પ્રસૂતિ બાદ થતી સમસ્યા ‘ડીપ વેઇન થ્રોમ્બોસિસ’

article by dr. smita sarad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Oct 23, 2018, 12:05 AM IST

સવારે લગભગ અગિયારેક વાગ્યે કોઈનો ફોન આવ્યો. અજાણ્યો નંબર હતો. અપરિચિત અવાજ હતો. જે પુરુષ વાત કરતો હતો એ પણ મારા માટે સાવ અજાણ્યો હતો. એણે પોતાનું નામ ‘મુકેશભાઈ’ આપ્યું. એના અવાજમાં ગભરાટ હતો, ‘બહેન, હું સાબરકાંઠાનો વતની છું. અત્યારે અમદાવાદથી બોલું છું.’


‘બોલો મુકેશભાઈ.’ મેં પૂછ્યું, ‘અત્યારે તમે ક્યાં છો?’
‘બહેન, હું રાણીપ વિસ્તારમાં મારા એક સગાના ઘરે છું. મારી પત્નીએ પાંચ દિવસ પહેલાં અમારા ટાઉનમાં એક ડોક્ટરના નર્સિંગહોમમાં ડિલિવરી કરાવી છે. ત્રણેક દિવસ સુધી તો બધું બરાબર રહ્યું, ખાલી એના બેય પગ દુખતા હતા. પછી એક પગમાં સોજો આવી ગયો. તાવ પણ આવતો હતો. અમારા ડોક્ટરથી નિદાન ન પકડાયું એટલે એમણે અમને અમદાવાદ મોકલ્યાં. અહીં અમારા સગાના કહેવાથી અમે પાસેના એક નર્સિંગહોમમાં દાખલ થઈ ગયાં છીએ. ડોક્ટરે સારવાર શરૂ કરી દીધી છે. હવે મારી પત્ની ઊભી થઈ શકતી નથી, ચાલી શકવાનો તો સવાલ જ ક્યાં રહ્યો? મને થયું કે એક વાર તમને ફોન કરી જોઉં. તમને શું લાગે છે? મારી પત્નીને શું થયું હોઈ શકે?’

પ્રસૂતિ પછી સતત આરામ, ભારે શરીર અને ટાંકામાં ઇન્ફેક્શનને લીધે ઘણી વાર દર્દીને ‘ડીપ વેઇન થ્રોમ્બોસિસ’ થાય છે જે ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે

‘પેશન્ટને શું થયું હોઈ શકે તે માત્ર ફોન પર વાત કરવાથી ન જાણવા મળે. પેશન્ટની તપાસ કર્યા પછી જ નિદાન કરી શકાય.’ ‘પણ રમાને હું કેવી રીતે તમારા સુધી લઈ આવું? એ તો પથારીમાંથી ઊભી પણ થઈ શકતી નથી.’


‘તમે એની ફાઇલ લઈને મને બતાવી જાવ. હું રિપોર્ટ્સ વગેરે વાંચીને પછી તમને સલાહ આપું કે આ કેસમાં શું કરી શકાય તેવું છે!’ મુકેશભાઈની વાતચીત પરથી મને થોડી શંકા તો પડી ગઈ કે રમાને શું થયું હશે, પણ રિપોર્ટ્સ જોયા વગર કે કેસ હિસ્ટ્રી વાંચ્યા વગર કોઈ નિષ્કર્ષ પર ન અવાય.


દોઢેક કલાક પછી મુકેશભાઈ આવી પહોંચ્યા. એ તો બાપડા અમદાવાદની ભૂગોળથી અજાણ્યા હતા, એટલે સાથે એમના સ્થાનિક સગાને લઈને આવ્યા હતા. મુકેશભાઈની આંખોમાં ચિંતા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.


મેં ફાઇલની અંદરના પેપર્સ વાંચ્યાં. તકલીફ એ જ હતી જેની મને શંકા હતી. રમાને ‘ડીપ વેઇન થ્રોમ્બોસિસ’ થયું હતું. આજકાલ આ તકલીફ ખૂબ ઓછા કિસ્સાઓમાં જોવા મળે છે, પણ અગાઉનાં વર્ષોમાં આ સ્થિતિ સાવ ‘રેર’ ન હતી. પ્રસૂતિ નોર્મલ રીતે થઈ હોય કે ચીપિયાની મદદથી અથવા સિઝેરિયન દ્વારા થઈ હોય, કોઈ પણ કેસમાં આ તકલીફ થઈ શકે છે.


દર્દીનું શરીર ભારે હોય, પ્રસૂતિ પછીના દિવસોમાં હલનચલન કર્યા વગર દિવસ અને રાત આરામ કર્યાં કરે, એના પ્રસવમાર્ગમાં અથવા ટાંકામાં ઇન્ફેક્શન લાગુ પડે, વગેરે કેટલીક પરિસ્થિતિઓમાં એક અથવા બંને પગમાં અશુદ્ધ લોહીનું વહન કરતી શિરાઓમાં લોહીની ગાંઠો બાઝી જાય છે. એના પરિણામે બંને પગમાં સખત દુખાવો થાય છે. રક્તનું પરિભ્રમણ અવરોધાવાથી પગમાં સોજા આવી જાય છે. ચેપ લાગ્યો હોય એટલે તાવ તો આવે જ.
આ કોમ્પ્લિકેશન ખૂબ જ જોખમી છે. શિરામાં ગંઠાયેલું લોહી જો છૂટું પડીને ઉપરની દિશામાં ભ્રમણ કરવા માંડે તો ફેફસાંમાં કે હૃદયમાં કે બ્રેઇનમાં જઈને અટકે છે, પછી જે થાય છે તે જીવલેણ સાબિત થઈ શકે છે.


મેં ફાઇલનો આભ્યાસ કરી લીધો. રમા જે નર્સિંગહોમમાં ‘એડમિટ’ થયેલી હતી તે ડોક્ટરનું નામ મેં વાંચ્યું. એ મારા પરિચિત ગાયનેકોલોજિસ્ટ હતા. મારી જાણકારી મુજબ તે પોતાના કાર્યમાં કુશળ હતા, દર્દીની બરાબર કાળજી લેનારા હતા. એમણે શરૂ કરેલી ટ્રીટમેન્ટ યોગ્ય જ હતી.
‘મુકેશભાઈ, જો મારી સલાહ માનો તો હું કહીશ કે તમે યોગ્ય જગ્યાએ છો, રમાને ત્યાં જ રહેવા દો. આ એક એવી બીમારી છે જેમાં દર્દીને શારીરિક હલનચલન કરાવવાથી કે એને એક સ્થળેથી બીજા સ્થળે શિફ્ટ કરવાથી કોમ્પ્લિકેશન થઈ શકે છે. વધુમાં રમાની જે સારવાર હું કરીશ તે જ સારવાર એ ડોક્ટર સાહેબ કરી રહ્યા છે.’


‘બહેન, તમારી વાત હું સ્વીકારું છું, પણ દર્દી અને ડોક્ટરની વચ્ચે ‘શ્રદ્ધા’ જેવો એક શબ્દ પણ હોય છે. અમને બંનેને તમારી ઉપર વધારે ભરોસો હોય એનું શું?’


મેં કહ્યું, ‘તમારા અને રમાના સંતોષ માટે હું જાતે ત્યાં આવીશ અને એને તપાસી જઈશ. ત્યાંના ડોક્ટરની સાથે રમાનાં નિદાન અને સારવાર અંગે ચર્ચા પણ કરી લઈશ. પછી તો તમને કોઈ અસંતોષ નહીં રહે ને?’ એ દિવસે જ નમતી બપોરે હું ત્યાં જઈને રમાને તપાસી આવી. એને સાંત્વના આપી. ડો. શાહને મળીને વધુ ‘ડિસ્કસ’ કરી આવી. લગભગ એકાદ મહિનાની ઘનિષ્ઠ સારવાર પછી રમાને હવે ઘણે અંશે સારું છે.

X
article by dr. smita sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી