એક પેશન્ટનાં બે રિપોર્ટ વિરોધાભાસી હોય ત્યારે?

article by dr. smita sarad thaker

ડૉ. સ્મિતા શરદ ઠાકર

Sep 18, 2018, 12:05 AM IST

અંગનાને જોતાંની સાથે જ મારા મનમાં વિચાર આવ્યો, ‘આને કાં તો મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ હોવો જોઈએ, કાં સ્ટરિલિટી. એનું વજન ખૂબ ખૂબ ખૂબ વધારે છે.’ અંગનાનું શરીર ગોળમટોળ લાગતું હતું. ગાલ પર, પેટ પર, નિતંબ પર ચરબીના જાડા થર જામેલા હતા. એના બંને હાથ અને પગ હાથણીના પગ જેવા જાડા દેખાતા હતા. એ કન્સલ્ટિંગ રૂમમાં ચાલીને આવી એટલામાં જ હાંફી ગઈ હતી. મને બાપડીની દૈહિક હાલત પર દયા આવી ગઈ.


‘બોલ બહેન, શા માટે આવવું પડ્યું?’ એની હાંફ જરાક શમી એટલે મેં પૂછ્યું.
‘મેડમ, મારું નામ અંગના છે. મારા મેરેજને ચાર વર્ષ થયાં છે. મેરેજ પહેલાં મારું વજન આટલું ન હતું, પણ પછી મને થાઇરોઇડનો પ્રોબ્લેમ થયો અને વજન વધતું જ ગયું, વધતું જ ગયું.’
‘એના માટે કોઈ એન્ડોક્રાઇનોલોજિસ્ટને બતાવ્યું?’

કેટલીક વાર અત્યાધુનિક રીતે થયેલી તપાસમાં પણ બે વિરોધાભાસી રિપોર્ટ આવી શકે છે. આ સ્થિતિમાં મહિલાએ ગભરાયા વિના ગાયનેકોલોજિસ્ટની સલાહને અનુસરવાની જરૂર છે. કોઇ વાર રિપોર્ટ ખોટો પણ આવી શકે

‘હા, મેડમ. એમણે જે ટ્રીટમેન્ટ લખી આપી છે તે ચાલુ જ છે.’
‘સરસ. હવે મારી પાસે આવવા માટેનું કારણ બતાવ.’
‘સંતાન પ્રાપ્તિ માટે આવી છું. આજે તો એકલી જ આવી છું, પણ જો તમે કહેશો તો ફરીથી આવીશ ત્યારે મારા પતિને પણ સાથે લઈને આવીશ.’
અંગના ગ્રેજ્યુએટ હતી. ભલે સ્થૂળકાય હતી, પણ ‘ક્યૂટ’ દેખાતી હતી. વાત પણ મુદ્દાસર કરતી હતી. મેં કેસપેપરમાં વિગત ટપકાવી લીધી. ચેકઅપ કર્યા પછી પૂછ્યું, ‘વંધ્યત્વ માટે કોઈને બતાવ્યું છે?’


‘હા, મેડમ. રિપોર્ટ્સની ફાઇલ સાથે લાવી છું.’ અંગનાએ આટલું કહીને બે ફાઇલ્સ ટેબલ પર મૂકી દીધી.


એક ફાઇલ રાજકોટના ડોક્ટરની હતી, બીજી એક નાનકડા ટાઉનમાં પ્રેક્ટિસ કરતા ગાયનેક ડોક્ટરની હતી. મારો આજ સુધીનો એવો અનુભવ રહ્યો છે કે લગભગ બધા જ ડિગ્રીધારી ડોક્ટરોની કાર્યપદ્ધતિ અને સારવારની શૈલી એકસમાન જ રહેતી હોય છે, આનું કારણ એ છે કે અમને ભણાવવામાં આવતો સિલેબસ એકસરખો જ હોય છે. અલબત્ત, બધા ડોક્ટરોનો અનુભવ અને ટ્રીટમેન્ટની પસંદગી અંગત રીતે સહેજ અલગ પડી શકે છે.


મેં નોંધ્યું કે અંગનાને આપવામાં આવેલી ટ્રીટમેન્ટમાં બધું બરાબર અને નિયમાનુસાર જ હતું. અચાનક મારી નજર બે રિપોર્ટ્સ ઉપર પડી. એક રિપોર્ટ હિસ્ટ્રોસાલ્પિંગોગ્રાફીનો હતો. સાદી ભાષામાં કહું તો દર્દીના ગર્ભાશયમાં એક ખાસ પ્રકારનું પ્રવાહી દાખલ કરીને એ બંને તરફની ફેલોપિયન નળીઓમાંથી બહાર આવે છે કે નહીં તેના એક્સ-રે પાડીને તપાસવાનું પરીક્ષણ.
અંગનાની આ તપાસનો રિપોર્ટ એવું કહેતો હતો કે એની બંને નળીઓ પૂરેપૂરી ‘બ્લોક’ થયેલી હતી. જો આ રિપોર્ટ સાચો હોય તો બે જ ઉપાયો રહેતા હતા: એક, ઓપરેશન દ્વારા નળીઓ ખુલ્લી કરવી. બીજો ઉપાય, આઇ.વી.એફ. ટ્રીટમેન્ટનો સૂચવી શકાય.


મારી નજર અંગનાના બીજા ઇન્વેસ્ટિગેશન પર પડી. એ એક પ્રોસિજર હતી. એની હિસ્ટ્રોસ્કોપીની તપાસ કરવામાં આવી હતી, એ રિપોર્ટમાં એવું લખેલું હતું કે બંને ફેલોપિયન નળીઓ ખુલ્લી હતી.


આ બંને પરીક્ષણોનાં તારણો એકબીજાથી તદ્દન વિરુદ્ધનાં હતાં. જો નળીઓ ખુલ્લી હોય તો ‘લાઇન ઓફ ટ્રીટમેન્ટ’ બદલાઈ જતી હતી. આવો વિરોધાભાસ શા માટે થયો અેના એક-બે તાર્કિક ખુલાસાઓ હોઈ શકે, પણ મારું કામ હવે પછી શું કરવું તે વિચારવાનું હતું.


‘અંગના, તારે સૌથી પહેલું કામ તો વજન ઘટાડવાનું કરવું પડશે. આટલાં વજન સાથે તને પ્રેગ્નન્સી રહેવામાં તો તકલીફ પડશે જ, પણ ભવિષ્યમાં હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે. મારી બીજી સલાહ છે ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી કરાવવાની. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જ્યારે તારા પર હિસ્ટ્રોસ્કોપી કરવામાં આવી તે જ વખતે લેપ્રોસ્કોપી શા માટે ન કરવામાં આવી? બંને કાર્યો એક જ સમયે થઈ શકતાં હતાં. એનેસ્થેસિયા તથા હોસ્પિટલાઇઝેશન પણ એક જ વાર જરૂરી બન્યું હતું. અહીં તો આપણને અડધી જ માહિતી જાણવા મળી શકી, બીજી અડધી માહિતી બાકી રહી ગઈ.’
‘તો મારે હવે શું કરવું જોઈએ?’


‘હમણાં ચાર-છ મહિના સુધી કંઈ જ નથી કરવું. હું માત્ર ટેબ્લેટ્સ અને થોડીક જરૂરી સૂચનાઓ આપીશ. ત્યાં સુધીમાં તું વજન ઘટાડવાની કોશિશ કરજે. એ પછી હું તારી લેપ્રોસ્કોપિક તપાસ કરી આપીશ. એમાં જે નિદાન પકડાશે તે પ્રમાણે હું તારી સારવાર કરીશ.’
‘મેડમ, સારવારનું પરિણામ તો સારું મળશે ને?’


‘હા, મળશે. થોડોક વિશ્વાસ રાખીશ તો પરિણામ જરૂર મળશે. નહીંતર છેલ્લો ઉપાય આઇ.વી.એફ. ટ્રીટમેન્ટનો તો રહેશે જ.


અંગનાના મગજમાં મારી સલાહ બેસી ગઈ. જે પેશન્ટ ડોક્ટરે બતાવેલા ‘ટ્રીટમેન્ટ પ્લાન’ એક એક પગથિયા પ્રમાણે પૂરી શ્રદ્ધાથી અને વૈજ્ઞાનિક વિચારધારાથી અનુસરે છે તેને નિરાશ થવાનો સમય આવતો નથી આવો મારો દાયકાઓ પછીનો અનુભવ છે.

X
article by dr. smita sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી