શું 60હજાર વર્ષ જૂના અબોલા તોડવા જરૂરી છે?

article by shyam parekh

શ્યામ પારેખ

Dec 02, 2018, 12:05 AM IST

એલિયન ઉર્ફે પરગ્રહવાસીઓ કે પૃથ્વી બહારના અવકાશમાંથી આવેલા જીવો કેવા હોઈ શકે તેની કલ્પનાઓ અને તેની નીપજ એવા કાલ્પનિક જીવો અને તેને આધારિત ફિલ્મી ચરિત્રોની વણઝાર ખૂબ લાંબી છે. કોઈએ જેમને જોયા નથી, કે જેમના અસ્તિત્વને પ્રમાણિત કરતી તસવીરો કે ચિત્રો પણ પ્રાપ્ય નથી એવા એલિયન કેવા હોય તે માત્ર કલ્પના જ હોઈ શકે. આ થઇ આપણી વાત.

શા માટે સરકાર પ્રચારકો કે પ્રવાસીઓને કે પછી આંદામાનના અન્ય
સ્થાનિકોને પ્રતિબંધિત સેન્ટિનેલ ટાપુ ઉપર કે તેની નજીક જતા અટકાવતી નથી?

પરંતુ જો તમે ભારતની ભૂમિથી લગભગ 1,200 કિમી દૂર પૂર્વ દિશામાં અને નકશામાં તો લગભગ થાઇલેન્ડને અડીને આવેલા લાગે તેવા આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહના સેન્ટિનેલ ટાપુ ઉપર પહોંચી શકો, અને ત્યાં રહેતી સેન્ટિનેલિસ પ્રજા તમને તેમના તીર કે ભાલાનો શિકાર ન બનાવે અને જો તમે તેમની ભાષા સમજી શકો તો એલિયન કેવા હોય તેના જવાબમાં એ તમને અરીસો જોવાનું કહેશે! હજારો કે કદાચ લાખો વર્ષોથી અહીં રહેતા અને હજારો પેઢી વીતી હોવા છતાં જેમની વસ્તી કદાચ એકસો કે બસ્સોથી ઓછી જ રહી હોવાનું મનાય છે તેવા સેન્ટિનેલિસ લોકો હજુ પણ પ્રાગ-ઐતિહાસિક અવસ્થામાં જ જીવે છે. પૃથ્વી પાર વસવાટ છતાં એટલા અળગા કે આપણે તેમના માટે કોઈ એલિયનથી કમ નહીં. તેમને વસ્ત્રોનું આડંબર નથી અને હજુ સુધી તેમના ટાપુ ઉપર માત્ર એકાદ વાર જ કોઈ જઈ ચડ્યા પછી જીવતું પાછું આવ્યું છે. આ અતિ સૂક્ષ્મ એવા સમાજને બહારના કોઈ સાથે સંપર્ક સ્થાપિત કરવાની લેશમાત્ર પણ ઈચ્છા નથી.


હજુ સુધી તેમના ટાપુ ઉપર જવાનો એકમાત્ર સફળ પ્રયાસ થયો છે. 1991માં તેમને નાળિયેરની ભેટ આપી અને તેમની નજીક પહોંચેલા ટ્રાઇબલ સંશોધન સંસ્થાના વડા એસ.એ. અવારાડી અને ત્યારબાદ બીજી વખત તેમની સાથે ટાપુ ઉપર લગભગ એકાદ કિમી અંદર સુધી ગયેલા એન્થ્રોપોલોજિકલ સર્વેના વડા ત્રિલોકનાથ પંડિત. આ સિવાય, આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવા માટે તત્પર અમેરિકાના ચાઉં જેવા કેટલાયે પાદરીઓએ ત્યાં પહોંચવાના તદ્દન મૂર્ખામીભર્યા અને અપરાધપૂર્ણ પ્રયાસો કર્યા છે. ઘણી વાર તેમાંના કેટલાક સિક્યુરિટી દળો દ્વારા ઝડપાઇ ગયા છે કે આદિવાસીઓ દ્વારા માર્યા ગયા છે.


આપણા પૃથ્વી ગ્રહ ઉપર ધીરે ધીરે કરીને બધાં જ જંગલોમાં રહેતા કે દૂરદરાજના વિસ્તારોમાં રહેતા, કહેવાતા ‘જંગલી’ લોકો સાથે જબરજસ્તી સંપર્ક સ્થપાઈ ચૂક્યો છે અને આપણી કહેવાતી સભ્યતા ત્યાં પહોંચીને તેમની અલગારી જિંદગીનું ધનોતપનોત કાઢી ચૂકી છે. તેમની ઉપર કોઈક ને કોઈક ધર્મનો ઝંડો લહેરાઈ ચૂક્યો છે. આપણી સાથે ગયેલી અર્થવ્યવસ્થા તેમને ગુલામ કે મજૂર બનાવી ચૂકી છે અને તેમની ભાષા, તેમની સંસ્કૃતિ અને તેમની ઓળખને આપણે નેસ્ત-નાબૂદ કરી ચૂક્યા છીએ. બાકી હતું તો આપણા ચેપી રોગોની મહામૂલી ભેટ એમને પધરાવીને આવી ઘણી જાતિ-પ્રજાતિઓના સંપૂર્ણ નિકંદન પણ કઢાવી નંખાયા છે.

બાકી હતું તો કુદરતના ખોળે અને કુદરતી રીતે જીવનારી આવી પ્રજાને આપણે અલગ-અલગ બ્રાન્ડના ધર્મો અને ભગવાનો વહેંચી તેમની આગવી અસ્મિતા નષ્ટ કરી નાખી. અને આટલા જ માટે સ્વતંત્ર થયેલા ભારતે આંદામાનના કાળા પાણીમાં આવેલા આ સેન્ટિનેલ ટાપુને એકલો છોડી દેવાનું નક્કી કર્યું અને સ્થાનિકોની મરજીને માન આપ્યું. પરંતુ પોતાની શૂરવીરતા કે ધર્મપરાયણતા સ્થાપિત કરવા અનેક પ્રચારકો ત્યાં પહોંચવાના ખતરનાક અટકચાળા ભારતના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી અને કરતા રહ્યા જ છે. અને આમ કરવામાં એમને કોઈ અધર્મ નથી લાગતો. સમય પાકી ગયો છે કે ભારત સરકાર આ ટાપુઓ કે તેની આસપાસ પણ કોઈ ના ફરકે તે માટે યોગ્ય કદમ ઉઠાવે. આ અનોખી માનવ પ્રજાતિનું સંવર્ધન થાય અને તેમની મરજી મુજબ આઇસોલેટેડ એટલે કે બહારની દુનિયાથી અલિપ્ત રહે તે માટે બધાં જ કદમ ઉઠાવવાં જરૂરી છે. ખાસ કરીને સ્થાનિક માછીમારો કે જેઓ થોડા પૈસાના મોહમાં ચાઉં જેવા પાદરીઓને અક્ષમ્ય અપરાધ કરવામાં મદદ કરે છે, તેમને સેન્ટિનેલ ટાપુની નજીકના જળ વિસ્તારોમાં પણ પ્રવેશવાની પરવાનગી ના આપવી જોઈએ.


હજારો વર્ષથી આ ટાપુઓ પર આ લોકો ટકી રહ્યા છે. નથી તેમણે ક્યારેય મદદ માંગી કે સ્વીકારી. તેમની વસ્તી પણ સદીઓથી ઝાંખીપાંખી - કેટલાકસોની આસપાસ જ રહી છે. વસ્તીવધારો હજારો વર્ષમાં તેમને નડ્યો હોય તેમ દેખાયું નથી. વળી તેમના જેવી દેખાતી કે ઘણાઅંશે તેમને સમાન જારવા, ઓંગે વગેરે જેવી અન્ય આદિવાસી જાતિઓ, કે જે તેમના પાડોશી ટાપુઓ પર જ રહે છે, તેઓ પણ હજારો વર્ષોમાં ક્યારેય સેન્ટિનેલિસ લોકો સાથે સંપર્ક સ્થાપિત નથી કરી શક્યા. થોડા કિમી દૂર જ, એટલે કે પાડોશમાં રહેતા હોવા છતાં તેઓ એકબીજાની ભાષા પણ સમજી નથી શકતા. દક્ષિણ અમેરિકામાં સ્પેનિશ કે પોર્ટુગીઝ લોકોએ જે રીતે મયન, ઈન્કા કે એઝટેક લોકો અને તેમની સંસ્કૃતિનો સોથ વાળ્યો કે ઉત્તર અમેરિકામાં બ્રિટિશર અને ફ્રેન્ચ મૂળના લોકોએ અમેરિકન ઇન્ડિયન તરીકે ઓળખાળતા નાવાહો, ચેરોકી કે અપાચે લોકોનું લગભગ નિકંદન કાઢ્યું તેમ આપણી સરકારોએ અમુક અંશે આંદામાનમાં નથી થવા દીધું। અને આ માટે પણ આપણે લગભગ 60 હજાર વર્ષોથી પણ વધારે સમયથી અહીંયા વસતી હોવાનું મનાતી આ ટચૂકડી જાતિની ગરિમા સાચવવી જરૂરી છે.
[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી