ડણક / બ્લેક હોલની એક ઝલક જેવો પહેલો ફોટો જોઈ લીધો? જિંદગીની ક્ષણભંગુરતા સમજાઈ જશે

article by shayam parekh

શ્યામ પારેખ

Apr 14, 2019, 04:05 PM IST

બ્લેક હોલ કેવો હોય છે તેની પ્રથમ તસવીર માનવ જાતે આ સપ્તાહની મધ્યે પહેલીવાર નિરખી, પરંતુ તેની અંદર અને સામે છેડે શું હોય છે તે હંમેશ માટે એક રહસ્યજ બની રહેશે. બ્લેક હોલના મુખની આસપાસની રોશનીથી તેની મધ્યે રહેલો અંધકાર અલગ દેખાઈ આવે છે, પરંતુ વાસ્તવમાં બ્લેક હોલના ગુરુત્વાકર્ષણથી પ્રકાશ પણ છટકી શકતો ન હોવાથી, અંદર શું હોઈ શકે કે બ્લેક હોલ કેવો દેખાતો હશે, તેનું દૃશ્ય જ રચાવું શક્ય નથી. આ કારણે તે હંમેશાં એક રહસ્ય જ બની રહેશે.
પરંતુ લોકસભાની ચૂંટણીમાં શું થશે, પાકિસ્તાનને કેમ પછાડવું, અર્થતંત્રની ગતિ કેવી રહેશે અને આવતું ચોમાસુ નોર્મલ રહેશે કે નહીં કે પછી ‘ગેમ્સ ઓફ થ્રોન’ નામની જબ્બર લોકપ્રિય વેબ સિરીઝમાં હવે શું થશે, આવી અલગ અલગ ચર્ચાઓમાં ઘેરાયેલા આપણે સહુ, બ્રહ્માંડમાં એક કણ જેટલી સૂક્ષ્મ લાગતી પૃથ્વીની બહારની દુનિયાને સહેલાઈથી ભૂલી જઈએ છીએ. આ એટલા માટે જરૂરી છે કે જિંદગીની અનેક વિટંબણાઓ અને રૂટિન ઘટમાળ વચ્ચે રહીને પણ આપણે પૃથ્વી બહારની દુનિયાને પણ જાણવી જોઈએ, તો જ આ બધી બાબતો કેટલી ગૌણ કે નિરર્થક છે તે સારી પેઠે સમજાઈ જશે.
ગત બુધવારે એક ખૂબ સૂક્ષ્મ કહેવાય તેવી, પરંતુ ખૂબ અગત્યની ઘટના બની. ઇવેન્ટ હોરાઇઝોન ટેલિસ્કોપ દ્વારા લેવાયેલો, M87 નામની આકાશગંગાની મધ્યમાં રહેલા બ્લેક હોલનો ફોટો જાહેર થયો. કોઈપણ બ્લેક હોલની ક્ષિતિજ એટલે કે ઇવેન્ટ હોરાઇઝન પાસે બ્લેક હોલનો પડછાયો માપી શકાય છે. આ આવો પહેલો ફોટો હતો. ગુજરાતીમાં મિલ્કી વે કે દૂધગંગાના નામે ઓળખાતી આપણી આકાશગંગાની, પાડોશમાં ગણાતા વર્ગો ગેલેક્સી ક્લસ્ટરની મધ્યમાં M87 નામની આ આકાશગંગા આવેલી છે. આ ગેલેક્સીની મધ્યમાં આવેલા બ્લેક હોલનો ફોટો અત્યારે તમે આ લેખ સાથે જોઈ રહ્યા છો. જી હા, વચ્ચે કાળો ધબ્બો અને આસપાસ ઝાંખું પીળું-નારંગી વર્તુળ અને ફોટોગ્રાફીની ભાષામા જેને આઉટ ઓફ ફોકસ કહેવાય તેવી આ તસવીરે સમસ્ત વિજ્ઞાન વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. અત્યાર સુધી આઇન્સ્ટાઇન જેવા વિજ્ઞાનીઓની પરિકલ્પનાના આધારે ચિત્રકારો દ્વારા રજૂ થયેલા બ્લેક હોલનાં ચિત્રો જ બ્લેક હોલ કેવો હોઈ શકે તેની સમજ આપતાં હતાં, પરંતુ હવે આપણી પાસે પહેલીવાર તેની હયાતીનો તસવીરી પુરાવો છે અને તે અત્યાર સુધીની કલ્પનાઓથી બહુ અલગ નથી.

  • બ્લેક હોલના ગુરુત્વાકર્ષણથી પ્રકાશ પણ છટકી શકતો ન હોવાથી, અંદર શું હોઈ શકે તે હંમેશ માટે એક રહસ્ય જ બની રહેશે એવું લાગે છે

મૂળ ભારતીય વંશના નોબેલવિજેતા વિજ્ઞાની સુબ્રમણ્યન ચંદ્રશેખરના નામ પરથી જેનું નામ રખાયું છે તેવી અમેરિકાની ચંદ્રા ઓબ્ઝર્વેટરી દ્વારા લગભગ 200 વિજ્ઞાનીઓની ટીમ થકી આ પ્રોજેક્ટ સંપન્ન થયો. આવો ફોટો લેવા લગભગ પૃથ્વીના કદનું ટેલિસ્કોપ જોઈએ જે બનાવવું શક્ય નથી. આથી વિજ્ઞાનીઓએ પૃથ્વી પર આઠ જગ્યાઓએ વિશાળ ટેલિસ્કોપની મદદથી આ તસવીર બનાવી. આ આઠ ટેલિસ્કોપે એક ચોક્કસ સમયે ઘડિયાળની મદદથી તસવીરો લઈ અને પછી સુપર કમ્પ્યૂટરની મદદથી તેને સાંધવામાં આવી.
આમ તો આપણા સૂર્યથી અનેકગણા ભારે તારાઓ - જે અમુક વિજ્ઞાનીઓના માનવા મુજબ પોતાની જિંદગીના અંતે જ્યારે પોતાનું બધું જ ન્યુક્લિયર ફ્યુએલ (પરમાણુ ઊર્જા) વાપરી ચૂક્યા હોય છે, ત્યારે છેવટે પોતાનું દળ (એટલે કે માસ) સતત ઘટવાથી, પોતાના જ ગુરુત્વાકર્ષણ સામે હારી જાય છે અને તૂટી પડે છે. આ ઘટનામાંથી સર્જાય છે બ્લેક હોલ. જોકે, દરેક તારાનો અંત બ્લેક હોલ તરીકે નથી આવતો. બ્લેક હોલ બનવા માટે સૂર્યથી લગભગ 25 ગણું વધારે વજન અને સૂર્યથી લગભગ ત્રણ ગણાથી વધારે માસ એટલે કે દળ હોવું જરૂરી છે. આપણા સૂર્યના કદના તારાઓ જ્યારે અવસાન પામે ત્યારે તેઓ ‘વ્હાઇટ ડ્વાર્ફ’ નામે ઓળખાતા તારા છે. આપણો સૂર્ય પણ લગભગ 4.5 અબજ વર્ષ પછી નાશ પામશે તેવું મનાય છે.
મેસિયર 87 એટલ કે M87 તરીકે ઓળખાતા આ બહ્માંડની મધ્યમાં આવેલા આ બ્લેક હોલના મુખનો વ્યાપ લગભગ 40 અબજ કિમીનો છે અને તે પૃથ્વીથી લગભગ 5.5 કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલો છે. તેનું દળ એટલે કે માસ સૂર્યથી લગભગ 6.5 અબજ ગણું છે. આ કેટલું મોટું કહેવાય તે સમજીએ. આપણો સૂર્ય કદમાં પૃથ્વીથી લગભગ 109 ગણો મોટો છે અને વજનમાં તે પૃથ્વીથી લગભગ 3.3 લાખ ગણો વધારે છે. તેનું કદ એટલું વિશાળ છે કે તેની અંદર લગભગ 13 લાખ પૃથ્વીઓ સમાઈ શકે! હવે હિસાબ લગાવો કે આવા અધધ થઈ જવાય તેવા સૂર્ય કરતાં લગભગ 6.5 અબજ ગણું દળ ધરાવતો આ બ્લેક હોલ કેટલો વિશાળ હશે અને આવા બ્લેક હોલનો અંત નથી હોતો, કારણ કે તેનું આયુષ્ય બ્રહ્માંડથી પણ વધારે હોઈ શકે છે.
આ વાંચીને જરૂરથી લાગે કે કોઈ પણ પ્રવૃત્તિ કે જે આપણને ખૂબ અગત્યની લાગતી હોય તે આવી અવકાશી ઘટનાઓ કે અસ્તિત્વ પર કોઈ પણ અસર કરવા શક્તિમાન નથી. બ્લેક હોલનો આ ફોટો આપણને જીવનની ક્ષણભંગુરતા અને ઘણી બધી બાબતોની નિરર્થકતાની યાદ અપાવે છે. આવા વિશાળકાય અવકાશી પદાર્થો સામે આપણે તો સૂક્ષ્માતિસૂક્ષ્મ જ છીએ. હવે યાદ રાખજો કે ચૂંટણીટાણે રાજકીય રાગદ્વેષોથી કોઈ સાથે ઝઘડો નહીં વહોરી લેતા, કોઈની પણ શક્તિ આવા બ્લેક હોલ સામે ટચૂકડી જ રહેવાની!
[email protected]

X
article by shayam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી