ડણક / યુદ્ધને કારણે દુનિયામાં વધી રહી છે અનાથ બાળકોની સંખ્યા

article by shyam parekh

શ્યામ પારેખ

Jan 06, 2019, 05:50 PM IST

‘સાહેબ, હું તો અનાથાશ્રમમાં મોટો થયો. એટલે મારી કોઈ ઓળખ જ નથી. મને જે નામથી બધા બોલાવતા તે જ મારું નામ થઈ ગયું. કોઈકને ગમી તે અટક મારી થઈ ગઈ અને એટલે જ અમને કોઈ સરકારી લાભ ન મળે. અરે! એ તો છોડો, અધિકારીઓ અમને ઊંચી જ્ઞાતિના જ સમજી પછાતવર્ગોને મળતા લાભો પણ નથી લેવા દેતા.

કહેવાતા વિકાસ અને શાંતિની વાતો છતાં યુદ્ધને લીધે અનાથ થતાં બાળકો વધી રહ્યાં છે. યુદ્ધ તેમજ એઇડ્સના કારણે અમુક દેશોમાં અનાથોની સંખ્યા 11% જેટલી પહોંચી ગઈ છે

તમે સરકારને એટલું ન કહી શકો કે અમે ખૂબ મહેનત કરી અને સારા માણસ તરીકે નાની-મોટી મજૂરી કરીને જીવી લીધું, પણ અમારાં બાળકોને સરકાર શિડ્યુલ્ડ કાસ્ટના ગણે અને તેમને સરકારી નોકરી અને અન્ય લાભો આપે?’ આ વ્યથાભર્યો સવાલ એક નાનકડા પણ-ગલ્લાવાળાનો છે જેણે ખૂબ અપેક્ષા સાથે પોતાની વ્યથા-કથા કહી.પહેલીવાર જિંદગીમાં અહેસાસ થયો કે સારા કે ખરાબ, અમીર કે ગરીબ, મા-બાપ હોવા અને તેમની સામાજિક ઓળખનો વારસો મેળવવો એ ખૂબ અમૂલ્ય વાત છે.

તેની ખરી કિંમત જેમને આવો વારસો નથી મળતો તેમને જ સમજાતી હોય છે. બીજી એક વાત એ શીખવા મળી કે અનાથ બાળક પોતે નહીં, પરંતુ તેની આવનારી પેઢીઓ પણ ખૂબ વ્યથા ને તકલીફો ભોગવતી હોય છે.


આપણે આ નવા વર્ષે દિલથી પ્રાર્થના કરીએ કે ભગવાન સહુનાં મા-બાપને સલામત રાખે અને મા-બાપની છત્રછાયા દરેક બાળકને મળી રહે, પરંતુ હકીકત એ છે કે સમગ્ર વિશ્વમાં લગભગ 15થી લઈને 20 કરોડ જેટલાં બાળકો ‘અનાથ’ હોવાનો અંદાજ છે. આમાંથી લગભગ 1.8થી 2 કરોડ ઉપરાંત બાળકો એવાં છે કે જેમણે મા અને બાપ બંનેને ગુમાવી દીધાં હોય એટલે કે સંપૂર્ણપણે અનાથ હોય. આ ઉપરાંત બીજા 1.65 કરોડ જેટલાં એવાં બાળકો છે કે જેઓ મા-બાપ, ઘર કે પરિવાર વિના ગલીઓમાં ગુમનામીભરી જિંદગી જીવતાં હોય છે.

એટલે ‘અનાથોની’ જમાતમાં પણ તેમને ગણતરીમાં પણ લેવાતાં નથી. આ બાળકો અંદાજે 16મું વર્ષ પસાર કરે એટલે તેમની ગણતરી પછી અનાથોમાં પણ નથી થતી. અચાનકથી યુનિસેફ જેવાં સંગઠનોની અનાથોની ગણતરીમાંથી તેમની બાદબાકી થઈ જાય છે. જોકે, તેમની પરિસ્થિતિ કોઈ ખાસ બદલાતી નથી. 16મું વર્ષ ક્યારે બેઠું એની પણ જેમની પાસે ગણતરી નથી હોતી તેવાં બાળકોનું 16મા વર્ષ પછી શું થાય છે તેની કલ્પના પણ કરવી અઘરી છે અને તે અંગે વિશ્વ પાસે ખાસ કોઈ માહિતી પણ નથી.

રશિયા અને યુક્રેન દેશોમાં થયેલા એક અભ્યાસ મુજબ 18 વર્ષના થતા સુધીમાં આવાં બાળકોના 10થી 15 ટકા આપઘાત કરી લેતા હોય છે, 60% ઉપરાંત આવી યુવતીઓ વેશ્યાવૃત્તિમાં ધકેલાય છે અને 70% ઉપરાંત યુવકો ખૂંખાર ગુનાખોરી અપનાવે છે. 21-22 વર્ષની વય સુધીમાં આમાંના હજારો જેલમાં પહોંચી ગયાં હોય છે.


અંદાજે 15 કરોડ જેટલી વસ્તી ધરાવતી રશિયા જેવી મહાસત્તાથી પણ વધુ જેમની વધુ વસ્તી છે તેવાં અનાથ બાળકો મા-બાપની છત્રછાયા કેમ ગુમાવે છે તે જાણવું પણ જરૂરી છે. ગરીબી કે દારુણતા છતાં પણ હસતાં-રમતાં અને કિલ્લોલ કરતાં નાનાં બાળકોને અચાનકથી અનાથ બનાવતાં મુખ્ય કારણ છે યુદ્ધ અને એઇડ્સ નામની બીમારી. વિશ્વભરમાં કરોડો બાળકોનાં મા-બાપને અચાનક ઝૂંટવી લેનાર આ યુદ્ધ નામની સમસ્યા ખૂબ ગંભીર બની ગઈ છે.

તમે જ્યારે આ વાંચી રહ્યાં છો એ રવિવારની સવારે લગભગ 40 ઉપરાંત દેશોમાં યુદ્ધ, ગૃહયુદ્ધ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનો મોરચો મંડાયેલો છે અને 13 દેશોમાં તો સતત ગોળીઓ છૂટી રહી છે! આ ગોળીઓ હજારો બાળકોને અનાથ બનાવે છે.


વિશ્વભરમાં અચાનકથી અનાથોની સંખ્યા ખૂબ વધારી દેનાર ઘટના હતી બીજું વિશ્વયુદ્ધ. જોકે, ત્યારબાદ પશ્ચિમી દેશોને આ સમસ્યા ખાસ નડી નથી, પરંતુ આફ્રિકાના દક્ષિણ ભાગમાં રહેલા 8 ઉપરાંત દેશોમાં તો અનાથ બાળકોની વસ્તી આખા દેશની વસ્તીના 8થી 11% જેટલી થઈ ગઈ છે. પરિણામે આવા ઘણા દેશોમાં બાળપણનું જ અવસાન થઈ ગયું હોય તેવું લાગે. આફ્રિકામાં હથિયારબદ્ધ લડાઈમાં ભાગ લઈ રહેલા લડવૈયાઓમાંના લાખથી પણ વધારે સૈનિકો બાળકો છે.


બાળકોને આવી નર્કસમી જિંદગી અપાવવામાં ક્યારેક અર્થકારણ પણ મજબૂત ભાગ ભજવતું હોય છે. મને યાદ છે કે અંદાજે 8થી 10 વર્ષ પહેલાં અમદાવાદમાં માણેકચોક અને અમુક ઔદ્યોગિક વિસ્તારોમાં પડેલી પોલીસ રેડમાં ડઝનબંધ બાળકો સાંકળોથી બંધાયેલી હાલતમાં મળી આવેલ. ખૂબ વિચલિત કરી નાખે તેવી પરિસ્થિતિમાં ગુલામીમાં રાખવામાં આવેલાં આ બાળકો પાસેથી 15 કલાક જેટલું કામ કરાવાતું અને તે કારણે એક-બે મીઠાઈઓ-ડેરી પ્રોડક્ટ્સ બનાવતી નાનકડી પેઢીઓ સસ્તામાં માલ વેચી માલામાલ થઈ ગયેલી.

આમના મોટાભાગનાં બાળકો બાંગ્લાદેશથી આવેલા અનાથો હતા અને તેમને ખરીદીને ગુલામ બનાવી સસ્તા શિખંડ કે મઠ્ઠા બનાવનાર કે ફાઉન્ડ્રીમાં અમાનવીય પરિસ્થિતિમાં કામ કરાવનારા ત્યારે પણ સન્માનનીય ગણાતા અને આજેય ગણાય છે. તેનું કારણ કોઈ પણ કિંમતે સસ્તું મેળવવાની આપણી વૃત્તિ કે જે આપણને સાધન-શુદ્ધિથી દૂર કરે છે, પણ આ વાત ફરી ક્યારેક.

[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી