અનિચ્છિત ગર્ભનો નિકાલ

article by dr. smita sarad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Dec 04, 2018, 12:05 AM IST

મંજરીબહેન મમ્મી અને સ્વીટી એમની દીકરી. એક સાંજે મારા કન્સલ્ટિંગ રૂમમાં આવ્યાં. સ્વીટી સાવ ગંભીર, હતાશ અને જાણે મૂંગીમંતર હોય તેવી! મંજરીબહેનના ચહેરા પર ચિંતા અને આંખોમાં આંસુ. શબ્દોની જરૂર જ ક્યાં હતી? દૃશ્ય ખુદ કહી આપતું હતું કે શું બન્યું હોવું જોઈએ.
‘બહેન, હું કોલેજમાં લેક્ચરર છું. મારે ત્રણ સંતાનો છે. બે દીકરાઓ અને એક દીકરી.’ મંજરીબહેને આટલું કહીને ડાબી તરફ બેઠેલી દીકરી તરફ જોયું, ‘આ સ્વીટી, મારી દીકરી. ત્રણેય સંતાનોમાં આ સૌથી મોટી. ઓગણીસમું ચાલે છે.’
‘તકલીફમાં શું છે? મારી પાસે આવવાનું કારણ શું?’

શરૂઆતનો ગર્ભ હોય ત્યારે ગર્ભપાત કરવા માટેની ટેબ્લેટ્સ બજારમાં ઉપલબ્ધ છે, પણ જો ગર્ભ સહેજ મોટો થઈ ગયો હોય તો એ પૂરેપૂરી કારગત નીવડતી નથી

‘છેલ્લા પંદરેક દિવસથી સ્વીટીને ઊલટીઓ થતી હતી. મેં ફેમિલી ડૉક્ટરને બતાવ્યું. એમણે ગોળીઓ આપી અને કહ્યું કે એસિડિટી લાગે છે. ફરક ન પડ્યો, એટલે ફિઝિશિયન પાસે ‘રિફર’ કરી દીધાં અમને. ફિઝિશિયને ઇન્જેક્શનો આપ્યાં. દાખલ કરીને બાટલા ચડાવ્યા. સહેજ સારું લાગ્યું, પણ ઘરે આવ્યા એટલે પાછી ઊલટીઓ ચાલુ થઈ ગઈ.’
‘પછી?’


‘પછી ફિઝિશિયને સલાહ આપી કે પેટની સોનોગ્રાફી કરાવી લો. સોનોગ્રાફી રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે હોજરી, નાનું આંતરડું, મોટું આંતરડું, પેશાબની કોથળી, કિડની અને બીજા તમામ અવયોમાં કશી જ ગરબડ
નથી, પણ...’


‘ગરબડ ગર્ભાશયમાં...?’


‘હા, બહેન.’ મંજરીબહેન રડી પડ્યાં. ‘આ છોકરીએ તો મને જીવવા જેવી ન રહેવા દીધી. હું તો આખો દિવસ નોકરી પર જતી હતી. એ પણ સાયન્સ કોલેજમાં ભણે છે. એણે ક્યારે, ક્યાં, કોની સાથે મોં કાળું કર્યું એ ઈશ્વર જ જાણે.’
અમારે ગાયનેકોલોજિસ્ટ્સને માટે આ કંઈ નવી વાત નથી. સમાજમાં અનેક કુંવારી છોકરીઓ મુગ્ધ પ્રેમના ગળચટ્ટા સ્વાદથી આકર્ષાઈને ભૂલ કરી બેસે છે. શરીર તો એનો ધર્મ બજાવીને જ રહે છે. ગર્ભ ક્યારેય એવું નથી વિચારતો કે એણે પસંદ કરેલી કૂખ કુંવારી છે કે પરણેલી!
‘શું જાણવા મળ્યું સોનોગ્રાફીના રિપોર્ટમાં?’


‘પોણા બે મહિનાની પ્રેગ્નન્સી હતી. મારા પતિનું બે વર્ષ પહેલાં અવસાન થઈ ચૂક્યું છે. હું ગભરાઈ ગઈ. બે દિવસ તો રડવામાં ગયા. બીજા બે દિવસ સ્વીટીને મારવામાં અને ખખડાવવામાં ગયા. છેવટે કોલેજમાં મારી સાથે જોબ કરતી એક યુવાન લેક્ચરરે કહ્યું કે આટલી નાની વાતમાં ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. એણે મેડિકલ સ્ટોરમાંથી છસો રૂપિયાની ગોળીઓ લાવી આપી. એ મેં સ્વીટીને ગળાવી દીધી. ત્રીજા દિવસે બ્લીડિંગ ચાલુ થઈ ગયું. મેં રાહતનો શ્વાસ લીધો કે હાશ, ગર્ભનો નિકાલ થઈ ગયો!’
‘નિકાલ ન થયો?’


‘બ્લીડિંગ ચાલુ થયું તે ચાલુ જ રહ્યું, એમાં લોહીની મોટી મોટી ગાંઠો પડતી રહી, પણ ગર્ભ નીકળ્યો કે
નહીં એ...’


મંજરીબહેનની મૂંઝવણ હું સમજી ગઈ. ઇન ફેક્ટ, આવી મૂંઝવણ અનેક યુવતીઓમાં જોવા મળે છે. શરૂઆતનો ગર્ભ હોય ત્યારે ગર્ભપાત કરવા માટેની ટેબ્લેટ્સ બજારમાં ઉપલબ્ધ છે, પણ જો ગર્ભ સહેજ મોટો થઈ ગયો હોય તો એ પૂરેપૂરી કારગત નીવડતી નથી. બ્લીડિંગ ચાલુ થયા પછી બંધ થતું નથી જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.


અડધો ગર્ભ બહાર નીકળી જાય અને બાકીનો અડધો મૃત ગર્ભ ગર્ભાશયમાં જ રહી જાય છે, જે પછીથી ચેપના કારણે સડવા માંડે છે. દર્દીને સેપ્ટિક થાય છે, તાવ આવે છે અને સ્થિતિ બગડતી જાય છે.


આવા કેસમાં દર્દીને તાત્કાલિક એન્ટિબાયોટિક્સનાં ઇન્જેક્શનો આપીને ચેપને કાબૂમાં લેવો પડે છે. પછી બની શકે એટલું પહેલાં એનાં ગર્ભાશયને ખાલી કરી નાખવું પડે છે. જ્યાં સુધી ગર્ભાશયમાંથી બધો બગાડ નીકળે નહીં ત્યાં સુધી બ્લીડિંગ ચાલુ જ રહે છે અને તાવ પણ મટતો નથી.
સ્વીટી કશું જ ખાધા વિના આવી હતી. ત્રણેક કલાક પહેલાં તેણે બે ઘૂંટડા પાણી પીધું હતું, એટલે એને બેહોશીનું ઇન્જેક્શન આપવામાં જોખમ ન હતું. અડધા કલાકમાં જ એનેસ્થેટિસ્ટ આવી ગયા. સ્વીટીને એનેસ્થેસિયા આપ્યું. મેં એનાં ગર્ભાશયમાંથી દુર્ગંધ મારતો, ઇન્ફેક્ટેડ બગાડ કાઢીને દૂર કર્યો. ગર્ભાશય સંકોચાઈને કડક થઈ ગયું. બ્લીડિંગ બંધ થઈ ગયું. ત્રણ કલાકના આરામ પછી સ્વીટી નર્સિંગહોમમાંથી રજા લઈને ઘરે જઈ શકી.


યુવતી કુંવારી હોય કે પરણેલી, પણ બધાંને માટે મારી પાસે એક જ સલાહ છે. જો તમારો અનિચ્છિત ગર્ભ તમારે દૂર કરવો હોય તો, એ માટે કોઈ પણ ડિગ્રીધારી ગાયનેકોલોજિસ્ટને મળો અને સાચી સલાહ મેળવો. મેડિકલ સ્ટોરમાં જઈને કે કોઈ ફ્રેન્ડની દોરવણીથી દોરવાઈ ગમે તે ગોળીઓ કે ઇન્જેક્શનો લેવાની મૂર્ખામી ન કરશો. ક્યારેક જીવનું જોખમ આવી પડશે. ક્યારેક પુન: ગર્ભધારણ ન થઈ શકે તો જીવનભર પસ્તાવાનો વારો આવશે.

X
article by dr. smita sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી