પરોપકારી મસાલા ઉદ્યમી : ધર્મપાલ ગુલાટી

article by prakahs biyani

પ્રકાશ બિયાણી

Nov 28, 2018, 12:05 AM IST

રંકમાંથી રાજા બન્યા છે એમડીએચના સીઈઓ મહાશય ધર્મપાલ ગુલાટી. પોતાના સ્વ. પિતા મહાશય ચુન્નીલાલ પાસેથી તેમને ચાર શીખ મળી- જમીન સાથે જોડાયેલા રહો, કમાઓ તેનો એક ભાગ સમાજને પાછો આપો, જે પણ ઉત્પાદન બનાવો તે શુદ્ધ અને અફોર્ડેબલ હોવા જોઈએ અને ચોથી મસાલાનું બ્લેન્ડિંગ. આને જ બિઝનેસ મંત્ર બનાવીને તેમણે 2016માં એમડીએચનું ટર્નઓવર 924 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધું. 2017માં એફએમસીજી ઉદ્યોગમાં સૌથી વધારે વેતન (21 કરોડ રૂપિયા) મેળવનારા મહાશય ધર્મપાલ ગુલાટીના નિધનની તાજેતરમાં જ અફવા ફેલાઈ તો તેમણે કહ્યું, ‘ચાલો મારી ઉંમર વધી ગઈ.’

ઈ.સ. 1919માં મહાશય ચુન્નીલાલ ગુલાટીએ સિયાલકોટમાં એક મસાલા કંપની બનાવી હતી, ‘મહાશય દી હટ્ટીવાલોં’. જે આજે એમડીએચ તરીકે ઓળખાય છે અને દેશની બીજી સૌથી મોટી મસાલા બ્રાન્ડ છે

ઈ.સ. 1919માં સ્વ. મહાશય ચુન્નીલાલ ગુલાટીએ સિયાલકોટમાં એક મસાલા કંપની બનાવી હતી, ‘મહાશય દી હટ્ટીવાલોં’. આ નામથી ત્યારે તેમના મસાલા જાણીતા હતા. 27 માર્ચ, 1923ના રોજ જન્મેલા ચુન્નીલાલ ગુલાટીના પુત્ર ધર્મપાલ ગુલાટીએ 5મા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી દર્પણ, સાબુ, કપડાં, હાર્ડવેર અને ચોખા વેચ્યાં, પણ તેમને ધારી સફળતા ન મળી. પછી તેઓ પૈતૃક વ્યવસાય મસાલામાં પિતાના સહયોગી બન્યા. દેશના વિભાજન સમયે તેઓ દિલ્હી આવ્યા ત્યારે તેમની પાસે માત્ર 1500 રૂપિયા હતા. અહીં તેમણે 650 રૂપિયામાં એક ઘોડાગાડી ખરીદી અને તેને દિલ્હીના રસ્તાઓ પર ચલાવીને આજીવિકા મેળવી. ત્યારબાદ કરોલ બાગમાં 14x9 ચોરસ ફૂટની એક લાકડાની દુકાન (હાટડી) ખરીદી અને મસાલા બનાવવા તથા વેચવા લાગ્યા.


મહાશય દી હટ્ટીવાલોં એટલે કે એમડીએચ આજે દેશની બીજી સૌથી મોટી મસાલા બ્રાન્ડ (પ્રથમ એવરેસ્ટ) છે. એમડીએચના પાંચ સ્ટેટ ઓફ ધ આર્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ દરરોજ 62 પ્રકારના 30 ટન મસાલા પ્રોસેસ કરે છે. 10થી 500 ગ્રામ વજનના 150 પેકેજિંગમાં તેને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી 4 લાખથી વધારે રિટેલર્સ વેચી રહ્યા છે. એમડીએચનાં ઉત્પાદનો અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા, જાપાન, યુએઈ અને સાઉદી અરબમાં નિકાસ પણ કરવામાં આવે છે. કંપનીનું લંડનમાં કાર્યાલય અને શારજાહમાં પણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. ગ્રાહકોને અફોર્ડેબલ કિંમતે સમાન ટેસ્ટ અને ક્વોલિટીના મસાલા ઉપલબ્ધ કરાવવા માટે કંપની એક જેવો કાચો માલ ખૂબ જ સાવધાનીથી ખરીદે છે. ઓટોમેટિક મશીનોથી પ્રોસેસિંગ (સફાઈ, વીણવું, ખાંડવું) પછી એમડીએચ મસાલાઓની સૌથી મોટી ખૂબી બ્લેન્ડિંગ છે, જેના 96 વર્ષીય મહાશય ધર્મપાલ ગુલાટીને 88 વર્ષનો અનુભવ છે. તેઓ જ એમડીએચના બ્રાન્ડ એમ્બેસેડર છે.


ખૂબ જ વિનમ્ર પણ હાઈ પ્રોફાઇલ મહાશય ધર્મપાલ ગુલાટીએ વન મેન આર્મી બનીને એમડીએચ બ્રાન્ડને મસાલા ઉદ્યોગમાં શિખર સુધી પહોંચાડી છે, જેમાં તેમના પુત્ર અને કંપનીના ડાયરેક્ટર રાજીવ ગુલાટીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મહાશય દી હટ્ટી પ્રા. લિ. (એમડીએચ)ની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓને આગળ વધારતા રાજીવ ગુલાટીએ દિલ્હી, ગુડગાંવ, નાગૌર અને સૌજત(રાજસ્થાન)માં મસાલા, પાપડ અને એક્સપોર્ટ યુનિટના ત્રણ નવા ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપ્યા છે. ગાજિયાબાદ, અમૃતસર અને લુધિયાણામાં બ્રાન્ચ ઓફિસ ખોલી છે.


‘આપણે જે સમાજને આપીએ છીએ તે જ સમાજ આપણને પાછું આપે છે.’ પોતાના પિતા પાસેથી મળેલી આ શીખને આત્મસાત કરતા ઈ.સ. 1975માં ધર્મપાલ ગુલાટીએ સુભાષનગર, નવી દિલ્હીમાં 10 બેડ્સની આઈ હોસ્પિટલ ખોલી. જનકપુરીમાં તેમણે પોતાનાં માતા ચાચનદેવીની સ્મૃતિમાં 300 બેડ્સની સર્વસુવિધાયુક્ત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી. તેમણે ગરીબ વિદ્યાર્થીઓ માટે 20 સ્કૂલ શરૂ કરી અને હજારો નિર્ધન પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ આપ્યું છે. ઘણી કન્યાઓને આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે તેમનાં લગ્ન પણ કરાવ્યાં છે. સર્વધર્મમાં વિશ્વાસ રાખતા મહાશય ધર્મપાલ ગુલાટી દરેક ધર્મના આયોજનોમાં સામેલ
થાય છે.

[email protected]

X
article by prakahs biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી