Back કથા સરિતા
ડૉ. સ્મિતા શરદ ઠાકર

ડૉ. સ્મિતા શરદ ઠાકર

સ્ત્રી આરોગ્ય (પ્રકરણ - 24)
વ્યવસાયે ડૉક્ટર એવાં લેખિકા સ્ત્રી આરોગ્ય પર અધિકૃતતાથી લખે છે.

નવજાત શિશુને કેટલી વાર ફીડિંગ કરાવવું જોઇએ?

  • પ્રકાશન તારીખ06 Mar 2019
  •  

મનસ્વી 18 વર્ષ પૂરા થયા, ત્યારે પરણી ગઈ હતી અને 19 વર્ષ પૂરા થાય એ પહેલાં તો એક બાળકની મા બની ગઈ. સ્વાભાવિક છે કે આ ઉંમરે તેનાંમાં માતૃત્વ વિશે અથવા બાળઉછેર વિશે બધી સમજણ ન હોય. પ્રસૂતિનાં 5-7 દિવસ પછી તેણે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી, ‘મેડમ, મારે મારા બાળકને ચોવીસ કલાકમાં કેટલી વાર દૂધ પીવડાવવું? હું તો રાત આખીના ઉજાગરાથી એક અઠવાડિયામાં થાકી ગઈ. છ-બાર મહિના તો કેવી રીતે નીકળશે?’ મનસ્વી જેવી મૂંઝવણ બીજી હજારો માતાની હોઈ શકે છે. એ સૌને ઉપયોગી એવું વૈજ્ઞાનિક માર્ગદર્શન રજૂ કરું છું.
જન્મ પછીના દોઢ મહિના દરમિયાન નવજાત શિશુને દિવસમાં છથી સાત વખત દૂધ પીવડાવવું પડે છે. આમાં દિવસ અને રાત બંનેનો સમાવેશ થાય છે. આનો અર્થ એ કે બાળક લગભગ ચાર કલાકનાં અંતરે દૂધ માગે છે. મનસ્વી જેવી દરેક માતાએ સમયપત્રક એ રીતે ગોઠવવું જોઈએ કે છેલ્લું દૂધ રાત્રે 11થી 12 વાગ્યાની વચ્ચે અને બીજા દિવસનું પ્રથમ દૂધ સવારે 5થી 6 વાગ્યાની આસપાસ આપવું જોઈએ. આથી માતાને છએક કલાકની શાંતિભરી ઊંઘ મળી શકે.

  • સામાન્ય રીતે બાળકને દિવસમાં છથી સાત વાર ફીડિંગ કરાવવું જોઇએ. એ માટે ચાર-ચાર કલાકનું સમયપત્રક કોઇ પણ માતા બનાવી શકે છે, પણ જો બાળક ઊંઘતું હોય તો તેને જગાડીની ફીડિંગ ન કરાવવું

કેટલીક માતાઓ એવા ભ્રમમાં રહેતી હોય છે કે રાત્રે જો બાળકને વધારે દૂધ પીવડાવી દેવામાં આવે તો બાળક આખી રાત નિરાંતે ઊંઘી જશે અને સવાર સુધી તેને દૂધની જરૂર નહીં પડે. આ સામાન્ય ભ્રામક માન્યતા છે. મોટાભાગે તો બાળકનું પેટ ભરાઈ જાય છે. ત્યાર પછી તે નિપલ ચૂસવાનું બંધ જ કરી દે છે. મોઢામાં નિપલ રાખી અને તે ઊંઘી જાય છે. ધારો કે આવું કરવાના બદલે તે જો વધારે દૂધ પીવાનું ચાલુ રાખે તો તેને જ તકલીફ થશે.
કેટલીક માતાઓ ચાર-ચાર કલાકના સમયપત્રકને ચુસ્તપણે વળગી રહે છે. ઘડિયાળના કાંટા પ્રમાણે ચાર કલાક પૂરા થઈ ગયા હોય અને બાળક ઊંઘતું હોય તો માતા તેને જગાડીને દૂધ પીવડાવે છે. આવું ન કરવું જોઈએ. બાળક ઊંઘી રહ્યું હોય તો સમજી લેવું કે તેને ભૂખ લાગી નથી. કુદરતે નવજાત શિશુને ભલે વાણી આપી નથી, પરંતુ એવી વ્યવસ્થા તો કરેલી છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે તે જાગીને રડવા લાગે છે.
તુલિકા નામની તાજી જ મમ્મી બનેલી યુવતીએ ફરિયાદ કરી હતી, ‘મેડમ, મારું બેબી આખો દિવસ રડ્યા કરે છે. હું એને ગમે એટલું દૂધ પીવડાવું તો પણ તે ધરાતું નથી અને ઊંઘી જતું નથી.’ મેં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તુલિકા તેના બેબીને સ્તનપાન કરાવવાના બદલે બોટલ ફીડિંગ આપતી હતી. એ દૂધની બોટલની નિપલ બાળકના મોંમાં રાખતી, ત્યારે નિપલ બાળકના મોંમાં વધારે અંદર જતી રહેતી હતી. આથી બાળક દૂધની સાથે સાથે હવા પણ ગળી જતું હતું. હોજરીમાં ગયેલી હવા એના પેટમાં ચૂંક ઉત્પન્ન કરતી હતી, જેના કારણે બાળક રડતું રહેતું હતું. આનો ઉપાય કોઈ ગ્રાઇપ વોટરમાં કે અન્ય કોઈ દવામાં ન હતો. માત્ર ફીડિંગ કરાવવાની રીતમાં થોડો ફેરફાર કરવાથી આ સમસ્યા દૂર થઈ જવાની હતી. બોટલ ફીડિંગ કરાવતી વખતે નિપલ બાળકનાં મોંમાં આપ્યા પછી બોટલને સહેજ ખેંચેલી રાખો તો ટિટ વધારે પડતી અંદર નહીં જાય અને બાળક હવા ગળશે નહીં.
આપણા દેશમાં હજુ પણ જોવા મળે છે કે માતા કામમાં વ્યસ્ત હોય તો બાળકને ચૂપ રાખવા તેના મોઢામાં ચૂસણી મૂકી દે છે. ઘણી વાર આવી ચૂસણીમાં મધ ભરેલું હોય છે. આ મધ આપવાની પ્રથા તો વધારે જોખમી છે. ચૂસણી જો ખાલી હોય તો બાળકના પેટમાં હવા દાખલ થઈ જાય છે અને જો મધથી ભરેલી હોય તો જંતુના ચેપને કારણે શરદી, ખાંસી, ઝાડા જેવી તકલીફો થાય છે.
કેટલીક માતાઓ ત્રણ-ચાર મહિનાના બાળકનાં મોઢામાં દૂધની બોટલ ગોઠવી કિચનમાં અથવા બાથરૂમમાં ખોવાઈ જાય છે. એની ધારણા હોય છે કે બાળક દૂધ પીતું રહેશે અને એકલું પડી રહેશે. આવું કરવું ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. એવું બની શકે કે બોટલમાંથી પડતું દૂધ બાળકની શ્વાસનળીમાં દાખલ થઈ જાય અને તેનો શ્વાસ રુંધાઈ જાય છે. કાં તો બાળકનું ત્વરિત મૃત્યુ થાય છે અથવા ફેફસાંમાં દૂધ જવાના કારણે ન્યુમોનિયા થઈ જાય છે, જે જીવલેણ સિદ્ધ થઈ શકે છે. બાળકને પાણી આપવું જોઈએ કે નહીં તે પ્રશ્ન અનેક માતાને મૂંઝવે છે. વસ્તુત: દૂધની અંદર સૌથી મોટો ભાગ પાણીનો હોય છે માટે કેટલાક બાળરોગ નિષ્ણાતો માને છે કે દૂધ પીતાં બાળકને અલગથી પાણી આપવાની જરૂર નથી, પણ ઉનાળો હોય તો ત્રણથી ચાર વાર ઉકાળેલું પાણી ઠંડું પાડીને આપવું જોઈએ. બાળકને બોટલ ફીડિંગ આપતાં હો તો સાતમા કે આઠમા મહિને તે ક્રમશ: છોડાવી દેવું જોઈએ. મોટાભાગની માતા કહે છે, ‘ડૉક્ટર, મારા બાળકની તંદુરસ્તી અને શક્તિ વધે તે માટે વિટામિન્સના ટીપાં લખી આપો.’
જન્મથી તંદુરસ્ત બાળકને વિટામિન્સના ટીપાં આપવાની જરૂર નથી. બજારમાં મળતા મિલ્ક પાઉડર્સમાં યોગ્ય પ્રમાણમાં વિટામિન્સ મેળવેલાં હોય છે. જે બાળકો માત્ર સ્તનપાન પર રહેતાં હોય તેને થોડા મોટા થયાં પછી વિટામિન ‘એ’, ‘ડી’ અને ‘સી’ તથા આયર્ન આપવાં જોઇએ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP