હેલ્ધી વુમન / મારી નોર્મલ ડિલિવરી થશે કે પછી...

article by dr. smita sarad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Jan 29, 2019, 12:05 AM IST

કાવ્યા પહેલી જ વાર પ્રેગ્નન્ટ થઈ હતી. ચોથો મહિનો ચાલતો હતો. ત્યારે એણે મને પહેલી વાર આ પ્રશ્ન પૂછ્યો, ‘બહેન, મારી ડિલિવરી સારી રીતે થશે ને?’ મને આશ્ચર્ય થયું, ‘સારી રીતે એટલે? મારા નર્સિંગહોમમાં કોઈની ડિલિવરી ખરાબ રીતે થતી નથી. બધી સારી રીતે જ થાય છે.’
‘સોરી મે’મ! તમે જુદું સમજ્યાં છો. હું એટલું પૂછવા માગું છું કે મારી ડિલિવરી નોર્મલ રીતે થશે કે ઓપરેશન કરવું પડશે?’ મને હસવું આવ્યું, ‘મેડિકલ સાયન્સ એ તથ્યોનું વિજ્ઞાન છે, આગાહીનું નહીં. તારી સુવાવડ કેવી રીતે થશે એની સાચી ખબર પ્રસૂતિનું દર્દ ઊપડશે ત્યારે જ થશે અને એ પણ ધીમે ધીમે. શરૂઆતમાં નોર્મલ લાગતી પરિસ્થિતિ સમય જતાં વણસી પણ શકે. માટે અત્યારથી એવું ન કહી શકાય કે ડિલિવરી કેવી રીતે થશે?’

  • ડિલિવરી કઇ રીતે થશે તેની ભવિષ્યવાણી કોઇ ડોક્ટર કરી શકે નહીં, કેમ કે તેની પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે

કાવ્યાને મારા જવાબથી સંતોષ તો ન થયો, પણ એ વધુ કશું પૂછ્યા વગર ચાલી ગઈ. નવ મહિના પૂરા થતા સુધીમાં એણે આ સવાલ પાંચેક વાર પૂછી લીધો. આઠમો મહિનો બેઠા પછી તો એણે ભારપૂર્વક કહી દીધું, ‘બહેન, મારે નોર્મલ ડિલિવરી જ કરાવવી છે. તમે સિઝેરિયન ન કરતાં.’ મેં કારણ ન પૂછ્યું કે એ શા માટે સિઝેરિયનની ના પાડતી હતી. ચાલીસ વર્ષનો મારો અનુભવ મને શીખવી ચૂક્યો છે કે એ માટેનાં કારણો એક કરતાં વધારે હોય છે. ક્યાંક બિલ ભરવાની અક્ષમતા હોય છે તો ક્યાંક ઓપરેશનનો ડર કારણભૂત હોય છે. કેટલાક કિસ્સાઓમાં ડૉક્ટરની નિયત પરનો અવિશ્વાસ પણ ખરો.


કાવ્યા જેવો જ પ્રશ્ન અસંખ્ય સગર્ભાઓનાં મનમાં સળવળતો હોય છે. આ બધી બહેનો માટે હું કેટલીક પાયાની હકીકત અહીં રજૂ કરું છું.


ડિલિવરી કુદરતી માર્ગે થશે કે નહીં તેનો આધાર મુખ્યત્વે ત્રણ પરિબળો પર રહેલો છે. પ્રસવમાર્ગની પહોળાઈ, બાળકનું કદ અને તેની પોઝિશન અને પ્રસૂતિના દર્દની તીવ્રતા. અમારી ભાષામાં ત્રણ પરિબળોને ટૂંકમાં પેસેજ, પેસેન્જર અને પાવર આ નામોથી ઓળખવામાં આવે છે. જો બાળકનું કદ મોટું હોય, તેનું વજન વધારે હોય અને ગર્ભાશયમાં તેની પોઝિશન પ્રતિકૂળ હોય તો તેનો પ્રસવ કુદરતી માર્ગે થઈ શકતો નથી. આ બધું જો સાનુકૂળ હોય પણ પ્રસવ માર્ગ સાંકડો હોય તો પણ ડિલિવરી કુદરતી માર્ગે થઈ શકતી નથી. જો બાળક તેમજ પ્રસવ માર્ગ માપસરનાં હોય, પરંતુ સુવાવડનું દર્દ યોગ્ય પ્રમાણમાં ન ઊઠે, તો પણ બાળક કુદરતી માર્ગેથી બહાર નીકળી શકતું નથી.


કેટલાક કિસ્સાઓમાં બધું જ સાનુકૂળ જણાતું હોય અને પ્રસૂતિની પ્રક્રિયા યોગ્ય રીતે આગળ વધી રહી હોય ત્યારે અચાનક કોઈ કારણસર માતા અથવા બાળકની સ્થિતિ ચિંતાજનક બની જાય તો તરત જ બાળકને ઓપરેશન દ્વારા બહાર કાઢી લેવું પડે છે. આવું કંઈ થશે કે નહીં થાય તેની જાણ ચાલુ પ્રસૂતિએ પણ થવા પામે છે. એટલે ચોથા કે પાંચમા મહિને, ઇવન આઠ મહિના પૂરા થઈ ગયા પછી પણ સુવાવડ કઈ રીતે થશે તેની ભવિષ્યવાણી કોઈ ડૉક્ટર કરી શકતા નથી.


અહીં એક નોંધ લેવી જરૂરી છે કે ગર્ભાવસ્થામાં કેટલીક સ્થિતિઓ એવી હોય છે જેમાં સિઝેરિયન કરવું જ પડશે એની જાણ સુવાવડનું દર્દ શરૂ થતાં પહેલાં જ થઈ જાય છે, કેમ કે અચાનક લોહીનું તૂટી પડવું, ઓળનો ભાગ નીચેની તરફ હોવો, બાળક ગર્ભાશયમાં આડું હોવું, પહેલી બે સુવાવડો ઓપરેશન દ્વારા થયેલી હોય અથવા ગર્ભવતી સ્ત્રીનું બ્લડપ્રેશર ચિંતાજનક હદે ઊંચું રહેતું હોય એવા કિસ્સામાં લેબર પેઇન શરૂ થાય ત્યાં સુધી રાહ જોવી સલાહભર્યું માનવામાં આવતું નથી. પ્રસૂતિની અપેક્ષિત તારીખની પહેલાં જ સિઝેરિયન કરી લેવું પડે છે.


કાવ્યા પૂરા મહિને પ્રસૂતિની પીડા સાથે દાખલ થઈ ગઈ. ગર્ભાશયમાં રહેલું બાળક યોગ્ય વજનનું હતું. ગર્ભાશયમાં એની પોઝિશન પણ સાનુકૂળ હતી. એનો પ્રસવ માર્ગ બાળકના માથાના ઘેરાવા કરતાં જરા મોટો હતો. બધી રીતે નોર્મલ ડિલિવરી થવાની તક દેખાતી હતી, પણ પાંચેક કલાક પછી સુવાવડનું દર્દ ઓછું થવા લાગ્યું. દર્દની માત્રા વધારવા માટે આધુનિક ઇન્જેક્શનો ઉપલબ્ધ છે. તે યોગ્ય ડોઝમાં કાવ્યાને આપવામાં આવ્યાં.

ધીમે ધીમે દર્દની તીવ્રતા વધવા લાગી, પણ મધરાત પછી ત્રણેક વાગ્યે કાવ્યાની સહનશક્તિએ જવાબ દઈ દીધો. એ ચીસો પાડવા માંડી, ‘મમ્મી રે! મારાથી સહન નથી થતું. ઓપરેશન કરી નાખો.’ મારે એને કડક અવાજમાં કહેવું પડ્યું, ‘નવ મહિના સુધી તું નોર્મલ ડિલિવરીનો આગ્રહ રાખતી હતી અને હવે સિઝેરિયનની ફરમાઇશ કરે છે? હું દર્દીની ડિમાન્ડ પ્રમાણે નહીં, પરિસ્થિતિની માગને અનુસરીને નિર્ણય લઉં છું. તું બે કલાક ધીરજ રાખ, તો સારું પરિણામ આવશે.’ સવારના છ વાગીને દસ મિનિટે પ્રસૂતિ સંપન્ન થઈ. એકસાથે બબ્બે સૂર્યોદયો થયા. એક પૂર્વાકાશમાં અને બીજો ઓપરેશન થિયેટરમાં.

X
article by dr. smita sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી