રોલમોડેેલ અંગે રિથિંકિંગ હવે હીરો બદલવાની જરૂર છે

article by syam parekh

શ્યામ પારેખ

Sep 16, 2018, 12:05 AM IST

અમદાવાદમાં બોટની જેવા વિષયમાં પીએચ.ડી.ની પદવી ધરાવતો પચીસથી ઓછી ઉંમરનો એક યુવાન કે જેને હજી કામધંધામાં ઠરીઠામ થવાનું પણ બાકી છે, તે એક અદ્્ભુત કામ કરે છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, ફૂટપાથ, કચરાના ઢગલા કે સૂમસામ વિસ્તારોમાં જાનવરથી પણ બદતર જિંદગી જીવતા બેઘર, માનસિક રીતે અસ્થિર લોકો કે જેને જોઈને ભીખ આપવા જતા પણ લોકો અચકાય, તેવા લોકોને આ ડો. રોહન ઠક્કર નામનો યુવાન નવી જિંદગી આપવાનું કામ કરે છે.

આવા કિસ્સાઓમાં, જાહેરસ્થળોએ મોટાભાગે ત્યજાયેલી, માનસિક અસ્થિરતા કે અનેક રોગનો ભોગ બનેલી મહિલાઓ વધારે જોવા મળે છે. માતાજીનાં મંદિરોમાં પૂજા કરાનારાઓ કે દર બીજા વાક્યમાં માતાજીની આડ આપનાર માતૃભક્તો હોય કે મહિલા સશક્તિકરણ કે સમોવડિયાપણાની ભાવનાની વાતો કરનાર મહિલાઓ આવી સ્ત્રીઓની આસપાસથી દિવસમાં દસ વાર ગુજરતા હોય છે, પણ હરામ બરાબર જો કોઈ માઈનો લાલ ત્યાં એક મિનિટ પણ ઊભો રહેવાની હિંમત કરે. રાત્રે અસામાજિક તત્ત્વો આમાંની ઘણી મહિલાઓની એકલતા અને લાચારીનો લાભ ઉઠાવી તેમનું શોષણ કરતા હોય છે. પરંતુ સાનભાન ગુમાવી બેઠેલી આવી મહિલાઓને મદદે ચડવા કોઈ તૈયાર નથી હોતું. પોલીસ પણ આ બાબતે લાચારી વ્યક્ત કરે છે. ઘણીવાર આવી માનસિક અસ્થિર મહિલાઓ સગર્ભા હાલતમાં મળે છે, પણ ભારતના બધા જ નાગરિક અધિકાર હોવા છતાં પણ અધિકારહીન આવા લોકો માટે કોઈ બળાત્કારના કેસ લડવા, વળતર અપાવવા કે તેમને સંભાળવા કોઈ તૈયાર નથી હોતું.

ફિલ્મી અભિનેતાઓ, ગાયકો, ક્રિકેટરો, અમીરો, રાજકારણીઓ એમ બધા જ સ્વાર્થ માટે કાર્યરત લોકો હીરો અને ચુપચાપ અનેકોને મદદ કરનાર ઝીરો?

પણ આ યુવાન ડો. રોહન અને તેના ત્રણ-ચાર મિત્રો આવી વ્યક્તિઓને પોતાની ગાડીમાં નાખી, નવડાવી-ધોવડાવી, તેમની પ્રેમ અને આદરપૂર્વક માવજત કરી, સારવાર કરાવે છે. આવું અતિ સરાહનીય કાર્ય કરનાર યુવાનોની વિડંબના જોકે ત્યારબાદ જ શરૂ થતી હોય છે. આવી મહિલાઓને ક્યાં લઇ જવી? ઘણી વાર રેલવે સ્ટેશનની નજીકના ગંદા અને સૂમસામ વિસ્તારોમાંથી જ્યારે તેઓ આવી મહિલાઓને બચાવે છે ત્યારે પોલીસ સ્ટેશનના વિસ્તારના ગજગ્રાહથી માંડીને ક્યારેક અસામાજિક તત્ત્વો નડે છે. પરંતુ સહુથી વધારે કાયદાની નિષ્ઠુરતા નડે છે - ભિક્ષુક ગૃહ, વૃદ્ધાશ્રમ, અનાથાલય, નારી સંરક્ષણ કેન્દ્રો કે શિશુ ગૃહ, બાલાશ્રમ દરેક જગ્યાએ ખૂબ તકલીફો બાદ આવી મહિલાઓને ઠેકાણે પાડી શકે છે.


કોઈ પણ સંસ્થા-સંસ્થા રમ્યા વિના કે ફંડ-ફાળા કે મદદ માંગ્યા વિના માત્ર પોતાની સહજ માનવ ફરજ સમજી આવું કામ કરનાર યુવા પેઢીને સન્માન કે મદદ નહિ પણ થોડી સંવેદનશીલતાની જ જરૂર હોય છે. અને એ પણ પોતાના માટે નહીં, પરંતુ દુર્ભાગી એવા અન્ય માણસો માટે. કોફીશોપમાં બેસી ગર્લ-ફ્રેન્ડ્સ કે દોસ્તો સાથે ગપ્પાં મારવામાં કે મસ્તીમાં વ્યસ્ત રહેતા યુવાનોથી હટીને, કંઈ સારું કામ કરતા આવા લોકો ખરેખર આપણા સમાજના હીરો નથી?


હજારો રૂપિયા ખર્ચી દેશપ્રેમની તસવીરો ને જાહેરાતો છપાવતા લોકો, પોતાની દેશ-ભક્તિ બીજાથી ચડિયાતી તેવો દાવો કરનાર લોકો હોઈ કે કોઈએ કરેલી જોકમાં મહિલાનું સ્વમાન કેવું ઘવાયું છે તે અંગે કલાકો સુધી સોશિયલ મીડિયામાં ડિબેટ કરનાર વર્ગ ક્યારેય ઉકરડામાં કચરા સાથે પડેલા માનસિક રીતે અસ્થિર, અનેક બેરહમ બળાત્કારોથી પીડિત પણ જીવિત એવા મહિલા માનવદેહને નવ-જીવન આપવાનું કામ કરશે? તેમની જેમ અનેક મહિલાઓ કે પુરુષો આ પરિસ્થિતિમાં ધકેલાતા રોકાય તેવું કઈંક કરવા કોશિશ કરશે?


નિ:સ્વાર્થભાવે સમાજના હિતમાં કામ કરનાર લોકો કે થોડી રકમ લઇ જીવન-નિર્વાહ માટે ઝઝૂમતા લોકો જીવતા રહેવા થોડી રકમ જરૂર લેતા હશે પણ તમારા જીવનને જીવવા લાયક તેઓ જ બનાવે છે. આવા લોકો પોતાના સમર્પણની જાહેરાતો નહિ આપે, દાવાઓ નહિ કરે. તમારી આસપાસ નજર કરીને જોજો, આવા અઢળક લોકો મળી આવશે. પછી તે દર્દીઓને મફતમાં સવારી કરાવનાર રિક્ષાવાળો હોય, રસ્તા પર કારમાં અટવાયેલ કોઈના પરિવારને મદદ કરનાર ટ્રકવાળો હોય, કે વરસતા વરસાદે ટ્રાફિક ચાલુ રાખવા મથતો પોલીસમેન હોય. પણ શું આપણે ક્યારેય સ્વાર્થી રાજકારણી કરતાં આવા લોકોને હીરો કહી શકીશું?


ગણેશ ચતુર્થીએ માટીના ગણેશની પૂજા કરવાનું બાળકોને શિખવાડતાં મા-બાપને વિનંતી કે મૂર્તિની જેમ જીવતા માણસોની માવજત કરતા પણ શીખવવું જરૂરી છે. ફિલ્મી હીરોના ‘બીઇંગ હ્યુમન’ લખેલા ટી-શર્ટ પહેરી અને આવા માણસોની પાસેથી ગુજરતી વખતે આંખ બંધ કરીને ચાલ્યા જતા લોકોને સમજાવવું જરૂરી છે કે કચડાયેલા અને સમાજથી ફેંકાયેલા માણસને ‘ડિગ્નિટી’ કે આત્મ-ગૌરવ અપાવવું એ સહુથી મોટી વાત છે. આપણે હીરો બદલવાની જરૂર છે. તેમને જે સમાજમાં જીવવું છે તેવા સમાજને આકાર આપવાનું કામ કરનાર લોકોની હીરો-વર્શિપ જો આપણે નહિ કરીએ તો સમાજને નર્ક બનાવવાની જવાબદારી આપણા નામે જ આવીને ઊભી રહેશે.

[email protected]

X
article by syam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી