હેલ્ધી વુમન / પ્રસૂતિ માટે હોસ્પિટલમાં ક્યારે દાખલ થવું જોઇએ?

article by dr. smita sharat thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Mar 19, 2019, 01:13 PM IST

23 વર્ષની મિશા સાતમા મહિને સીમંતવિધિ પતાવીને પ્રસૂતિ માટે અમદાવાદ એના પિયરમાં આવી હતી. એની મમ્મી મિશાને લઇને મારી પાસે આવી, ‘બહેન, મારી દીકરીની ડિલિવરી તમારા હાથે જ કરાવવાની છે. નામ લખાવવા માટે આવી છું.’
મેં કેસપેપર તૈયાર કર્યાં. પૂછવા જેવી વિગત પૂછી અને તેમાં નોંધ કરી. મિશાનું શારીરિક ચેકઅપ કર્યું. પછી આવશ્યક દવાઓ અને આહાર તથા આરામ અંગેની કેટલીક જરૂરી સૂચનાઓ આપી અને મારી પ્રાથમિક ફરજ પૂરી કરી. મેં એને કહ્યું, ‘રેગ્યુલર ચેકઅપ કરાવવા માટે આવતી રહેજે, જેથી તારા સ્વાસ્થ્યનો ખ્યાલ રહે.’

મિશા મારી સૂચના મુજબ નિયમિત રીતે ચેકઅપ માટે આવતી હતી. પ્રસૂતિની નિર્ધારિત તારીખ આડે પંદર દિવસ બાકી રહ્યા ત્યારે તેણે મને પૂછ્યું, ‘મેડમ, મારી આ ફર્સ્ટ પ્રેગનન્સી છે. લેબરપેઇન્સનો મને જરા પણ અનુભવ નથી. હું તો એ પણ નથી જાણતી કે મને શું થાય તો મારે દાખલ થવું જોઇએ? મને મહેરબાની કરીને તે વિશે જરૂરી માર્ગદર્શન આપશો?’

  • સામાન્ય રીતે ડોક્ટરે આપેલી પ્રસૂતિની તારીખના આઠ-દસ કલાક પહેલાં પ્રસૂતાએ નર્સિંગ હોમમાં દાખલ થઇ જવું જોઇએ

મને મિશાનો સવાલ ગમ્યો. દરેક પ્રસૂતાએ ખાસ કરીને પ્રથમ વારની પ્રસૂતાએ આવો સવાલ તેના ગાયનેકોલોજિસ્ટને પૂછી લેવો જોઇએ.
મેં એને લેબર પેઇન્સ વિશે સમજાવતાં કહ્યું, ‘તને ત્રણ પ્રકારની ફરિયાદ થઇ શકે છે. મોટા ભાગની ગર્ભવતી સ્ત્રીઓને લેબરની શરૂઆત ગર્ભાશયના દુખાવાથી થતી હોય છે. શરૂઆતના થોડા કલાકોમાં કમરનો દુખાવો અથવા પગમાં કળતર થતું હોય તેવું લાગે છે. પછી ધીમે ધીમે પેટ સંકોચાઇને કડક થવા માંડે છે. થોડી જ વારમાં આ સ્થિતિ ઓસરી જાય છે. એવું લાગે છે કે જાણે કશું બન્યું જ ન હોય. થોડી વાર પછી ફરીથી પેટ સંકોચાઇને કડક થઇ જાય છે. આવી રીતે સંકોચન અને પ્રસરણની ક્રિયા ચાલુ જ રહે છે. આને જ લેબરપેઇન્સ કહેવાય છે. બહુ પ્રારંભિક અવસ્થામાં આ બે દર્દ વચ્ચેનો સમયગાળો 30થી 40 મિનિટ સુધીનો હોય છે. પછી તે ક્રમશ: ઓછો થતો જાય છે. દર વીસ મિનિટ, પંદર મિનિટ અને પછી દસ-દસ મિનિટના અંતરે પેટ કઠણ થવા લાગે છે. પેટ કઠણ થવાનું કારણ ગર્ભાશયનું સંકોચન હોય છે. જ્યારે આ દર્દની માત્રા વધી જાય ત્યારે સમજી લેવું કે ગર્બવતી સ્ત્રીએ મેટરનિટી હોમમાં દાખલ થવાનો સમય આવી પહોંચ્યો છે.’

દરેક સ્ત્રીની સહનશક્તિ અલગ અલગ હોય છે. જેની સહનશક્તિ ઓછી હોય તે પહેલા અડધા કલાકમાં જ ચીસો પાડવા માંડે છે અને દવાખાનામાં દાખલ થવા માટે દોડી જાય છે. જે બહેનોની સહનશક્તિ ખૂબ વધારે હોય તે છેલ્લા સમયે દવાખાને પહોંચવાની ભૂલ કરી બેસે છે. આમાં ક્યારેક રસ્તામાં જ પ્રસૂતિ થઇ જવાનો ભય રહે છે, જે જોખમી બની શકે છે.

સાચી પદ્ધતિ એ છે કે જ્યારે દર્દની શરૂઆત થાય ત્યારે જ દર્દીએ તેના ડૉકટર સાથે ફોન પર વાત કરી લેવી જોઇએ. ડૉક્ટર તેની વાતચીત પરથી દર્દની માત્રા અને બે દર્દ વચ્ચેનું અંતર સમજીને પછી નક્કી કરશે કે એ સ્ત્રીએ ક્યારે દાખલ થવા માટેઆવવું જોઇએ.
લેબરપેઇન્સ શરૂ થયા પછી પ્રથમ પ્રસૂતિ માટે 14થી 18 કલાક જેટલો સરેરાશ સમય લાગી જતો હોય છે. અલબત્ત, પ્રસૂતિ માટે થોડા વહેલા દાખલ થવાના કેટલાક ફાયદાઓ છે. પ્રસૂતિ પહેલાના કલાકો દરમિયાન ડૉક્ટર ગર્ભવતી સ્ત્રીનું બ્લડપ્રેશર તથા બાળકના હૃદયના ધબકારા સમયાંતરે માપી શકે છે. ક્યારેક એવું પણ બને કે ડૉક્ટર કોઇ સામાજિક પ્રસંગે હાજરી આપવા માટે બહાર ગયા હોય. જો ગર્ભવતી સ્ત્રી પ્રસૂતિના સમય કરતાં 8-10 કલાક પહેલા દાખલ થઇ જાય તો ડૉક્ટરને માહિતી મળતાં જ તે પાછા આવી શકે છે. નહીંતર છેક છેલ્લા સમયે જો પ્રસૂતા મેટરનિટી હોમમાં દાખલ થાય અને એવામાં જો ડૉકટર હાજર ન હોય તો પ્રસૂતાએ હેરાન થવું પડે છે.

હવે સમય બદલાઇ ગયો છે. દાયકાઓ પૂર્વે નવજાત શિશુનો મૃત્યુદર ઊંચો જોવા મળતો હતો. હવે તો દરેક પ્રસૂતિ વખતે નીયોનેટલ સ્પેશિયાલિસ્ટનેે લેબરરૂમમાં જ હાજર રાખવામાં આવે છે. જેવું બાળક જન્મે એટલે તરત જ તેની ગર્ભનાળ કાપીને એને બાળકોના ડૉકટર (પીડિયાટ્રિશિયન)ના હાથમાં સોંપી દેવામાં આવે છે. ડૉક્ટર તેનું ગળું અને શ્વાસનળી સાફ કરીને એના શ્વાસોચ્છવાસ નોર્મલ કરી આપે છે. શ્વાસનળીમાં અથવા તો હોજરીમાં પ્રવેશી ગયેલું ગંદું પાણી પણ એ બહાર કાઢી આપે છે. બાળક રડતું ન હોય તો તેને રડાવી આપે છે. એનામાં જન્મજાત કોઇ પ્રકારની શારીરિક ખોડખાંપણ તો નથી ને તે પણ ચકાસી લે છે. જો બાળક પૂરા મહિનાના બદલે અધૂરા મહિને જન્મ્યું હોય તો, ડૉક્ટરને જરૂર જણાય તો, જન્મ પછી તરત જ તેને પોતાના નર્સિંગહોમમાં શિફ્ટ કરાવી શકે છે અને ઇન્ક્યુબેટરમાં મૂકીને તાત્કાલિક રીતે યોગ્ય માવજત આપી શકે છે.

આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે ગર્ભવતી સ્ત્રી પ્રસૂતિની પીડાના શરૂઆતના કલાકોમાં જ દાખલ થઇ ગઇ હોય. મિશાને આટલું સમજાવવું પર્યાપ્ત લાગ્યું. એ પણ સમજી ગઇ કે પોતે પ્રસૂતિ માટે ક્યારે દાખલ થવું? એણે મને પ્રોમિસ આપ્યું કે એ આઠ-દસ કલાક પહેલાં જ નર્સિંગ હોમમાં દાખલ થઇ જશે.

X
article by dr. smita sharat thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી