Back કથા સરિતા
શ્યામ પારેખ

શ્યામ પારેખ

સાંપ્રત (પ્રકરણ - 24)
લેખક વરિષ્ઠ પત્રકાર હોવા ઉપરાંત પત્રકારત્વ કોલેજના તથા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ના સ્થાપક છે.

ડણકના માલિકની ગીરનાં જંગલોમાંથી દરદભરી દહાડ

  • પ્રકાશન તારીખ30 Sep 2018
  •  

ડણકનો અસલી માલિક સાવજ કે ડાલામથ્થા તરીકે ઓળખાતો ગીરનો સિંહ છે. હજારો વર્ષોથી ગીરની ધરતી પર વસતું આ પ્રાણી આફ્રિકાના તેના કઝિન્સથી ઘણું અલગ પડે છે. દાયકાઓથી વન્યજીવશાસ્ત્રીઓને ગીરના સિંહ જે સૌરાષ્ટ્ર વિસ્તારના લગભગ 1,500 ચો કિમી વિસ્તારમાં વસેલા છે, તેના અંગે એક જ ડર સતાવે છે - એ છે અચાનક ફેલાતા અને અનેક સિંહોનો સોથ વાળી નાખતા ચેપી રોગનો.


ભૌગોલિક રીતે ગીરના એક જ વિસ્તારમાં રહેતા બધા જ એશિયાટિક સિંહોને માટે કોઈ બીજું ઘર નથી. ખેતી, ખાણ-ખનન અને માનવ વસ્તીના વધારાને કારણે ગીરના જંગલની આસપાસના વિસ્તારોમાં માનવીય પ્રવૃત્તિઓ અને દબાણ ખૂબ જ વધી રહ્યાં છે. જંગલના રાજા માટે જાયે તો જાયે કહા જેવો ઘાટ થઇ ગયો છે. જંગલની બહાર નીકળીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારી રહેલા સાવજનો વિડિયો આજકાલ વારંવાર વાઇરલ થાય છે.

ઘેટાં-બકરા અને અન્ય પશુઓથી ફેલાયેલા ચેપી રોગથી સિંહો ટપોટપ મરી રહ્યા છે. આ વર્ષે માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ અંદાજે ડઝન ઉપરાંત સિંહોનાં મૃત્યુ થયાં છે

જો આપણે જંગલ ખાતાના દાવા પ્રમાણે જોઈએ તો દર વર્ષે સિંહોની વસ્તી વધી રહી છે અને તેનો દર અંદાજે 5% ઉપરાંતનો છે. તાજેતરના અંદાજ પ્રમાણે સિંહોની વસ્તી ગીર અને આસપાસના વિસ્તારોમાં મળીને 500 ઉપરાંતની થઇ છે. સરકારી દવા મુજબ દર વર્ષે અંદાજે 40 જેટલા સિંહો મૃત્યુ પામતા હોય છે અને લગભગ 50 થી 60 નવા જન્મતા હોય છે. પરંતુ આ વર્ષે માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ અંદાજે ડઝન ઉપરાંત સિંહોનાં મૃત્યુ થયાં છે. જોકે સરકારે જાગીને જંગલ ખાતાના અધિકારીઓની 50 ઉપરાંત ટીમો બનાવી છે જે જંગલમાં ફરીને સિંહોની પરિસ્થિતિ અને તેમના સ્વાસ્થ્યનો અંદાજ મેળવી રહી છે.


પરંતુ ગીરના જંગલમાં સહુથી મોટી સમસ્યા માનવસર્જિત છે અને રાજકારણને કારણે તેનો હલ હાલમાં શક્ય નથી. અને આ છે દુધાળાં જાનવરો, કે જેમને આજુબાજુનાં ગામડામાંથી જંગલ વિસ્તારોમાં ચરવા માટે લઇ જવાય છે. જાનવરો પર નભતી અને દૂધના ઉત્પાદન ઉપર ટકી રહેલી અહીંની અર્થવ્યવસ્થા જંગલની વનરાજી ઉપર જ આધારિત થઇ ગઈ છે. ગોચરની જમીનો સિમેન્ટ ફેક્ટરીથી માંડીને ખાણકામ માટે વપરાઇ રહી છે. ખુલ્લી જમીનો ઉપર બાંધકામ થઇ ચૂક્યાં છે.


અહીંનાં લાખો જાનવરોને ચરવા માટે જંગલ સિવાય ખાસ કઈં બચ્યું નથી. આવી પરિસ્થિતિમાં પશુપાલકો જંગલની અંદર જાનવરોને ચરાવવા લઈ જવાની સતત કોશિશ કરતા હોય છે. પરિણામે તેમની અને જંગલખાતાની વચ્ચે હંમેશાં ભક્ષક-રક્ષક વચ્ચેનો ગજગ્રાહ સતત ચાલતો જ રહે છે અને તે સકારણ છે. પરંતુ મોટાભાગે રાજકીય હસ્તક્ષેપને કારણે અધિકારીઓ ખાસ કંઈ કરી નથી શકતા. સમસ્યાની શરૂઆત અહીંથી જ થાય છે.

મોટાભાગના દુધાળાં જાનવરો કોઈક પ્રકારના રોગચાળાના જંતુઓ વાહન કરતા હોય છે.
જ્યારે સિંહોના પાણી પીવાના સ્થળની બાજુ આવતાં આવાં જાનવરો એ જ વોટરિંગ હોલમાંથી પાણી પીએ છે અને સાથે તેમનો ચેપ એ જ પાણીમાં મુક્ત જાય છે. વળી જ્યારે આવા ચેપગ્રસ્ત જાનવરોનો શિકાર સિંહ કરે છે ત્યારે સાથે સાથે ચેપ પણ તેમનામાં ફેલાય છે. સહુથી વધારે ખરાબ પરિસ્થિતિ સર્જવામાં કારણભૂત છે શિયાળ, જરખ, જંગલી કૂતરાઓ વગેરે જાનવરો. તેઓ જંગલની સરહદો વળોટીને આસપાસનાં ગામોમાંથી મળતા જાનવરોના મૃતદેહોને આરોગે છે. અને આ સડેલા માંસના ચેપને પોતાની સાથે જંગલમાં લાવે છે.


આ બધા પરિબળોને કારણે જંગલમાં અલાયદા રહેતા સિંહ પોતે જ આવી માનવસર્જિત સમસ્યાઓનો શિકાર બની જાય છે. ઘણા બધા જંગલ ખાતાના અધિકારીઓ અને વિશેષજ્ઞોએ આ કારણે જંગલની સાથે સાથે જંગલ આસપાસના માનવ વિસ્તારોને, સિંહને ધ્યાનમાં રાખીને મેનેજ કરવાનું કહ્યું છે. જેમ કે, મૃત જાનવરોના દેહનો ખુલ્લામાં છોડવાને બદલે દાટીને કે બાળીને પણ નિકાલ કરી શકાય. આમ થવાથી શિયાળ કે કૂતરા જેવાં જંગલી પ્રાણીઓ થકી બહારના વિસ્તારોમાંથી લાવી ફેલાતા ચેપ સહેલાઈથી રોકી શકાય. ગામમાંથી ઢોરોને જંગલમાં ધકેલવાનું બંધ થાય કે અન્ય કોઈપણ રીતે ચેપ ફેલાતા રોકાય તે જોવું જરૂરી છે.


પરંતુ, આવું કદમ ત્યારે જ શક્ય બને જ્યારે સરકારી કાયદાઓ પૂરતા પ્રમાણમાં વન તથા વન્ય જીવોની સુરક્ષાને વરેલા હોય. વધતી વસ્તીને નાથવાની શક્તિ કોઈપણ લોકશાહી સરકારમાં ન હોઈ શકે. પણ એટલા માટે જ જરૂરી છે કે વધતી વસ્તીને કારણે વધતી જતી માનવ પ્રવૃત્તિઓને જંગલની સરહદોથી બને તેટલી દૂર રાખીએ. અન્યથા ડાલામથ્થાની ડણકો માત્ર ફિલ્મો કે રેકોર્ડિંગ પૂરતી જ સીમિત રહી જશે. માનવ લોભ સામે પ્રકૃતિ લાચાર છે. અને શહેરી ગુજરાતની જરૂરિયાતો પોષવા જ આવા ઉદ્યોગો અને ખાણો ચાલે છે. કદાચ આપણે વ્યક્તિગત રીતે તો આ અર્થવ્યવસ્થાને બહુ બદલી શકવા શક્તિમાન ના હોઈએ પરંતુ જંગલના રાજાને બચાવવા માટે થોડું પ્રદાન તો જરૂર કરી શકીએ.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP