ડણક / ભારતનો 5G કોન્ટ્રાક્ટ કોને મળશે? ચીની કંપનીને મળશે?

article by shyam parekh

શ્યામ પારેખ

Dec 23, 2018, 12:05 AM IST

આજકાલ જેમ્સ બોન્ડની ફિલ્મોમાં પણ જોવા ન મળે તેવી સનસનીખેજ ઘટનાઓના સમાચારથી એક ચાઈનીઝ મલ્ટિનેશનલ કંપની બહુચર્ચિત થઇ છે. ‘વાહ-વેઇ’ કે ‘વાહ-વૈ’ તરીકે જાણીતી આ ચાઈનીઝ બહુરાષ્ટ્રીય કંપની Huawei, કે જે ગુજરાતીમાં ઘણીવાર ખોટી રીતે ‘હુઆવેઇ’ તરીકે ઓળખાય છે તેની વાર્ષિક રેવન્યૂ જ લગભગ રૂ. 7 લાખ કરોડથી પણ વધારે છે - સરખામણી કરીએ તો રૂ 21 લાખ કરોડના, ભારતના છેલ્લા વાર્ષિક બજેટના ત્રીજા ભાગ જેવડું અર્થતંત્ર માત્ર આ એક જ કંપનીનું છે.

જાણો કેમ ‘પાંચ-આંખો’ તરીકે ઓળખાતા યુ.એસ., કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને
ન્યુ-ઝીલૅન્ડની જાસૂસી સંસ્થાઓએ ચીનની એક કંપની સામે કેમ મોરચો માંડ્યો?

ભારતના જેટલા દેશો સાથે રાજદ્વારી સંબંધો છે તેના કરતાં પણ વધારે દેશોમાં - એટલે કે 170 દેશોમાં આ કંપનીનો કારોબાર ફેલાયેલો છે! સેમસંગ નામની વિશાળ કોરિયન બ્રાન્ડ બાદ વિશ્વમાં સહુથી વધારે ફોનનું ઉત્પાદન આ કંપની કરે છે. અને દર વર્ષે લગભગ રૂ. 1 લાખ કરોડ જેટલું રોકાણ આ કંપની શોધ-સંશોધન પર કરે છે. પણ તેનો સહુથી મોટો ધંધો છે ટેલિકોમ ઈક્વિપેમન્ટ બનાવવાનો અને ટેલિકોમ કંપનીઓને સ્વિચિંગ યુનિટ્સ પૂરા પાડવાનો - વિશ્વના 50માંના 45 મુખ્ય ટેલિકોમ ઓપેરેટર્સ વાહ-વૈના મશીનો પર ચાલે છે. મતલબ કે દુનિયાભરના મોટાભાગના ફોનકોલ્સ વાતચીત દરમિયાન વાહ-વૈના મશીન કે ફોન વાપરે છે!


હવે શરૂ થાય છે વિશ્વભરમાં ચર્ચાસ્પદ બનેલા કેસમાં બનેલી તાજેતરની ઘટનાઓનો સિલસિલો. આ ડિસેમ્બર મહિનાની 1 તારીખે કેનેડાની સરકારે વાન્ઝ્યુ ઉર્ફે સાબરીના મેંગ તરીકે ઓળખાતી વાહ-વૈના માલિકની પુત્રી કે જે કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પણ છે, તેમની કેનેડાના વાનકુંવર ખાતેથી ધરપકડ કરી. અને હજુ કોઈને કંઈ સમજાય તે પહેલાં આ ઘટના પાછળ અમેરિકા અને ચીનની ટ્રેડ-વોર કારણભૂત છે તેવી વાત બહાર આવી. ચીને તુરંત કેનેડાને ચીમકી આપી અને બે કેનેડિયનોની પ્રતિસાદરૂપે ધરપકડ પણ કરી લીધી.

કેનેડાએ કહ્યું કે મેંગની ધરપકડ અમેરિકાની જાસૂસી સંસ્થાઓના કહેવાથી કરાય છે અને ટૂંક સમયમાં તેણીને અમેરિકાને સોંપવામાં આવશે. અને પછી આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેટિક સર્કલ્સમાં આ ઘટનાના પડઘા હજુ પણ શમ્યા નથી. કેનેડાના અમેરિકા સાથે સહુથી ગાઢ સંબંધો છે - વાણિજ્યિક અને રાજદ્વારી એમ બંને રીતે. પરંતુ ટ્રમ્પના આવ્યા પછી આ સંબંધો થોડા ઠંડા પડી ગયા હોય તેમ લાગતું હતું. અને કેનેડા ધીરે ધીરે ચીન કે જે તેનું બીજા નંબરનું ટ્રેડિંગ પાર્ટનર છે તેની નજીક જતું દેખાઇ રહ્યું હતું. ત્યાં જ આ ઘટનાએ બધાને ઊંઘતા ઝડપી લીધા.
અત્યારે કેનેડાની પરિસ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ છે.


પણ મૂળ ઘટના પર આવીએ તો ધરપકડનું કારણ હતું વાહ-વૈએ અમેરિકા દ્વારા લદાયેલા પ્રતિબંધોનો અનાદર કરી અને ઈરાનની ટેલિકોમ કંપનીઓને સાધન-સરંજામ પૂરાં પાડ્યાં હતાં. અને એમેરિકા, આ સોદાને અંજામ આપવા મેંગ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓ અંગે જાણકારી ઇચ્છતું હતું. જોકે ઘણા જાણકારો એવું કહે છે કે ચીન-અમેરિકા વચ્ચેની લડાઈની આ શરૂઆત છે. અને વિશ્વસત્તાનું પોતાનું બિરુદ સાચવી રાખવા અમેરિકા ‘ફાઈવ આઈઝ’ માં સામેલ અન્ય સાથી દેશોની મદદથી પગલાં લઇ રહ્યું છે.


અને આ બધાના મૂળમાં છે વાહ-વૈ પ્રત્યેની બધા જ દેશોની શંકા. 1987માં ચાઈનીઝ આર્મીના એન્જિનિરિંગ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રેંગ ઝેન્ગફૅઈ દ્વારા સ્થપાયેલી આ કંપનીના માલિક તેના કર્મચારીઓ હોવાનો દાવો છે. તેની માલિકી હંમેશાં શંકાના દાયરામાં રહી છે.

પશ્ચિમના દેશોનો દાવો છે કે આ કંપની અને ચીનની સરકાર વચ્ચે સીધા સંબંધ છે અને તેના દ્વારા બનાવાતાં બધા ટેલિકોમ કે ઇન્ટરનેટ સાધનોમાં ચીની સરકાર અને જાસૂસી સંસ્થાઓ સહેલાઇથી ‘બેકડોર’ વાપરી અને ઘૂસી શકે છે. અને આ જ કારણથી સૌથી સસ્તાં અને ચઢિયાતાં હોવા છતાં ધીરે ધીરે બધા જ દેશો તેનાં સાધનો વાપરતા ડરે છે. પરંતુ અજીબ વાત એ છે કે બ્રિટન કે જે ‘ફાઈવ આઇઝ’નું સભ્ય છે તેનું મોટાભાગનું ટેલિકોમ નેટવર્ક વાહ-વૈ પર આધારિત છે! હવે આખી ઘટનાની અસર ભારત પર પડે છે કે નહિ તે જોવું રહ્યું.

વર્ષો સુધી વાહ-વૈને ભારત સરકાર પણ શંકાની નજરે જોતી હતી. પરંતુ તાજેતરમાં 5G ટેક્નોલોજીના ટ્રાયલ્સ માટે પહેલાં તો વાહ-વૈને બાકાત રાખનાર ભારત સરકારે પાછળથી વાહ-વૈને પણ આમંત્ર્યું છે. હવે ચીની જાસૂસીના ડરથી કે પશ્ચિમી દેશોના દબાણથી વાહ- વૈનું ભારતમાં શું થશે તે પર સૌનું ધ્યાન છે. ધીમા પડી રહેલા ચીની અર્થતંત્રને માટે અમેરિકા સાથેનું વ્યાપારિક યુદ્ધ ખૂબ ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે.

આવા વખતે આખા ને આખા યુરોપ કરતાં પણ મોટા ગણાતા ભારતના ટેલિકોમ માર્કેટને કબજે કરવું વાહ-વૈ માટે અને ચીન માટે ખૂબ અગત્યનું છે. ચીન-અમેરિકાના મહાસત્તા બનવાના યુદ્ધમાં ભારતની ભૂમિકા શું અને કોની તરફેણમાં હશે તે નજીકના ભવિષ્યમાં 5G કોન્ટ્રાક્ટ કોને મળે છે, તે બતાવી આપશે.

[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી