ડણક / માનવ જીવનની એક જ નિશ્ચિત બાબત છે - અનિશ્ચિતતા

article by shyam parekh

શ્યામ પારેખ

Feb 17, 2019, 02:42 PM IST

માનવજીવન અનિશ્ચિત હોય છે અને અનિશ્ચિતતા એ આપણી જિંદગીમાં સહુથી સુનિશ્ચિત બાબત છે, મતલબ કે ‘ફેઇટ એકોમ્પ્લી’ છે. મૃત્યુ જેવું સનાતન સત્ય છે, અવિચળ છે, તેમ અનિશ્ચિતતા પણ આપણી જિંદગીનું સહુથી નિશ્ચિત સત્ય છે. તેનાથી છુટકારો મેળવવો માનવી માટે શક્ય નથી હોતો. આપણને બાળપણથી જ સાંભળવા મળતું હોય છે કે જિંદગી ક્યારે શરૂ થશે કે ક્યારે પૂરી થશે તે, કે પછી મારા તમારા જીવનકાળમાં શું ઘટનાઓ બનશે જેવી બાબતો આપણા કંટ્રોલમાં નથી હોતી. હકીકત એ છે કે જિંદગીમાં જ્યારે કોઈ પણ બાબતમાં નિશ્ચિતતા નથી દેખાતી ત્યારે પણ ખૂબ હિંમત અને સૂઝબૂઝથી માનવજાત પ્રગતિ કરતી રહે છે. અચાનક આવી પડતાં યુદ્ધો, આક્રમણો કે પછી મહાભયાનક રોગચાળા ફાટી નીકળવા જેવી માનવસર્જિત કે પ્રાકૃતિક વિપદાઓ વચ્ચે પણ આપણે હજારો વર્ષથી અવનવા સામ્રાજ્યો, સભ્યતા અને સંસ્કૃતિઓ સ્થાપતા આવ્યા છીએ.

  • લગભગ બે દાયકાથી જ જેના પર વિચાર વિમર્શ શરૂ થયો છે તેવો છે ‘પ્રિકારિટી’ નામનો આ વિષય જીવનમાં સતત વધી રહેલી અનિશ્ચિતતાઓ ઉપર ચિંતન અને ચર્ચા કરે છે

અનિશ્ચિતતાઓને કારણે ક્યારેય પણ માનવ વિકાસની ગતિ ઘટી નથી બલ્કે વધી છે. આનો સરળ અર્થ એ કાઢી શકાય કે અનિશ્ચિતતાઓની હાજરીમાં આપણે વધુ કાર્યદક્ષ, સફળ અને સર્જનાત્મક થઈએ છીએ, પરંતુ હાલમાં ગ્લોબલાઇઝેશન જેવી ધરમૂળથી સામાજિક ફેરફારો લાવનારી પરિસ્થિતિમાં, આર્થિક, સામાજિક અને અન્ન સુરક્ષાના અભાવે કંઈક અનોખી પરિસ્થિતિમાં ધકેલાઈ રહ્યા છીએ. અનિશ્ચિતતા વર્તમાન સમાજના સમસ્ત અસ્તિત્વને જ ડગાવી મૂકવા કાબેલ છે.
મેટાફિઝિક્સ કે તત્ત્વમીમાંસા તરીકે ઓળખાતી ફિલસૂફીની (તત્ત્વજ્ઞાન) એક શાખા કે જેને દાર્શનિક એરિસ્ટોટલ ‘પ્રથમ ફિલોસોફી’ તરીકે ઓળખાવતા, તે, માનવ મન, અસ્તિત્વ, સમય, અવકાશ વગેરે મુદ્દાઓ વિશે ચિંતન કરે છે. આ મેટાફિઝિક્સનો એક વિભાગ કે જે માનવ અસ્તિત્વ અને આપણી હયાતી પર વિચાર વિમર્શ કરે છે, તે ઓન્ટોલોજી તરીકે ઓળખાય છે. આ શાખા માત્ર માનવ જ નહીં, પરંતુ પદાર્થો કે અવકાશ, સમય વગેરેના અસ્તિત્વ વિશે પણ વિચાર કરે છે અને આ શાખાની ચર્ચાનો એક મહત્ત્વનો વિષય હોય છે ‘પ્રિકારિટી’. એટલે કે આપણે જેને સામાન્ય રીતે અનિશ્ચિતતા તરીકે ઓળખીએ છીએ તેવી પરિસ્થિતિ. હજુ તો 21મી સદીની શરૂઆતમાં જ આ વિષય ઉપર ચર્ચાઓ અને સંશોધનો ચાલુ થયાં છે. તાજેતરમાં સુરત ખાતે વિશ્વભરના 30 જેટલા દેશોમાંથી સંશોધકો અને તજ્જ્ઞો આ અનિશ્ચિતતા વિષય પર વિચાર વિમર્શ કરવા અને તેનો સામનો કેમ કરવો, તેને કેમ પડકારવી તે અંગે ચર્ચા કરવા માટે મહર્ષિ અરવિંદના વિચારોને અનુસરીને સ્થપાયેલી ઑરો યુનિવર્સિટી ખાતે ભેગા થયા હતા. આ ખૂબ જ ગહન એવા વિષય ઉપર ચર્ચા કરવા યોજાયેલો ભારતનો આ પહેલો કાર્યક્રમ હતો.
અહીં ભેગા થયેલા લેખકો, ચિંતકો અને સંશોધકોના સંવાદમાંથી એવું તારણ નીકળ્યું કે વિદ્વાનોને વધી રહેલી અનિશ્ચિતતાનો સામનો કેમ કરવો તેની ચિંતા છે. પર્યાવરણથી માંડીને અર્થકારણ, દરેક ક્ષેત્રની આવતી કાલ કેવી હશે એનો ચોક્કસ જવાબ જ્યારે કોઈ પાસે ન હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણા એંગ્ઝાઇટી લેવલ ખૂબ વધી જાય અને આપણે ભવિષ્યની ચિંતામાં વધારે ખૂંપેલા રહીએ. આ બધાના પરિણામે સર્જાય છે ખૂબ બધો સ્ટ્રેસ. આ સ્ટ્રેસ માત્ર વ્યક્તિગત રીતે જ નહીં, પરંતુ સમાજ ઉપર પણ અસર કરે છે. ડેન્માર્કમાં અંગ્રેજી સાહિત્યના અધ્યાપક અને મૂળ ભારતીય લેખક તબીશ ખેરે એક રસપ્રદ વાત કહી. સાહિત્યનું કામ જોડવાનું છે - વિશ્વ અને સમાજને. આથી જ્યારે સમાજને અનિશ્ચિતતાનો સામનો કરવાનો હોય ત્યારે સાહિત્ય તેમાં ખૂબ રાહતરૂપ સાબિત થઈ શકે છે.
જાણીતા લેખક મનુ જોસેફની રજૂઆત હતી કે અનિશ્ચિતતાને કારણે પરિસ્થિતિ બદલાઈ જશે તો આજના એલિટ એટલે કે સધ્ધર અને ઉચ્ચવર્ગના કહેવાતા લોકો નીચેના સ્તર તરફ સરકી જશે. આવું થાય તો કેવી પરિસ્થિતિ સર્જાશે તે અંગે વિચાર વિમર્શ જરૂરી છે. તો વળી સાહિત્ય અને ચિંતન ક્ષેત્રના વિદ્વાન ડો. અવધેશકુમાર સિંહનું કહેવું હતું કે વીસમી સદીની શરૂઆતમાં ત્રણ અલગ અલગ ચિંતન અને વિચાર હતા - મૂડીવાદ, સામ્યવાદ અને ફાસીવાદ. 20મી સદીની મધ્યમાં પહોંચતા બે બચ્યા- મૂડીવાદ અને સામ્યવાદ. આ 21મી સદીની શરૂઆત સુધીમાં માત્ર એક જ બચ્યો - એ છે મૂડીવાદ. હવે સદીની મધ્યમાં પહોંચતા સુધીમાં કદાચ એક પણ નહીં બચે. જો પરિસ્થિતિ આમ ને આમ રહી તો આપણે વિચારવિહીનતામાંથી વિચાર નકારાત્મકતા તરફ પ્રયાણ કરીશું. 21મીના અંત સુધીમાં કદાચ આ વિષય ઉપર મશીન વિચાર વિમર્શ કરતાં હોઈ શકે. આજના સમયે જરૂર છે સામાજિક ચિંતન માટે એક નવા વિચારની. તો વળી ફિરોઝા જુસ્સાવાલા નામના અમેરિકાસ્થિત પ્રોફેસરે અમેરિકામાં આવતા મેક્સિકન માઇગ્રન્ટ્સની વાત છેડતાં કહ્યું કે અનિશ્ચિતતાને પડકાર ફેંકી નિશ્ચિતતા તરફ જવા માટે એક ખૂબ અગત્યનું શસ્ત્ર છે- દોસ્તી. નવા મિત્રો બનાવવાની આવડત આપણને ઘણા અંશે નિશ્ચિતતા તરફ લઈ જાય છે.
યુદ્ધ, કુદરતી આપદા, ઓટોમેશન, આતંકવાદ વગેરે ડર તેમજ અનેક અનિશ્ચિતતાઓથી વધુ ને વધુ ઘેરાતી જતી માનવ સભ્યતાને આવી પરિસ્થિતિનો સામનો કેમ કરવો તે શીખવું જરૂરી બન્યું છે.

[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી