લોકશાહીમાં જરૂરી હોય છે સશક્ત વિરોધપક્ષનો હાઉં

article by shyam parekh

શ્યામ પારેખ

Dec 09, 2018, 12:05 AM IST

ભારતની 70 વર્ષ જૂની લોકશાહીની ખાસિયત એ છે કે કોઈ લોહિયાળ સંઘર્ષ વિના સરકારો અને પક્ષો સત્તા છોડતા રહ્યા છે અને નવા નવા પક્ષો અને વિચારો પોતાની સરકાર રચતા રહ્યા છે. પરંતુ અંગ્રેજોના વિરોધના વાવટા હેઠળ એક થઈ અને વર્તમાન ભારત તરીકે પુન: જન્મેલો આપણો દેશ આ સૈદ્ધાંતિક લડાઈને ભૂલી અને કૈંક અલગ માર્ગે જ ચાલી નીકળ્યો છે. બધા જ ધર્મો, જ્ઞાતિઓ, જાતિઓ, સંસ્કૃતિઓ અને વિચારધારાઓના સરવાળા સ્વરૂપે જન્મેલો આ દેશ હજારો વર્ષની લોહિયાળ લડાઈઓ ભૂલીને એકજૂટ થયેલો.

ભારતનું દુર્ભાગ્ય એ છે કે 70 વર્ષે પણ સરકાર પર દબાણ લાવી શકે તેવો વિરોધપક્ષ ભાગ્યે જ મળ્યો છે. સરકારોની સાન ઠેકાણે રાખવાનું કામ કરે છે બોલકો- ક્રિયાશીલ વિરોધપક્ષ

પરંતુ અંગ્રેજો જતા રહ્યા પછી ફરીથી આપણે જાણે વિઘટન તરફ ધસી રહ્યા હોઈએ તેવું લાગે છે. પેટા-જ્ઞાતિ અને જ્ઞાતિના ગણિતોમાં ભારતનું રાજકારણ સીમિત થઇ ગયું છે. ધર્મો અને ભગવાનોના અર્થઘટનમાં કે તેના અસ્તિત્વના વિરોધમાં ફરીથી આખો દેશ વહેંચાઈ રહ્યો છે. સંસદ હોય કે વિધાનસભાઓ, લોકહિતની વાત માટે કોઈ પાસે સમય નથી હોતો કે આમ આદમી આવા સુજ્ઞ ભવનો સુધી પહોંચી શકતો નથી. ભ્રષ્ટાચાર એ આપણા દેશમાં શિષ્ટાચાર થઇ ચૂક્યો છે અને વર્ષોવર્ષ વધુ અને વધુ ચૂંટણીઓ વિભાજનવાદી વિચારો ઉપર લડાઈ રહી છે.


સામાન્ય રીતે આવી પરિસ્થિતિ માટે આપણે રાજકારણીઓને જવાબદાર ઠેરવતા હોઈએ છીએ અને મત મેળવવાની રાજકીય ગણતરીઓને કારણે આવું બધું થાય છે તેમ માની અને બેસી રહીએ છીએ. હકીકત એ છે તેમને મત દેનારા લોકો આવા રાજકારણીઓમાં પોતાની માન્યતાનો પડઘો જુએ છે. અને લોકો પોતાની માન્યતા અનુસાર મત આપે છે. મતલબ કે લોકશાહીની જરૂરત મુજબ નહિ પરંતુ પોતાની અંગત પસંદ અને નાપસંદ, જે સામાન્ય રીતે જ્ઞાતિ, જાતિ, ધર્મ ઉપર આધારિત હોય છે. આ જ કારણે લોકશાહી ધીરે ધીરે ટોળાશાહીમાં પરિણમતી હોવાનો અહેસાસ આપણને થતો રહે છે.


બેજવાબદાર, બેફામ કે લોકપ્રિયતાને કારણે સત્તાના મદમાં ચૂર સરકારોની સાન સતત ઠેકાણે રાખવાનું કામ કરે છે મજબૂત, બોલકો અને ક્રિયાશીલ વિરોધપક્ષ. પરંતુ લોકો જ્યારે કોઈ એક પક્ષ સામે પોતાનો ગુસ્સો ઠાલવવા કે અન્ય પ્રત્યે પ્રેમ દર્શાવવા કોઈ એક પક્ષ કે નેતાને પોતાના મતો અને દિમાગ બંને સંપૂર્ણપણે અર્પણ કરે છે ત્યારે સબળ સત્તાધારી પક્ષ સામે ઝઝૂમવા માટે, નબળા વિપક્ષો કાચા પડે છે. આવી પરિસ્થિતિમાં લોકશાહી ઘસાઈ જાય છે. 2019ની ચૂંટણીના અંતે સત્તા પર કોઈ પણ પક્ષ આવે પરંતુ તે કરતાં વિપક્ષ સબળ બને અને બંને પક્ષો - સત્તાધારી અને વિપક્ષને એકબીજાનો ડર રહે અને એકબીજાને અનુકૂળ ના રહે તે જોવું જરૂરી છે.


આઝાદ ભારતનો ઇતિહાસ તપાસીએ તો પહેલી સરકારથી જ મજબૂત વિપક્ષના અભાવની આ સમસ્યા સ્પષ્ટ દેખાય છે. આમ મરાઠી મૂળના પણ ગુજરાતના પનોતા પુત્ર અને પ્રથમ લોકસભાના સ્પીકર એવા ગણેશ વાસુદેવ માવળંકરે પહેલી લોકસભાના નિર્માણ બાદ એક નિયમ બનાવેલો - લોકસભાની કુલ સભ્યસંખ્યાના 10% થી વધુ સભ્યો જે પક્ષમાં હોય તે જ વિરોધપક્ષના નેતાનું પદ પામી શકે. વર્તમાનમાં આ કાયદા પ્રમાણે 55 કે તેથી વધુ સભ્યસંખ્યા ધરાવતા પક્ષને જ વિરોધપક્ષના નેતાનું પદ મળે - અને એટલે જ 16મી લોકસભામાં 44 સભ્યો ધરાવતી કોંગ્રેસને આ પદ ના મળ્યું. જોકે સ્વતંત્ર ભારતના નસીબમાં મજબૂત વિપક્ષી નેતા આડેનું પાંદડું ક્યારેય ખસ્યું જ નથી.

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સમયમાં 1952માં પ્રજાતંત્રના નિર્માણથી લઈને 1977 સુધી માત્ર એક જ વર્ષ 1969 દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા હતા સંસ્થા કોંગ્રેસ (મૂળ કોંગ્રેસમાંથી વિભાજિત થઇ ઇન્દિરા ગાંધીના વિરોધમાં છૂટી પડેલી પાંખ) ના રામ સુભાગ સિંહ. ત્યારબાદ બે વર્ષ પૂરતા સમય માટે કોંગ્રેસની આ પાંખ વિપક્ષમાં રહી. માત્ર 1989થી છેક 2016 સુધી સતત કોઈ ને કોઈ વિપક્ષ 10% વધુ સીટ હાંસલ કરી અને વિરોધપક્ષના નેતાનું પદ મેળવી શક્યો છે. સહુથી વધુ વાર અને સમય માટે વિપક્ષના નેતા તરીકે રહેવાનો રેકોર્ડ લાલકૃષ્ણ અડવાણીનો છે અને ત્યારબાદ સોનિયા ગાંધી અને સુષ્મા સ્વરાજનો ક્રમ આવે.


ભલે આવા 10%ના કાયદાનું મૂળ લોકશાહીને મજબૂત બનાવી રાજકીય પક્ષોની સંખ્યા સીમિત રાખવાનું હોય, પરંતુ તેને કારણે સર્જાયેલા વિપક્ષના અભાવથી નુકસાન તો લોકશાહીને જ થયું છે. કોઈપણ એક પક્ષ, વ્યક્તિ કે વિચારધારાને સંપૂર્ણપણે વરી જવાની માન્યતા ધરાવતા સમાજે સમજવું જરૂરી છે કે સત્તાધારી પક્ષને ‘પાવર કરપ્ટ્સ’ નામના સનાતન સત્યથી બચાવવા મજબૂત વિપક્ષ ઊભો કરવો જરૂરી છે. અન્યથા લોકશાહીમાં કોઈ પણ પક્ષ ક્યારેય સફળ નહિ થાય અને બેરોકટોક બની જશે. તદુપરાંત લોકશાહીનો ખરો ભાવાર્થ પણ નહિ જાળવી શકાય. સવાલ એ છે કે શું આ ચૂંટણીમાં હિંમતપૂર્વક, લોકહિતમાં, સરકારનો સામનો કરી અને લોકશાહીને ટકાવી રાખે તથા સરકારના કામકાજ ઉપર ચાંપતી નજર રાખી શકે તેવો મજબૂત વિપક્ષી નેતા ભારતને મળશે?

[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી