હેલ્ધી વુમન / પ્રેગ્નન્સી દરમિયાન થતું બ્લીડિંગ

article by dr. smita sharad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Mar 26, 2019, 03:30 PM IST

પ્રાંજલ અને પ્રાચી થોડા સમય પહેલાં જ પરણ્યાં હતાં. લગ્ન પછી હનિમૂન માટે શ્રીલંકા ગયાં હતાં. એ પછી પ્રાચીને એક વાર માસિકસ્ત્રાવ આવી ગયો, પણ એ પછીના પાંચ-છ દિવસ બાદ પ્રાચીને ઊલટી, ઉબકા અને ચક્કર આવવાં શરૂ થયાં. બંને તરત જ મને મળવા આવી પહોંચ્યાં. શારીરિક ચેકઅપ દ્વારા મને લાગ્યું કે પ્રાચીને પ્રેગ્નન્સી રહી ગઇ હતી, પણ આ સાંભળીને બંનેને નવાઇ લાગી. પ્રાચીએ પૂછ્યું, ‘મેડમ, એ કેવી રીતે બનેે? હું પાંચ દિવસ પહેલાં જ...?’

  • જ્યારે દંપતીએ પ્રેગ્નન્સી માટે વિચાર્યું ન હોય અને તે મહિનામાં અનપેક્ષિત ગર્ભ રહી જાય છે. તેમાંથી ક્યારેક બહેનોને બ્લીડિંગ શરૂ થઇ જાય છે જેને માસિકસ્ત્રાવ માની લેવાય છે

મેં સોનોગ્રાફી ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. સોનોગ્રાફીનો રિપોર્ટ મારા નિદાનને સમર્થન આપતો હતો. પ્રાચીને પ્રેગ્નન્સી રહી ગઇ હતી પણ ગર્ભના ધબકારા પકડાતાં ન હતા. પ્રાચીનો પ્રશ્ન એ જ હતો, ‘મેડમ, એ કેવી રીતે બને? હું તો પાંચ દિવસ પહેલાં જ પીરિયડમાં આવી ગઇ હતી.’
આવું ઘણી બહેનોમાં જોવા મળે છે. જે મહિને પતિ-પત્નીએ પ્રેગ્નન્સી માટે વિચાર્યું ન હોય તે મહિનામાં અનપેક્ષિત ગર્ભ રહી જાય છે. તેમાંથી ક્યારેક કેટલીક બહેનોને બ્લીડિંગ શરૂ થઇ જાય છે જેને માસિકસ્ત્રાવ તરીકે માની લેવામાં આવે છે. આવું બ્લીડિંગ થાય ત્યારે કેટલાક કિસ્સામાં ગર્ભને નુકસાન થઇ જાય છે. ગર્ભ મરી જાય છે અથવા અડધો-પડધો બહાર નીકળી જાય છે. આવી સ્થિતિમાં તાબડતોબ ક્યુરેટિન કરીને ગર્ભાશય સાફ કરી દેવું જરૂરી બની જાય છે. જો આવું કરવામાં વિલંબ થાય તો ગંભીર નુકસાન થઇ શકે છે. ક્યારેક તે સ્ત્રીને ફરી ક્યારેય પ્રેગ્નન્સી ન રહે તેવું પણ બને છે.
પ્રાચીના કિસ્સામાં શું હોઇ શકે? તેનો ગર્ભ સલામત અને જીવંત હશે કે સૂકાઇ ગયો હશે તે માટે યોગ્ય સારવાર આપીને બે અઠવાડિયા રાહ જોવી જરૂરી હતી. આવશ્યક દવાઓમાં હોર્મોન્સનાં ઇન્જેક્શનો, ગર્ભના વિકાસ માટેની જરૂરી ગોળીઓ તેમજ ગર્ભાશયનો દુખાવો શાંત પાડવા માટેની ખાસ ટેબ્લેટ્સ લખી આપવી જરૂરી હતી. પ્રિસ્ક્રિપ્શન લખીને પ્રાચીના હાથમાં મૂક્યું; સાથે સૂચના પણ આપી, ‘આ બધી જ દવાઓ કરતાં પણ સૌથી વધારે ફાયદો આરામથી મળશે. આરામ એટલે સંપૂર્ણ આરામ. કુદરતી હાજત માટે બાથરૂમમાં જવા સિવાય પથારીમાંથી ઊઠવાની મનાઇ. હમણાં સ્નાન કરવાની પણ છૂટ નહીં મળે. બોલ, તું આટલું કરી શકીશ?’ જવાબ પ્રાચીને બદલે પ્રાંજલે આપ્યો, ‘મેડમ, અમને હરવા-ફરવાનો ખૂબ શોખ છે પણ અમારા ભાવિ બાળક માટે અમે તમારી સૂચનાનું ચુસ્તપણે પાલન કરીશું.’ મેં પ્રાચી સામે જોયું. તેણે પાંપણો ઝપકાવીને હા પાડી, ‘યસ મેડમ! આઇ વિલ ટેક કમ્પ્લિટ બેડરેસ્ટ પણ આટલું કરવાથી પ્રેગ્નન્સી બચી તો જશે ને?’

મારો જવાબ, ‘તે બે અઠવાડિયા પછી જાણવા મળશે. અત્યારે કંઇ પણ કહેવું વહેલું છે.’
પ્રાચીએ પંદર દિવસ પસાર કરી દીધા. એ પછી ફરીથી સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવવામાં આવ્યો. આ વખતે પરિણામ સારું મળ્યું હતું. ગર્ભના ધબકારા પકડાતા હતા. ગર્ભનો વિકાસ પણ જોવા મળતો હતો. મેં આવશ્યક સૂચનાઓ સાથે પ્રાચીને વિદાય કરી. ત્રણ દિવસ પછી તેનો ફોન આવ્યો. શબ્દોમાં રઘવાટ અને અવાજમાં ચિંતા, ‘મેડમ, મને હમણાં અડધો કલાક પહેલાં બ્લીડિંગ શરૂ થયું છે. હું બાથરૂમમાં ગઇ ત્યારે...’ મેં કહ્યું, ‘અત્યારે જ મને મળવા માટે આવી જા.’ વીસ મિનિટ પછી પ્રાંજલ અને પ્રાચી મારી સામે બેઠાં હતાં. મેં કેટલાક પ્રશ્નો પૂછ્યા. જે જવાબો મળ્યા તેમાંથી આવું જાણવા મળ્યું. સોનોગ્રાફીનો છેલ્લો રિપોર્ટ સારો આવ્યો હોવાથી પ્રાંજલ અને પ્રાચી ઉત્સાહમાં આવી ગયાં હતાં. આરામ કરવાનું છોડીને હરવા-ફરવા લાગ્યાં હતાં. ત્રણ દિવસમાં ત્રણ મૂવી જોઇ નાખ્યાં હતાં. પરિણામ નજર સામે હતું. મેં શારીરિક તપાસ કરી તો એક વાત સારી જાણવા મળી. ગર્ભાશયનું મૂખ ખૂલી ગયું ન હતું, પણ બ્લીડિંગ શરૂ થઇ ગયું હતું.
મેં એને ફરી સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની કડક સૂચના આપી દીધી. સમય પસાર થતો ગયો. દર પંદર દિવસે એક વાર અચૂક બ્લીડિંગ દેખાઇ જતું હતું. આમ કરતાં ત્રણ-સાડા ત્રણ મહિના પૂરા થવા આવ્યાં. હવે ગર્ભ બરાબર ચોંટી ગયો હતો. પ્લેસેન્ટા ગર્ભાશયની દીવાલમાં મૂળ જમાવી ચૂકી હતી. બહારના હોર્મોન્સની ગરજ પૂરી થઇ ગઇ હતી. મેં ઇન્જેક્શનો બંધ કરી દીધા. બીજી દવાઓ પણ બદલી. કામકાજમાં થોડી છૂટછાટ આપી. હું એની પ્રેગ્નન્સી ઉપર ઝીણવટભરી નજર રાખી રહી હતી. એના વજનમાં થતો વધારો, બ્લડપ્રેશર, ગર્ભનો વિકાસ તેમજ પોષણયુક્ત આહાર આ બધા વિશે હું સજાગ હતી. વચ્ચે એક વાર પ્રાચીએ બ્લીડિંગની ફરિયાદ કરી પરંતુ બ્લડનો કલર લાલ ન હતો, કાળાશ પડતો હતો. ચિંતા કરવાનું કોઇ કારણ ન હતું. જૂનું જમા થયેલું લોહી બહાર આવતું હતું. પૂરા મહિને પ્રાચીને નોર્મલ ડિલીવરી દ્વારા તંદુરસ્ત બાળક જન્મ્યું.

X
article by dr. smita sharad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી