હેલ્ધી વુમન / પ્રેગ્નન્સી દરમિયાન સંપૂર્ણ આરામ કેટલો જરૂરી?

article by dr. smita sharad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Apr 16, 2019, 03:43 PM IST

રાજસ્થાની પરિવાર. સંયુક્ત પરિવાર. સાસુ-સસરા, ચાર ભાઇઓ, ચાર ભાભીઓ. બધાંના કુલ 14 દીકરા-દીકરીઓ. બે પોપટ અને ત્રણ પાળેલાં કૂતરાઓ. એક હજાર ચોરસ વારના પ્લોટમાં બે માળનો વિશાળ બંગલો. બિઝનેસ જામેલો હતો એટલે પૈસાની કમી ન હતી પણ ચોથી પેઢીએ શેર માટીની ખોટ હતી. મોટા ત્રણ ભાઇઓના ઘરે માત્ર દીકરીઓ જ હતી. ચોથા ભાઇના ઘરે ત્રણ દીકરી અને એક દીકરો હતાં. આ એકમાત્ર દીકરો પરણ્યો એ દિવસથી આખો પરિવાર સંતાનની પ્રતીક્ષા કરી રહ્યો હતો. અમુક પરિવારોમાં એ સમયે સંતાનપ્રાપ્તિ એટલે પુત્રપ્રાપ્તિ એવું સમીકરણ હજુ સ્વીકારાયેલું હતું. હવે તો આ પરિસ્થિતિમાં ઘણો સુધારો જોવા મળે છે.
સૌથી નવી આવેલી વહુનું નામ ગોપિકા. ઉંમર 22 વર્ષ. વડીલોની ફરમાઇશને માન આપીને લગ્ન પછીના ત્રીજા જ મહિને ગોપિકા પ્રેગ્નન્ટ થઇ ગઇ. એના બંગલાની બાજુમાં આવેલા ગાયનેકોલોજિસ્ટના ક્લિનિકમાં ચેકઅપ માટે ગઇ. બધંુ બરાબર હતું. ડોક્ટરે સારી દવા અને સાચી સલાહ આપીને તેને રવાના કરી દીધી.

  • ખૂબ ધ્યાન રાખવા છતાં પણ ગોપિકાને પ્રિમેચ્યોર પેઇન્સ શરૂ થઇ ગયા હતા. આવી સ્થિતિમાં સાસુ-વહુને ચિંતા થઇ કે ક્યાંક આમાં બાળક ગુમાવી ન બેસે!

દર મહિને ગોપિકા ચેકઅપ માટે જતી હતી. ત્રીજા મહિને એણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી. ડોક્ટરે પૂછ્યું, ‘તમે ઘરકામ તો નથી કરતાં ને?’
ગોપિકા જવાબ આપે તે પહેલાં જ તેનાં સાસુમા બોલી ઊઠ્યાં, ‘ના રે! અમારી વહુ તો એક પણ કામ કરતી નથી. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે.’
ડોક્ટરે સ્વીકારી લીધું અને દર્દશામક ગોળી લખી આપી. પછી તો દર બે-પાંચ દિવસે ગોપિકા દુખાવાની ફરિયાદ લઇ અને ડોક્ટર પાસે આવવા લાગી. ડોક્ટર આરામની સલાહ આપતા રહ્યા અને મનમાં ને મનમાં વિચારતા રહ્યા કે સંપૂર્ણ આરામ અને આટલી ગોળીઓ લીધા પછી પણ ગોપિકાનો દુખાવો મટતો કેમ નથી? સોનોગ્રાફીનો રિપોર્ટ કહેતો હતો કે બધું નોર્મલ છે. ગર્ભનો વિકાસ તેમજ પાણીનું પ્રમાણ જેટલું હોવું જોઇએ તેટલું જ હતું.
આમ ને આમ છ મહિના પૂરા થઇને સાતમો મહિનો ચાલુ થયો. એક દિવસ બપોરના સમયે ગોપિકાને લઇને તેની સાસુ અને વડસાસુ ડોક્ટર પાસે આવી પહોંચ્યાં. બંને અનુભવી સ્ત્રીઓ હતી. એટલે પરિસ્થિતિની ગંભીરતા સમજી ગઇ હતી, ‘સાહેબ, એવું લાગે છે કે અમારી વહુને સુવાવડનું દરદ શરૂ થઇ ગયું છે. હજી તો સાતમા મહિનાના દસ જ દિવસ ગયા છે.’
ડોક્ટરે તપાસ કરીને ચિંતાતુર ચહેરે બહાર આવ્યા, ‘તમારી વાત સાચી છે. ગોપિકાને પ્રીમેચ્યોર પેઇન્સ શરૂ થઇ ગયાં છે. ગર્ભાશયનું મુખ હજી ખૂલ્યું નથી પણ ઢીલું તો પડી જ ગયું છે. મને ભય છે કે સુવાવડ થઇ જશે.’
બંને સાસુ-વહુ ગભરાઇ ગયાં. ડોક્ટરે એડમિટ થવાની સલાહ આપી પણ એ બંને ‘ઘરે જઇને પાછાં આવીએ છીએ’ એવું કહીને ત્યાંથી નીકળી ગયાં. ત્યાંથી નીકળીને એ મહિલા ત્રિપુટી સીધી મારા ક્લિનિકમાં આવી પહોંચી. પહેલાં ડોક્ટરની ફાઇલ જોઇને મને નવાઇ તો લાગી. હું એ ડોક્ટરને ઓળખતી હતી. એ હોશિયાર અને અનુભવી ડોક્ટર હતા. એમના નિદાન કે સારવારમાં કોઇ ભૂલ હોય એવું સ્વીકારવા માટે હું તૈયાર ન હતી.
મેં કેસ પેપર તૈયાર કર્યો. બધી વિગત ટપકાવી દીધી અને પછી ગોપિકાને પૂછ્યું, ‘મારી પાસે શા માટે આવવું પડ્યું છે?’
ગોપિકાને બદલે તેનાં સાસુએ જવાબ આપ્યો, ‘બહેન, અમે ખૂબ જ મોટી તકલીફમાં મુકાઇ ગયા છીએ. મારી વહુને સારા દિવસો જાય છે પણ અધૂરા મહિને સુવાવડનું દર્દ ઊપડ્યું છે. જો આજે સુવાવડ થઇ જાય તો બાળક બચી નહીં શકે. અમારે કોઇ પણ ભોગે બાળકને બચાવવું જ છે. એટલે ત્યાંથી નીકળીને અમે તમારી પાસે આવ્યા છીએ.’
મેં બધી હકીકત સાંભળી લીધી. પછી ગોપિકાને એક્ઝામિનેશન ટેબલ પર લીધી. એનું બ્લડપ્રેશર માપ્યું. એ નોર્મલ હતું. પેટ ઉપરથી બાળકની સાઇઝ નોંધી. એના હૃદયના ધબકારા સાંભળ્યા. હું જાણી શકી કે ગોપિકાનું ગર્ભાશય વચ્ચે વચ્ચે દર્દના લીધે સંકોચાતું હતું. એ પછી આંતરિક તપાસમાં જાણવા મળ્યું કે ગર્ભાશયનું મુખ ટૂંકું થઇ ગયું હતું. અલબત્ત, એ હજુ ખૂલવાની શરૂઆત થઇ ન હતી પણ જો દુખાવો આ રીતે જ ચાલુ રહે તો બહુ ઝડપથી ગર્ભાશયનું મુખ ખૂલી જાય તેવું લાગતું હતું. એ પછી અધૂરા મહિને પ્રસૂતિ થતાં અટકાવી શકવાની કોઇ શક્યતા રહેતી ન હતી.
ગોપિકાને ટેબલ પર જ સુવા દઇને હું બહાર આવી. એની સાસુને પૂછ્યું, ‘ડોક્ટરસાહેબે ગોપિકાને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી જ હશેને?’
સાસુમાએ જવાબ આપ્યો, ‘હા, બહેન. એ ડોક્ટરસાહેબે ત્રીજો મહિનો ચાલતો હતો ત્યારે જ આરામની સલાહ આપી હતી.’
‘તમે તમારી વહુને બેડરેસ્ટ કરાવતાં હતાંને?’ આવું પૂછતી વખતે મારી નજર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પેપર પર હતી. ‘હા, બહેન. અમે તો વહુ પાસે એક પણ કામ કરાવ્યું નથી. એની પાસે એક સળીના બે ભાગ પણ કરાવતા નથી. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે.’
મારું મન કહેતું હતું કે ક્યાંક ગરબડ હતી. આ ટ્રીટમેન્ટ અને સંપૂર્ણ આરામ સાથે ગોપિકાની આવી સ્થિતિ થાય જ નહીં પણ સૌથી અઘરો સવાલ એ હતો કે આ ગરબડ મારે પકડવી શી રીતે?

(ક્રમશઃ)

X
article by dr. smita sharad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી