ગર્ભાશય મૂળ સ્થાનેથી ખસી જાય ત્યારે...

article by dr. smita sarad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Nov 27, 2018, 12:05 AM IST

કુમુદબહેન સરકારી શાળામાં શિક્ષિકા. પિસ્તાળીસ વર્ષની ઉંમર. પતિ નાનો એવો બિઝનેસ કરે. બે ટીનેજર બાળકો. એક દિવસ કુમુદબહેને મારી પાસે આવીને કહ્યું, ‘બહેન, મને એવું લાગ્યા કરે છે કે મારા નીચેના ભાગમાંથી જાણે કશુંક બહાર નીકળતું હોય! હું ચકાસી જોઉં છું તો એવું કંઈ દેખાતું નથી, પણ આખો દિવસ સતત મને એવું ‘ફીલ’ થયા કરે છે.’


એમની વાત પરથી મને ખ્યાલ આવી ગયો કે એમનું ગર્ભાશય ઢીલું પડી ગયું હોવું જોઈએ. મેં કેસપેપરમાં પ્રારંભિક વિગતો નોંધી પૂછ્યું, ‘કેટલાં બાળકો છે તમારે?’ ‘એક દીકરો છે અને એક દીકરી.’ ‘બંનેની ઉંમર?’ ‘દીકરો સત્તર વર્ષનો અને દીકરી ચૌદ વર્ષની.’ ‘બંને સુવાવડો નોર્મલ રીતે થઈ હશે.’ મેં પૂછ્યું. મારું અનુમાન સાચું પડ્યું. સામાન્ય રીતે નોર્મલ પ્રસૂતિ થઈ હોય ત્યારે જ ગર્ભાશયની આવી સ્થિતિ થતી હોય છે. સિઝેરિયન થયું હોય તો આવી ફરિયાદ જવલ્લે જ જોવા મળે છે. ‘હા, બંને ડિલિવરીઝ તદ્દન સારી રીતે થઈ હતી.’

સામાન્ય રીતે સ્ત્રીના શરીરમાં ગર્ભાશય એના નિશ્ચિત સ્થાન પર કેટલાક આધારોના કારણે રહેલું હોય છે. એક કરતાં વધુ કારણોથી જ્યારે તેના ટેકા શિથિલ પડે છે ત્યારે ગર્ભાશય ઢીલું પડીને નીચેની દિશામાં ખસવા લાગે છે

‘મેટરનિટી હોમમાં? કે ઘરે? સિટીમાં કે ગામડામાં?’ મારા પ્રશ્નોના જવાબો પરથી ઘણું બધું સમજાઈ શકે તેમ હતું. ‘અમદાવાદમાં અને ખાનગી નર્સિંગહોમમાં.’ મને થયું એક વાત હવે પૂછવી જ પડશે. ‘બંને ડિલિવરીઝ વખતે ડૉક્ટર હાજર હતા?’ ‘ના બહેન, એમની જરૂર જ ન ઊભી થઈ. મેં કહ્યું ને કે બંને પ્રસૂતિઓ સારી રીતે, વિના તકલીફે પાર પડી હતી. હોસ્પિટલની આયા બહેનોએ જ કરાવી દીધી હતી. ડૉક્ટરને બોલાવવાની જરૂર પડી ન હતી.’


‘કુમુદબહેન, તમારી પ્રસૂતિ સમયે આયાને બદલે જો ડૉક્ટર હાજર રહ્યા હોત તો સારું હતું.’ ‘તમે આવું કેમ કહ્યું?’ ‘પછી સમજાવું, પહેલાં તમારું ચેકઅપ કરી લઉં.’ મેં જવાબ ટાળ્યો. કુમુદબહેનને એક્ઝામિનેશન ટેલબ પર લીધાં. સાધન મૂકીને તપાસ કરી કહ્યું, ‘જોરથી ખાંસી ખાવ.’ એમણે ખાંસી ખાધી, એ સાથે જ ગર્ભાશય ખસીને બહારની (નીચેની) દિશામાં આવ્યું.


મારી ધારણા સાચી નીકળી. સામાન્ય રીતે સ્ત્રીના શરીરમાં ગર્ભાશય એના નિશ્ચિત સ્થાન પર કેટલાક આધારોના કારણે રહેલું હોય છે. એક કરતાં વધુ કારણોથી જ્યારે તેના ટેકા શિથિલ પડે છે ત્યારે ગર્ભાશય ઢીલું પડીને નીચેની દિશામાં ખસવા લાગે છે. એ કેટલું ખસે છે તે પરથી તેની ડિગ્રી નક્કી કરવામાં આવે છે.


આપણા લોકોમાં એવો ભ્રમ પ્રવર્તે છે કે જૂના જમાનામાં ગામડાની દાયણો નોર્મલ ડિલિવરી કરાવવામાં પારંગત હતી. સત્ય એ છે કે દાયણોને નોર્મલ ડિલિવરી સિવાય બીજું કંઈ આવડતું ન હતું. તેઓ પ્રસૂતા પાસે જરૂરત કરતાં વધુ અને સમય પહેલાં જોર કરાવતી તે પછી પણ જો પ્રસવ ન થાય તો પેટ પર દબાણ આપીને બાળકને બહાર ધકેલી દેતી હતી.


આવા મોટાભાગના કિસ્સાઓમાં તો ગર્ભાશયનું મુખ પૂરેપૂરું ખૂલ્યું ન હોય ત્યારથી જ દાયણોની ખેંચતાણ શરૂ થઈ જતી હતી. આનું પરિણામ નવાં જન્મેલાં બાળક પર તો જે આવતું હોય તે, પરંતુ પ્રસૂતાના ગર્ભાશયને ખાસ્સું એવું નુકસાન થઈ જતું હતું. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપતા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર્સનો અનુભવ છે જ કે ગામડાની બહેનોને અમુક વય પછી ગર્ભાશય બહાર આવવાની ફરિયાદ ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હતી.


કુમુદબહેન અમદાવાદ જેવા શહેરમાં અને મેટરનિટી હોમમાં થઈ હોવા છતાં અણઘડ આયા દ્વારા થઈ હતી. પરિણામ સામે હતું. મેં હકીકત કુમુદબહેનને સમજાવી. તેમણે પૂછ્યું, ‘બહેન, આ તકલીફનો ઉપાય શો છે?’ ‘સામાન્ય સલાહ આપું તો સર્જરી જ એકમાત્ર ઉપાય છે. પેસરી મૂકવાની સલાહ અમે આપતા હતા, પણ હવે ઓપરેશન એટલું બધું ઝડપી, સરળ અને સલામત બની ગયું છે કે હું તમને એ જ સલાહ આપીશ.’ ‘એટલે મારે ગર્ભાશય કઢાવી નાખવું પડશે?’


‘પિસ્તાળીસ વર્ષની ઉંમરે ગર્ભાશયનું કામ શું છે? હાલતાં-ચાલતાં તમને એ સભાનતા રહ્યા કરે કે અંદરથી કશુંક બહાર આવી રહ્યું છે. આ તકલીફ ખાંસી ખાતી વખતે, ઊભડક બેસતી વખતે કે પાણી ભરેલી બાલદી ઊંચકતી વખતે વધી જાય છે. માટે હું ઓપરેશનની સલાહ આપીશ.’ કુમુદબહેન શિક્ષિકા હતાં એટલે સમજી શક્યાં, પણ એક મૂંઝવણ હતી, ‘બહેન, શાળામાં વેકેશન પડવાને દોઢેક મહિનાની વાર છે. ત્યાં સુધી રાહ જોઈ શકાય?’


‘હા, તમે રજાઓમાં જ કરાવજો. હું દવાઓ લખી આપું તે લેવાનું શરૂ કરી દો.’ વેકેશન પડતાં જ કુમુદબહેન આવી ગયાં. ઓપરેશન સફળ રહ્યું. વેકેશન ખૂલતાં એ નોકરી પર હાજર થઈ ગયાં.

X
article by dr. smita sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી