મેનોપોઝ પછીનો રક્તસ્રાવ

article by dr. smita sarad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Nov 20, 2018, 12:05 AM IST

નીતાબહેન જ્યારે મને મળવા આવ્યાં ત્યારે ખૂબ જ ગભરાયેલાં લાગતાં હતાં, ‘બહેન, મારી ઉંમર પાંસઠ વર્ષની છે. મારું માસિક જતું રહ્યું, એ વાતને પંદર વર્ષ થવા આવ્યાં, પણ ગઈ કાલે રાત્રે હું બાથરૂમમાં ગઈ ત્યારે મને લોહીની ગાંઠો પડવા માંડી હતી. આવું કેમ થયું હશે? મને તો ચિંતા થાય છે.’ મામલો ચિંતા થાય તેવો જ હતો. માસિકસ્રાવ બંધ થઈ જાય તે ઘટનાને ‘મેનોપોઝ’ કહે છે. આ માટેની સરેરાશ ઉંમર પિસ્તાળીસ વર્ષની આસપાસની હોય છે, પણ આનો અર્થ એવો નથી કે કોઈ સ્ત્રી એના આયુષ્યનાં 44 વર્ષ પૂરાં કરીને 45મા વર્ષમાં પ્રવેશે એ જ દિવસથી માસિકસ્રાવ આવવાનું બંધ થઈ જાય.

મેનોપોઝ શરૂ થઈ ગયા પછી જો બ્લીડિંગ શરૂ થાય તો એને નાનુંસૂનું ચિહ્્ન સમજીને અવગણી કાઢવું ન જોઈએ. એ સામાન્યથી લઈને અતિ ગંભીર બીમારીનું પરિણામ હોઈ શકે છે. ફરિયાદ લઈને આવતી દરેક સ્ત્રીની ઝીણવટભરી તપાસ કરવી જોઈએ

મેનોપોઝ એક બૃહદ ધીમા પરિવર્તનનો ભાગ માત્ર છે. કોઈ કોઈ સ્ત્રીમાં એ પાંત્રીસ વર્ષની ઉંમરે શરૂ થાય છે તો ક્યારેક પચાસમા વર્ષે પણ દેખાતું નથી, મતલબ કે પાંત્રીસ વર્ષની સ્ત્રીને માસિકસ્રાવ આવતો બંધ થઈ જાય એવું બને અને અઠ્ઠાવન વર્ષની સ્ત્રીને હજુ પણ માસિક આવ્યું હોય તેવુંયે બને.


આ બધાે હોર્મોન્સનો ખેલ હોય છે. જ્યારે સતત છ-બાર મહિના સુધી ‘મેન્સીઝ’ન દેખાય તો માની લેવું કે ‘મેનોપોઝ’ આવી ગયું છે. મેનોપોઝ શરૂ થઈ ગયા પછી જો બ્લીડિંગ શરૂ થાય તો એને નાનુંસૂનું ચિહ્્ન સમજીને અવગણી કાઢવું ન જોઈએ. એ સામાન્યથી લઈને અતિ ગંભીર બીમારીનું પરિણામ હોઈ શકે છે.


યોનિમાર્ગમાં ઈજા થવી, ગાંઠ કે મસો થવો, ગર્ભાશયના મુખનું અથવા ગર્ભાશયની દીવાલનું કેન્સર થવું, નિર્દોષ ગાંઠ હોવી, સોજો આવવો ઉપરાંત બીજા પણ નાનાં-મોટાં કારણો હોઈ શકે છે, પણ આવી ફરિયાદ લઈને આવતી દરેક સ્ત્રીની ઝીણવટભરી તપાસ કરવી જોઈએ. એ પછી જરૂર પડે સોનોગ્રાફી અને પછી બાયોપ્સી જેવાં પરીક્ષણો કરાવવાં જોઈએ. ગર્ભાશયની દીવાલને સાફ કરીને જે બગાડ નીકળે તેને પેથોલોજી લેબોરેટરીમાં મોકલી દેવાથી ખરા નિદાન સુધી પહોંચી શકાય છે. એન્ડોસ્કોપીની ભૂમિકા પણ આમાં નકારી ન શકાય.


પાંસઠ વર્ષનાં નીતાબહેન તો મારી વાત સાંભળીને વધુ ચિંતિત બની ગયાં. ‘તો મને ગર્ભાશયનું કેન્સર થયું હશે?’


‘એવું કોણે કહ્યું? મેં તમને આટલી શક્યતાઓ જણાવી તેમાંથી તમે માત્ર એક કેન્સરની વાતને જ પકડી લીધી? હું તમને પરિસ્થિતિની ગંભીરતા સમજાવવા માગું છું, ડરાવી મારવા નથી માગતી.’


પહેલું કામ મેં નીતાબહેનની સોનોગ્રાફી કરાવવાનું કર્યું. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે મને ભારે આશ્ચર્ય થયું. નીતાબહેનનું ગર્ભાશય, બંને અંડાશયો, ગર્ભાશયનું મુખ વગેરે સાવ નોર્મલ જણાતું હતું, પણ એમના ગર્ભાશયની અંદર કોપર-ટી જોઈ શકાતી હતી. પાંસઠ વર્ષની સ્ત્રી અને જેનું માસિક દસ વર્ષથી જતું રહ્યું હોય તેવી સ્ત્રીને કોપર-ટીનું શું કામ પડ્યું હશે?
‘નીતાબહેન, તમે કોપર ટી મુકાવી હતી?’ મેં પૂછ્યું.


એ દિમાગ પર જોર લગાવી રહ્યાં, ‘હા, મને યાદ આવ્યું. જ્યારે હું આડત્રીસ વર્ષની હતી ત્યારે મને પ્રેગ્નન્સી રહી હતી. મારે ત્રણ બાળકો હતાં અને એ બધાં સમજદાર થઈ ગયાં હતાં. ચોથા બાળકની અમારે જરૂર ન હતી, એટલે મેં ગર્ભપાત કરાવ્યો હતો. એ પછી ગાયનેકોલોજિસ્ટે મને સલાહ આપી હતી કે આવો અતિરિક્ત ગર્ભ ફરીથી ન રહી જાય એ માટે મારે કોપર ટી મુકાવી દેવી જોઈએ. મેં બીજા મહિને કોપર ટી મુકાવી દીધી હતી.’


‘ડોક્ટરે તમને એવી સલાહ નહોતી આપી કે ત્રણ, પાંચ કે સાત વર્ષ પછી એ કોપર ટી કઢાવી લેજો?’


‘મને યાદ નથી. કદાચ ડોક્ટરે એવું કીધું હશે, પણ હું ભૂલી ગઈ હોઈશ.’
‘પણ આવી વાત આટલાં બધાં વર્ષો સુધી ભૂલી જવાય? આજે એ વાતને સોળ વર્ષ પૂરાં થવા આવ્યાં. અત્યાર સુધીમાં તો કોપર-ટી તમારા ગર્ભાશયની દીવાલમાં ખૂંપી ગઈ હશે અને ગર્ભાશયની દીવાલમાં રહેલી રક્તવાહિનીને ઈજા થઈ હોય તો રક્તસ્રાવ થઈ શકે છે.’ ‘તો એનો ઉપાય શો?’


‘કોપર-ટી વહેલામાં વહેલી તકે કાઢી નાખવી જોઈએ. સાવધાની ખાતર ક્યુરેટિંગ કરીને ગર્ભાશયની દીવાલ પણ સાફ કરવી પડશે. એમાં જો મસો હશે અથવા કેન્સર શરૂ થઈ રહ્યું હશે તો એનું નિદાન પણ થઈ જશે. બોલો ક્યારે એડમિટ થશો?’


‘આજે જ અને અત્યારે જ.’
‘છ કલાકથી ખાવા-પીવાનું બંધ છે કે કંઈ લીધું છે?’ મેં એનેસ્થેસિયાના હેતુથી પૂછ્યું.
‘બહેન, આજે મારે નકોરડો ઉપવાસ છે. સવારથી કંઈ જ ખાધું-પીધું નથી.’
‘બહુ સરસ. હું એનેસ્થેટિસ્ટને ફોન કરું છું.’ કહીને મેં સંમતિપત્ર પર એમની અને એમના પતિની સહીઓ લઈ લીધી.


એનેસ્થેસિયા આપ્યા પછી દસ જ મિનિટમાં નીતાબહેનના ગર્ભાશયમાં સોળ-સોળ વર્ષોથી ધામા નાખીને પડેલી કોપર-ટી કાઢી નાખવામાં આવી. ગર્ભાશયની દીવાલની આંતરત્વચા ભેગી કરીને લેબોરેટરીમાં મોકલી આપી.


સાત દિવસમાં રિપોર્ટ આવ્યો. બધું નોર્મલ હતું. એ દિવસથી નીતાબહેનને ફરી ક્યારેય બ્લીડિંગ થયું નથી. નીતાબહેનને હવે કોઇ જાતની ફરિયાદ નથી.

X
article by dr. smita sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી