ડોરબેલ દબાવી તમારી સેવા કરવા ક્યારે આવશે સરકાર?

article by shyam parekh

શ્યામ પારેખ

Sep 23, 2018, 12:05 AM IST

આપણે કરોડોના ખર્ચે જ્યાં-ત્યાં અને જેવાં તેવાં મકાનો બનાવી તેને સરકારી કચેરી જાહેર કરી દઈએ છીએ. નાગરિકોની સગવડતા કે અગવડતા એ વળી કઈ બલાનું નામ? પરંતુ, થોડા સમય પહેલાં ટચૂકડા પાડોશી દેશ ભૂતાનમાં એક ખૂબ રસપ્રદ સરકારી પદ્ધતિ જોવા મળી હતી. આપણા દેશમાં મોટા ભાગની સરકારી ઑફિસોમાં ગંદકીનું સામ્રાજ્ય અને ભ્રષ્ટાચાર એ સામાન્ય હોય છે. પરંતુ ભૂતાનમાં ઝૉન્ગ નામે ઓળખાતી અને દેખાવમાં કિલ્લા જેવી લાગતી આ જગ્યાઓ દરેક ગામમાં છે. રાજાની કચેરી, દરેક સરકારી ઑફિસ, જેલ, કોર્ટ અને મુખ્ય મંદિર બધું જ આ એક જ જગ્યાએ! દરેક ગામની વચ્ચોવચ્ચ જ ઝૉન્ગનું નિર્માણ કરાય અને મોટેભાગે તે નદી કિનારે જ હોય છે. ચોખ્ખી ચણાક અને સરકારી ઇમારતો હેરિટેજ તો છે જ પણ સાથે સાથે ટુરિસ્ટો માટેનું મુખ્ય આકર્ષણ પણ હોય છે. આવી સુંદર ઑફિસ જોતા લાગે કે લોકો માટે સરકાર સાથે પાલો પાડવો કેટલો સહેલો બની જાય છે. એટલે જ ભૂતાનમાં ત્યાંના રાજા હજુ પણ અતિ લોકપ્રિય રહ્યા છે.

દિલ્હીમાં પિઝા ડિલિવરીની જેમ સરકારી સેવા આપવા ‘સહાયકો’ ઘર-ઘર પહોંચી રહ્યા છે. શું દેશમાં થતા સારા પ્રયાસો જોઈને તેનું અનુકરણ કરવામાં પક્ષા-પક્ષી છોડી શકીશું?

કંઇક આવા જ વિચારો વચ્ચે અચાનક એક ખાલી સૂમસામ ભાસતી પોસ્ટ ઑફિસને જોતા મને લાગ્યું કે કાશ આપણી સરકાર હવે ઓછી ઉપયોગી એવી પોસ્ટ ઑફિસોને સિંગલ-વિન્ડો પદ્ધતિની સરકારી ઑફિસો બનાવી કાઢે તો કેવું. લોકોને દૂર-દૂરની ગંદી કે અગવડભરી સરકારી ઑફિસોમાં દિવસો વેડફવા નહિ અને જીવન સરળ બની જાય. વળી પોસ્ટ ઑફિસોનો સદુપયોગ પણ થઇ શકે. આવા જ સમયે દિલ્હીમાં થઇ રહેલા એક પ્રયોગના ખબર આવ્યા. પણ એ વાત પહેલાં એક આડ વાત.


વીસમી સદીના અંતે ઈન્ટરનેટના આગમનથી વિશ્વભરમાં અનેક આમૂલ પરિવર્તનો આવ્યાં. આપણે ઈન્ટરનેટ થકી શોપિંગ કરતા કે ટિકિટો બુક કરતા થઇ ગયા. રોજે બેન્કોમાં લાઈનો લગાવનાર લોકો હવે ઘરે કે ઑફિસમાં બેસી આરામખુરશીમાંથી બેન્કિંગ નિપટાવી લે છે. કરોડો રૂપિયાની લેવડદેવડ આરામથી લેપટોપ કે મોબાઈલથી પૂરી કરી શકાય છે. વેબસાઈટો થકી વર્ષો સુધી ખૂબ તકલીફદાયક ગણાતાં ઘણાં બધાં સરકારી કામોમાં હવે સરળતા આવે તેવી કોશિશ ચાલુ હોય તેવું જરૂર દેખાય છે. અને ઉદાહરણ તરીકે જોઈએ તો પાસપોર્ટ સેવાઓ હવે પહેલાં કરતાં પ્રમાણમાં ખૂબ સરળ થઇ ચૂકી છે.


પરંતુ ઈ-ગવર્નન્સની વાતો છતાં મોટાભાગના રોજબરોજનાં અને ખૂબ માથાકૂટિયાં સરકારી કામોમાં કહેવાતો ફેરફાર જ થયો છે. એક સામાન્ય માનવીને હજી પણ દિવસો સુધી હેરાન થવું પડે છે. આર.ટી.ઓ. કચેરીનું કામ સરળ બનાવવા સરકારે તેનું કેન્દ્રીયકરણ કર્યું. પરંતુ લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટમાં વારંવાર ખોટા કારણે નાપાસ કર્યા કરવાથી માંડીને રિન્યુઅલ વખતે ‘ડેટા ચોરાઇ ગયેલો હોવાથી લાઇસન્સ બેકલોગ કરવું પડશે’ જેવા બહાના હેઠળ કોઈ પણ કામ માટે દિવસો સુધી ધક્કા ખાવા પડે જ છે. અને જો મ્યુનિસિપાલિટી કે પોલીસ જોડે કામ પડે તો સમજી જાવ કે હકીકતમાં કાંઈ જ બદલાયું નથી. ઉપરછલ્લા અને કોસ્મેટિક કહી શકાય તેવા ફેરફારો જરૂર હશે, પણ મૂળ વિચાર કે વર્તનમાં તો આ લોકો હજુ પણ જળકમળવત્ જ છે. હવે આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોને જેની રોજબરોજ જરૂર પડતી હોય તેવી સેવાઓ એટલી જ ભ્રષ્ટ અને અઘરી હજુ પણ છે જ.


પરંતુ પહેલાં ખૂબ લોકપ્રિય થયેલા અને પછી ખૂબ ગાળો ખાધેલા એવા દિલ્હીની આપ સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિશ્વભરમાં ક્યાંય ન થયો હોય તેવો એક અદ્્ભુત પ્રયોગ કર્યો. તેમના રાજકારણ વિશે અનેક મંતવ્યો હોઈ શકે પરંતુ લોકશાહીને વધુ લોકાભિમુખ બનાવવાના તેમના આ કાર્યની નોંધ તેમના રાજકીય વિરોધીઓએ પણ લેવી ઘટે. કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવી રીતે સરકારી સેવાઓને છેક લોકોના ઘરે તેમના બારણાં સુધી મોકલી આપવાનો વિચાર જ ક્રાંતિકારી છે. અને તેનો અમલ અને એ પણ
માત્ર રૂ. 50 જેવી નજીવી કિંમતે. અને માત્ર એક બે નહિ પરંતુ લગભગ 40 ઉપરાંત સરકારી સેવાઓ આપવા 1076 નંબર ઉપર એક ફોન કરો અને સરકાર તમારે આંગણે આવીને દ્વાર ખટખટાવે! જેમની સાથે સરકારી કર્મચારીઓ દ્વારા હંમેશાં લગભગ ગુનેગાર કે અબુધ જેવું
વર્તન કરાતું તેવા સામાન્ય નાગરિકોને આ ચમત્કાર જ લાગશે.


સપ્ટેમ્બર મહિનાની 10મી તારીખે આ સેવા દિલ્હીમાં લોન્ચ થઇ તે જ દિવસે 1076 નંબર ઉપર તેનો લાભ લેવા 20,000થી પણ વધારે ફોન આવ્યા અને એમાંથી 1,300 ઉપરાંત ફોન પર વાતચીત થઇ શકી. આમાંથી લગભગ 400 જેટલા કિસ્સામાં રૂબરૂ મુલાકાત લેવાઈ. બીજા જ દિવસથી સરકારે ફોન લાઈન અને ઑપરેટર બંનેની સંખ્યા વધારી દીધી. અને નક્કી કર્યું કે ટૂંક સમયમાં વધારે ખાતાઓ અને વિભાગોની સેવાઓ આ યોજનામાં ઉમેરાતી જશે. VFS નામની વિસા સેવાઓ પૂરી પડતી કંપનીને આ સેવાનો કોન્ટ્રાકટ અપાયો છે. મતલબ કે દિલ્હી નિવાસીઓએ મોટાભાગની સરકારી સેવાઓની સેવાઓ મેળવવા કોઈ કચેરીઓમાં ધક્કા નહિ ખાવા પડે.


શું ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં પણ જે તે સરકાર આવી સેવાઓ લાવશે કે પછી આપણે માત્ર તેની વાતો કરતા રહેવાનું? પણ જો સરકારી ઑફિસમાં કામ કરાવવું અઘરું ન હોય તો દલાલો, ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓને ‘સેવા’ની મલાઈ મળતી બંધ થઇ જાય અને કારણોસર જે સ્વાભાવિક લાગે છે તેવા ફેરફારો થવા નથી દેવાતા. પણ દિલ્હીના આ પ્રયોગ અને તેની સફળતા માપ્યા બાદ તુરંત જ સામાન્ય લોકોને સ્પર્શતી સેવાઓને આવા સ્વરૂપે લોકો સુધી પહોંચાડવી જોઈએ. અમેરિકા કે જાપાનથી મોંઘીદાટ ટેક્નોલોજી લાવવામાં આપણે શૂરા છીએ પરંતુ શું દેશની અંદર જ થતા સારા પ્રયાસો જોઈને તેનું અનુકરણ કરવામાં પક્ષા-પક્ષી છોડી શકીશું?

[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી