રાગ બિન્દાસ / ફિર વો હી ટ્રેજેડી સર્કસ લાયે હૈં!

article by sanjay chhel

સંજય છેલ

Apr 21, 2019, 03:53 PM IST

ટાઇટલ્સ
હમેં ઉધાર વો હી દે જો પુનર્જન્મ મેં શ્રદ્ધા રખતા હો. (શરદ જોષી)

‘ભારતીય રાજનીતિ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે કે એના પર મનોરંજન ટેક્સ લગાડવો જોઈએ, એમ થશે તો સરકારી ખજાનાને ખૂબ ફાયદો થશે!’
⬛ ⬛ ⬛
‘આપણી રાજનીતિના હાલ ટી.વી. પર દેખાડાતી ધારાવાહિક સિરિયલોના હોય એવા છે. લોકો એને મજબૂરીથી જોયા કરે છે અને જ્યારે એ સિરિયલ આખરે પૂરી થાય છે ત્યારે પ્રજા નિરાંતનો શ્વાસ લે છે કે હાશ, આવી સિરિયલ જોઈને પણ જીવતા બચી ગયા! ચૂંટણી એવી લાંબી એકધારી સિરિયલનો ક્લાઇમેક્સ છે!’

  • ડૉ. રાહી માસૂમ રઝા દ્વારા છેક 30-35 વર્ષ પહેલાં ચૂંટણી દરમિયાન લખાયેલા રાજનીતિ પરના ચાબખા આજે પણ એવા ને એવા જ ફ્રેશ લાગે છે

‘આધુનિક ભારતમાં એ નક્કી કરવું અઘરું છે કે ધર્મ મોટો વેપાર છે કે રાજનીતિ? પણ આ બંને વેપારોમાં સ્મગલિંગ કે અંડરવર્લ્ડ કરતાં વધારે પૈસા છે એટલે જેને જુઓ એ ધર્મ કે રાજનીતિના ધંધામાં ઘૂસવામાં ખૂબ બેકરાર છે!’
⬛ ⬛ ⬛
‘મારો દેશપ્રેમ ચૂંટણી જીતવા માટેનો નથી. મારો દેશપ્રેમ હિન્દુ-મુસ્લિમ હુલ્લડો કરાવવા માટે પણ નથી. મારો દેશપ્રેમ મહારાષ્ટ્ર કે આસામ કે બંગાળના મુસ્લિમોને ભારતીય હોવાના અધિકારોને છીનવવા માટેનો નથી. મારો દેશપ્રેમ મુંબઈમાંથી મલયાલી, તમિલ કે ગુજરાતી ભાષીઓની દુકાનો બાળવા માટે નથી. મારો દેશપ્રેમ હિન્દી ભાષાને બીજા પર થોપી મારવા માટે નથી. મારો દેશપ્રેમ પંજાબમાં હિન્દુઓને, દિલ્હીમાં શીખોને અને યુપી-આસામમાં લઘુમતીઓની કત્લેઆમ માટે નથી. મારો દેશપ્રેમ કોંગ્રેસમાંથી બીજેપી અને બીજેપીમાંથી કોંગ્રેસમાં ઘૂસવાનો દરવાજો નથી, મારો દેશપ્રેમ બિહારમાં બેગુનાહ દલિતોને જીવતા બાળવા માટે નથી. મારો દેશપ્રેમ જીવવાની પદ્ધતિ છે, ઢંગ છે અને મારા જીવવાનો આધાર છે.’
⬛ ⬛ ⬛
‘આ દેશની સૌથી મોટી અને સૌથી પહેલી કમનસીબી એ છે કે દેશ માત્ર પોતાની ‘આજ’ માટે સ્વાર્થી બનીને જીવે છે. દેશ માટે કે દેશના ભવિષ્ય માટે ન કોઈ મરવા તૈયાર છે કે ન તો જીવવા માટે!’
⬛ ⬛ ⬛
‘ગઈ કાલે હું હિન્દુસ્તાનનો નકશો જોઈ રહ્યો હતો અને ત્યારે મને આશ્ચર્ય થયું કે ખરેખર ભારત નામનો કોઈ દેશ છે કે હતો? પછી યાદ આવ્યું કે 1947 સુધી તો હિન્દુસ્તાન નામનો એક દેશ હતો. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, અશફાકુલ્લા, ગાંધી, પટેલ, નેહરુ વગેરેએ મને એ જ કહેલું ! જલિયાંવાલા બાગની લોહીભીની દીવાલો પણ કસમ ખાઈને એમ જ કહેવા માંડી. પછી મેં નકશો ખોલીને પૂછ્યું, ‘હોય તો દેખાડો.’ અને બસ બધા જ સ્વાતંત્ર્યસેનાનીઓ-આખો આઝાદીની લડાઈનો ઇતિહાસ માથું ઝુકાવીને ચૂપ, કારણ કે નકશામાં પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ... વગેરે હતા, પણ નહોતો માત્ર ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા’વાળો આપણો દેશ! જો હું જાસૂસી નવલકથાકાર હોત તો ‘કેસ ઓફ મિસિંગ કંટ્રી’ નામની કોઈ નોવેલ ચોક્કસ લખી નાખત!’
આ બધા શબ્દો છે, ‘લમ્હે’ જેવી ફિલ્મો અને બી. આર. ચોપડાની ‘મહાભારત’ જેવી મહાસિરિયલ લખનારા લેખક ડો. રાહી માસૂમ રઝાના, જેમણે 1985થી 1992 સુધીના એમના વ્યંગલેખોમાં લખેલા.
ઇન્ટરવલ :
રહીમન, ફાટે દૂધ કો,
મથે ના માખન હોય (રહીમ)
ડો. રઝાએ ઉર્દૂ સાહિત્યને પડકાર આપેલો કે ઉર્દૂ સાહિત્ય હિન્દી લીપીમાં છપાવો તો જ જીવશે. મુસ્લિમો ડો. રઝાને ગદ્દાર ગણાતા અને હિન્દુઓ એને મુસ્લિમ લેખક ગણતા! છેક 30-35 વર્ષ પહેલાં ચૂંટણી દરમિયાન લખાયેલા રાજનીતિના આ ચાબખા આજે પણ એવા ને એવા જ ફ્રેશ લાગે છેને? વરસો પહેલાં લગ્ન દરમ્યાન બનાવેલો સૂટ ફરીથી ઇસ્ત્રી કરીને કોઈ માણસ પહેરે અને અરીસામાં જોઈને ખુશ થાય કે, ‘વાહ! આ સૂટ હજીએ મને ફિટ આવે છે!’ એવી જ વાત છે. 1985થી આજ સુધી અનેક ચૂંટણીઓ આવી-ગઈ, પણ આપણા દેશની કરુણતાઓ એવી ને એવી જ રહી છે, માટે જ ડો. રઝાનાં વ્યંગબાણો પણ ફરી ફરીને વાંચીએ તો પણ એવાં ને એવાં જ ફ્રેશ લાગે. ચૂંટણીઓમાં એમની વાત નેસ્ત્રાડેમસની ભવિષ્યવાણી જેવી સાચી સાબિત થતી લાગે છે! જુઓ એસિડમાં બોળેલી કલમના નમૂના,
‘ગંગા-વારાણસીના વાચકોની ક્ષમા માગું છું, કારણ કે હવે ખૂલીને બોલી નથી રહ્યો. દોષ ના તો મારો છે, ના તો ગંગામૈયાનો. દોષ છે દેશની રાજનીતિનો. ઈમાનદારી એટલો જૂનો સિક્કો બની ગયો છે કે જેનો ચૂંટણીના બજારમાં કોઈ ઉપયોગ નથી રહ્યો, એ ચલણમાં નથી, ભવિષ્યમાં પુરાતત્ત્વ વિભાગને ખુદાઈ કરીને કામ આવે તો આવે!’
⬛ ⬛ ⬛
‘મેં હુલ્લડ પર રડવાનું બંધ કર્યું છે, કારણકે મને લાશોને ધર્મોના આધારે વહેંચવાની - અલગ પાડવાની કળા નથી આવડતી. જોકે, આ વર્ષે હિન્દુ-મુસ્લિમ દંગાની ફસલ સારી ઊપજી છે.’
⬛ ⬛ ⬛
‘આપણું દૂરદર્શન પ્રધાનમંત્રી અને સરકારોનું બહુ બોરિંગ એવું જાહેરાત ખાતું છે. બોરિંગ વિજ્ઞાપન છે. આપણો ભારતવર્ષ, જાતપાત-ધર્મ-ભાષા-ઊંચનીચ અનેક પેટા જાતિની વોટબેન્કને લીધે પાછળની તરફ દોડી રહ્યો છે! આપણે સૌ ‘વોટ બેન્ક ઓફ ઇન્ડિયા’માં આપણાં ખાતાં ખોલાવવામાં મશગૂલ છીએ. વોટનાં કરંટ ખાતાં, સેવિંગ એકાઉન્ટવાળાં ખાતાં, ફિક્સ્ડ એકાઉન્ટ કે ડિપોઝિટો, રામજન્મભૂમિનું ખાતું, બાબરી મસ્જિદનું ખાતું, ગોલ્ડન ટેમ્પલનું ખાતું, કન્નડ-મરાઠી-ગુજરાતી-તમિલ ભાષાઓના ઝઘડાઓનાં ખાતાં. દેશભક્તિ કે ધર્મનિરપેક્ષ માત્ર નારેબાજી નથી, પણ જીવવાની શરત બનાવવી પડશે. પ્રધાનમંત્રીજી, ગંગાને સાફ કરાવવાની વાત કરતાં પહેલાં તમારી રાજનીતિને સાફ કરો!’
1986માં લખાયેલ આ વાતો રાજનીતિ કે ઇલેક્શન સિસ્ટમને એક ગ્રાન્ડ કોમેડી કે પછી ટ્રેજેડી સર્કસ સાબિત કરે છે. એક એવું સર્કસ, જે ગામના સીમાડે ફરી ફરીને આવ્યા જ કરે છે. દર પાંચ વર્ષે અને દરેક વખતે આપણે તાળીઓ પાડીને એની એ જ આઇટેમો જોઈને ખુશ થઈએ છીએ! માર્કેટિંગ અને જુઠ્ઠાણાંના શોરગુલમાં ભોળવાઈને સૌ તાળીઓ પાડે છે. સિંહનાં મોંમાં માથું મૂકેલાં રિંગમાસ્ટરને જોઈને પ્રજાને ડર નથી લાગતો, પણ મજા આવે છે! આ એ સર્કસ છે જેમાં આપણે બધા સામેલ છીએ!
એંડ ટાઇટલ્સ:
ઈવ: સરકાર ટીવી છે, રિમોટ કંટ્રોલ જનતા છે.
આદમ: રિમોટમાં સેલ ઉદ્યોગપતિઓના છે!

[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી