ડણક / ભાષાંતરમાં વિશ્વને ગ્લોબલ વિલેજ બનાવવાનું સામર્થ્ય છે

article by shayam parekh

શ્યામ પારેખ

Apr 01, 2019, 03:15 PM IST

ઘણી બધી વાર એક સવાલ મેં મા-બાપ, વિદ્યાર્થીઓ અને અનેક શિક્ષકો પાસેથી સાંભળ્યો છે અને એ છે ભવિષ્યમાં સારા નોકરી-ધંધા માટે શું કરવું જોઈએ? ટેક્નોલોજીને કારણે સતત બદલતા વિશ્વમાં સ્થળ, કાળ અને વ્યક્તિ પ્રમાણે આના અલગ-અલગ જવાબ હોઈ શકે છે, પરંતુ વર્તમાનમાં, કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ભવિષ્યની ફિકર થતી હોય તો તેનો જવાબ સામાન્ય રીતે લોકો એવો આપતા હોય છે કે ટેક્નોલોજી કે પછી બિઝનેસ અંગેની ડિગ્રીઓ મેળવી અને તમે જીવનમાં સફળ થઈ શકો છો.
કદાચ આ જવાબ લોકો માટે ખોટો ન હોય, પરંતુ બધા માટે સાચો નથી. જવાબ એ છે કે આગળ જતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે રોબોટિક્સને કારણે માણસોની કામ કરવાની જરૂરિયાત ઘટતી જશે અને ફાજલ સમય વધતો જશે. મતલબ કે પોતાની ઇચ્છા પ્રમાણે ઉપયોગ કરવા માટે સમય ભવિષ્યમાં વધુ સુલભ બનશે. આવા સમયે લોકો શું કરશે? ઘણા બધા વિજ્ઞાનીઓએ અને ફિલસૂફોએ આ પ્રશ્નના અનેક જવાબ આપ્યા છે. ઇન્ટરનેટ દ્વારા ફેલાયેલી કન્ટેન્ટ કન્ઝમ્પ્શનની બોલબાલાનો આ જમાનો છે ત્યારે સ્વાભાવિક છે કે વધારે ઝડપી ઇન્ટરનેટ, વધારે સારા સ્ક્રીન અને વધારે સારું કન્ટેન્ટ પ્રાપ્ત થાય એમ એમ લોકો વધારે ને વધારે વિડિયો જોશે, ઓડિયો સાંભળશે અને વાંચન કરશે. એટલે કે કન્ટેન્ટની બોલબાલા વધતી જ જશે. પોતાના આગવા વિચારો સાથે મૌલિક કન્ટેન્ટના સર્જનની બોલબાલા તો અત્યારે પણ છે જ, પરંતુ જેમ જરૂરત વધશે તેમ મૌલિક અને સાથે સાથે અન્ય ભાષાઓમાંથી તરજુમો કરીને સર્જાયેલા કન્ટેન્ટનો દબદબો પણ વધતો જશે એ નક્કી છે.

  • એક બહુ મોટા બદલાવની શરૂઆત બહુ નાનાં કદમોથી થઈ શકે તેમ છે અને તે છે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી બે ભાષા ખૂબ સારી રીતે વાંચતા-લખતા શીખવાડીને

આપણે વિદેશથી લેખો, પુસ્તકો અને વિડિયો કે વાંચનસામગ્રીની ભરપૂર આયાત કરીએ છીએ, પરંતુ આપણી ભાષામાં સર્જાયેલા સાહિત્ય કે અન્ય પ્રકારના લેખન કે ફિલ્મો વગેરેનું એક્સપોર્ટ આપણે કરી નથી શકતા. એવું નથી કે આપણા પ્રદેશ કે દેશમાં સર્જાયેલી સાહિત્યિક કે બિનસાહિત્યિક કૃતિઓ માટે અન્ય દેશોમાં કોઈ વાંચનાર કે ખરીદનાર નથી. એવું પણ નથી કે વૈશ્વિક બજારમાં આપણી પહોંચ નથી. એવું પણ નથી કે લાખો કરોડો ખર્ચીને વિદેશી પુસ્તકો અને લેખો ખરીદી અને હોંશે-હોંશે વાંચતા આપણા વાચકો જેવા વાચકો અન્ય દેશોમાં નથી. કારણ એ છે કે આપણા અદ્્ભુત સાહિત્યિક વારસાની, વર્તમાન સાહિત્યની કે પછી આપણા પત્રકારત્વ દ્વારા રચાયેલું લેખન હોય, દરેકને અંગ્રેજી કે દેશ-વિદેશની અન્ય ભાષાઓમાં સરસ રીતે અનુવાદિત કરી શકે તેવા ભાષાંતરકારોનો અભાવ.
જ્યારથી હિન્દી અને પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં સબ ટાઇટલિંગ કે ડબિંગ શરૂ થયું ત્યારથી, દેશના અનેક ભાગોમાં બનતી ફિલ્મો વિદેશોમાં પહોંચતી થઈ, પરંતુ આપણા સાહિત્ય અને લેખનને વિશ્વ સુધી પહોંચાડી શકે તેવી વ્યવસ્થા આપણે સર્જી શક્યા નથી. એટલે કે કન્ટેન્ટના વિશ્વમાં જ્યાં નવા નવા વિચારો અને લેખનનું ખૂબ મસ મોટું માર્કેટ સુલભ છે ત્યાં આપણે ખૂબ સારું કન્ટેન્ટ હોવા છતાં પહોંચી નથી શકતા.

સ્વાભાવિક છે કે ભવિષ્યમાં ઓછામાં ઓછી બે ભાષાઓ પર સારી મજાની પકડ ધરાવતા લોકોની ખૂબ જરૂરત રહેશે. જેમ વૈશ્વિકરણનો વ્યાપ વધતો જશે તેમ એકબીજા દેશ-પ્રદેશના લોકોને એકબીજાની સંસ્કૃતિને સમજવાની જરૂરત પણ વધતી જશે. આ બધું ત્યારે શક્ય બનશે કે જ્યારે અન્ય સંસ્કૃતિઓની સમજ અને તેનો અનુભવ લોકોને પોતાની ભાષામાં પ્રાપ્ત થાય. તકલીફ એ છે કે વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને કોમર્સની કારકિર્દીના નામે આપણે ભાષામાં ખૂબ માયકાંગલી એવી પેઢીનું સર્જન કર્યું છે. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત જેવી ભાષાઓ શીખવામાં કે પછી વિદેશની ભાષાઓ શીખવામાં રસ લેનારા વિદ્યાર્થીઓને, મા-બાપ, શાળા-કોલેજ કે કોચિંગ ક્લાસીસ દ્વારા નિરુત્સાહી કરાય છે. ભાષા શીખવામાં ‘સમય બગાડવાના’ બદલે ટેક્નોલોજી ભણીને પૈસા કમાઈ લેવાની મનોવૃત્તિ એ આપણને વૈશ્વિક સ્પર્ધામાં સારા કમ્યૂનિકેશન એટલે કે પ્રત્યાયન કરવાની શક્તિના અભાવે પાછળ રાખી દેશે. વૈશ્વિક સ્પર્ધામાં જ્ઞાન કે વિષયની સમજ બધા પાસે લગભગ સમાન હોય છે. ત્યારે તે અંગે કમ્યૂનિકેટ કરવાની ક્ષમતા જ નિર્ણાયક સાબિત થતી હોય છે. આ વિભાગમાં આપણે સમાજ તરીકે ઘણું કરવાની જરૂર છે.

જોકે, આ અંગે એક બહુ મોટા બદલાવની શરૂઆત બહુ નાનાં કદમોથી થઈ શકે તેમ છે અને તે છે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી બે ભાષા ખૂબ સારી રીતે વાંચતા, બોલતા અને લખતા શીખવાડીને. બેથી વધારે ભાષાઓ શીખનારા લોકો આપણે ત્યાં ખૂબ ઓછા હોય છે. જો આ સંખ્યા વધશે તો વૈશ્વિક વ્યવસ્થામાં આપણું સ્થાન વધારે મજબૂત થશે. કામચલાઉ કે વાતચીતની કે પત્રવ્યવહારની ભાષા આવડવી પૂરતી નથી. સૌથી અગત્યની ક્ષમતા છે બે અલગ અલગ ભાષાઓમાં યોગ્ય રીતે લખવાની શક્તિ અને આવનારી પેઢીને આ ક્ષમતા કેળવવા માટે અન્ય કોઈ સાધનસંપત્તિની જરૂર નથી, પરંતુ આ વિષય અંગે સમાજમાં થોડી સભાનતા કેળવાય અને ભાષા સારી રીતે શીખવા માટે શાળા-કોલેજોમાં પૂરતું ધ્યાન અપાય તે જરૂરી છે.

[email protected]

X
article by shayam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી