હેલ્ધી વુમન / નવજાત શિશુને ઉપરનું દૂધ ક્યારે આપવું?

article by dr. smita sharad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Feb 19, 2019, 12:05 AM IST

તાપસી ત્રણ દિવસ પહેલાં જ નવજાત શિશુની માતા બની હતી. તે સુંદર તો હતી જ, પણ માતૃત્વ ધારણ કર્યા પછી વધારે સુંદર લાગતી હતી. નોર્મલ ડિલિવરી હતી એટલે બે દિવસમાં જ એને ઘરે જવાની રજા આપી દીધી. સાતમા દિવસે તે ફોલોઅપ માટે આવી. મેં પૂછ્યું, ‘બધું બરાબર છે? વધારે પડતું બ્લીડિંગ તો થતું નથી ને? તાવ નથી આવતો ને?’
તાપસીએ જવાબ આપ્યો, ‘મેડમ, મને તો બધી વાતે સારું છે. કોઈ જ તકલીફ નથી, પણ મને ધાવણ બહુ ઓછું આવે છે. મને એવું લાગે છે કે મારો દીકરો ભૂખ્યો રહે છે.’
‘ક્યારેક એવું બનતું હોય છે. કેટલાંક હોર્મોનલ કારણોસર માતાને પૂરતા પ્રમાણમાં ધાવણ આવતું નથી. ક્યારેક એવું પણ બને છે કે નવજાત શિશુ વજનમાં અને ઊર્જામાં વધારે હોય તો એની દૂધની જરૂરિયાત પણ વધુ હોય છે. જ્યારે એકસાથે બે બાળકો જન્મ્યાં હોય ત્યારે પણ વધુ પ્રમાણમાં ધાવણની જરૂર પડે છે.’

  • શિશુને ઉપરનું દૂધ આપવાની જરૂર પડે તો એને ગાય કે બકરીનું દૂધ આપી શકાય, પરંતુ સૌથી શ્રેષ્ઠ રહે છે, દૂધના પાઉડરના ડબ્બા, જે ગમે ત્યારે જોઇએ ત્યારે તાજું બનાવાય છે

આવા કિસ્સાઓમાં નવી-નવી માતા બનેલી સ્ત્રીઓ તાપસીની જેમ જ પૂછતી હોય છે કે ધાવણ ઓછું આવે છે. તાજી માતા બનેલી સ્ત્રીને ધાવણ વધારે આવે તે માટે અમુક ગોળીઓ ઉપલબ્ધ છે, જે આપવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ધાવણનું પ્રમાણ ઓછું જ રહે છે અથવા નહીંવત્ રહે છે ત્યારે બાળકને કૃત્રિમ દૂધ આપવાની જરૂર ઊભી થાય છે.
ઉપરના દૂધ તરીકે ગાય, ભેંસ કે બકરીનું દૂધ આપી શકાય, પણ આવા દૂધમાં માતાનાં દૂધ કરતાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જે પ્રોટીન હોય છે તે પણ અલગ પ્રકારના હોય છે, જેથી બાળકને પચવામાં અઘરું પડે છે. આવા દૂધને માતાના દૂધ જેવું બનાવવા માટે એને બરાબર ઉકાળી અને એની ઉપર જામેલી મલાઈ કાઢી નાખવી જરૂરી છે. આવું કરવાથી એમાં રહેલી ચરબીનું પ્રમાણ ઓછું થાય છે અને પ્રોટીન સુપાચ્ય બને છે. જરૂર જણાય તો એમાં ચોથા કે પાંચમા ભાગનું પાણી અને થોડી ખાંડ ઉમેરવાથી તે લગભગ માતાનાં દૂધ જેવું બની જાય છે.
ગાય, ભેંસ કે બકરીનું દૂધ આપવામાં એક વાતની અડચણ નડે છે. દરેક વખતે તેની ગુણવત્તાનું સાતત્ય જણાતું નથી. જો સાતત્યપૂર્ણ દૂધનો આગ્રહ રાખવો હોય તો બેબી ફૂડના તૈયાર ડબ્બા પસંદ કરવા જોઈએ. બજારમાં મળતાં અલગ અલગ બ્રાન્ડના મિલ્ક પાઉડર અથવા બેબી ફૂડના ડબ્બાઓ મોંઘા હોય છે, પરંતુ એમાં દૂધની ગુણવત્તા એકસરખી જળવાઈ રહે છે.
વધુમાં તે જ્યારે જોઈએ ત્યારે તાજું બનાવી શકાય છે. આવા ડબ્બાઓ બહાર જાવ ત્યારે સાથે લઈ જવાનું પણ સહેલું પડે છે. ઉકાળેલું પાણી ગમે ત્યાં મળી રહે છે. જ્યારે ગાય કે બકરીનું દૂધ સિઝન પ્રમાણે અને તેને અપાતા ખોરાક પ્રમાણે બદલાતું રહે છે. ઉપરાંત, બહાર જાવ ત્યારે તે સહેલાઈથી મળી રહેતું નથી. અલબત્ત, ડેરીનું દૂધ ચા દૃષ્ટિએ વધારે યોગ્ય હોય છે.
ડબ્બાના પાઉડરમાંથી દૂધ બનાવવાની રીત ડબ્બા ઉપર લખેલી હોય છે. તેમ છતાં કેટલીક સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.
- પહેલી સાવધાની : જ્યારે જેટલા દૂધની જરૂર હોય એટલું જ બનાવવું જોઈએ. એકસાથે ચોવીસ કલાકનું દૂધ બનાવીને ઢાંકી રાખવાથી તેમાં ચેપ લાગવાનો સંભવ રહે છે. માટે થોડું થોડું દૂધ બનાવી અને ચમચીથી અથવા બોટલમાં ભરીને શિશુને આપી શકાય.
- બીજી સાવધાની : શિશુને આપવાનું દૂધ જે પાત્રમાં ભરવામાં આવે (વાટકી, ચમચી, બોટલ અને એની રબ્બરની ટિટ) સારી રીતે પાણીમાં ઉકાળીને જંતુમુક્ત કરી લેવાં. તે પછી તેને કોઈ પણ પ્રકારના કપડાંથી સાફ કરવા નહીં. કપડું ગમે તેટલું ચોખ્ખું લાગતું હોય તો પણ તેમાં લાખોની સંખ્યામાં રોગનાં જંતુ રહેલાં હોય છે. જો બોટલ ફીડિંગ અપાતું હોય તો એકસાથે ત્રણ-ચાર બોટલ્સ ઉકાળીને ચલાવી શકાય. દરેક બોટલ માટે અલગ નિપલ વાપરવી જરૂરી છે. વધારાની બોટલ્સ અને નિપલ્સને ફ્રીઝમાં મૂકી રાખી શકાય. કોઈ પણ સંજોગોમાં નિપલને અંદર કે બહારની બાજુએ હાથ અથવા બીજી કોઈ ચીજવસ્તુનો સ્પર્શ થઈ ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ.
- ત્રીજી સાવધાની : બોટલ ફીડિંગ કરાવતી વખતે શિશુને ખોળામાં એ રીતે સુવાડવું જોઈએ જેમાં તેનું માથું સહેજ ઊંચું રહે. આવું કરવાથી દૂધ શ્વાસનળીમાં જવાની શક્યતા ઘટી જાય છે. નિપલનું કાણું ખૂબ નાનું કે ખૂબ મોટું ન હોવું જોઈએ. જો કાણું નાનું હોય તો શિશુને વધારે મહેનત કરવી પડે છે અને જો કાણું મોટું હોય તો વધારે પડતું દૂધ એના મોંમાં ઠલવાય જાય છે. જે ક્યારેક શિશુની શ્વાસનળીમાં જતું રહેવાનો ડર રહે છે.
- ચોથી સાવધાની : નિપલ બાળકનાં મોંમાં મૂક્યાં પહેલાં માતાએ હાથની આંગળી પર બે-ત્રણ ટીપાં ઝીલીને ચકાસી લેવું જોઈએ કે દૂધ વધારે પડતું ગરમ તો નથી ને?
ધાવણ ઓછું આવતું હોય તેવી ફરિયાદો આજકાલ વધતી જાય છે. માટે જ આ વિષય વધારે ચર્ચા માગી લે છે. આર્ટિફિશિયલ ફીડિંગ વિશે વધુ ચર્ચા આવતા અંકમાં.

X
article by dr. smita sharad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી