હેલ્ધી વુમન / પેપ ટેસ્ટ કરાવવો કેમ જરૂરી?

article by dr. smita thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Dec 25, 2018, 12:05 AM IST

કૌશાંબીની ઉંમર આડત્રીસ વર્ષની. છેલ્લાં બે વર્ષમાં તે છઠ્ઠી વાર મારી પાસે ‘ચેકઅપ’ માટે આવી હતી. એની ફરિયાદ દર વખતે એકની એક જ, ‘બહેન, મારા યોનિમાર્ગમાંથી વ્હાઇટ પાણી જાય છે. ખંજવાળ આવે છે. ક્યારેક પેશાબમાં બળતરા થાય છે.’
મેં દર વખતની જેમ આ વખતે પણ સલાહ આપી, ‘મારું પ્રિસ્ક્રિપ્શન તારી પાસે સચવાયેલું છે ને? જરૂર પડે તો વર્ષમાં બે-ત્રણ વાર એ દવાઓ રિપીટ કરી શકે છે.’


‘મને ડર લાગે છે કે મારી સાથે આવું વારંવાર શાથી થાય છે?’


‘આવું ઘણી બહેનોમાં જોવા મળે છે. આ એક પ્રકારનો ચેપ છે, જે શારીરિક સંબંધ બાંધવાથી થાય છે. તું અને તારો પતિ નિયમિત સેક્સલાઇફ માણો છો એટલે આવું થયા કરવાનું. મેં બીજાં બધાં પરિબળો તપાસી લીધાં છે. તને ડાયાબિટીસ નથી. તારું સ્ટ્રેસ લેવલ પણ ખાસ વધારે નથી. તારું ઓવરઓલ હાઇજિન પણ સારું છે. તું તારાં ગુપ્તાંગોની સ્વચ્છતા પણ જાળવે છે. માટે ચિંતા કરવાનું ખાસ કોઈ કારણ રહેતું નથી, પણ આજે હું તારો પેપ ટેસ્ટ કરી લઈશ. એનો રિપોર્ટ જો નોર્મલ આવશે તો તું સાવ જ નચિંત બની જજે.’

પેપ ટેસ્ટ એ કોઇ પ્રકારનંુ ઓપરેશન નથી કે તેમાં સ્ત્રીને બેભાન કરવાની પણ જરૂર પડતી નથી. એક સામાન્ય સ્થિતિમાં સ્ત્રીના ગર્ભાશયના મુખ પરના પાણીને પટ્ટી પર લઇ તેને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે, જેનું પરિણામ જાણવું જરૂરી છે

‘પેપ ટેસ્ટ એટલે શું? એ માટે મારે દવાખાનામાં દાખલ થવું પડશે? મને એનેસ્થેસિયા આપશે? ઓપરેશન? એનો ખર્ચ કેટલો આવશે?’ કૌશાંબીએ અનેક પ્રશ્નો પૂછી નાખ્યા.


મને હસવું આવી ગયું. સામાન્ય પ્રજાના મનમાં મેડિકલ ક્ષેત્રને લગતી બાબતો વિશે કેટલી બધી ગેરસમજો હોય છે!


‘કૌશાંબી, તારા દરેક પ્રશ્નનો ઉત્તર હું આપીશ, પણ સૌ પ્રથમ તો મારે એ વાતની સ્પષ્ટતા કરી દેવી છે કે પેપ ટેસ્ટ એ કોઈ ઓપરેશન નથી. એ માટે ન તો દર્દીએ દવાખાનામાં દાખલ થવાની જરૂર પડે છે, ન એના માટે બેભાન થવાનું ઇન્જેક્શન લેવાની. રહી વાત ખર્ચની! તો એ પણ નહીંવત્ છે. હવે હું તને એ સમજાવું કે પેપ ટેસ્ટ શું છે અને તે કેમ કરાવવો જોઈએ.’


જે પ્રશ્નો કૌશાંબીનાં મનમાં જન્મ્યા તેવા જ સવાલો ઘણી બધી બહેનોને થતા હશે. પેપ ટેસ્ટ એ વાસ્તવમાં સ્ત્રીઓ ઉપર મેડિકલ સાયન્સનો મોટો ઉપકાર છે. સ્ત્રીઓમાં જોવા મળતા તમામ પ્રકારનાં કેન્સરોમાં પ્રથમ ક્રમે સ્તન કેન્સર અને બીજા ક્રમે ‘સર્વાઇકલ કેન્સર’ (ગર્ભાશયના મુખનું કેન્સર) જોવા મળે છે. એક વાર ગર્ભાશયના મુખનું કેન્સર થાય તે પછીની નિદાન પદ્ધતિ અને એની સારવાર ભારે ખર્ચાળ અને શારીરિક-માનસિક રીતે દુ:ખદાયક હોય છે, પણ જો આવું થવાનું છે તેની માહિતી આગોતરા અને સમયસર મળી જાય તો ઘણો ખર્ચ અને ઘણી તકલીફો નિવારી શકાય છે.


બહેનોએ પેપ ટેસ્ટ નિયમિત રીતે સમયાંતરે કરાવતા રહેવું જોઈએ. વિદેશોમાં તો યુવતી 18 વર્ષની થાય ત્યારે આ પરીક્ષણ કરાવી લેવાય છે. યુરોપ-અમેરિકામાં કોઈ પણ સ્ત્રી જ્યારે એનું જાતીય જીવન શરૂ કરે (લગ્ન પહેલાં કે પછી) ત્યારે જ આ પરીક્ષણ કરાવી લેવાની સલાહ આપવામાં આવે છે.


આ એક ‘સ્ક્રીનિંગ ટેસ્ટ’ છે. સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે એવું પરીક્ષણ જેના વડે કોઈ છૂપું દર્દ કે ખતરનાક બીમારી હોય કે ન હોય, તે વખતસર જાણી શકાય એવો ટેસ્ટ. એનું પરિણામ જો નોર્મલ આવે તો ચિંતા છોડી દેવાની અને જો એબનોર્મલ આવે તો સવેળા ચેતી જવાનું. રોગને શરૂઆતથી જ ડામી શકાય તેવી સારવાર શરૂ કરી દેવાની.


ગર્ભાશયના મુખ ઉપર પાતળા ખાસ પ્રકારના કોષોનું આવરણ રહેલું હોય છે. ઉપરની સપાટીના કોષો થોડા થોડા સમય બાદ મરતા અને ખરતા રહે છે. એનું સ્થાન અંદરના બીજા કોષો લઈ લે છે. આ પ્રક્રિયા જીવનભર ચાલતી જ રહે છે. કોઈ પણ જાણીતા કે અગમ્ય કારણથી આ નવા કોષો જ્યારે અસામાન્ય બને છે ત્યારે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે. આવું કંઈ રાતોરાત થતું નથી.


પેપ ટેસ્ટ અહીં ખૂબ ઉપયોગી બની જાય છે. એના માટે સ્ત્રીને દવાખાનામાં દાખલ કરવાની આવશ્યકતા ઊભી થતી નથી. તપાસ કરવાના ટેબલ ઉપર સ્ત્રીને સુવડાવીને, એને પોઝિશન આપીને, એક સાધન વડે ગર્ભાશયનું મુખ જોવામાં આવે છે. તે પછી ચમચી જેવા આકારની પટ્ટી વડે ગર્ભાશયના મુખ પરથી પાણી લઈને એ પટ્ટીને કાચની ‘જાર’માં ભરેલા દ્રાવણમાં સાચવીને મૂકી દેવામાં આવે છે.

આ સંપૂર્ણ પ્રક્રિયામાં માંડ પાંચેક મિનિટ લાગે છે. આ પાણીને કાચની સ્લાઇડ પર પાથરી દેવામાં આવે છે. આ પટ્ટીને પેથોલોજી લેબોરેટરીમાં તપાસ માટે મોકલાય છે. ત્યાં પેથોલોજિસ્ટ એ પટ્ટી પર લાગેલા કોષોને(એટલે કે સ્લાઇડ)ને તપાસીને કહી આપે છે કે એ કોષો સામાન્ય છે કે તેમાં કોઈ અસામાન્ય ફેરફારો થઈ રહ્યા છે. જો આ ટેસ્ટનું પરિણામ નોર્મલ જાણવા મળે તો એવું કહી શકાય કે નજીકના આવનારા સમયમાં ગર્ભાશયના મુખનું કેન્સર થવાની સંભાવના નહીંવત્ છે.


જો આ ટેસ્ટનું પરિણામ અસામાન્ય પકડાય તો તેવી બહેનોએ ડૉક્ટર પાસે જઈને વારંવાર પેપ ટેસ્ટ કરાવતા રહેવું હિતાવહ છે. આપણા દેશમાં પણ હવે બહેનોમાં પશ્ચિમી ‘સંસ્કૃતિ’નું આચરણ વધતું જાય છે. ધૂમ્રપાન કરવું, એક કરતાં વધારે પુરુષો સાથે સેક્સ કરવું, એચ.આઇ.વી. જેવી બીમારી લાગુ પડવી કે જાતીય સંબંધથી થતા અન્ય ચેપ લાગુ પડવા, આવું બધું હોય તેવી બહેનોએ તો દર વર્ષે પેપ ટેસ્ટ કરાવવો જ જોઈએ.

X
article by dr. smita thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી