Back કથા સરિતા
શ્યામ પારેખ

શ્યામ પારેખ

સાંપ્રત (પ્રકરણ - 24)
લેખક વરિષ્ઠ પત્રકાર હોવા ઉપરાંત પત્રકારત્વ કોલેજના તથા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ના સ્થાપક છે.

જો ભારત-પાક યુદ્ધ થાય અને તે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ જાય તો?

  • પ્રકાશન તારીખ04 Mar 2019
  •  

જ્યારે દેશભરમાંથી ચોમેર યુદ્ધના નારા ઊઠતા હોય અને સરકાર પર સલાહનો ધોધ વહેતો હોય ત્યારે જો બંને દેશોની સરકાર લોકલાગણી સામે ઝૂકી જાય તો શું થાય?
હીંચકે બેસીને કે એરકન્ડિશન્ડ કેબિનોમાં બેસીને વોટ્સએપ કે ફેસબુક પર શૂરવીરતા દર્શાવતા ‘દેશપ્રેમીઓ’ હોય કે પછી પોતાની ‘દેશદાઝ’ બીજા કરતાં સારી અને ભારી છે અને લડાઈ કરી જ નાખવી જોઈએ એવો પોતાના જેવો અભિપ્રાય ન ધરાવતા લોકોને દેશદ્રોહી માનનારા લોકોનો આપણે ત્યાં તોટો નથી. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ એમ માનનારા ગલી-મોહલ્લાના નિષ્ણાતો સરકાર, સૈન્ય અને રક્ષામંત્રી એમ બધા ઉપર સલાહનો ધોધ વહાવે છે. ભારતે બહુ વર્ષ સહન કર્યું અને હવે તો આર યા પારની લડાઈ કરી અને પાકિસ્તાનના ટુકડા કરી નાખવા જોઈએ એમ માનનારા અને લડી લેવા માટે તૈયાર લોકોને યુદ્ધ કદાચ ‘પબજી’ ગેમ સિવાય જોવા નથી મળ્યું. સ્કૂલમાં ઇતિહાસ ભણતી વખતે પણ કદાચ તેઓ વિશ્વયુદ્ધની વાતો ભણ્યા ન હતા. આ લેખ એમના માટે છે કે જેઓ નક્કી કરી ચૂક્યા છે કે યુદ્ધ જરૂરી છે અને એક જ રસ્તો છે. દરેક ભારતીયની દેશદાઝ એને ક્યારેક ને ક્યારેક તો યુદ્ધ કરી લેવા લલચાવે જ છે, પરંતુ આપણી તથા ક્યારેક અન્ય દેશોની વિવેકબુદ્ધિ પણ સામાન્ય રીતે આપણને તેમ કરતા રોકે છે.

  • મોટા પરમાણુ યુદ્ધને લીધે ન્યુક્લિઅર વિન્ટર સર્જાય તો વિશ્વનું તાપમાન હિમયુગથી પણ ઓછું થઈ જશે, ખેતી નાશ પામતાં 90% માનવ વસ્તી પણ નાશ પામી શકે છે

પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા માટે આપણે સક્ષમ તો છીએ જ, પરંતુ આપણે આટલા દાયકાઓથી યુદ્ધ શા માટે નથી કરતા તે જાણવું જરૂરી છે. વાત નમાલી કે દમદાર સરકારની નથી. પાકિસ્તાન ભલે કદમાં આપણાથી નાનું હોય, પરંતુ આપણે પણ યુદ્ધમાં ખૂબ સહન કરવાનું આવશે. બંને દેશ પાસે અણુશક્તિઓ છે અને બંને પાસે કુલ મળીને - બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા પર અમેરિકાએ ફેંકેલા 15 કિલોટન જેટલી કે તેથી વધુ ક્ષમતા ધરાવતા - અંદાજે બસો ઉપરાંત અણુબોમ્બ છે. જો બતાવી આપવા માટે પણ નાના પાયે અને લિમિટેડ વોર તરીકે ઓળખાતી ટચુકડી લડાઈ પણ ફાટી નીકળે, તો ક્યારે પરમાણુ યુદ્ધમાં તબદીલ થઈ જાય તે કહેવું મુશ્કેલ છે. પાકિસ્તાન પરમાણુ હથિયાર વાપરશે એવા ડરથી કે એને તેમ કરતું અટકાવવા કદાચ આપણે પણ અણુયુદ્ધનું બટન દબાવી દઈએ, તો તેનાં પરિણામો કેવાં હોઈ શકે તે પણ જરા જાણવું જોઈએ.
માત્ર બે દેશો વચ્ચેના યુદ્ધમાં જો થોડાં ઘણાં અણુશસ્ત્રો પણ બંને પક્ષેથી વપરાય તો પરિણામ સમસ્ત વિશ્વએ ભોગવવાં પડે. ડઝનબંધ બોમ્બોના ઉપયોગથી, અણુયુદ્ધ બાદ રેડિયેશન એટલે કે વિકિરણોને લીધે ‘ન્યુક્લિયર વિન્ટર’ સર્જાય. કદાચ, કાશ્મીર, પાકિસ્તાન તો નેસ્તોનાબૂદ થઈ જાય અને ભારત વિજયી નીવડે તો પણ મોટાભાગનાં મુખ્ય શહેરોના નાશ બાદ બચ્યાકુચ્યા ભારતીયો માટે જીવતર દોહ્યલું બની જાય. જાણવું જરૂરી છે કે એકબીજાના અણુબોમ્બોને હવામાં જ ઉડાવે તેવી મિસાઇલો કોઈ પણ દેશ પાસે નથી. કદાચ આવું થાય તો પણ તેની અસર ભારત-પાકિસ્તાન ઉપર થાય જ. સરવાળે આ યુદ્ધમાં વિજયનો ઉત્સવ મનાવવા માટે યુદ્ધ શરૂ કરવાના હાકલા-પડકારા કરનારામાંના કોઈ કદાચ જીવતા ના પણ રહ્યા હોય.
વૈજ્ઞાનિક અંદાજો પ્રમાણે આટલા બધા અણુ વિસ્ફોટો પછી આ વિકિરણો, લગભગ 50થી 70 કિમી ઊંચી સપાટી પર દાયકાઓ સુધી તરતા રહેશે, જેને કારણે હાનિકારક વિકિરણોને રોકનારું અને પૃથ્વી ઉપર જીવન શક્ય બનાવનારું ઓઝોનનું સ્તર ખૂબ નુકસાન પામશે. વળી, વિકિરણના નવા સર્જાયેલા આવરણથી પૂરતો સૂર્યપ્રકાશ ધરતી પર ન પહોંચવાને કારણે આખી દુનિયામાં તાપમાન ઘટશે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કોલોરાડોના પ્રોફેસર બ્રિયાન ટૂને ગત વર્ષે એક અંદાજ કાઢેલો કે યુદ્ધ ભલે બે દેશ વચ્ચે જ થાય, પરંતુ તેની તબાહી આખી દુનિયામાં થશે. ભારત-પાકિસ્તાન અણુબોમ્બ ફોડે ત્યારબાદ માત્ર બે અઠવાડિયામાં જ સમગ્ર પૃથ્વી ઉપર વિકિરણોનાં વાદળ છવાઈ જશે. 50 કિમીની ઊંચાઈએ તરતાં આ વાદળો વરસાદથી ઘણાં ઊંચા સ્તરે હોય, એ વર્ષો સુધી આમ ને આમ જ તરતાં રહેશે. વાદળછાયા વાતાવરણ અને ખૂબ ઠંડીને કારણે વિશ્વભરની ખેતી ઉપજ ખૂબ જ ઓછી થઈ જશે અને પ્રાથમિક અંદાજો પ્રમાણે યુદ્ધમાં મર્યા હશે તેથી અનેકગણા વધુ એટલે કે લગભગ એકથી બે અબજ જેટલા અનેક દેશોના લોકો, ભૂખમરાથી મરશે, કારણ કે હાલમાં ધરતી ઉપર લગભગ 60 દિવસ ચાલે તેટલો જ અન્ન પુરવઠો છે. ત્યારબાદ ખેતી મુશ્કેલ થઈ જવાથી નવું ખાદ્યાન્ન ઉત્પાદન ખૂબ ઓછું થશે અને પરિણામે ‘ફૂડ વોર્સ’ પણ થશે. દાયકાઓ સુધી પૃથ્વી પર તાપમાન હિમયુગમાં હતું તેવા નીચા સ્તરે પહોંચી જશે. આ ન્યુક્લિઅર વિન્ટર પૂરો થતા સુધીમાં ધરતી પરથી લગભગ 90% વસ્તી નાશ પામી હશે. આપણે ઓળખીએ છીએ તે પ્રકારની માનવ સભ્યતાનું અસ્તિત્વ મટી ગયું હશે.
યુદ્ધ શરૂ થયા પછી પરમાણુ શસ્ત્રો નહીં જ વપરાય તેવી ખાતરી કોઈ આપી શકે નહીં. અમેરિકાએ રશિયા સામે કે ચીન સામે ક્યારેય અણુશસ્ત્રો વાપર્યાં નથી. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઘણી બધી રાજકીય અને લશ્કરી રમતો શક્ય છે, પરંતુ ખુદને અને વિશ્વભરને ફના કરનારો પરમાણુ યુદ્ધનો રસ્તો અપનાવવો એ મર્દાનગી નહીં, પણ માત્ર અને માત્ર મૂર્ખામીભરી વાત છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP