેશોમાં દારૂબંધીના કાયદા ખૂબ કડક હોય છે. હકીકતે આ અર્ધસત્ય છે. તાલિબાન કે આઇસીસ જેવા કટ્ટરવાદીઓનાં શાસન જ્યાં નહીં હોય ત્યાં કેટલાક નિયમોને આધીન દારૂ મળી શકે છે. ઈરાન જેવા દેશમાં ખોમૈનીના શાસન પહેલાં (અને પછી પણ) કેટલાક વિસ્તારોમાં વાઇન શોપ અને બાર હતાં. ઈરાનમાં શ્રીમંતો અને યુવાનો દારૂ પીએ એને બહુ ઓછા છોછ માને છે, એજ રીતે ઇરાકનાં યુવક-યુવતીઓ પણ વીકેન્ડમાં કુર્દની સરહદે આવેલા પબ અને ડિસ્કોથેકમાં જઈ મનોરંજન કરે છે. વર્ષો સુધી સિવિલ વોરથી ત્રસ્ત પેલેસ્ટાઇનમાં બહુમતી મુસ્લિમ છે, પરંતુ ખ્રિસ્તીઓ પણ મોટી માત્રામાં છે. ખ્રિસ્તીઓના વિસ્તારમાં છૂટથી દારૂ મળે છે અને મુસ્લિમ વિસ્તારના કેટલાક શોખીનો વિકેન્ડ દરમિયાન કે ચાલુ દિવસે પણ થોડું જોખમ લઈ ખ્રિસ્તી વિસ્તારમાં જઈને છાંટોપાણી કરી આવે છે.


દુનિયા ઝડપથી નજીક આવી રહી છે અને વ્યાવસાયિક કારણે દુનિયા આખીના લોકો બીજા દેશોમાં જતા થયા છે ત્યારે રાજકારણીઓ માટે વધુ પડતું રૂઢિચુસ્ત થવું પાલવે નહીં એ મુસ્લિમ શાસકો પણ સમજી રહ્યા છે. હિન્દુ પુરાણોમાં પણ ફક્ત પુરુષો જ નહીં મહિલાઓ પણ મદિરાપાન કરતી હોવાના ઉલ્લેખ છે. ગુજરાતમાં દારૂબંધીને કારણે જ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં હોવાના દાવા થાય છે. ગોવામાં પરકેપિટા હત્યાના બનાવો સુરત જેવા શહેર કરતાં દસમા ભાગના પણ નથી. પોંડેચેરીમાં દેશનો સૌથી સસ્તો દારૂ વેચાય છે અને છતાં કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ પોંડિચેરી બિહાર કરતાં વધુ સેફ છે. જો અમદાવાદ કે રાજકોટમાં મોડી રાત્રે સ્ત્રી એકલી બહાર નીકળી શકતી હોય તો મુંબઈમાં પણ રાત્રે 2 વાગ્યાની છેલ્લી ટ્રેન પકડીને ઘરે જતી સેંકડો સ્ત્રી હોય જ છે. 60 લાખથી વધુ યહુદીઓની હત્યા કરનાર હિટલરે કદી દારૂ કે નોનવેજને હાથ લગાડ્યો નહોતો, તો બીજી તરફ વિશ્વના એક શ્રેષ્ઠ નેતા તરીકે જેની ગણના થાય છે એ ઇંગ્લેડના વડાપ્રધાન વિન્સ્ટન્ટ ચર્ચિલથી મોટો દારૂડિયો મળવો મુશ્કેલ છે.

85થી વધુ વય સુધી જીવેલા ચર્ચિલ દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં વ્હિસ્કી પીતા, બપોરે લન્ચ વખતે આખી બોટલ શેમ્પેઇનની ખાલી કરતા અને રાત્રે જમતા પહેલાં પાછી અડધી બોટલ બ્રાન્ડી પિતા હતા. જોકે, બધાનું સ્વાસ્થ્ય કદાચ ચર્ચિલ જેવું સારું ન હોય, પરંતુ એક વિદ્વાને કહેલું એમઃ સમાજની ત્રણ બદી ઐતિહાસિક કાળથી ચાલી આવી છે અને દુનિયાનો કોઈ કાયદો એને રોકી નહીં શકે. દારૂ, જુગાર અને વેશ્યાવ્યવસાય. જોઈએ ભવિષ્યમાં આ વિદ્વાન ખોટા પડે છે કે નહીં. ⬛[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી