કૃષ્ણના નામ જ નહિ, ‘અર્થઘટન’ પણ અનંત છે!

article by shyam parekh

શ્યામ પારેખ

Sep 02, 2018, 12:05 AM IST

મહાભારત જેવા ગૂઢ મહાકાવ્યને ઊંડાણથી સમજવું કે તેનું અર્થઘટન કરવું એ સહેલું કે સાદું-સીધું ક્યારેય ન હતું. અનેક સદીઓથી કથાકારો અને સાહિત્યકારો, ફિલસૂફો અને અભ્યાસુઓ તેના અલગ અલગ અર્થઘટન શોધતા રહ્યા છે. અને તેમાં ડૂબકી મારનારને દર વખતે નવો અને આશ્ચર્યકારક અર્થ મળતો રહે છે. જોકે જેઓ આ પૌરાણિક ગ્રંથોને માત્ર વાર્તા તરીકે જ માણવા માંગતા હોય તેમને માટે એ જરૂરથી એક ખૂબ રસપ્રદ અને અલગ પ્રકારની વાર્તા છે. જોકે ધાર્મિક લાગણીઓને બે ઘડી બાજુએ મૂકીએ તો ખ્યાલ આવશે કે આ કૃતિઓની સાહિત્યિક ઊંડાઈ પણ બેજોડ છે. પાંડવ-કૌરવની વાર્તા અને તેમાં શ્રીકૃષ્ણનો રોલ એક સૂક્ષ્મ સ્વરૂપે પણ છે અને આમ આખી વાર્તા એક અલગ ડાઈમેન્શન કે પરિમાણમાં આકાર લે છે.


અનેક કૃતિઓ અને ભાષણોમાં, અનેક વિદ્વાનોના વક્તવ્યમાં જે શીખવા મળેલું તેનાથી ઘણું અલગ અને સૂક્ષ્મ સ્તરે થયેલું મહાભારતનું અર્થઘટન તાજેતરમાં એક ફેસબુક પોસ્ટમાં વાંચ્યું. અને મજાની વાત એ છે કે ફેસબુક પર આ પોસ્ટની ચર્ચા, અનેક મિત્રો દ્વારા, મહાભારતના નવા અર્થઘટન(નો) તરફ પ્રેરી ગઈ.


એક ખૂબ જ રસપ્રદ લગતા અર્થઘટન મુજબ મહાભારતના યુદ્ધના અંતના થોડા દિવસો બાદ જ, આ સ્થળની એટલે કે કુરુક્ષેત્રની મુલાકાતે ગયેલા દિવ્યદૃષ્ટા સંજય વિચારતા હતા કે શું ખરેખર આ સ્થળે આવું કોઈ મહાયુદ્ધ થયું હતું? ધૃતરાષ્ટ્રના એક વખતના સલાહકાર તેમજ સારથિ એવા આ સંજય, કૌરવો વતી યુદ્ધ પહેલાં સુલેહનો સંદેશો લઈને પાંડવો પાસે ગયા હતા. પોતાની દિવ્યદૃષ્ટિથી તેઓ યુદ્ધ સ્થળ જોતા હતા અને અંધ એવા ધૃતરાષ્ટને ઘટનાઓનો અહેવાલ આપતા રહેતા. તેઓ વિચારતા હતા કે શું આ જ સ્થળે લોહીની નદીઓ વહી હતી અને શું અહીંયા જ કૃષ્ણ અને અર્જુન ઊભા રહ્યા હતા?


ત્યાં જ સંજય સમક્ષ ધૂળની ડમરીમાંથી અચાનક પ્રગટ થયેલા એક વૃદ્ધ સાધુએ સંજયની વિડંબના સમજી લીધી હોય તેમ વાત ચાલુ કરી. સાધુ ઉવાચ: અહીંયાં તમે ગમે તેટલો સમય વિતાવશો તો પણ તમને ખબર નહિ પડે કે આ સ્થળે કુરુક્ષેત્રનું મહાયુદ્ધ થયું હતું. તમે એનું સત્ય ક્યારેય પામી નહિ શકો! હવે કંઇક મૂંઝાયેલ દેખાતા સંજયની મનસ્થિતિ પામી ગયેલા સાધુએ કહ્યું તમારી મૂંઝવણ હું સમજી શકું છું. પરંતુ યુદ્ધ કોની વચ્ચે હતું અને શા માટે હતું તે તમે નહિ સમજો, ત્યાં સુધી તમને કશું નહિ મળે.


સંજયના સવાલોના જવાબ આપતા તેમણે સમજાવ્યું કે મહાભારત એ એક મહાકાવ્ય છે, જે કદાચ એક સત્ય ઘટના પર આધારિત હોઈ શકે પરંતુ તેની પાછળ જરૂરથી એક ફિલસૂફી છુપાઇ છે. સંજય તરફથી પુછાયેલા પ્રશ્નોનો ગૂઢ જવાબ આપતા તેમણે કહ્યું કે પાંડવો કોણ છે એ તમારે જાણવું જોઈએ. આ પાંચ ભાઈઓ તમારી પાંચ શક્તિઓ એટલે કે પાંચ ઇન્દ્રિયો છે- દૃષ્ટિ, ધ્વનિ, સ્વાદ, સુગંધ અને સ્પર્શ. અને રોજેરોજ તેમની ઉપર હુમલો કરે છે તે કૌરવરૂપી દુષ્ટ એવા 100 ભાઈઓ કોણ છે એ પણ જાણી લો. તેઓ છે વિવિધ દૂષણો, કે જે આપણી શક્તિને ક્ષીણ કરી તેની ઉપર રોજેરોજ હુમલા કરે છે. પરંતુ તમે રોજેરોજ આવાં અનિષ્ટરૂપી દૂષણોની સામે લડતા રહો છો અને તે લડતની શક્તિ આપે છે તમારી અંદર રહેલો તમારો સારથિ શ્રીકૃષ્ણ. એ જ્યાં સુધી તમારી સાથે છે ત્યાં સુધી તમને કોઈ પરાસ્ત કરી નહિ શકે. એ તમારા અંતર આત્માનો અવાજ છે, એ તમારી વિવેકબુદ્ધિ છે, એ તમારી અંદર રહેલો અને તમારો માર્ગ ઉજાગર કરતો પથ-પ્રકાશ છે ને એ તમને સતત માર્ગદર્શન આપતો જ રહે છે.

તમારી અંદર રહેલો તમારો સારથિ શ્રીકૃષ્ણજ્યાં સુધી તમારી સાથે છે ત્યાં સુધી તમને કોઈ પરાસ્ત કરી નહિ શકે. એ તમારા અંતર આત્માનો અવાજ છે, એ તમારી વિવેકબુદ્ધિ છે

હવે આ અર્થઘટન કે આંતરિક લડાઈનું વિવરણ એક નવો જ અને સુંદર વળાંક લે છે. સંજય આ સાધુને સાહજિક રીતે પૂછે છે, જો કૌરવરૂપી દૂષણો અનિષ્ટ તત્ત્વ હોય તો તેને દ્રોણાચાર્ય અને ભીષ્મ જેવા જ્ઞાની અને ગુરુઓ શા માટે સાથ આપે છે? અને તેનો જવાબ જુઓ - બાળ અને યુવાવસ્થામાં તમે જેમને આદરભાવે જોયા હતા તેવા વડીલો અને ગુરુઓમાં પણ ઘણી બધી ખામીઓ છે. તમે નાના હતા ત્યારે આ ખામીઓ તમને નજરે ચઢતી ન હતી. પરંતુ સમય જતાં તમારે નક્કી કરવું પડે છે કે તમારે માટે એ સારા છે કે ખરાબ. પરંતુ તમારી દૃષ્ટિએ જે યોગ્ય હોય તેનો સાથ નિભાવવા, અન્યોની સામે આ લડાઈ લડવી જરૂરી છે.


હવે થોડા વધારે મૂંઝાયેલા સંજયે ફરીથી પૂછ્યું, તો પછી કર્ણ કોણ છે અને તેની ભૂમિકા શું છે? સાધુએ જવાબમાં કહ્યું, કર્ણ એ તમારી અભિલાષાઓ, ઈચ્છાઓ અને વાસનાઓનું પ્રતીક છે- એ તમારી ઇન્દ્રિયોનો ભાઈ છે - એ તમારો જ હિસ્સો છે પણ એ યુદ્ધના સમયે તમારા દુશ્મનો એવાં દૂષણોના પડખે ઊભો રહે છે. આટલું કહી સાધુ ફરીથી અલોપ થઇ ગયા.પરંતુ આ બધા જવાબો મળવાથી હવે સંજય વધારે મૂંઝાયેલા હતા!


મહાભારતના તુમુલ યુદ્ધનો ક્યારેય અંત નથી થતો, એ તો એક મેટાફિઝિકલ, એક સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંદર સતત ચાલતું જ રહે છે. અને સમયાનુસાર આગે સે ચલી આતી હૈ વાળા ભૂતકાળના જ્ઞાન કે ક્યારેક અયોગ્યનો સાથ નિભાવતા વડીલો અને જ્ઞાની-ગુરુઓ સામે પણ બંડ પોકારવું જરૂરી હોય છે.
આ સતત ચાલતા યુદ્ધમાં કૃષ્ણરૂપી સારથિ આપણી અંદર આપણા અંતરાત્માના અવાજરૂપે આપણને સારા-ખરાબ અને સાચા-ખોટાની સમજ હંમેશાં આપતો જ રહે છે. તેને સાંભળવો કે નહિ, તે આપણી મરજીની વાત છે. આ જન્માષ્ટમીએ તમારી અંદર રહેલા કૃષ્ણને જરૂર સાંભળી લેજો!


પરંતુ દ્રૌપદી કોણ અને તેની ભૂમિકા શું એ વિષે કોઈ એક જ સ્પષ્ટ અને સ્વીકાર્ય જવાબ નથી મળતો. અમુકના મતે એ કુંડલિની એટલેકે દિવ્ય શક્તિ છે. એના જાગૃત થવાથી એટલેકે એની પ્રેરણાથી પાંચેય ઇન્દ્રિયોને અનેક દુષણો સામે લડવા અને તે માટે કૃષ્ણની મદદ લેવાની પ્રેરણા મળે છે. આ દિવ્ય શક્તિ પાંચેય ઇન્દ્રિયનો સાથ નિભાવે છે. જો તમારી પાસે આ અંગે કોઈ સારું અર્થઘટન હોય તો જરૂર લખી મોકલશો.
[email protected]

X
article by shyam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી