હેલ્ધી વુમન / વધુમાં વધુ સિઝેરિયન ડિલિવરી કેટલી વાર થઇ શકે?

article by dr. smita sarad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Feb 12, 2019, 12:05 AM IST

શબનમબાનુ મારી પાસે પ્રથમ વાર જ આવી હતી. એ પણ આઠમા મહિને. તેની ઉંમર જાણ્યા પછી મને નવાઈ લાગી હતી. 41 વર્ષ એ પ્રેગ્નન્સી માટે મોટી ઉંમર જ કહેવાય, પણ તેણે મને જણાવ્યું કે, આ પહેલાંની ચાર પ્રસૂતિઓ તેને સિઝેરિયન દ્વારા થઈ હતી ત્યારે મને આઘાત લાગ્યો. મેં એને પૂછ્યું, ‘બહેન, તને કોઈએ કહ્યું નથી કે પાંચમું સિઝેરિયન તારા માટે જોખમી બની રહેશે.’ એણે માથું હલાવ્યું, ‘હા, બોલા થા! ચાર દાક્તરોં કે પાસ હો આઈ. સભીને બોલ દિયા કિ પાંચવાં ઓપરેશન નહીં કરેંગે. ફિર મૈં આપકે પાસ ચલી આઈ.’

  • મોટા ભાગના ડૉક્ટર્સ બે અને વધુમાં વધુ ત્રણ સિઝેરિયન કરતાં હોય છે, પણ એનાથી વધારે જો સિઝેરિયન કરવાની સ્થિતિ આવે તો જોખમ લેતા નથી. તેનું એક કારણ દર્દીના જીવનું જોખમ પણ હોય છે

હું વિચારમાં પડી ગઈ. મારે વિચારવા માટેના અનેક કારણો હતાં. એક કારણ તો એ કે અગાઉના ચારેચાર ઓપરેશનો શબનમે અલગ અલગ ડૉક્ટર્સ પાસે કરાવ્યા હતા. બીજું કારણ વૈજ્ઞાનિક હતું, સિઝેરિયન. દર વખતે પેટ ઉપર એક જ સ્થાન ઉપર ચેકો મૂકીને પેટ ખોલવામાં આવે. ગર્ભાશય પણ એક જગ્યા પરથી ખોલવામાં આવે. બાળક કાઢી લીધા પછી એ ચીરેલા ભાગોને ટાંકા લઈને બંધ કરવામાં આવે. બીજા ઓપરેશન વખતે ફરીથી એ જ ભાગ પર એ જ પ્રક્રિયાનું જ પુનરાવર્તન કરવામાં આવે. જેમ ઓપરેશનની સંખ્યા વધતી જાય તેમ ગર્ભાશયનો એ રૂઝાયેલો ભાગ પાતળો થતો જાય. ત્રીજા ઓપરેશન વખતે ગર્ભાવસ્થા દરમિયાન જ એ ભાગ ફાટી જવાની સંભાવના રહે છે. ચોથા સિઝેરિયનમાં એ શક્યતા અનેકગણી વધી જાય છે. આથી જ બધા ડૉક્ટર્સ સામાન્ય રીતે બે અને વધુમાં વધુ ત્રણ વાર સિઝેરિયન કરવાની હા કહે છે. શબનમે ચોથી વાર પણ ઓપરેશન કરાવ્યું હતું અને હવે પાંચમી વાર ઓપરેશન કરાવવા તૈયાર થઈ હતી. ચાર-પાંચ ડૉક્ટર્સ તૈયાર થયા ન હતા. વાત સમજી શકાય તેવી હતી. હું પણ ઓપરેશન કરવા માટે રાજી ન હતી.
શબનમના પતિ અને સાસુએ જૂનાં દર્દીઓની ઓળખાણ કાઢી. એક મુસ્લિમ વેપારીને ફોન કરાવીને મને શબનમનો કેસ લેવા માટે આગ્રહ કર્યો. મને વિચાર પણ આવ્યો કે જો હું આ ઓપરેશન કરવાની ના પાડીશ તો શબનમ શું કરશે? તેણે ક્યાંક તો જવું પડશે ને! એનાં માટે સૌથી યોગ્ય સ્થાન જનરલ હોસ્પિટલ હતી. ત્યાં દિવસ-રાત ડૉક્ટરની ટીમ હાજર રહે છે. અચાનક ગર્ભાશય ફાટી જાય તો પેશન્ટને બચાવવા માટે બ્લડનો વિપુલ જથ્થો, એન્સ્થેટિસ્ટની ટીમ અને ડૉક્ટર્સ તેમજ નર્સ મળી રહે છે.

મેં એને કહ્યું, ‘તું મ્યુનિસિપલ હોસ્પિટલમાં પહોંચી જા અને ત્યાં ડૉક્ટર્સ કહે તે પ્રમાણે કરજે.’ શબનમની ખાનગી નર્સિંગહોમમાં ઓપરેશન કરાવવાની જીદ હતી. મારે એનો કેસ સ્વીકારવો જ પડ્યો. એવું પણ ન હતું કે શબનમને અગાઉની ચાર પ્રસૂતિઓમાં માત્ર દીકરીઓ જ જન્મી હતી. એને ચાર સંતાનોમાં બે દીકરાઓ હતા અને બે દીકરીઓ હતી. પાંચમી વારનું જોખમ લેવા માટેનું કોઈ કારણ ન હતું. એની પાસે એક જ જવાબ હતો, ‘મુઝે નસબંધી નહીં કરવાની. બચ્ચે આતે હૈ તો આને દેંગે. આપ લોગ કિસ કામકે હૈ?’ મને ગુસ્સો આવ્યો અને ચીડ પણ ચડી. અંતે કરુણા જાગી ગઈ.
મેં શબનમ અને તેના પતિને કહી દીધું, ‘પૂરા મહિના થાય ત્યાં સુધી રાહ જોવાની નથી. હું જે તારીખ આપું એ તારીખે આવી જ જવું પડશે. બ્લડની બે બોટલ્સ ઇમર્જન્સી રૂપે તૈયાર રાખવી પડશે. દવાઓ, ઇન્જેક્શનો, ટાંકા માટેનું મટિરિયલ વગેરે શ્રેષ્ઠ જ વાપરવું પડશે. હું કોઈ પણ પ્રકારનું સામાધાન ચલાવી નહીં લઉં. નવજાત શિશુ નિર્ધારિત સમય કરતાં વહેલું જન્મ લેશે. એ વજનમાં અને મેચ્યોરિટીમાં ઓછું જણાશે તો એને જન્મ પછી તરત જ નિયોનેટલ આઇસીયુમાં ખસેડવું પડશે. ઓપરેશનનો ખર્ચ, એનેસ્થેશિયાનો ચાર્જ, દવાઓ, લેબોરેટરી અને નિયોનેટલ કેર આ બધાનું બિલ મોટું થવાનો સંભવ છે અને તમારા માટે જરૂરિયાત નથી, પણ લક્ઝરી છે માટે આ બધા ખર્ચમાં એક રૂપિયાનું પણ ડિસ્કાઉન્ટ આપવામાં નહીં આવે.

જો તમને પાંચ-પાંચ બાળકો પરવડતાં હોય તો મા અને બાળક બંનેને બચાવવાનો ખર્ચ પણ પોસાવો જોઈએ, કારણ કે આવા ગંભીર ઓપરેશનમાં જો સહેજ પણ આડું-અવળું થાય તો દર્દીના સગાંઓ ડૉક્ટર પર ઉશ્કેરાઈ જતાં હોય છે.’ શબનમનો પતિ તરત જ બોલી પડ્યો, ‘મેડમ, આપ ચિંતા મત કીજિયે. આપ અપની કોશિશ કીજિયે. હમ આપ કે સાથ હૈ. કુછ ઊંચ-નીચ હો ગયા તો હમ આપ કો નહીં કોસેંગે. હમ જાનતે હૈ કિ યહ જોખિમ હમને હી મોલ લિયા હૈ.’ ઇશ્વરની કૃપાથી, અલ્લાહના ફઝલોકરમથી બધું જ સારી રીતે પાર પડી ગયું. શબનમ પણ સલામત રહી અને એનો નવજાત દીકરો પણ બચી ગયો. એને સાત દિવસ સુધી નિયોનેટલ યુનિટમાં રાખવો પડ્યો.
(એ અલગ વાત છે કે શબનમના પતિએ જે બિલ બનાવ્યું હતું, એના વીસ ટકા રકમ ઓછી ચૂકવી. હું સમજી ગઈ કે થોડા પૈસા છઠ્ઠા સિઝેરિયન માટે એ બચાવવા માગતો હશે.)

X
article by dr. smita sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી