ગર્ભાશયમાં બાળક આડું છે

article by dr. smita thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Sep 11, 2018, 01:36 PM IST

લિપિ પ્રથમ વાર પ્રેગ્નન્ટ બની હતી. અમદાવાદથી ચાળીસેક કિ.મી. દૂર આવેલા ટાઉનમાં રહેતી હતી. જેવી તેને પ્રેગ્નન્સી હોવાની ખબર પડી કે તરત જ તે સાસુને લઈને ત્યાંના ડોક્ટર પાસે ‘ચેકઅપ’ માટે પહોંચી ગઈ. પ્રાઇવેટ ક્લિનિક માંડ એક હતું, એટલે લિપિને એનાં સાસુમા સરકારી મેટરનિટી હોમમાં લઈ ગયાં. ગવર્નમેન્ટ સેટઅપમાં પણ ડોક્ટરો સારા અને હોશિયાર હોય છે. ત્યાં ફક્ત એક જ પ્રોબ્લેમ હોય છે. દર્દીઓની ભીડ મોટી રહેતી હોવાથી દર્દીઓએ વાટ જોવામાં સારો એવો સમય આપવાની તૈયારી રાખવી પડે છે.


લિપિની સારવાર સારી રીતે ચાલુ થઈ ગઈ. જરૂરી બ્લડ ટેસ્ટ્સ, યુરિન ટેસ્ટ, સમયાંતરે સોનોગ્રાફીની તપાસ આ બધું ચાલતું રહ્યું. લિપિને સાત મહિના પૂરા થવા આવ્યા. એ રૂટિન ચેકઅપ માટે દવાખાને ગઈ, સાથે એનાં સાસુમા પણ હતાં. ડોક્ટરે બ્લડપ્રેશર માપ્યું, વજનમાં થયેલો વધારો નોંધ્યો. પછી લિપિને ટેબલ ઉપર સુવડાવીને પેટ પરથી તપાસ કરી. ગર્ભનો વિકાસ સાત મહિના પ્રમાણે યોગ્ય હતો. ગર્ભસ્થ શિશુની સ્થિતિની તપાસ કરવામાં ડોક્ટરને કંઈક અસામાન્ય જેવું લાગ્યું. જોકે, એમના ચહેરા પર ચિંતા જેવું કંઈ પ્રગટ્યું નહીં, પણ એમણે તરત જ નર્સને સૂચના આપી, ‘સિસ્ટર, આ પેશન્ટની સોનોગ્રાફી કરવી પડશે. એને બાજુના રૂમમાં લઈ જાવ.’


સોનોગ્રાફીની તપાસ કરી લીધા પછી ડૉક્ટરે ફાઇલમાં નોંધ કરી: ટ્રાન્સવર્સ લાઈ.
સાસુમા આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યાં હતાં. એમણે ડોક્ટરને પૂછ્યું, ‘ડોક્ટર, કંઈ ગરબડ તો નથી ને?

ગર્ભાશયમાં ‘બાળક આડુંં છે’ એ સાંભળતાંની સાથે જ પ્રસૂતા તો ઠીક, પણ અન્ય સંબંધીઓ પણ ગભરાઇ જાય છે. આ સ્થિતિ છેક પ્રસૂતિ સુધી યથાવત રહે તેવું જરૂરી નથી

‘ના, ગર્ભાશયની અંદર બાળક સીધું હોવું જોઈએ એટલે કે બાળકનું માથું નીચેની દિશામાં અને પગ ઉપરની તરફ હોવા જોઈએ. શિર્ષાસનની સ્થિતિમાં બાળક હોય તેને પ્રેગ્નન્સી માટે સીધું કહેવાય છે. જો માથું ઉપર અને પગ નીચે હોય તો અમારા માટે તે ઊંધું છે, પણ લિપિના કિસ્સામાં ગર્ભસ્થ શિશુ સીધું પણ નથી કે ઊંધું પણ નથી.’
‘તો કેવી સ્થિતિમાં છે?’


‘આડું છે.’ ડોક્ટરે કહ્યું.
સાસુની ચીસ નીકળી ગઈ, ‘હેં?’ ડોક્ટર સમજી ગયા કે એમણે બોલવામાં ઉતાવળ કરી દીધી છે, જે લોકો મેડિકલ સાયન્સથી અજાણ છે તેમના માટે ‘ગર્ભાશયમાં બાળક આડું છે’ એ વાક્ય જ ડરાવી મૂકવા માટે પૂરતું છે. એ બાબત કંઈક અંશે ખરી છે અને મહદંશે ભ્રામક પણ છે, એનો આધાર પ્રેગ્નન્સી કેટલાં અઠવાડિયાંની છે એની ઉપર હોય છે.


ડોક્ટરે એમનાથી બની શકે એટલી કોશિશો કરી જોઈ જેનાથી લિપિ અને એની સાસુ ભયમુક્ત બની જાય, પણ કોઈ ફરક ન પડ્યો. અંતે સાસુમાએ મને પૂછવાનું વિચાર્યું. એમણે એક પત્ર લખી મોકલ્યો. ખૂબ ઓછા શબ્દોમાં, મુદ્દાસર લખાણ લખીને એમણે લિપિ અંગેની મૂંઝવણ રજૂ કરી દીધી. પછી વિનંતી કરી, ‘બહેન, મને યોગ્ય માર્ગદર્શન આપશો?’


પત્રમાં એમનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો. કોઈ વાચકને ફોન પર અંગત માર્ગદર્શન આપવું એ સમયની રીતે શક્ય નથી અને હવે તો કાયદો પણ એવું કરવાની ના પાડે છે. માટે આ લેખ દ્વારા એમના મનની શંકા દૂર કરી આપું છું. માત્ર લિપિ માટે જ નહીં, પણ આ માહિતી એનાં જેવી સ્થિતિમાં મુકાયેલી સેંકડો સગર્ભાઓને પણ ખપમાં આવશે. સાદી ભાષામાં સમજાવું તો ગર્ભવતી સ્ત્રીનાં ગર્ભાશયને પાણી ભરેલા માછલીઘર સાથે સરખાવી શકાય. જેવી રીતે માછલીઘરમાં તરતી માછલીની ચારે બાજુએ પાણી રહેલું હોય છે તેવી જ રીતે ગર્ભસ્થ શિશુ પણ ગર્ભજળમાં તરતું હોય છે.

કાચની દીવાલની જેમ જ ગર્ભજળને પણ એક પાતળું આવરણ હોય છે. જેમ જેમ ગર્ભનો વિકાસ થતો જાય છે, તેમ તેમ ગર્ભજળનું પ્રમાણ પણ વધતું જાય છે અને એની ફરતે આવેલું પાતળું ફુગ્ગા જેવું આવરણ પણ મોટું થતું જાય છે. માછલીની જેમ જ ગર્ભ પણ ગર્ભજળમાં તરતો રહે છે, ફરતો રહે છે અને પોતાની સ્થિતિ બદલતો રહે છે. ક્યારેક સીધો, ક્યારેક ઊંધો તો ક્યારેક આડો. ડોક્ટર જે ક્ષણે ‘ચેકઅપ’ કરે તે સમયે ગર્ભની જે સ્થિતિ હોય તે જ કેસપેપરમાં નોંધાય છે, પણ એનો અર્થ એ નથી કે એવી સ્થિતિ છેક સુધી રહેશે. પંદર દિવસ પછીના ચેકઅપમાં બાળકની પોઝિશન બદલાઈ પણ જઈ શકે છે.


એટલે લિપિને સાત મહિનાના સમયે બાળક આડું હતું એ જરા પણ ચિંતાનો વિષય ન ગણાય. ખરી ગંભીરતા ત્યારે કહેવાય જ્યારે પ્રસૂતિની નિર્ધારિત તારીખ આડે ગણતરીનાં અઠવાડિયાં જ રહ્યાં હોય અને ગર્ભસ્થ શિશુની પોઝિશન ઊંધી કે આડી છે તેવું જાણવા મળે. ગર્ભસ્થ શિશુનું વજન અને કદ વધતું જાય એ પછી ગર્ભાશયની અંદર એને હરવા-ફરવા માટે પૂરતી જગ્યા રહેતી નથી, એટલે તે સમયે જે સ્થિતિ જોવા મળે તે છેક લેબર પેઇન્સ શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહે છે.
એક ખાસ તબક્કે કુશળ અને અનુભવી ગાયનેકોલોજિસ્ટ પેટ પર બંને હાથ મૂકીને આડી સ્થિતિમાં રહેલા બાળકને ફેરવીને યોગ્ય પોઝિશનમાં લાવી શકે છે. ક્યારેક એક હાથ બહાર અને એક હાથ અંદર રાખીને પણ બાળકને ‘રોટેટ’ કરી શકાય છે.


લિપિ જેવી મોટાભાગની સગર્ભાઓએ છઠ્ઠા, સાતમા કે આઠમા મહિને ગર્ભસ્થ શિશુ ઊંધું કે આડું છે એવું સાંભળીને ડરી જવાની જરા પણ જરૂર નથી.

X
article by dr. smita thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી