મોટાભાગના ભારતીયો માટે હજુ પણ ટોઇલેટ એક સ્વપ્નકથાજ છે!

article by shyam parekh

શ્યામ પારેખ

Nov 18, 2018, 12:05 AM IST

વર્ષની મધ્યમાં, અમેરિકાની, સ્ટારબકસ નામની જગવિખ્યાત કોફી શોપની ચેઈનને, ટોઇલેટ નામની એક હોરર-કથાએ હચમચાવી મૂકી છે. પણ એ શું વાત હતી તે જાણતા પહેલા થોડી સીધી વાત જરૂરી છે.


શરીરને જયારે ઇચ્છા થાય ત્યારે ઘર કે ઓફિસ કે શાળા-કોલેજ કે મોલ કે અન્ય જાહેર સ્થળોએ એક નાનકડા બારણાંને ખોલી અને ટોઇલેટ ઉર્ફે શૌચાલયનો ઉપયોગ કરતા લોકો માટે આવી સુવિધા એ માત્ર જરૂરી નહિ પરંતુ તેમનો હક્ક છે. જરા પણ ગંદું, રૂમ ફ્રેશનર વિનાનું કે અન્ય સુવિધાઓ વિનાનું ટોઇલેટ જોઈ મોં મચકોડતા આપણને લઘુશંકા બાદ પણ ફ્લશનું બટન દબાવી 5 લિટર પાણી વેડફતા વિચાર નથી આવતો.

અમીરોએ ધાર્મિક સ્થળોએ દાન આપવાને બદલે ગરીબો માટે શૌચાલયો બનાવવાની જરૂર છે. શૌચાલયની સમસ્યાનો અંત નહિ આવે તો વિકાસના પ્રયાસો ફ્લશ થઈ જશે

બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આપણા જેવા લોકોને જે સહજ છે તેવી સુવિધાઓ બહુ ઓછા લોકોને ઉપલબ્ધ હોય છે. ભારતમાં જેટલા લોકોને ટોઇલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે તેના કરતાં વધારે લોકોને આ સુવિધાઓ ઉપલબ્ધ નથી. જી હા બરાબર વાંચ્યું. 50% ઉપરાંત ભારતીયો પાસે ટોઇલેટ નથી. 2014માં અંદાજે 40% થી પણ ઓછા ભારતીયો પાસે ટોઇલેટ્સ હતા - મતલબકે 60% પાસે નહોતા! ત્યારબાદ સ્વચ્છ ભારત અભિયાન ચાલુ થયું અને સ્થિતિમાં સુધારો થયો અને ત્રણ વર્ષમાં ટોઇલેટ ધરાવતા પરિવારોની સંખ્યા 39થી 69 ટકા પર પહોંચી તેવા સરકારી દાવા પણ થયા છે.


જોકે આંકડાઓની માયાજાળમાં પડયા વિના એવું તો ચોક્કસ કહી શકાય કે આ અભિયાનથી ફાયદો થયો જ હશે, પરંતુ આઝાદીના 70 વર્ષે પણ 70 કરોડ જેટલા ભારતીયો માટે ટોઇલેટ હજી પણ એક સપનું જ છે અને આવનારા અમુક વર્ષો સુધી એ હકીકતમાં નહીં જ પલટાય. જોકે માત્ર ભારતમાં જ આવી સ્થિતિ છે તેવું નથી. વિશ્વભરમાં લગભગ 65થી 70% લોકો જ ટોઇલેટ ધરાવે છે. મતલબકે લગભગ 2 અબજથી પણ વધારે લોકો રોજેરોજ ખુલ્લામાં હાજતે જાય છે.


આટલા બધા લોકો પાસે ટોઇલેટ ન હોવાનાં કારણો પણ અનેક છે: ગરીબી, પાણીની પાઈપલાઈન ન હોવી, ઇલેકટ્રીસિટીનો અભાવ, ટોઇલેટમાંથી નીકળતા કચરાના નિકાલ માટે પાઈપલાઈન, કુંડી, જેવી વ્યવસ્થાનો અભાવ. જંગલોમા વસતા કે અતિ પ્રાથમિક અવસ્થામાં જીવતા આદિવાસીઓ જેમને આવી સુવિધાની જરૂરત નથી જણાતી.


સદીઓ સુધી ભારતમાં પાણીહીન જાજરૂઓ સાફ કરવા સમાજનો એક આખો વર્ગ કાર્યરત રહેતો. કારણ કે કચરાના નિકાલની વ્યવસ્થા નહોતી. આશરે એક સદી પહેલા મહાત્મા ગાંધીએ સ્વચ્છતાની હિમાયત કરી ત્યારેથી હજુ સુધી આ અંગે સરકારો કે સમાજે ખાસ કંઈ કર્યું નથી. હા ગાંધી આશ્રમથી શરૂ થયેલા સફાઈ વિદ્યાલય જેવા ‘મિ.ટોયલેટ’ તરીકે પોતાને ઓળખાવતા સ્વ. ઈશ્વરભાઈ પટેલના પ્રયોગો હોય કે અમુક-તમુક રાજકારણીઓના આ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો હોય, મોટા સ્તરે સમાજમાં કશું નથી થયું.


હવે સવાલ એ છે કે ખુલ્લામાં હાજતે જતા કરોડો ભારતીયોને આ કામ માટે અચાનકથી ઓરડીઓ કઈ રીતે બનાવી આપવી. અને તેમાં પાણીની પાઈપલાઈન લાવી, સેપ્ટિક ટેંક બનાવી અને મળના નિકાલ માટે વ્યવસ્થા કેમ કરવી? સરકારી નિશ્રામાં અને ખર્ચે બનેલ અનેક ટોઇલેટ્સ માત્ર કાગળ ઉપર જ હોય, ઉપયોગમાં આવી શકે તેવા ન હોય કે તૂટી ગયા હોય તેવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. કોશિશ જરૂર થઈ હશે પણ તેને ખૂબ મોટા સામાજિક ટેકાની જરૂર છે. અને જો આમ નહિ થાય તો પરિણામો ધંધા-રોજગારને અસર કરે તેવાં અને સમાજ-જીવનને ત્રસ્ત કરે તેવાં આવી શકે. આનું તાજું ઉદાહરણ દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકાને તાજેતરમાંજ મળી ચૂક્યું છે. મેં મહિનામાં અચાનક આખા અમેરિકામાં હજારો કોફી શોપ્સ ધરાવતા સ્ટારબકસે પોતાની બધીજ કોફી-શોપ અર્ધો-દિવસ બંધ રાખી અને આગલા દિવસથી આ અંગે બધી કોફી-શોપ પર નોટિસો લગાવી દીધી. કારણ એ હતું કે આ કંપની પોતાના કર્મચારીઓને એક ખાસ બાબત માટે ટ્રેનિંગ આપવા માંગતી હતી.


થોડા સમય પહેલા સ્ટારબકસના ટોઇલેટ વાપરવા બિન્ધાસ્ત રીતે બેઘર લોકો આવી જતા. તેમને માટે સ્ટારબક્સ જેવી પ્રતિષ્ટિત ચેઇનના ટોઇલેટ્સ જાહેર સુવિધા જેવા હતા. પરંતુ તેને કારણે આ બધી કોફી-શોપ અને તેનાં ટોઇલેટ્સ ગંદાં રહેતાં અને લઘર-વઘર બેઘરોની હાજરીથી ગ્રાહકો નાખુશ થતા. તેમાં એક બેઘરને રોકવા એક દિવસ સ્ટારબક્સના એક કર્મચારીએ પોલીસ બોલાવી. અમુક દુકાનોમાં તો ગ્રાહકો ઓર્ડર આપીને બિલ ન બનાવે ત્યાં સુધી તેમને ટોઇલેટ વાપરવા ન મળતા. મામલો ચગ્યો અને કોર્ટમાં ગયો. સોશિયલ મીડિયામાં આ કંપની ઉપર ફિટકાર વરસ્યો અને વધુ નુકસાન થાય તે પહેલા કંપનીએ નિર્ણય લીધો કે આ ટોઇલેટનો પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવો તેની ટ્રેનિંગ સ્ટાફને આપવી જરૂરી છે. વિશ્વ આખાને સતાવતી આ શૌચાલયની સમસ્યાનો અંત ત્યારે આવશે જયારે લોકો મંદિર-મસ્જિદો બાંધવાને બદલે ટોઇલેટ્સનું નિર્માણ કરશે, નહિ તો વિકાસના પ્રયત્નો ફ્લશ થઈ જશે.

[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી