Back કથા સરિતા
ડૉ. સ્મિતા શરદ ઠાકર

ડૉ. સ્મિતા શરદ ઠાકર

સ્ત્રી આરોગ્ય (પ્રકરણ - 24)
વ્યવસાયે ડૉક્ટર એવાં લેખિકા સ્ત્રી આરોગ્ય પર અધિકૃતતાથી લખે છે.

માસિકસ્રાવ વખતે થતો દુખાવો

  • પ્રકાશન તારીખ12 Mar 2019
  •  

‌‌35 વર્ષનાં વંદનાબહેન એમની ટીનએજર દીકરીને લઇને મારા ક્લિનિકમાં આવ્યા. મેં પૂછ્યું, ‘શું નામ છે દીકરીનું?’ ‘અંકિતા.’
‘કેટલા વર્ષની થઇ?’
‘16 વર્ષની.’
‘શું તકલીફ છે?’
વંદનાબહેને જવાબ આપ્યો, ‘અંકિતાને જ્યારે માસિક આવે છે ત્યારે એને પેટમાં સખત દુખાવો થાય છે.’
મેં પૂછ્યું, ‘દુખાવાની શરૂઆત હમણાંથી થઇ કે પહેલાથી?’

વંદનાબહેને જવાબ આપ્યો, ‘આમ તો એ નવમા ધોરણમાં હતી ત્યારે માસિક આવવાની શરૂઆત થઇ હતી. દુખાવો એ સમયે પણ થતો હતો, પણ હમણા બે-ત્રણ મહિનાથી તો દુખાવો ખૂબ જ વધી ગયો છે. આજે તો એ શાળામાં પણ જઇ શકી નથી. બોર્ડની એક્ઝામ માથા પર ગાજે છે. એ કંઇ જ વાંચી શકતી નથી. કલાક પહેલાં તો એને ઊલટી પણ થઇ.’

  • ગર્ભાશયની અંદર જમા થયેલું લોહી માસિકસ્ત્રાવ સ્વરૂપે સહેલાઇથી બહાર ન નીકળી શકે ત્યારે એ દુખાવો ઉત્પન્ન કરે છે

જે ફરિયાદ અંકિતાની હતી એ હજ્જારો યુવતીઓની હોય છે. તબીબી પરિભાષામાં આ સ્થિતિને ડિસમેનોરીયા કહે છે. સાદી ગુજરાતી ભાષામાં સમજાવું તો ડિસમેનોરિયા એટલે માસિકસ્રાવ વખતે અનુભવાતો ગર્ભાશયનો દુખાવો. આ દુખાવા માટેના ઘણાં બઘાં કારણો રજૂ કરવામાં આવ્યાં છે. જેમાંના મોટા ભાગનાં સાબિત થયા વગરના છે. ગર્ભાશયનો સોજો, ગર્ભાશયમાં થયેલી ફાઇબ્રોઇડ નામની ગાંઠ, એન્ડોમેટ્રિયોસિસ નામની સ્થિતિ તેમજ ગર્ભાશયની કેટલીક આંતરિક ખામીઓ, આ બધામાં માસિકસ્રાવ પીડાદાયક બની શકે છે. પણ એવા કેટલાંય ઉદાહરણો છે જ્યારે આવું એક પણ કારણ ન હોય તેમ છતાં માસિકસ્રાવ સમયે દુખાવો થઇ શકે છે.
સામાન્ય સંજોગોમાં બધી જ બહેનોને માસિકસ્રા‌વ શરૂ થવાના એકથી લઇને પાંચ દિવસ પહેલાં આભાસ થઇ જાય છે કે હવે ગમે ત્યારે માસિકસ્ત્રાવ દેખાશે. કમરનો દુખાવો થવો, પગના સ્નાયુનો દુખાવો થવો, શરીરમાં કળતર થવું, માથું દુખવું આ બધા સામાન્ય ચિહ્નો છે જેનાથી મોટા ભાગની બહેનો ટેવાઇ જાય છે. કેટલીક સ્ત્રીઓમાં માસિક આવવાના થોડા દિવસો પહેલાં સ્તનો ભારે થવા લાગે છે. આમ થવાનુ કારણ શરીરનાં અંગોમાં થતો પાણીનો ભરાવો હોય છે. આ બધાં ચિહ્નોને પ્રી-મેન્સ્ટ્રુઅલ ટેન્શનના શીર્ષક હેઠળ સામાન્ય ચિહ્નો તરીકે સ્વીકારવામાં આવ્યાં છે.

ડિસમેનોરિયા એ સામાન્ય ચિહ્ન નથી. એક તર્ક એવો રજૂ કરવામાં આવ્યો છે કે ગર્ભાશયની અંદર જમા થયેલું લોહી માસિકસ્ત્રાવ સ્વરૂપે સહેલાઇથી બહાર ન નીકળી શકે ત્યારે એ દુખાવો ઉત્પન્ન કરે છે. જ્યારે ગર્ભાશયનું મુખદ્વાર સાવ નાના છિદ્ર જેટલું સાકડું હોય ત્યારે આવું બને છે. સામાન્ય રીતે માસિકસ્રાવ ત્રણથી સાત દિવસ સુધી ચાલે છે. સૌથી વધારે માત્રામાં દુખાવો પ્રથમ દિવસે અનુભવાય છે. જેમ જેમ ગર્ભાશયમાં જમા થયેલું રક્ત ગર્ભાશયના મુખમાંથી બહાર નીકળવા માંડે છે તેમ તેમ દુખાવાનું પ્રમાણ ઘટતું જાય છે. ત્રીજા કે ચોથા દિવસ પછી તો આ દુખાવો નહીંવત્ બની જાય છે.

જૂજ કેસમાં એવું પણ જોવા મળે છે કે દુખાવાની માત્રા ખૂબ વધારે ન હોય પરંતુ જે તે યુવતીની સહન કરવાની શક્તિ ઓછી હોય. એટલે સામાન્ય દુખાવો પણ તેને અસહ્ય લાગે છે.
અંકિતા ટીનએજર હતી અને કુંવારી હતી એટલે એની આંતરિક તપાસ કરી શકાય તેમ ન હતી. માટે એના ગર્ભાશયની સ્થિતિ જાણવા માટે સોનોગ્રાફીનો ટેસ્ટ કરવો આવશ્યક હતો. સોનોગ્રાફીના રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંકિતાના ગર્ભાશયમાં કશી જ એબ્નોર્માલિટી ન હતી.

મેં વંદનાબહેનને કહ્યું, ‘ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ઇમરજન્સી કેસ ગણીને હું અંકિતાને એક ઇન્જેક્શન આપું છું. એકાદ કલાકમાં તેનો દુખાવો ગાયબ થઇ જશે. ઇન્જેક્શનની અસર પૂરી થાય એ પછી ફરીથી દુખાવો થઇ શકે છે પણ એ માટે હું ટેબ્લેટ્સ લખી આપું છું. સાવ સાદી દર્દશામક ગોળીઓ છે. દુખાવાની માત્રા અનુસાર દિવસમાં એક એક ગોળી બે વાર કે ત્રણ વાર લઇ શકાય.’
વંદનાબહેને મુદ્દાનો સવાલ પૂછ્યો, ‘બહેન, આ સારવાર તો આ મહિના પૂરતી થઇ. આવતા મહિનાનું શું?’ મેં જવાબ આપ્યો, ‘આ ગોળીઓ દર મહિને લેવી પડશે. મહિનાના અંતે જ્યારે માસિકસ્રાવ આવવાનો સમય થવા આવે ત્યારે અંકિતાને ખબર પડી જશે કે આવતીકાલથી સ્રાવ શરૂ થવામાં છે. પેટનો દુખાવો શરૂ થવામાં હોય તે પહેલાં જ જો આ દર્દશામક ગોળીઓ લેવાનું શરૂ કરી દેવામાં આવે તો આવનારી તકલીફમાંથી સમયસર મુક્તિ મેળવી શકાય છે. પણ દુખાવો શરૂ થાય તેની રાહ જોવામાં આવે તો ગોળીઓની અસરકારકતા ઓછી થઇ જાય છે. પછી ઇન્જેક્શન લેવાનો વારો આવે છે.’ વંદનાબહેને પૂછ્યું, ‘બહેન, મારી દીકરીએ આખી જિંદગી આ ગોળીઓ ગળવી પડશે? આનો કોઇ કાયમી ઉપાય નથી?’

‘કાયમી ઉપાય પણ છે પરંતુ અંકિતા હજુ કુંવારી છે માટે બીજું કશું વિચારી શકાય તેમ નથી. જો એના લગ્ન પછી પણ આ ફરિયાદ ચાલું રહે તો બીજા ઉપાયો વિશે વિચારી શકાય. ગર્ભાશયનું મુખદ્વાર થોડું પહોળું કરી આપવામાં આવે તો ડિસમેનોરિયામાં મહદ અંશે રાહત થઇ જાય છે. ભ‌‌વિષ્યમાં એને નોર્મલ ડિલિવરી થાય તો પણ આપોઆપ આ તકલીફ દૂર થઇ જાય છે.’ ડિસમેનોરિયા વિશે વધુ માહિતી ફરી ક્યારેક.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP