વધુ ને વધુ જોવાતા વિડિયોની આવતીકાલ ‘ઇમર્સિવ’ હશે?

article by shyam parekh

શ્યામ પારેખ

Nov 25, 2018, 12:05 AM IST

માનવ સભ્યતાના ઉદયકાળથી મોટેભાગે મૌખિક કે હસ્તલિખિત કમ્યૂનિકેશન (સંચાર) પર ચાલતી આપણી દુનિયા 15મી સદીની મધ્યમાં ગુટેનબર્ગ દ્વારા શોધાયેલી પ્રિન્ટિંગ પ્રેસ ટેક્નોલોજીને કારણે મુદ્રણ યુગમાં પ્રવેશી. ત્યારબાદ ધીરે ધીરે રેડિયો, ફિલ્મો અને ટીવી જેવાં નવાં અને બળુકાં માધ્યમોનો પ્રવેશ થયો. ઈન્ટરનેટ યુગમાં 3G અને 4G ટેક્નોલોજીના ઉદય બાદ ઓનલાઇન વિડિયોનો જન્મ થયો અને વિડિયોની લોકપ્રિયતા વધારવા અને સહેલાઈથી વિડિયો બનાવવા, એડિટ કરવા અને લોકો સાથે શેર કરવામાં જે કંઈ બાકી હતું તે વિશ્વમાં લગભગ અર્ધોઅર્ધ લોકોના હાથમાં રહેલા કેમેરા ફોન દ્વારા પૂર્ણ થયું.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુ વિકસશે તેમ તેમ માણસોની કામ કરવાની જરૂર ઘટતી જશે. ઓછું કામ કરનારા વધુ ને વધુ સમય અન્ય કોઈ રીતે ‘કન્ટેન્ટ કન્ઝમ્પ્શન’માં વિતાવતા હશે

વાતચીત, ભાષણો અને હસ્તપ્રતો ઉપર નિર્ભર સંચાર વ્યવસ્થા, માહિતી અને જ્ઞાનને માત્ર થોડાક સો લોકો સુધી જ પહોંચાડી શકતી. માધ્યમોની શક્તિ સીમિત હતી. પણ મુદ્રણના ઉદય બાદ તે અમાપ થઇ ગઈ. છપાયેલું પુસ્તક લેખકથી હજારો માઈલ દૂર જઇ શકતું અને વંચાઈ શકતું. પુસ્તકોને કારણે માહિતી અને જ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે, સ્થળ અને કાળના સીમાડાઓ ઓળંગાઈ ચૂક્યા હતા. પુસ્તકોને કારણે સહેલાઈથી આપ-લે થવા લાગેલા જ્ઞાનને કારણે જ ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બની. ગુટેનબર્ગે જો પ્રિન્ટિંગ પ્રેસ શોધ્યું ન હોત તો, ઔદ્યોગિક ક્રાંતિ થઇ શકી ન હોત!


એ જ રીતે જો ઈન્ટરનેટ ન હોત તો પછી ટેક્સ્ટ, ઓડિયો અને વિડિયો એમ ત્રણે માધ્યમોને સમાવી શકે અને આંખના પલકારામાં દુનિયાભરના દર્શકો સુધી પહોંચી શકે તેવી ટેક્નોલોજી વિના, દુનિયા હજુ પણ ટીવી યુગમાં જ હોત અને વિડિયો ટેક્નોલોજી ‘મૂવિંગ ઇમેજ’થી આગળ વધી અને 3-D, કે વર્ચ્યુઅલ રિયાલિટી જેવા નવા વિડિયો ફોર્મેટમાં લોકો સુધી બહોળી સંખ્યામાં પહોંચી ન શકત. પણ આ બધું અત્યારે યાદ કરવાનું કારણ એ છે કે વિશ્વભરમાં વધુ ને વધુ લોકો ‘કન્ટેન્ટ કન્ઝમ્પશન’ એટલે કે વિડિયો જોવા, ઓડિયો સાંભળવા અને ટેક્સ્ટ વાંચવા જેવાં કાર્યોમાં દિવસે અને દિવસે ઉત્તરોત્તર વધુ સમય ગાળતા થયા છે.


પુસ્તકો ખોલી અને વાંચન-લેખન કરી જ્ઞાન મેળવવાનો યુગ તો જાણે સમાપ્ત થઈ ગયો હોય તેવું લાગે. વિડિયો જોઈ જ્ઞાન અને માહિતી મેળવવાનો નવો યુગ છે આ. ઘણાં મા-બાપને પોતાના વિદ્યાર્થી એવાં બાળકોના ભવિષ્યની ચિંતા છે તો અનેક પતિ-પત્નીઓને પોતાના સ્પાઉસ વિડિયોની દુનિયામાં ખોવાયેલા રહેતા હોવાનો રંજ છે. ટૂંકમાં વિડિયોને કારણે દરેકને પોતાની આસપાસનું સોશિયલ ઈન્ટરેક્શન ઘટી રહ્યું હોવાનો એહસાસ થઇ રહ્યો છે. બધા જ વાતચીતમાં એવો સવાલ ઉઠાવે છે કે શું ભવિષ્યમાં આવું જ ચાલતું રહેશે? શું લોકો વિડિયો ઉપર જ પોતાનું જીવન વ્યતીત કરતા રહેશે? શું યુવાપેઢીનો વધુ ને વધુ સમય ક્યાંક બેસીને વિડિયો જોવામાં જ જતો રહેશે?


જોકે, જવાબ મોટાભાગે હામાં જ આવશે. પરંતુ હકીકત એ છે કે વિડિયો થોડા સમય માટે જ હાવી રહે અને ધીરે ધીરે ‘ઇમર્સિવ મીડિયા’ના નામે ઓળખાતી નવી ટેક્નોલોજી વિડિયોને ભૂલી જાવ તેવી ટેક્નોલોજી થકી અલગ જ અનુભવ આપે, તેવી શક્યતા વધારે છે. વર્ચ્યુઅલ રિયાલિટી, ઔગ્મેન્ટેડ કે મિક્સડ રિયાલિટીના નામે ઓળખાતી આ નવી ટેક્નોલોજી કમ્યૂનિકેશનને એક નવા આયામ સુધી લઇ જશે. અને ત્યારબાદની નવી ટેક્નોલોજી કેવી હશે તેની ઝાંખી થવાને હજુ વાર છે.


જોકે, આપણે સારા મજાના અને ભવિષ્ય ભાખતા ભવિષ્યવેત્તાઓની વાત માનીએ તો એવું કહી શકાય કે આર્થિક અને ટેક્નોલોજિકલ પ્રગતિની સાથે સાથે માણસોની કામ કરવાની જરૂરિયાત ઓછી થતી જશે. વધુને વધુ લોકો ઓછું ને ઓછું કામ કરશે. અર્થાત્ જેમ જેમ ઓટોમેશન, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુ વિકસશે તેમ તેમ માણસોને કામ કરવાની જરૂરિયાત ઘટતી જશે. મોટાભાગના કામ બુદ્ધિશાળી મશીનો કરતા હશે. ઈ.સ. 2050ની આસપાસ માનવજાતની કામ કરવાની જરૂરત વર્તમાનના એક નગણ્ય હિસ્સા જેટલી જ રહેશે તેવી આગાહી આર્થર સી. ક્લાર્ક નામના વિખ્યાત વિજ્ઞાનલેખકે દાયકાઓ પહેલા કરી છે. અને તેમની મોટાભાગની આગાહીઓ સાચી પડી છે, જેથી થોડા વર્ષો આમતેમ થવા સિવાય, તેઓ ખાસ ખોટા પડે તેવું હાલમાં શક્ય લાગતું નથી.


આ પરિસ્થિતિનું સીધું તારણ એ નીકળે કે ઓછું કામ કરનારા લોકો વધુ ને વધુ સમય આનંદ-પ્રમોદ કે અન્ય કોઈ રીતે ‘કન્ટેન્ટ કન્ઝમ્પ્શન’માં વિતાવતા હશે. આમ, વર્ષોવર્ષ કન્ટેન્ટ કન્ઝમપ્શન વધતુંજ રહેવાનું. અને તેના એંધાણ અત્યારથીજ વર્તાઈ રહ્યા છે. નેટફ્લિક્સ નામની 1997માં સ્થપાયેલી અને ફિલ્મો, વેબસિરીઝ વગેરે બનાવતી અને ઇન્ટરનેટ થકી તેનું વિતરણ કરતી કંપની અત્યારે માન્યામાં ન આવે તેવી વિશાળ થઇ ગઈ છે. નેટફ્લિક્સની કિંમત અંદાજે 10 લાખ કરોડ રૂપિયા જેટલી મનાય છે. સમજવા માટે જોઈએ તો આ રકમ ભારત દેશના સંરક્ષણ બજેટ કરતા ત્રણ ગણી વધારે થઇ! અને આટલી અધધ કિંમત માત્ર અને માત્ર વિડિયો બનાવીને હાંસલ કરી છે. પણ તેના મૂળમાં છે ઉત્કૃષ્ઠ ગુણવત્તા અને વૈવિધ્યતા. દુનિયાભરમાં ફેલાયેલા વિડિયોના વિશાળ કારોબારમાં ભારતનું સ્થાન ગૌણ હોવાનું કારણ સારી માવજત, વૈવિધ્યતા અને ઉત્કૃષ્ટતાનો અભાવ છે. જોકે આ વિષયની વાત ક્યારેક.

[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી