ડણક / ન્યૂઝીલેન્ડ જેવી વિકૃત હિંસાને સ્વીકૃત બનાવે છે ડાર્ક વેબ

article by shyam parekh

શ્યામ પારેખ

Mar 24, 2019, 02:55 PM IST

ગત સપ્તાહમાં 28 વર્ષના અને મૂળ ઓસ્ટ્રેલિયાના બ્રેન્ટન ટેરેન્ટ નામના એક ‘વ્હાઇટ સુપ્રીમસિસ્ટ’ વિચારધારાને અનુસરનારા ત્રાસવાદીએ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં, બે મસ્જિદોમાં ગોળીબાર કરી અને પચાસ લોકોને વીંધી નાખ્યા. આટલા મોટા પાયે અને બેરહેમીથી આચરાયેલી હિંસાને પ્રથમ વખત ફેસબુક ઉપર લાઇવ સ્ટ્રીમ પણ કરી નાખી. તેણે આ હિંસક ઘટના પહેલાં પોતાના ઇરાદા વિશે ડીપ વેબના ભૂગર્ભ ચેટ રૂમમાં જાહેરાતો પણ કરેલી અને મસ્જિદ પર હુમલો કરવા જતા પહેલાં આ હુમલો જે ફેસબુક પેજ પર લાઇવસ્ટ્રીમ થવાનો હતો તેની લિંક પણ શેર કરી હતી તેવી જાણકારી પણ બહાર આવી છે! સૌથી ઘૃણાસ્પદ વાત એ છે કે ફેસબુક પર દર્શાવાઈ રહેલી ગોળીબારની ઘટનાની વાહવાહી પણ ઘણા લોકોએ, તે વખતે તેમની કોમેન્ટ્સમાં કરી હતી. મતલબ એ જ કે તેની વિચારધારાને ટેકો આપતા અનેક લોકો તેના સંપર્કમાં હતા અને શક્ય છે કે ભવિષ્યમાં આવા અન્ય લોકો પણ તેનાથી પ્રેરાય અને આવી ઘટનાઓ આચરે.

  • ડાર્ક વેબના ચેટ રૂમ્સ, ફોરમ્સ, ગેમ્સ, લાઇવ સ્ટ્રીમિંગ-ઇન્ટરનેટ બની રહ્યાં છે વિકૃત હિંસાનું નવું અને વર્ચ્યુઅલ ભૂગર્ભ. અહીં દુનિયાભરના અનેક ગુનાખોરો, વિકૃતો રહે છે

ખૂબ રંગભેદી અને મૂળ યુરોપીય વંશના શ્વેત વર્ણ સિવાયના અન્ય બધા જ પ્રકારના લોકો પ્રત્યે નફરત ફેલાવતી આ અતિ હિંસક જમણેરી વિચારધારાના અનુયાયીઓ, વિશ્વભરમાં થયેલી અનેક હિંસક ઘટનાઓ સાથે જોડાયેલા છે. એવું કહેવાય છે કે ટેરેન્ટ 2011માં નોર્વે ખાતે થયેલા આવા હુમલાથી પ્રેરિત થયેલો. આ હુમલામાં એન્ડર્સ બેહરિંગ બ્રેવિક નામના ત્રાસવાદીએ 77 લોકોને વીંધી નાખ્યા હતા. તેની માન્યતા હતી કે ષડ્યંત્રના ભાગરૂપે, ભવિષ્યમાં નોર્વે અને સમગ્ર યુરોપ પર અશ્વેતો રાજ કરશે અને ‘યુરાબિયા’ તરીકે ઓળખાતું અને અરબી-આફ્રિકી વંશના મુસ્લિમોનું સામ્રાજ્ય યુરોપમાં સ્થપાશે. આવું થતું અટકાવવા તેણે હુમલાઓ કરી અને આ વિષય પર સમાજનું ધ્યાન દોરવાની કોશિશ કરી. આ વિકૃત લોકો હજુ આજે પણ જર્મનીના હિટલરને પોતાના આરાધ્ય દેવ માને છે અને તેના પગલે ચાલી વિશ્વભરને શ્વેત વર્ણના લોકોના કાબૂમાં મૂકવા ઇચ્છે છે. ભારત, ચીન, તુર્કી, અરેબિક તથા આફ્રિકાના લોકોના વિશ્વભરમાં વધી રહેલા વર્ચસ્વને આ લોકો પચાવી શકતા નથી. તેઓ સામાન્ય રીતે એવું માનતા હોય છે કે શ્વેત વર્ણના લોકો પૃથ્વી પર રહેવા માટે વધારે યોગ્ય અને ઇન્ટેલિજન્ટ હોય છે, પરંતુ અન્ય પચરંગી પ્રજાઓને કારણે તેઓ પાછળ રહી જાય છે અને આર્થિક તથા સામાજિક રીતે તેમને ખૂબ સહન કરવું પડે છે.
બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરે યહૂદી પ્રજાને મારીને ખતમ કરવા માટેનો જે કારસો રચેલો, તેને ‘ફાઇનલ સોલ્યુશન’ નામનું કોડનેમ આપેલું. વર્ષોવર્ષ યુરોપમાં વધી રહેલી આફ્રિકન અને અરેબિયન મૂળના મુસ્લિમ લોકોની વસ્તીને કારણે આ રંગભેદી તત્ત્વો હવે ખુલ્લમખુલ્લા મેદાનમાં આવી ગયાં છે. રિનોડ કામુ નામના ફ્રેન્ચ લેખક અને રાજકારણીએ 2012માં ‘ધ ગ્રાન્ડ રિપ્લેસમેન્ટ’ નામની એક નવલકથા લખી હતી. ભવિષ્યમાં કેવી રીતે ફ્રાન્સ અને યુરોપ પર વસાહતીઓ કબજો જમાવી દેશે અને તેમના ષડ્યંત્રોથી સ્થાનિક શ્વેત લોકોને નેસ્ત નાબૂદ કરી દેશે, તેવા પ્રકારના વિષયવસ્તુ સાથે રચાયેલી આ નવલકથાએ ‘ધ ગ્રેટ રિપ્લેસમેન્ટ’ના સ્વરૂપે આ અતિ જમણેરી વિચારધારાને એક નવો જન્મ આપ્યો.

અમેરિકા કે યુરોપના પશ્ચિમના દેશોમાં લોકશાહીના વાતાવરણમાં, અતિ જમણેરી વિચારધારાને માટે ખુલ્લમખુલ્લા માઇગ્રન્ટ્સ સામે બળવો પોકારવો શક્ય નથી. જાહેરમાં એક સંસ્થા તરીકે પણ તેમનું અસ્તિત્વ શક્ય નથી. આટલા માટે તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયા. હવે આ વિચારધારાને ટેક્નોલોજીનો સહારો મળી ગયો. અહીંયાં ભૂગર્ભ એટલે ઇન્ટરનેટની ઊંડી ગર્તા કહી શકાય તેવી ડાર્ક વેબમાં ઊતરી ગયા. અહીંયાં તેમને એનોનિમિટી એટલે કે અસ્તિત્વની ઓળખ છુપાવી અને રહેવાની તથા સમવૈચારિક અન્યો સાથે સહયોગ સાધવાની તક મળે છે. કાનૂનના પંજાથી ખૂબ દૂર એવી આ ડાર્ક વેબમાં દુનિયાભરના અનેક ગુનાખોરો, માનસિક રોગીઓ અને વિકૃતો રહે છે.

આ ભૂગર્ભની દુનિયામાં રેડ રૂમ્સ તરીકે ઓળખાતા ટોર્ચર સેલમાં પૈસા આપી અને લોકો પર બળાત્કાર, અત્યાચાર અને તેમની હત્યા લાઇવસ્ટ્રીમ કરવાની કામગીરી પણ ચાલે છે. અહીંયાં ડ્રગ્સ કે શસ્ત્રોનાં વેચાણ કે હત્યાની સોપારી આપવા જેવી ગતિવિધિઓ પણ થતી હોય છે. આવા પૈશાચિક વાતાવરણમાં સ્વાભાવિક છે કે પિશાચો જ જન્મે. હવે એમાં ભળ્યું છે ‘પબજી’ નામની હાલમાં ગુજરાતની પોલીસ દ્વારા પ્રતિબંધિત થયેલી વિડિયોગેમ્સ. ઉપરછલ્લી રીતે નિર્દોષ અને ક્યારેક તો લોકોને રસપ્રદ લાગતી રમતો રમી અને દિવસ દરમિયાન આવી વિડિયોગેમ્સમાં સેંકડો માણસોનો જાન લેવા ટેવાયેલા યુવાવર્ગને હિંસા પ્રત્યેની ઘૃણા સ્વાભાવિક રીતે ઓછી થતી હોય છે અને તેમાં પણ જે માનસિક રોગી કે વિકૃત હોય તેમને તો ઉત્સાહ મળે છે.

રિઅલ અને વર્ચ્યુઅલનો ભેદ ભુલાવવાનું કામ અહીંયાં થાય છે. વાત ટેક્નોલોજીના દુરુપયોગની છે. આ સમસ્યાનો હલ ઇન્ટરનેટને પ્રતિબંધિત કરવાથી નહીં આવે, પરંતુ હિંસાને તિરસ્કૃત, નિંદનીય, ઘૃણાસ્પદ કે અસ્વીકૃત ન બતાવતી તમામ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાથી આવી શકે. આપણા સમાજમાં મા-બાપથી માંડીને, શાળા-કોલેજોમાં હિંસાને નિંદનીય ગણવાનું શીખવવું પડશે.
[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી