Back કથા સરિતા
પ્રશાંત પટેલ

પ્રશાંત પટેલ

રહસ્ય (પ્રકરણ - 2)
‘દિવ્ય ભાસ્કર’ સાથે જોડાયેલા પત્રકાર પ્રશાંત પટેલ વિશ્વની આશ્ચર્યજનક બાબતો વિશે લખે છે.

આ ખંડિયેર શહેરોમાં સ્મશાનવત્ શાંતિ વસે છે

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

‘ઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ?’ આ ડાયલોગ શોલે ફિલ્મમાં રહીમચાચા બોલે છે. તેઓ અંધ હતા અને અચાનક બધું શાંત થઈ ગયું તેથી તેઓ આવો પ્રશ્ન કરે તે સ્વાભાવિક છે, પરંતુ દેખતા લોકો પણ રહીમચાચાની જેમ આ સવાલ કરે તેવાં કેટલાંક શહેરો કે જગ્યાઓ છે. આ શહેરો કે ગામ કે સ્થળો હર્યાંભર્યાં હતાં, સુખી આબાદી હતી, પરંતુ કોઈ ને કોઈ કારણસર તે જગ્યાઓ વેરાન થઈ ગઈ છે. હવે ત્યાં ખંડિયેર અને સ્મશાનવત્ શાંતિ સિવાય કંઈ જ નથી. ભારતમાં કુલધરા, ભાનગઢ તથા જર્મનીના બાલ્ટિક સાગરના રુગેન આઇલેન્ડમાં સ્થિત હોટલ ધ પ્રોરા વગેરે આ પ્રકારની જ જગ્યા છે. દુનિયાભરમાં આવેલી આવી જગ્યાઓના વસવાથી લઈને વેરાન થવા પાછળની કહાનીઓ જાણીએ.

આર્થિક નુકસાન અને વિસ્થાપિતોની સંખ્યાની બાબતમાં ચેર્નોબિલ દુર્ઘટના સૌથી ભયંકર હતી

- પરમાણુ દુર્ઘટનાએ ગામને વેરાન કર્યું
પ્રિપ્યાત શહેર પૂર્વ સોવિયેત સંઘનો ભાગ રહી ચૂકેલા યુરોપિયન દેશ યુક્રેનનું એક વેરાન શહેર છે. ઈ.સ. 1980ના દશકામાં આ શહેર ચેર્નોબિલ પરમાણુ ઊર્જા સંયંત્રમાં કામ કરનારા કર્મચારીઓ માટે થઈને જ વસાવવામાં આવેલું. 26 એપ્રિલ, 1986માં ચેર્નોબિલ પરમાણુ સંયંત્ર(રિએક્ટર)માં થયેલી ભયંકર દુર્ઘટનાને કારણે આ શહેરને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવ્યું હતું. આ વિસ્થાપનમાં ત્રણથી પાંચ લાખ જેટલા લોકો પ્રભાવિત થયા હતા. ચેર્નોબિલ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયાં હતાં, પણ આર્થિક નુકસાન અને વિસ્થાપિતોની સંખ્યાની બાબતમાં આ ઇતિહાસની સૌથી ભયંકર પરમાણુ દુર્ઘટના હતી. દુર્ઘટના બની ત્યારથી રેડિયોએક્ટિવ વાતાવરણને કારણે ચેર્નોબિલ અને તેની નજીક આવેલું પ્રિપ્યાત શહેર વેરાન પડ્યું છે. અહીં ઇચ્છે તો પણ કોઈ વસી શકે એમ નથી અને અહીં ફરવું પણ જીવના જોખમથી કમ નથી. ક્યારેક જે-તે જગ્યાના ફોટો હાથમાં લઈને લોકો ભૂતકાળમાં આબાદ શહેરને યાદ કરે છે.


- જ્વાળામુખી, રાખ અને કાદવના પૂરે શહેરને નષ્ટ કર્યું
દક્ષિણ અમેરિકાના દેશ ચિલીના ચૈતન શહેર કોરકોવાડોની ખાડીમાં યેલચો નદીના પૂર્વ તટ પર આવેલું છે. 2 મે, 2008માં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટને કારણે 12 મે, 2008ના રોજ નદીમાં રાખ અને કાદવનું ભયંકર પૂર આવ્યું જેને લીધે શહેરમાં તબાહી મચી ગઈ અને 4 હજારની આબાદીએ અન્ય જગ્યાએ શરણ લેવું પડ્યું. પૂર તો શાંત થઈ ગયું, પરંતુ ભવિષ્યમાં આવું કંઈ થયું તો! અને જ્વાળામુખી ફાટવાના ભયે ત્યાં ફરીથી કોઈ વસવાટ કરવા તૈયાર નથી. તેને કારણે શહેર ખાલી અને સૂમસામ પડ્યું છે.


- આજીવિકાના અભાવે શહેર ખાલી થયું
રાઇલાઇટ અમેરિકાના નેવાડા રાજ્યમાં આવેલું છે. ઈ.સ. 1905માં આ શહેર વસાવવામાં આવ્યું હતું. ત્યારે અહીં સોનાની ખાણો હતી, પરંતુ ધીરે-ધીરે આ ખાણોની પડતી આવી અને કંપનીનું સ્ટોક મૂલ્ય કકડભૂસ થઈ ગયું. તેથી 1911માં રાઇલાઇટને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો. તત્કાલીન ખાણોમાં કામ કરતા લોકો અને તેમના પરિવારની સંખ્યા 1 હજારની આસપાસ હતી, પરંતુ ખાણ ન રહેતા ત્યાં આજીવિકાનાં અન્ય કોઈ સાધનો પણ ન રહ્યાં, પરિણામે 1920 આવતા સુધીમાં તો આખું શહેર એકદમ ખાલી અને ધીરે-ધીરે વેરાન થઈ ગયું. ત્યારથી લઈને આજ સુધી આ શહેર ભેંકાર ભાસે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP