Back કથા સરિતા
શ્યામ પારેખ

શ્યામ પારેખ

સાંપ્રત (પ્રકરણ - 24)
લેખક વરિષ્ઠ પત્રકાર હોવા ઉપરાંત પત્રકારત્વ કોલેજના તથા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ના સ્થાપક છે.

વગ, વફાદારી અને પૈસાના બળે ફરીથી ચૂંટાશે આંતરિક લોકશાહી વિનાના પક્ષો

  • પ્રકાશન તારીખ17 Mar 2019
  •  

દર પાંચ વર્ષે જ્યારે ભારતમાં લોકસભાની ચૂંટણીઓ યોજાય છે ત્યારે વિશ્વભરના, ચૂંટણીઓને લગતા લગભગ બધા જ રેકોર્ડ તૂટી જાય છે અને નવા રચાય છે. સૌથી વધુ મતદારો, સૌથી વધુ મતદાન, સૌથી વધુ નવા અને યુવા મતદારો વગેરે અનેક નવા રેકોર્ડ્સ સર્જવાનું કામ કરે છે આપણી ચૂંટણીઓ. વળી, બીજાં પાંચ વર્ષ બાદ ભારતના આ જ રેકોર્ડ્સ ફરીથી ભારત જ તોડે છે, કારણ કે ભારત માત્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી જ નથી, પરંતુ વસ્તીના ક્રમે દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો દેશ પણ છે.

  • ખરો સડો તો કહેવાતા લોકશાહી પક્ષોમાં જ ખરી લોકશાહીના અભાવથી શરૂ થાય છે. એકેય પક્ષમાં પોતાના નેતા માટે આંતરિક ચૂંટણી કરવાની હિંમત નથી

આ બધા આંકડાઓની માયાજાળ, ચૂંટણીપંચ કે અન્ય દ્વારા થતી લોકશાહીની પરંપરાને લગતી વાતો આપણને ખૂબ ગર્વાન્વિત મહેસૂસ કરાવે જ. સ્વતંત્રતાના સાત દાયકા બાદ પણ આપણી લોકશાહી અનેક કમીઓ છતાં પણ જેમની તેમ ટકી રહી છે અને તેનું મૂળ સ્વરૂપ હજુ પણ મહદંશે જળવાયું છે. કદાચ આપણી લોકશાહીની સૌથી મોટી સફળતા એ છે કે દાયકાઓ બાદ પણ આપણે જોશભેર ચૂંટણીઓ કરીએ છીએ અને સરકારો સામેના અનેક આક્ષેપોને ખુલ્લેઆમ ચર્ચી અને તેમને ઘરભેગી પણ કરી શકીએ છીએ.

પરંતુ દર ચૂંટણીમાં એક વિષય આપણે નજરઅંદાજ કરીએ છીએ અને એ છે આપણી લોકશાહીની ગુણવત્તા. આપણી રાજકીય નેતાગીરીની ગુણવત્તા, તેમની લાયકાત અને તેમનો ભૂતકાળ. માત્ર પક્ષનું નામ અને વિચારધારાના દાવાઓ સાંભળી આપણે ગમે તેને ચૂંટી લઈએ છીએ. એ.ડી.આર. એટલે કે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની ચૂંટણી અંગે સંશોધન કરતી એક સંસ્થાના અહેવાલ પ્રમાણે 2014ની લોકસભામાં ચૂંટાયેલા 34 ટકા સંસદસભ્યો સામે ક્રિમિનલ એટલે કે ગુનાહિત કૃત્યો આચરવાના કેસ નોંધાયેલા છે. જાહેર ન કર્યા હોય તે ગુનાઓનો કોઈ હિસાબ નથી!

આપણી લોકશાહીની સહુથી નબળી કડી એ છે કે લોકશાહી જાણે કે માત્ર એક પસંદગીના પક્ષને દેશનો કારભાર સોંપવાના હક પૂરતી જ સીમિત રહી ગઈ છે. લોકશાહી ખરેખર લોકો માટે, લોકો દ્વારા અને લોકો થકી જ હોઈ શકે. લિંકનના જાણીતા સૂત્ર ‘ગવર્નમેન્ટ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ’ને વળગી રહ્યા હોવાનો આપણે દાવો તો જરૂર કરીએ છીએ, પરંતુ શું આપણી લોકશાહી ખરેખર લોકો માટે છે? સરકારને ચૂંટીને મોકલ્યા પછી તેના કામકાજમાં આપણી અપેક્ષાઓનું કોઈ મહત્ત્વ રહે છે‌‌? શું એક પક્ષને બહુમતી મત આપી અને સરકાર રચવાનો પરવાનો આપી દઈએ એટલે લોકશાહીના આપણા હક્ક સમાપ્ત થઈ જાય છે? અને પછી આવતાં પાંચ વર્ષ સરકાર જે કંઈ કરે કે ન કરે, તે આપણને સ્વીકાર્ય હોવું શું જરૂરી છે?

ચૂંટણીને લગતી બધી સમસ્યાના મૂળમાં જાતજાતનાં કારણો આગળ ધરાય છે. ભ્રષ્ટાચાર, ગરીબી, વસ્તીવધારો વગેરે કારણસર ચૂંટણીવ્યવસ્થામાં સડો પેઠો હોવાનું કહેવાય છે, પણ જો બધી જ સમસ્યાઓનાં મૂળમાં જઈએ તો સ્પષ્ટ દેખાઈ આવશે કે ખરો સડો તો કહેવાતા લોકશાહી પક્ષોમાં જ ખરી લોકશાહીના અભાવથી શરૂ થાય છે. લોકશાહીના ઇજારાદાર રાજકીય પક્ષો ખરેખર સંપૂર્ણ બિનલોકશાહી પદ્ધતિથી ચાલે છે. કોંગ્રેસ કે બીજેપી હોય, કે પછી સામ્યવાદીઓ કે અન્ય સ્થાનિક પક્ષો હોય, બધે જ નેતાઓ પેઢી દર પેઢીથી રાજ કરતા હોય છે અથવા પક્ષ પોતાની જાગીર હોય તેમ વર્તે છે. કોને ચૂંટણી લડવા મળશે કે નહીં તે નિર્ણય તે વ્યક્તિની જ્ઞાતિ, અમીરી અને પ્રભાવ તથા પક્ષની નેતાગીરી પ્રત્યેની વફાદારીથી નક્કી થાય છે, નહીં કે લોકશાહી પ્રત્યેની વફાદારીથી. આ પરિસ્થિતિ ત્યારે જ બદલાઈ શકે જ્યારે રાજકારણમાં જવા આતુર નવા નિશાળિયાઓને કોઈ નેતાની પૂજા, ચમચાગીરી કે ભક્તિથી નહીં, પરંતુ પોતાના વિચારથી પક્ષના અન્ય કાર્યકર્તાઓ તથા નેતાઓને અભિભૂત કરવાની શક્તિથી તક મળતી હોય.

અમેરિકામાં જેમ બરાક ઓબામા જેવા યુનિવર્સિટીમાં ભણાવતા શિક્ષક પણ તદ્દન અજાણી વ્યક્તિમાંથી ખૂબ ટૂંક સમયમાં દેશના પ્રમુખ પદની ચૂંટણીના દાવેદાર બની શકે તેવી લોકશાહીની આપણે જરૂર છે.
આ વિશે તમે ચર્ચાઓ કરી પ્રશ્નો પૂછી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને રાજકારણીઓને તમારા વિચારથી જરૂર અવગત કરી શકો છો. પરિણામ કદાચ થોડા સમય બાદ આવશે, પરંતુ એકવાર જો વાત વેગ પકડશે અને લોકોની અપેક્ષા સ્પષ્ટ અને મોટેથી સંભળાશે તો કોઈપણ રાજકારણીઓને તેનો વિરોધ કરવો નહીં પોસાય. આવા નેતાઓ નહીં હોય ત્યાં સુધી સંસદસભ્યોમાં શિસ્તના નામે પોતાના પક્ષના અયોગ્ય નિર્ણય સામે મોઢું ખોલવાની હિંમત નહીં આવે, કારણ કે તે લોકો લોકસભામાં પોતાના કામ વિચાર કે લોકપ્રિયતાથી નહીં, પરંતુ અન્યના આશીર્વાદથી પહોંચ્યા છે.
આપણે જરૂર છે એવા નેતાઓની કે જે ખરેખર લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો કે જેને કારણે આપણે લોકશાહી અપનાવી અને જે લોકહિત ઉપર આધારિત છે તેનું રખોપું કરી શકે. તમને કદાચ એવું લાગે કે તમારો અવાજ આવો બદલાવ લાવવા પૂરતો નથી, પરંતુ ધ્યાન રાખજો લોકશાહી લોકો માટે હોય છે અને જ્યારે લોકો લોકશાહીની ગુણવત્તા પર ભાર દેશે, તે વિશે સજાગતા બતાવશે ત્યારે નેતાઓને, રાજકીય પક્ષોને અને સમગ્ર દેશને બદલવું પડશે. ⬛

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP