Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 37)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

બધાને મળે દૃષ્ટિ: અરવિંદ આઈ કેર

  • પ્રકાશન તારીખ28 Mar 2019
  •  

અરવિંદ આઈ કેર દુનિયાની એકમાત્ર હોસ્પિટલ શ્રૃંખલા છે જે એક વર્ષમાં 4 લાખથી વધારે આઈ સર્જરી કરી રહી છે. પોતાના 4 દશકાના ઇતિહાસમાં તેણે 4.50 કરોડ આંખના દર્દીઓની સારવાર કરી છે અને 56 લાખ જેટલી આઈ સર્જરી થઈ છે. તેમાં અડધાથી વધારે લોકોએ કોઈ રકમ ચૂકવી નથી. ‘હાર્ટ ઓફ નોન પ્રોફિટ અને બ્રેન ફોર પ્રોફિટ’ની સાથે જનસેવા કરતા અરવિંદ આઈ કેર શ્રૃંખલાનો બિઝનેસ મંત્ર છે- જેમનું સામર્થ્ય છે તેઓ સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવે અને જેઓ નિર્ધન છે તેઓ પોતાના સામર્થ્ય અનુસાર આંશિક ખર્ચ ચૂકવે કે મફત સારવાર મેળવે. આ સિસ્ટમના સુચારુ સંચાલનનું જ પરિણામ છે કે અરવિંદ આઈ કેર નફો તો મેળવી રહી છે સાથે સાથે તેની પાસે સરપ્લસ ફંડ છે જેનાથી આઈ કેર સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

  • આઈ કેર સર્જરીની પડતર ઘટાડવા અરવિંદ આઈ કેર ઇન્ટ્રોઓક્યુલર લેન્સ, સર્જરી સ્ટિચિંગના દોરા, બ્લેડ્સ, દવાઓ અને ઉપકરણ પણ બનાવે છે

1976માં 11 બેડ્સની હોસ્પિટલથી અરવિંદ આઈ કેરની શરૂઆત થઈ હતી. આજે તેની તમિલનાડુ અને પોંડુચેરીમાં 11 હોસ્પિટલ, 59 પ્રાઇમરી આઈ કેર સેન્ટર અને 6 કમ્યુનિટી સેન્ટર છે. અરવિંદ આઈ કેર દર વર્ષે 2500થી વધારે આઈ કેમ્પ્સનું આયોજન કરે છે. આઈ કેર સર્જરીની પડતર ઘટાડવા માટે અરવિંદ આઈ કેર ઇન્ટ્રોઓક્યુલર લેન્સ, સર્જરી સ્ટિચિંગના દોરા, બ્લેડ્સ, દવાઓ અને ઉપકરણ પણ બનાવે છે અને તેનો પોતે તો ઉપયોગ કરે જ છે સાથે સાથે ખૂબ જ કિફાયતી કિંમતે દુનિયાના 160 દેશોમાં વેચી રહી છે. એટલે કે અરવિંદ આઈ કેરના ઇન્ટ્રોઓક્યુલર લેન્સની કિંમત માત્ર 10 ડોલર છે જ્યારે અન્ય મેન્યુફેક્ચરર આ લેન્સ 60થી 100 ડોલરમાં વેચે છે. અરવિંદ આઈ કેરના 20 લાખથી વધારે લેન્સ દર વર્ષે 160 દેશોમાં પહોંચી રહ્યા છે. અરવિંદ આઈ કેર 60 ટકા ઇન્ટ્રોઓક્યુલર લેન્સ નોન પ્રોફિટ સંસ્થાનોને પણ કહેવા પૂરતી કિંમતે સપ્લાય કરે છે. પદ્મશ્રી સહિત ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સથી સન્માનિત ડો. વીના નામથી વિખ્યાત સ્વ. ડો. જી. વેંકટસ્વામી. અરવિંદ આઈ કેર મદુરાઈના સંસ્થાપક છે. વર્તમાનમાં અરવિંદ આઈ કેરના ચેરમેન છે પદ્મશ્રીની સાથે અનેક એવોર્ડથી સન્માનિત ડો. નામપેરુમાલ્સામીપી જે ડો. નામ તરીકે ઓળખાય છે. અરવિંદ આઈ કેરના વાઇસ ચેરમેન છે તેમની પત્ની ડો. જી. નાત્ચિઅર. તેઓ ડો. વીના નાનાં બહેન છે. બંને પતિ-પત્ની મદુરાઈ મેડિકલ કોલેજમાં ડો. વી.ના શિષ્ય હતા ત્યારે તેમનાં લગ્ન થયાં હતાં.

ડો. જી. વેંકટસ્વામી (ડો. વી.) મદુરાઈથી 80 કિલોમીટર દૂર એક ગામ વાદામાલાપુરમમાં 1 ઓક્ટોબર, 1918ના રોજ જન્મ્યા હતા. અમેરિકન કોલેજ, મદુરાઈથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા પછી 1944માં તેમણે સ્ટેન્લે મેડિકલ કોલેજ, ચેન્નઈમાંથી મેડિકલની ડિગ્રી મેળવી અને ભારતીય લશ્કરમાં મેડિકલ કોર્પ તરીકે જોડાયા. 1948માં સંધિવાતને કારણે તેમને લશ્કરમાંથી રિટાયરમેન્ટ લેવું પડ્યું. એક વર્ષ સુધી તેઓ પેન ન પકડી શક્યા, પણ તેમનામાં ગજબની જિજીવિષા હતી. અસ્વસ્થતા હોવા છતાં તેમણે ઓપ્થેલ્મોલોજીની માસ્ટર ડિગ્રી મેળવી અને સ્વસ્થ થયા પછી કેટરેક્ટ સર્જરીમાં દક્ષતા મેળવી લીધી અને એક દિવસમાં સો સર્જરી કરી. ડો. વી. મદુરાઈ મેડિકલ કોલેજના વાઇસ ડીન પણ રહ્યા. પોતાના જીવનકાળમાં એક લાખ સર્જરીનો રેકોર્ડ બનાવનારા ડો. વી.એ ‘બધાને મળે દૃષ્ટિ’ને પોતાનો બિઝનેસ મંત્ર બનાવ્યો અને અરવિંદ આઈ કેરની સ્થાપના કરી. આધ્યાત્મિક ગુરુ અરબિંદાના અનુયાયી ડો. વી. કહેતા હતા કે, ‘માનવ સેવા કરો, ભગવાન ખુશ થઈ જશે અને તમે ધાર્મિક બની જશો.’

ડો. વી.ના શિષ્ય ડો. નામપેરુમાલ્સામીપી (ડો. નામ) ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. અભાવો વચ્ચે મોટા થયેલા ડો. નામ અને તેમની ચાર બહેનોને ખેડૂત પિતા અને નિરક્ષર માએ દેવું કરીને ભણાવ્યાં. સ્કૂલનું શિક્ષણ મેળવ્યા પછી તેઓ એન્જિનિયર બનવા ઇચ્છતા હતા, પણ પિતાએ કહ્યું કે, ‘ડોક્ટર બનો.’ 1965માં તેઓ મદુરાઈની મેડિકલ કોલેજમાં જોડાયા. 1977માં તેઓ આ જ કોલેજમાં ઓપ્થેલ્મોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. તેમના બ્રધર ઇન લો ડો. વી.એ અરવિંદ આઈ કેરની સ્થાપના કરી તો ડો. નામે પણ નોકરી છોડી દીધી. તેમણે અરવિંદ આઈ કેરમાં આઈ સર્જરીની એવી એસેમ્બલી લાઇન પ્રોસેસ વિકસિત કરી છે કે એક આઈ સર્જન એક દિવસમાં 50 સર્જરી કરે છે. અરવિંદ આઈ કેરમાં ઇન્ફેક્શનનો દર 1 હજાર સર્જરીએ ચારનો છે જ્યારે આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે એક હજારે 6 દર્દીઓ ઇન્ફેક્શનથી પ્રભાવિત થાય છે. એક્યુરસી અને સ્પીડને કારણે અરવિંદ આઈ કેરના ઓપરેશન થિયેટર અને સર્જરી સિસ્ટમને દુનિયાની ઘણી હોસ્પિટલો ફોલો કરી રહી છે.

ડો. વી. કેટરેક્ટ સર્જરી માટે જાણીતા હતા જ્યારે ડો. નામ ડાયબિટિક રેટિનોપેથી અને વિટ્રેયસ સર્જરીની જાણીતી હસ્તી છે. ડો. વી.એ લોકોને એ અંધત્વથી બચાવ્યા જેની સારવાર શક્ય છે. અસાધ્ય ડાયાબિટિક રેટિનોપથીથી આવનારા અંધત્વથી લોકોને બચાવવા અને સચેત કરવા એ ડો. નામનું લક્ષ્ય છે. તેના માટે તેમણે ઓછી કિંમતનો કેમેરો વિકસિત કરાવ્યો છે જેનાથી પિક્ચર લઈને ડોક્ટર ઈ-મેઇલથી વિશેષજ્ઞને મોકલી શકે જે ડાયાબિટિક લોકોમાં પેદા થયેલા અંધત્વનું અવલોકન કરીને સમયસર સારવાર સૂચવી શકે. આવી જનસેવા માટે 2010માં ટાઇમ મેગેઝિને ડો. નામને દુનિયાની 100 પ્રભાવશાળી હસ્તીઓમાં સામેલ કરી હતી.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP