ટીનેજર ગર્લ્સમાં શ્વેતપ્રદર

article by dr. smita sarad thaker

ડૉ. સ્મિતા ઠાકર

Sep 25, 2018, 12:05 AM IST

પંખુડી નામની ટીનેજર ગર્લનો પત્ર આવ્યો છે. એ 18 વર્ષની છે અને કોલેજમાં સ્ટડી કરી રહી છે. એણે વિનંતી કરી છે, ‘મેડમ, અનમેરીડ છોકરીઓને વ્હાઇટ ડિસ્ચાર્જની ફરિયાદ રહેતી હોય તો શું કરવું જોઈએ એ વિશે તમારી કોલેજમાં માર્ગદર્શન આપશો.’


યોગાનુયોગ એ જ દિવસે સાંજે ફાર્મસી કોલેજમાં ભણતી વૈભવી મારી પાસે આ જ પ્રકારની ફરિયાદ લઈને આવી, ‘મેડમ, હું 19 વર્ષની છું. અનમેરિડ છું. છેલ્લાં છ-આઠ મહિનાથી મને સફેદ, ચીકણું પાણી પડવાની તકલીફ રહ્યા કરે છે. શરમના કારણે હું મારી મમ્મી કે દીદીની આગળ કશુંયે બોલી શકતી નથી. હિંમત કરીને એકલી જ તમારી પાસે આવી ગઈ છું.’
જે ફરિયાદ પંખુડી અને વૈભવી લઈને આવી છે એવી જ ફરિયાદ હજારો ટીનેજર ગર્લ્સને સતાવતી હશે. પંખુડીની વિનંતીને માન આપીને હું એ હજારો દીકરીઓની મૂંઝવણનું માર્ગદર્શન અહીં રજૂ કરું છું.


વ્હાઇટ ડિસ્ચાર્જ, સફેદ પાણી પડવું કે શ્વેતપ્રદર અથવા લ્યુકોરિયા આ બધાં એક જ બીમારીનાં અલગ-અલગ નામો છે. એમાં સ્ત્રીના યોનિમાર્ગમાં સફેદ અથવા આછું પીળાશ પડતું પ્રવાહી ઝરે છે. કોઈ પણ ઉંમરે (બાળકીથી લઈને વયસ્ક સુધીની સ્ત્રીઓને) આ તકલીફ થઈ શકે છે. પરણેલી સ્ત્રીઓમાં આ સ્થિતિ વધુ પ્રમાણમાં જોવાં મળે છે. એની સારવાર કરીને દર્દીને સંપૂર્ણપણે તકલીફમુક્ત કરવી એ કુંવારી છોકરી કે સ્ત્રીમાં સહેલું છે, પણ એની સરખામણીએ પરણેલી સ્ત્રીને કાયમી કે લાંબાગાળાની રોગમુક્તિ આપવાનું જરાક અઘરું છે. આનું કારણ એ છે કે પરિણીત સ્ત્રીને જાતીય સમાગમથી આ ચેપ વારંવાર લાગુ પડતો રહે છે.

જૂની અને નવી પેઢીઓ જોયાં બાદ લાગે છે કે મોડર્ન યુગની યુવતીઓ સંપૂર્ણપણે બિન્ધાસ્ત છે અને મહદંશે પ્રામાણિક અને પારદર્શક પણ છે. તેઓ પોતાનાં અફેયર્સની વાત છુપાવતી નથી

શ્વેતપ્રદર થવા માટેનાં અનેક કારણો છે. એમાં મુખ્યત્વે ફંગલ ઇન્ફેક્શન, પેરાસાઇટિક ઇન્ફેક્શન અથવા બંનેનો મિશ્ર ચેપ હોઈ શકે છે. એ ઉપરાંત સ્ત્રીનું અંગત ‘હાઇજિન’ જો સારું ન હોય તો પણ આવી ફરિયાદ જોવા મળે છે. કેટલાંક અન્ય કારણોની ચર્ચા અહીં ટાળવાનું યોગ્ય રહેશે.


હાલના સમયમાં શ્વેતપ્રદરની સારવારમાં ખૂબ મોટું પરિવર્તન આવી ગયું છે. આજથી 30-35 વર્ષ પહેલાં આ તકલીફથી પીડાતી બહેનો માટે ઓછામાં ઓછા સાત દિવસ સુધીની ગળવા માટેની ગોળીઓ અપાતી હતી. મેટ્રોનિડાઝોલ નામની આ ગોળી રોજ ત્રણ-ત્રણ વાર ગળવી પડતી હતી. એ ગોળી પચવામાં ભારે હતી અને એના લીધે જીભ પરનો સ્વાદ કડવો થઈ જતો હતો. પાણી પીવાથી પણ કડવાશ પ્રસરી જતી હતી.


અત્યારે એ ગોળીઓનું સ્થાન માત્ર એક જ દિવસની ગોળીઓએ લઈ લીધું છે. માત્ર એક ગોળી સવારે અને એક ગોળી રાત્રે ગળવાથી ‘કોર્સ’ પૂરો થઈ જાય છે.


ફંગલ ઇન્ફેક્શન માટે પણ માત્ર બે જ ગોળીઓ આપવામાં આવે છે.
પરિણીત સ્ત્રીઓમાં જાતીય સમાગમના કારણે આ તકલીફ વારંવાર થતી હોવાથી, ઉપરનો બે દિવસનો કોર્સ પતિ-પત્ની બંનેને આપવામાં આવે છે.


આ ઉપરાંત યોનિમાર્ગમાં મૂકવાની લંબગોળ આકારની ગોળીઓ પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે.


કુંવારી છોકરીઓમાં યોનિપટલ અક્ષત હોવાથી આવી ગોળી અંદર મૂકવામાં તકલીફ થાય છે માટે કુંવારી છોકરીને એ ‘પ્રિસ્ક્રાઇબ’ કરાતી નથી.


પંખુડીની અંગત જિંદગી વિશે મને વિશેષ માહિતી નથી, પણ વૈભવી તો મારા કન્સલ્ટિંગ રૂમમાં મારી સમક્ષ ઉપસ્થિત હતી. જ્યારે મેં એને કહ્યું કે, ‘તું કુંવારી છે એટલે હું તને યોનિમાર્ગમાં મૂકવા માટેની ગોળીઓ સૂચવતી નથી.’


ત્યારે વૈભવી બોલી ઊઠી, ‘મેડમ, હું અનમેરિડ ભલે છું, પણ મારે એક બોયફ્રેન્ડ છે અને હું સેક્સ્યુઅલી એક્ટિવ છું. માટે તમે વિના સંકોચ રાખ્યે અંદર મૂકવાની ગોળીઓ પ્રિસ્ક્રાઇબ કરી શકો છો.’


હું લગભગ સાડા ત્રણ દાયકાથી ગાયનેક તરીકે અનેક દર્દીઓને તપાસતી રહી છું, જૂની અને નવી એમ બબ્બે પેઢીઓ મેં જોઈ નાખી છે.


આ મોડર્ન યુગની યુવતીઓ સંપૂર્ણપણે બિન્ધાસ્ત છે અને મહદંશે પ્રામાણિક અને પારદર્શક પણ છે. તેઓ પોતાનાં અફેયર્સની વાત છુપાવતી નથી.


શ્વેતપ્રદર માટે અંગત આરોગ્યનું સ્તર સુધારવું, આંતર વસ્ત્રોની સ્વચ્છતા જાળવવી, હિમોગ્લોબીન, બ્લડ સુગર વગેરે તપાસતા રહેવું, આવી બીજી અનેક બાબતો પણ ધ્યાનમાં રાખવા જેવી છે.

X
article by dr. smita sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી