હેલ્ધી વુમન / સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?

article by dr. smita sarad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Feb 05, 2019, 12:05 AM IST

શૈવા સત્યાવીસ વર્ષની સુશિક્ષિત યુવતી. બીજી વાર ગર્ભવતી બની. ચોથા મહિને મને મળવા આવી ત્યારે પૂછવા લાગી, ‘મેડમ, મારી પહેલી ડિલિવરી સિઝેરિયન થઈ છે. અમારે આ ડિલિવરી નોર્મલ રીતે કરાવવી છે.’ એ સાંભળીને મને હસવું આવ્યું, ‘ડિલિવરી નોર્મલ કે ઓપરેશનથી એ વાતનો આધાર જે તે ડિલિવરીની પરિસ્થિતિ પર રહેલો હોય છે. પહેલા સિઝેરિયન થયું હોય તેવી સ્ત્રીને બીજી વાર નોર્મલ ડિલિવરી ક્યારેક થઈ પણ શકે, પણ એનો આધાર બીજી વાર પ્રેગ્નન્સીમાં પરિસ્થિતિ કેવી છે તેના પર રહેલો છે.


ક્યારેક એવું પણ બને છે કે પહેલી ડિલિવરી નોર્મલ રીતે થઈ હોય અને બીજી ડિલિવરીમાં ઓપરેશન કરવું પડે.
મને કમળાનો કિસ્સો યાદ આવી ગયો. વર્ષો પહેલાંની ઘટના. ત્યારે હું સરકારી નોકરીમાં હતી. રોજ રાત્રે આઠ-આઠ પ્રસૂતિઓ થતી રહેતી હતી. મોટાભાગની સાવ નોર્મલ રીતે, ક્યારેક ફોરસેપ્સ દ્વારા (ચીપિયા વડે) અને ક્યારેક સિઝેરિયન દ્વારા.

  • ડિલિવરી ગમે તે રીતે થાય, પણ ડોક્ટર્સ માટે જરૂરી એ છે કે પ્રસૂતા અને તેનાં શિશુનાં પ્રાણ સલામત રહેવાં જોઇએ

શિયાળાની રાતના દસ વાગે કમળાને લઈને એનો પતિ આવી ચડ્યો. સાથે પાંચ દીકરીઓ પણ હતી, નાની-મોટી. કમળાને સુવાવડનું દર્દ ઊપડ્યું હતું. મેં શારીરિક તપાસ કરી. બાળકના હૃદયના ધબકારા બરાબર હતા. દર્દ ધીમે ધીમે વધી રહ્યું હતું. ગર્ભાશયનું મુખ ખૂલવાની શરૂઆત થઈ ચૂકી હતી. ચેકઅપ કરી લીધા પછી મેં કમળાના પતિને કહ્યું, ‘દાખલ થવું પડશે. દર્દ શરૂ થઈ ગયું છે. ગર્ભાશય મુખ ખૂલવાની હજી તો શરૂઆત છે. ધીમે ધીમે પ્રગતિ થશે. સવાર પહેલાં સુવાવડ થઈ જવી જોઈએ.’


હું દર કલાકે કમળાના પેટ ઉપર ભૂંગળું મૂકીને બાળકના હૃદયના ધબકારા ગણતી હતી. રાતના બે વાગ્યા. મેં ફરી તપાસ કરી. ગર્ભાશયનું મુખ અત્યાર સુધીમાં જેટલું ખૂલવું જોઈએ એટલું ખૂલ્યું ન હતું. દર્દ પણ ખાસ વધ્યું ન હતું. હું ધારું તો કમળાનું દર્દ વધે તેવી સારવાર આપી શકતી હતી, પણ મેં ન આપી. કમળા પાંચ બાળકોની મા હતી. પાંચ-પાંચ પ્રસૂતિઓને કારણે એના ગર્ભાશયની દીવાલ પાતળી પડી ગઈ હોવાની પૂરેપૂરી સંભાવના હતી. આવી હાલતમાં જો એને ગરમ ઇન્જેક્શનો આપવામાં આવે તો ગર્ભાશય ફાટી જવાની શક્યતા રહેતી હતી. મેં થોડા કલાકો રાહ જોવાનું નક્કી કર્યું.


સવારના છ વાગ્યા. દર્દ થોડુંક વધ્યું હતું, પરંતુ ગર્ભાશયનું મુખ વધારે ખૂલવાનું નામ લેતું ન હતું. કમળા હવે થોડી થોડી વારે પૂછી રહી હતી, ‘બહેન, સુવાવડ ક્યારે થશે? બધું બરાબર છે ને?’ મેં એને પરિસ્થિતિની સાચી સમજણ આપી, ‘જો બધું બરાબર હોય તો અત્યાર સુધીમાં સુવાવડ થઈ જવી જોઈતી હતી. મને લાગે છે કે કદાચ તને સિઝેરિયનની જરૂર પડશે.’


એ પૂછી રહી, ‘બહેન, એવું કેમ? આ પહેલાંની પાંચે-પાંચ સુવાવડો સારી રીતે થઈ છે, તો આ વખતે પેટ ઉપરથી ઓપરેશન કરીને શા માટે?’


મોટાભાગના લોકોને આ જ પ્રશ્ન હોય છે. કમળાના કિસ્સામાં એવું હતું કે પહેલી સુવાવડ વખતે એની ઉંમર 18 વર્ષની હતી અને અત્યારે છઠ્ઠી સુવાવડ વખતે તે ત્રીસ વર્ષની થઈ ગઈ હતી. જે હાડકાંના ગોળાકાર ઘેરાવામાંથી નવજાત શિશુ પસાર થતું હોય છે તે હાડકાંમાંથી કેલ્શિયમનું પ્રમાણ આટલાં વર્ષોમાં ક્રમશ: ઘટતું રહ્યું હતું.


બીજું કારણ પણ જવાબદાર હતું. કોઈ પણ સ્ત્રીને પ્રસૂતિની સંખ્યા જેમ જેમ વધતી જાય, તેમ તેમ ગર્ભસ્થ શિશુનું વજન પણ વધતું જાય. એટલે પહેલાં બાળક કરતા છઠ્ઠા બાળકનું વજન વધારે હોવાની સંપૂર્ણ શક્યતા રહે છે.
ત્રીજું કારણ આ પહેલાની પાંચે-પાંચ પ્રસૂતિઓમાં કમળાને દીકરીઓ જન્મી હતી. આ વખતે કદાચ દીકરો પણ હોઈ શકે. જો એવું હોય તો દીકરાનું માથું દીકરીનાં માથામાં કરતાં સહેજ વધારે મોટું અને સખ્ત હોઈ શકે.


આ ત્રણમાંથી કોઈ પણ કારણ હોય પણ સત્ય એ હતું કે કમળાના ગર્ભાશય રહેલું બાળક અને તેનું માથું પ્રસવમાર્ગમાં નીચે ઊતરતું ન હતું. લગભગ 18 કલાક રાહ જોયા પછી સિઝેરિયન કરવાનો નિર્ણય લેવો પડ્યો. હું ખુશ હતી, કારણ કે આટલા કલાકોના પ્રયાસો પછી હું અને કમળા બંને છૂટા થયાં હતાં અને કમળા ખુશ હતી, કારણ કે પાંચ દીકરીઓ પછી તેને દીકરો થયો હતો.


કમળાનો કિસ્સો યાદ આવ્યો એટલે મને શૈવાનો પ્રશ્ન હસવા જેવો લાગ્યો. જો પાંચ-પાંચ નોર્મલ ડિલિવરી પછી કમળાને છઠ્ઠી સુવાવડ વખતે ઓપરેશન કરવું પડ્યું હોય તો શૈવાને તો પહેલી જ વારમાં ઓપરેશનની જરૂર પડી હતી. તેમ છતાં તે બીજી ડિલિવરી કુદરતી માર્ગે થાય તેવો આગ્રહ કરી રહી હતી. એટલે જ હું ભારપૂર્વક કહું છું કે કોઈ પણ પ્રસૂતાની ડિલિવરી કેવી રીતે થશે તેનો આધાર દર્દ શરૂ થયા પછી કેટલી ઝડપથી પ્રગતિ થાય છે, તેના પર રહેલો હોય છે. ડિલિવરી ગમે તે માર્ગે થાય પણ અમારા માટે મહત્ત્વનું એ હોય છે કે નવજાત શિશુ અને તેની જનેતા બંનેનાં પ્રાણ સલામત રહેવાં જોઈએ.

X
article by dr. smita sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી