ડણક / ચૂંટણીઓ, લોકશાહી અને અભિવ્યક્તિનું સ્વાતંય

article by shayam parekh

શ્યામ પારેખ

Apr 21, 2019, 03:55 PM IST

ભર ઉનાળે ચૂંટણી જ્વર માથે ચડેલો હોય ત્યારે વાતાવરણની ગરમાગરમીની તો શું વાત કરવી! ચૂંટણીના સમરાંગણમાં મચી પડેલા પક્ષોમાંથી કોઈની યુએસપી રાષ્ટ્રપ્રેમ છે તો કોઈની અન્ય પક્ષોનો અને નેતાઓનો વિરોધ છે, તો વળી કોઈની પોતાની જાતિ જ્ઞાતિના વિકાસનો નારો છે. આ બધા શોરશરાબામાં દેશની યુવા પેઢીનો અને સામાન્ય લોકોનો એજન્ડા શું છે, તે તો સ્વાભાવિક રીતે ભુલાઈ જ જાય.
કોઈ રાજકારણીઓના મતે સામાન્ય લોકોને વધુ પૈસા, આરામપ્રિય જિંદગી અને ઓછા કરવેરા જોઈએ છે. કોઈકના મતે દેશની પ્રજાને પાકિસ્તાન કે ચીનને પાઠ ભણાવવાની તમન્ના છે. તો વળી અમુકતમુક લોકોના મતે યુવાનોને સારી મજાની નોકરીઓ જોઈએ છે. પછી લીલા લહેર!
પણ વિશ્વની સૌથી મોટી લોકશાહીના સૌથી મોટા પક્ષો ખરેખર તો આંતરિક લોકશાહીના પ્રખર વિરોધી છે. આ બધા જ લોકશાહી પક્ષો ક્યારેય ખરેખર યુવાનો કે સામાન્ય લોકો પાસે જતા હોય કે તેમનો અભિપ્રાય પૂછતા હોય એવું તો ધ્યાનમાં નથી આવ્યું.
પણ શું આ ખરેખરી લોકશાહી છે? શું આવી લોકશાહી માટે આપણા સ્વાતંયસેનાનીઓએ બ્રિટિશરો સામે લડાઈ કરેલી? શું આવી લોકશાહી આપણી અપેક્ષાઓ પૂરી કરવા સમર્થ છે? શું લોકશાહીમાં રાજકારણીઓને માન-સન્માન આપવાં કે તેમની નિંદા ન કરવા માટે પ્રજા બંધાયેલી છે? સરકાર વિરોધી લેખ લખવાથી કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાથી જેલ થતી હોય કે રાષ્ટ્રદ્રોહના કેસ થતા હોય ત્યારે મીડિયામાં કામ કરવું કેટલું અઘરું હોય છે, તે હીંચકે બેસી છાપાં વાંચી અને મીડિયાને ગાળો દેનારાઓને ક્યારેય નહીં સમજાય.

  • લોકશાહીમાં મીડિયાની ભૂમિકા એક વોચડોગની હોય છે. સરકારો, નેતાઓ કે રાજકારણીઓ પર પ્રશંસાનાં પુષ્પો વેરવાનું કામ ક્યારેય પણ મીડિયાનું હોઈ શકે નહીં

જોકે, લોકશાહી ક્યાંય પણ પરફેક્ટ કહી શકાય તેવા સ્વરૂપે જોવા નથી મળતી. વિશ્વભરમાં લોકશાહીના પ્રહરી તરીકે જાણીતા અમેરિકામાં પણ તાજેતરનાં વર્ષોમાં, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી બાદ સરકાર અને મીડિયા વચ્ચે રીતસરનો જંગ મંડાણો છે અને બાકી હતું તો તે વિકિલીક્સ દ્વારા અમેરિકન સરકારના ઘણાં બધાં કારસ્તાનો દુનિયા સમક્ષ લાવનાર જુલિયન અસાંજેની પણ આખરે લગભગ નવ વર્ષ પછી ધરપકડ કરાઈ છે. ફ્રી સ્પીચ એટલે વાણી સ્વાતંયના કાયદા હેઠળ જુલિયન અસાંજે જેવા વ્હીસલ બ્લોઅર તરીકે ઓળખાતા લોકો કે પત્રકારોને સામાન્ય રીતે અમેરિકામાં રક્ષણ મળતું.
પણ વિશ્વ સમક્ષ અમેરિકાને અને ત્યાંની સરકારનાં કાળાં કામો જેમ કે ઇરાકમાં અસંખ્ય લોકોનો સંહાર, ગવાન્તાનામો બે નામની કુખ્યાત જેલમાં કેદીઓ પર થતા અમાનુષી અત્યાચારો વગેરેને જાહેરમાં લાવનાર અસાંજેને પકડી પાડવા અમેરિકા વર્ષોથી મચી પડેલું. જોકે, સામાન્ય અમેરિકનોનો અભિપ્રાય અને ઝુકાવ અસાંજેની તરફેણમાં હતો. પોતાના દેશ અને સરકાર બંનેનો સરેઆમ વિરોધ કરનાર અસાંજે આ કામ લોકશાહીના હિતમાં કરી રહ્યો હોવાનું માનનારો વર્ગ અમેરિકામાં ખૂબ મોટો છે.
લોકશાહીમાં રાષ્ટ્રને મજબૂત કરવા તેના નેતાઓ, નીતિઓ કે તેમનાં પગલાંઓનો વિરોધ કરવો કે તેમની તરફેણ ન કરવી એ મીડિયાની ફરજ છે. પોઝિટિવિટી દાખવવી કે સરકારના સારા કાર્યની પ્રશંસા કરવી એ સમયાનુસાર કે સંજોગ અનુસાર ઇચ્છી શકાય. રાજકારણીઓ માટે તેમના પ્રશંસકો અને અનુયાયીઓને અહોભાવ હોય તે સ્વાભાવિક છે, પરંતુ આવો જ અહોભાવ મીડિયા પણ દાખવે અને તેમના પ્રશંસકોને યોગ્ય લાગે તેવા જ વિચાર વ્યક્ત કરે એ અશક્ય વાત છે. આપણા દેશમાં અસાંજે જેવી હિંમત બતાવી અને સરકાર કે દેશના હિતની વિરુદ્ધ લાગતી, પરંતુ હકીકતમાં દેશ, સમાજ અને લોકશાહીના હિતમાં લાંબે ગાળે ખૂબ ઉપયોગી બને તેવી વાત હિંમતથી રજૂ કરી શકે તેવા પત્રકારો તો અનેક છે, પરંતુ દુર્ભાગ્યે, સમાજને તેમની વાતમાં વિશ્વાસ પડે એવું વાતાવરણ અત્યારે નથી. લોકશાહીમાં મીડિયાની ભૂમિકા એક વોચડોગની હોય છે, પછી તે કોઈપણ દેશ કે કાળ હોય કે પછી કોઈ પણની સરકાર હોય. સરકારો નેતાઓ કે રાજકારણીઓ પર પ્રશંસાનાં પુષ્પો વેરવાનું કામ ક્યારેય પણ મીડિયાનું હોઈ શકે નહીં અને આવી અપેક્ષા અયોગ્ય છે. અમેરિકા અસાંજેનું શું કરે છે અને તેની સામે કેવાં પગલાં ભરે છે તેના પડઘાઓ વિશ્વભરના પત્રકારત્વ પર પડશે અને ફ્રી મીડિયા ભવિષ્યમાં કેવી રીતે ઊભરશે તેનો પણ અંદાજ આપશે. અને છેલ્લે પત્રકારોની સુરક્ષાની બાબત ખૂબ ધ્યાન માંગી લે તેવી છે. તાજેતરમાં જ અમદાવાદના એક યુવાન ટીવી પત્રકાર ચિરાગ પટેલની લાશ સળગેલી હાલતમાં મળી આવી. આ વાતને મહિનો વીત્યો છતાં પણ પોલીસ હજુ સુધી ગુનેગાર સુધી પહોંચી નથી શકી અને તેની સ્વાભાવિક રીતે લાગતી હત્યાનું કારણ પણ ઉજાગર કરી શકી નથી. આ બહુ ખેદજનક બાબત છે. લોકશાહીના પ્રહરીઓ એવા પત્રકારો, જો તેમનો ધર્મ નિભાવવામાં ઊણા ઊતરે તો એ કોઈ પણ સમાજ કે લોકશાહીના હિતમાં નથી હોતું અને સમાજ જ્યારે પત્રકારત્વથી વિમુખ થઈ જાય ત્યારે કોઈ પણ પત્રકાર પોતાનો ધર્મ યોગ્ય રીતે નિભાવી શકતો નથી.

[email protected]

X
article by shayam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી