ડણક / પૃથ્વી હેઠળથી ચુંબકીય ધ્રુવ સરકી રહ્યો છે તમે માનશો? પૃથ્વી નીચેની દુનિયા બદલાઈ રહી છે!

article by shayam parekh

શ્યામ પારેખ

Feb 10, 2019, 12:09 PM IST

કદાચ આંખ ઉઘાડીને જોશો તો ખ્યાલ નહીં આવે કે ધરતી પર કેવા જબરા ફેરફાર થઈ રહ્યા છે. આપણા જીવનકાળ દરમિયાન પણ આપણે તેને અનુભવી શકીએ છીએ, પરંતુ 100 વર્ષના ટૂંકા કાળ દરમિયાન આપણે આવા ફેરફાર નોંધી નથી શકતા. દાખલા તરીકે આવતા 80 વર્ષ બાદ હિમાલયના સૌથી ઉત્તુંગ શિખર અને પૃથ્વીના સહુથી ઊંચા સ્થળ માઉન્ટ એવરેસ્ટ પરનો 90% બરફ ઓગળી ગયો હશે. આવું થાય તો સ્વાભાવિક રીતે પૃથ્વી પર ઠંડી ખૂબ ઓછી થઈ ગઈ હશે. તો પછી આવી પરિસ્થિતિમાં બાકીના નીચાણવાળા પ્રદેશોમાં શું થશે તેની તો કલ્પના જ કરવી રહી!

  • ચુંબકીય ધ્રુવ કેનેડાથી સરકી રહ્યો છે સાઇબેરિયા તરફ! 10 લાખ વર્ષે એક વાર થતો ચુંબકીય ફેરફાર લગભગ બે લાખ વર્ષ વહેલો થઈ રહ્યો છે! આપણી નજરે જ ફેરફાર તીવ્ર ગતિએ થતો જોવા મળશે

પણ હજુ આ ફેરફારનો ડર ઓછો થાય તે પહેલાં આ સપ્તાહની શરૂઆતમાં એક નવી સમસ્યા પ્રગટ થઈ વિજ્ઞાનીઓને ગભરાવી રહી છે. અમેરિકા, બ્રિટન અને કેનેડા દર પાંચ વર્ષે સાથે મળીને ચુંબકીય ધ્રુવની ગતિવિધિ માપીને ‘વર્લ્ડ મેગ્નેટિક મોડેલ’ (WMM) જાહેર કરે છે, પરંતુ છેલ્લે 2015માં જારી થયેલા આ મોડેલને સમય કરતાં વહેલું અપડેટ કરવું પડ્યું છે. મોબાઇલના નકશાથી માંડી જહાજ અને વિમાનોના નેવિગેશન માટે આ મોડેલ ખૂબ જરૂરી હોય છે અને ટૂંક સમયમાં, લગભગ 1590ના વર્ષથી જે કેનેડાની ધરતી નીચે હોવાનું મનાય છે તેવો આ ધ્રુવ હવે ધીરે ધીરે રશિયાના સાઇબેરિયા તરફ ધસી રહ્યો છે. જોકે, 2017માં એ કેનેડિયન આર્કટિકથી નીકળી અને આંતરરાષ્ટ્રીય સમયરેખા વળોટી ગયો છે.
પૃથ્વીના ઇતિહાસમાં સામાન્ય રીતે દર દસ લાખ વર્ષે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પોતાનું સ્થાન બદલી અને અદલાબદલી કરે છે. આ પ્રક્રિયા પૂરી થતાં લગભગ એક હજાર વર્ષ લાગે છે, પરંતુ કોઈ અચોક્કસ કારણસર આ બદલાવ સાતથી આઠ લાખ વર્ષ બાદ જ થઈ રહ્યો છે. તેના પરિણામ લાંબા ગાળે શું હોઈ શકે એ તો સમય જ કહી શકે, પરંતુ ટૂંક સમયમાં થનારી અસર વિશે થોડી જાણકારી પ્રાપ્ય છે. જેમ કે લગભગ એકાદ હજાર વર્ષમાં - લગભગ ઈ.સ. 3000 સુધીમાં ઉત્તર ધ્રુવ બદલાઈને અત્યારના દક્ષિણ ધ્રુવની જગ્યાએ હશે અને દક્ષિણ ધ્રુવ, અત્યારના ઉત્તર ધ્રુવના સ્થાને હશે. આ અદલાબદલી પૃથ્વીના ચુંબકીય ધ્રુવની થશે, નહીં કે ભૌગોલિક ધ્રુવની.

ધરતી પર બે પ્રકારના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે, જેમાંનો એક ભૌગોલિક પ્રકારનો ઉત્તર ધ્રુવ નિરંતર હોય છે અને બદલાતો નથી અને બીજો ચુંબકીય ઉત્તર ધ્રુવ કે જે સતત બદલતો રહે છે. કેનેડા અને સાઇબેરિયા આ બંને પ્રદેશોની ધરતી હેઠળ ઊંડાણમાં ખૂબ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રો આવેલાં છે. આમાંનું વધુ શક્તિશાળી કેન્દ્ર ચુંબકીય ધ્રુવને પોતાની તરફ ખેંચે છે. વિજ્ઞાન સામાયિક ‘નેચર’ના તારણ મુજબ વર્તમાનમાં કેનેડા નીચેનું ક્ષેત્ર પ્રવાહી લોઢાના જેટ પ્રવાહો સર્જાવાને કારણે થોડું નબળું પડ્યું હોય તેવું મનાય છે. આ જ કારણે સાઇબેરિયાનું ચુંબકીય ક્ષેત્ર આ ધ્રુવને પોતાની તરફ ખેંચવામાં સફળ થઈ રહ્યું હોવાનું મનાય છે.

એવું મનાય છે કે 1990 પછી આ ફેરફારની ગતિ અચાનક વધી ગઈ છે. 1900થી લઈને 1990 સુધીમાં ચુંબકીય ધ્રુવ લગભગ 1,000 કિમી ફરેલો અને તેની ગતિ અંદાજે 15 કિમી પ્રતિ કલાક હતી, પરંતુ ત્યારબાદ એટલે કે 1990થી અત્યાર સુધીમાં એ બીજા 1,000 કિમી જેટલો ફરી ગયો છે અને વર્તમાનમાં તેની ગતિ લગભગ 55 કિમી હોવાનો અંદાજ છે. જેનું કારણ કોઈની જાણમાં નથી, પરંતુ ધરતીના ચુંબકીય ધ્રુવોની અગત્યતા સમજવી જરૂરી છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સાથે સાથે સૂર્યની આસપાસ પણ ભ્રમણ ફરે છે.

‘સોલાર વિન્ડ’ તરીકે ઓળખાતાં સૂર્યનાં હાનિકારક કિરણો હોય કે અન્ય અવકાશી કિરણો હોય, આ બધાથી ધરતીને બચાવી રાખે છે આ ચુંબકીય આવરણ. ધરતીની અંદર લગભગ 3,000 કિમીની ઊંડાઈએ નિકલ અને લોઢાના પ્રવાહો લગભગ 9,000 ડિગ્રી ફેરનહિટ ઉષ્ણતામાને સર્પાકાર કે સ્પાઇરલ આકારમાં સતત ફરતા રહે છે. આમાંથી આ પ્રવાહી લોઢું તેની ગતિને કારણે ચુંબકીય પરિબળ પેદા કરે છે. આ જ કારણથી ધરતી પર ચુંબકીય આવરણ પેદા થાય છે અને પૃથ્વીને ચુંબકીય બળથી રક્ષણ મળે છે. આ ચુંબકીય આવરણ વિના ધરતી ઉપર હાનિકારક કિરણો જીવન શક્ય ન બનવા દેત. આ જ કારણથી ધરતી પરના ચુંબકીય આવરણમાં થનારા ફેરફારો આપણા અસ્તિત્વ માટે સમજવા ખૂબ જરૂરી હોય છે.

જોકે વર્તમાનમાં અમેરિકા સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહને કારણે જાન્યુઆરીની 15મી તારીખે જાહેર થનારો આ ફેરફાર જાન્યુઆરીના અંત સુધી પાછો ઠેલાયેલો અને તેને કારણે સમસ્ત વિશ્વ ભૂલભરેલા નેવિગેશન સાથે જીવ્યું!

[email protected]

X
article by shayam parekh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી