હેલ્ધી વુમન / સગર્ભાવસ્થામાં સંપૂર્ણ અને તણાવમુક્ત આરામ અનિવાર્ય

article by dr. shmita sharad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Apr 23, 2019, 05:43 PM IST

22 વર્ષની ગોપિકા પહેલી વાર ગર્ભવતી બની હતી. ત્રીજા મહિનાથી જ એને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. એના ડૉકટરે અેને દવાઓ અને સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી હતી. તેમ છતાં પ્રસૂતિની નિર્ધારિત તારીખ કરતાં ત્રણ મહિના પહેલાં તેને દર્દ શરૂ થઇ ગયું હતું અને પ્રિમેચ્યોર બાળક અવતરે તેવી શક્યતાઓ ઊભી થઇ હતી. ગોપિકાને લઇને તેની સાસુ અને વડસાસુ મારી પાસે આવી પહોંચ્યાં. તેમણે વિનંતીનો વરસાદ વરસાવી દીધો, ‘બહેન, ગમે તે કરો પણ આ સુવાવડ હમણાં ન થાય એવું કરી આપો. જો અત્યારે આ બાળક જન્મી જશે તો બચી નહીં શકે.’
વર્ષો પહેલાંની આ ઘટના છે ત્યારે નિયોનેટલ કેર આજના જેવી વિકસિત થઇ નહોતી. અત્યારે તો 600-700 ગ્રામ વજનના બાળકને પણ બચાવી લેવામાં આવે છે. તે સમયે 1500-1700 ગ્રામના નવજાત શિશુઓ પણ બચી શકતા ન હતા.
થોડી વાતચીત બાદ મને જાણવા મળ્યું કે ગોપિકાના ગર્ભાશયમાં જે ગર્ભ વિકસી રહ્યો હતો તે દીકરો હતો. તે સમયે ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ થઇ શકતું હતું. તેના પર પ્રતિબંધ મુકાવાને હજુ ઘણાં વર્ષોની વાર હતી.

  • ઘણી મહિલાઓ માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન આરામ કરવાથી નોર્મલ પ્રસૂતિ ન થાય, પણ આ માન્યતા ખોટી છે

ખેર, મારે દીકરા કે દીકરી સાથે કોઇ લેવાદેવા નહોતી. મારા માટે તો મા અને બાળક બંનેની જિંદગી બચી જાય તે જ મહત્વનું હતું. મેં ગોપિકાના બધા રિપોર્ટ્સ વાંચ્યાં. પછી એને ચેકઅપ માટે ટેબલ પર લીધી. પહેલા ડોક્ટરનું નિદાન સાચું જ હતું. મને પણ આશ્ચર્ય થયું કે આટલો આરામ અને યોગ્ય દવાઓ લેવા છતાં પણ આવી સ્થિતિ કેમ ઊભી થઇ! મેં ગોપિકાને પૂછ્યું, ‘સાચું કહે, તું ઘરમાં કોઇ કામ તું કરતી નથીને?’
ગોપિકાએ સાવ ધીમા અવાજમાં પૂછ્યું, ‘બહેન, આપણી વાતચીતનો અવાજ બહાર તો નહીં જાયને?’ મેં એને હિંમત બંધાવી, ‘ના. એણે હકીકત જણાવી દીધી, ‘મારા ફેમિલીમાં કુલ છ સાસુઓ છે. બધી એક-એકનું માથું ભાંગે તેવી. ડોક્ટરે મને ત્રીજા મહિનાથી જ આરામ કરવાની સલાહ આપી હતી પણ આ લોકો મને જરા પણ આરામ કરવા દેતાં નથી. બધા સાવ જૂનવાણી માણસો છે. એ લોકો એવું માને છે કે ડોક્ટરોને કશી ગતાગમ ના પડે. ગર્ભવતી સ્ત્રીએ તો બને તેટલું વધારે કામ કરવું જ જોઇએ તો જ સુવાવડ નોર્મલ રીતે થાય. પથારીમાં પડ્યાં રહેવાથી તો પેટ જ ચીરાવવું પડે. એટલે મારી પાસે મારી સાસુઓ બધું જ કામ કરાવે છે અને ડોક્ટર પૂછે તો જુઠ્ઠું બોલે છે. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે.’
હું સમજી ગઇ. આ ફેમિલીની માનસિકતા બરાબર પારખી ગઇ. મેં ગોપિકાની સાસુને કહી દીધું, ‘જો તમારે આ પ્રેગ્નન્સી લંબાવવી હોય તો હું કહું તે પ્રમાણે કરવું પડશે. બોલો, મંજૂર છે?’
સાસુમા ગભરાયેલાં હતાં. તરત જ સંમત થઇ ગયાં. મેં કહ્યું, ‘દવા તો યોગ્ય જ ચાલી રહી છે. માત્ર સંપૂર્ણ આરામની જરૂર છે.’
‘આરામ તો અમે કરાવી જ રહ્યા છીએ. ખાટલેથી પાટલે...’ ગોપિકાની સાસુ વાક્ય પૂરું કરે એ પહેલાં મેં અવાજ સખ્ત કરી દીધો, ‘ખાટલે થી પાટલે નહીં હવે માત્ર ખાટલો જ યાદ રાખો, પાટલો ભૂલી જાવ. તમારી વહુને મારા નર્સિંગ હોમમાં, મારા ઓબ્ઝર્વેશન હેઠળ જ રાખવી પડશે. ચા- નાસ્તો, બપોરનું અને રાતનું ભોજન, બધું જ પથારીમાં. માત્ર જાજરું-બાથરૂમ માટે ઊભા થવાની છૂટ.’
‘ભલે બહેન. બે-ચાર દિવસ માટે દાખલ કરી દો.’
મેં કહ્યું, ‘બે-ચાર દિવસ માટે નહીં, આ મહિના-બે મહિના સુધીની વાત છે. હું બધી જ કોશિશ કરી છૂટીશ. એ પછી પણ ડિલિવરી ક્યારે થઇ જશે એ કહેવાય નહીં. મારું કામ માત્ર કોશિશ કરવાનું છે. તમે દિવસો ગણવાનું બંધ કરી દેજો.’ ગોપિકાની સાસુ પાસે સંમત થવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ ન હતો. મેં ગોપિકાને દાખલ કરી દીધી. બેડના બંને પગ તરફના પાયાઓ નીચે એક એક એક ઇંટ મુકાવી દીધી. ગોળીઓના ડોઝમાં આવશ્યક ફેરફારો કરી દીધા. પછી ગોપિકાને સૂચના આપી, ‘તારે સંપૂર્ણ આરામ કરવાનો છે અને એ આરામ તણાવમુક્ત આરામ હોવો જોઇએ. તારું કે તારા બાળકનું શું થશે એ પ્રશ્ન તું ઇશ્વરના હાથમાં સોંપી દે. બી પોઝિટિવ. જો મારી આપેલી સારવારને અસરકારક થવા જેટલો સમય મળી જશે તો ગર્ભાશયનો દુખાવો શાંત થઇ જશે. જો એમ થશે તો વાંધો નહીં આવે.’
પ્રથમ ચોવીસ કલાકના અંતે દર્દ શાંત પડી ગયું. હું રોજ સવાર-સાંજ ગોપિકાના ગર્ભસ્થ શિશુનાં હૃદયના ધબકારા તપાસી લેતી હતી. સારો પૌષ્ટિક આહાર અને સંપૂર્ણ આરામ આ બે પરિબળોએ સરસ અને સફળ પરિણામ આપ્યું. ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ ખૂબ સારો થવા લાગ્યો. ગોપિકાને બે મહિના અને વીસ દિવસ સુધી મારા નર્સિંગહોમ એડમિટ કરેલી હાલતમાં રાખવામાં આવી. મારા નર્સિંગહોમમાં સૌથી વધારે લાંબો સમય રહેનાર બે-ત્રણ દર્દીઓમાં એક નામ ગોપિકાનું પણ છે. અંતે તેણે ફોરસેપ્સ ડિલિવરીથી બાળકને જન્મ આપ્યો.

X
article by dr. shmita sharad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી